ભક્તિનિધિ

કડવું – ૧૮

રાગ: ધન્યાશ્રી

પ્રગટ પ્રભુની જેને ભક્તિ ન આવડીજી, તેને તો ભૂલ્ય આવે ઘડી ઘડીજી ।

માગે જો મોળ્ય1 તો લાવે મોજડીજી, એવી અવળાઈની ટેવ જેને પડીજી ॥૧॥

રાગ: ઢાળ

ટેવ પડી અવડાઈની, સવળું કરતાં સૂઝે નહિ ।

એવા ભક્તની ભગતિ, સુખદાયક નો’યે સહિ ॥૨॥

પાણી માગે તો આપે પથરો, અન્ન માગે તો આપે અંગાર ।

વસ્ત્ર માગે તો આપે વાલણો,2 એવી અવડાઈનો કરનાર ॥૩॥

આવ્ય કહે ત્યાં આવે નહિ, જા કહે ત્યાં ન જવાય ।

એવા ભક્તની ભગતિ, અતિ અવળી કે’વાય ॥૪॥

બેસ્ય કહે ત્યાં બેસે નહિ, ઊભો રહે કહે ત્યાં દિયે દોટ ।

એવા સેવક જે શ્યામના, તે પામે નહિ કે’દી મોટ3 ॥૫॥

વારે4 ત્યાં વળગે જઈ, વળગાડે ત્યાં નવ વળગાય ।

એવા ભક્ત ભગવાનથી, સુખ ન પામે કહું કાંય ॥૬॥

જ્યાં રાખે ત્યાં નવ રહી શકે, નવ રાખે ત્યાં રે’વાય ।

ગ્રહે કહે તો ગ્રહી નવ શકે, મૂક્ય કહે તો નવ મુકાય ॥૭॥

એવા અનાડી5 નરને, મર મળ્યા છે પ્રભુ પ્રકટ ।

પણ આઝો6 આવે કેમ એહનો, જે ઘેલી7 રાખશે ઘટે8 પટ9 ॥૮॥

વળી બા’વરીને10 કહે બાળીશમાં, ઘણી જતન11 રાખજે ઘરની ।

તેણે મેલી અગ્નિ મોભથી,12 નવ માની શીખામણ નરની ॥૯॥

એવી અવળાઈ આદરી, કોઈ ભક્ત કરે ભક્તાઈ ।

નિષ્કુળાનંદ એ નરને, નવ થાય કમાણી13 કાંઈ ॥૧૦॥

કડવું 🏠 home