ભક્તિનિધિ

કડવું - ૨

રાગ: ધન્યાશ્રી

ભાગ્ય જાગ્યાં (આજ) જાણવાં જેને ભેટ્યા ભગવાનજી, ત્રિલોકમાં ના’વે કોઈ તેહને સમાનજી ।

જેહને મળિયા પ્રભુ મૂર્તિમાનજી, જેહ મૂર્તિનું ધરે ભવ1 બ્રહ્મા ધ્યાનજી ॥૧॥

રાગ: ઢાળ

ધ્યાન ધરે જેનું જાણજો, અજ ઈશ સરીખા સોઈ ।

તોયે અતિ અકળ છે એહને, જથારથ જાણે નહિ કોઈ ॥૨॥

એવી અલૌકિક મૂરતિ, અમાયિક અનુપ અમાપ ।

આગમ2 નિગમને3 અગોચર અતિ, તેનો કરી શકે કોણ થાપ4 ॥૩॥

થાપ ન થાયે એવા આગમે, વર્ણવિયા વારમવાર ।

તેહ પ્રભુને કેમ પામિએ, જેનો કોઈ ન પામિયા પાર ॥૪॥

તેહ હરિ નરતન ધરી, આપે આવે અવનિ મોઝાર ।

ત્યારે મળાય એ મૂર્તિને, જ્યારે નાથ થાય નર આકાર ॥૫॥

મહારાજ થાય જ્યારે મનુષ્ય જેવા, દેવા જીવોને અભયદાન ।

ત્યારે પલ પાકે સહુ પ્રાણધારીની, જ્યારે ભૂમિ આવે ભગવાન ॥૬॥

ત્યારે ભક્તને ભક્તિ કરવા, ઊઘડે દ્વાર અપાર ।

થાય સેવકને સેવ્યા સરખા, જ્યારે પ્રગટે પ્રાણ આધાર ॥૭॥

ત્યારે સુગમ થાય છે સહુને, પ્રાણધારીને પરમાનંદ ।

ન હોય દરશ સ્પર્શનું દોયલું,5 સદા સોયલા6 હોય સુખકંદ ॥૮॥

સાકાર સુંદર મૂરતિ, જોઈ જન મગન મન થાય ।

પછી સેવા કરી એવા શ્યામની, મોટું ભાગ્ય માનવું મનમાંય ॥૯॥

પણ મૂરતિ મૂકી મહારાજની, બીજું માગવું નહિ બાળક થઈ ।

નિષ્કુળાનંદ નિર્ભય થાવા, હરિભક્તિ વિના ઇચ્છવું નહિ ॥૧૦॥

કડવું 🏠 home