ભક્તિનિધિ
કડવું – ૩૦
રાગ: ધન્યાશ્રી
અતિ આદરશું કરવી ભક્તિજી, તેમાં કાંઈ ફેર ન રાખવો રતિજી ।
પામવા મોટી પરમ પ્રાપતિજી, માટે રાખવી અડગ એક મતિજી ॥૧॥
રાગ: ઢાળ
મતિ અડગ એક રાખવી, પરોક્ષ ભક્તના પ્રમાણ ।
આસ્તિકપણું ઘણું આણીને, જેણે ભજ્યા શ્યામ સુજાણ ॥૨॥
શાસ્ત્ર થકી જેણે સાંભળ્યા, ભક્તિતણા વળી ભેદ ।
તેમની તેમ તેણે કરી, ઉર આણી અતિ નિરવેદ1 ॥૩॥
કેણેક2 કર કપાવિયા, કેણે3 મુકાવિયું કરવત ।
કોઈ4 વેચાણા શ્વપચ5 ઘરે, કોઈ6 પડ્યા ચડી પરવત ॥૪॥
કેણેક7 અસ્થિ8 આપિયાં, કેણે9 આપ્યું આમિષ10 ।
કેણેક11 ઋષિરથ તાણિયો, કેણેક12 પીધું વળી વિષ13 ।૫॥
કેણેક14 તજી સર્વે સંપત્તિ, રાજપાટ સુખ સમાજ ।
અન્ન ધન ધામ ધરણી, મેલી મોહન મળવા કાજ ॥૬॥
કોઈક15 લટક્યા કૂપ મધ્યે, કોણેક આપી ખેંચી તનખાલ16 ।
કોઈ સૂતા જઈ શૂળિયે,17 મોટો જાણી મહારાજ માંહિ માલ ॥૭॥
કોણેક18 તપ કઠણ કર્યાં, મેલી આ તન સુખની આશ ।
હિંમત કરી હરિ મળવા, કહિયે ખરા એ હરિના દાસ ॥૮॥
પરોક્ષ ભક્ત એ પ્રભુતણા, ઘણા અતિ એ આગ્રહવાન ।
ત્યારે પ્રગટના ભક્તને, કેમ સમે ન રે’વું સાવધાન ॥૯॥
આદિ અંતે વિચારીને, કરી લેવું કામ આપણું ।
નિષ્કુળાનંદ ન રાખવું, હરિભક્તને ગાફલપણું ॥૧૦॥