ભક્તિનિધિ

કડવું – ૧૪

રાગ: ધન્યાશ્રી

પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલીજી, કરી દીયે કામ એ જ એકલીજી ।

એહ વિના બીજી છે ભૂલવાની ગલીજી, જગમાં જે જે કે’વાય છે જેટલીજી ॥૧॥

રાગ: ઢાળ

જેટલી ભક્તિ જન કરે છે, પરહરી1 પ્રભુ પ્રગટને ।

તેને ભક્ત કે’વો તે ભૂપની2 ખોટે, જેમ પાટે3 બેસાર્યો મર્કટને4 ॥૨॥

તેણે ફાળ5 ભરી ફળ જોઈને, કોઈને ન પૂછી વાત ।

એમ પરોક્ષ ભક્તિ બહુ પેરની, લાખો લેખે ખાય છે લાત6 ॥૩॥

જોને વાડવ7 વાસી વ્રજના, જોરે કરતા હતા જગન ।

પણ પ્રભુ પ્રગટને જમવા, અણુભાર ન આપ્યું અન્ન ॥૪॥

જગનનું ફળ શું જડ્યું, પડ્યું પસ્તાવું પાછું વળી ।

એવી પરોક્ષભક્તની પ્રાપતિ, શ્રવણે લીધી છે સાંભળી ॥૫॥

ધન્ય ધન્ય એની નારીને, જેણે જમાડ્યા જીવન પ્રાણને ।

પ્રગટ પ્રભુને પૂજતાં, તે પામી પરમ કલ્યાણને ॥૬॥

માટે પ્રગટથી જેવી પ્રાપ્તિ છે, તેવી નથી પરોક્ષની માંય ।

એમ ભક્તિમાં બહુ ભેદ છે, સમઝુ સમઝો સદાય ॥૭॥

માટે મુખોમુખની જે વારતા, તે સમ નહિ સંદેશા તણી ।

કાનની સૂણી સહુ કહે છે, નથી દીઠી નજરે આપણી ॥૮॥

વાંચી કાગળ કોઈ કંથનો,8 જેમ નાર અપાર રાજી થઈ ।

પણ પ્રગટ સુખ પિયુતણું,9 અણુ જેટલું આવ્યું નઈ ॥૯॥

માટે પ્રગટ ભક્તિ વિના પ્રાપતિ, નથી નર અમરને નિરધાર ।

નિષ્કુળાનંદ કહે જુવો નિહાળી, ઊંડું અંતર મોઝાર ॥૧૦॥

કડવું 🏠 home