ભક્તિનિધિ
કડવું – ૩૧
રાગ: ધન્યાશ્રી
ગાફલપણામાં ગુણ રખે ગણોજી, એહમાંહિ અર્થ1 બગડે આપણોજી ।
પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણોજી, ભાંગે કેમ ખરખરો એહ ખોટ તણોજી ॥૧॥
રાગ: ઢાળ
ખરખરો એહ ખોટતણો, ઘણો થાશે નર નિશ્ચે કરી ।
જે ગઈ વહી વાત હાથથી, તે પમાય કેમ પાછી ફરી ॥૨॥
પગ ન ચાલ્યા પ્રભુ પંથમાં, કરે ન થયું હરિનું કામ ।
જીભે ન જપ્યા જગદીશને, મુખે ગાયા નહિ ઘનશ્યામ ॥૩॥
નયણે ન નીરખ્યા નાથને, શ્રવણે ન સુણી હરિવાત ।
એ ખોટ્ય ભાંગે કેમ જુવો ખોળી, ચિત્તે ચિંતવી ચોરાશી જાત ॥૪॥
પશુ પંખી પન્નગનાં વળી, આવે તન અનંત ।
તેણે ભજાય નહિ ભગવાનને, એહ સમઝી લેવો સિદ્ધાંત ॥૫॥
માટે મનુષ્ય દેહ જેવા, એવા એકે કોઈ ન કહેવાય ।
તેહ સારુ સમઝી શાણા,2 નરતનના ગુણ ગાય ॥૬॥
એવા દેહને પામીને, પ્રસન્ન ન કર્યા પરબ્રહ્મને ।
તેને થાશે ઉરે ઓરતો,3 સમઝી લેજો સહુ મર્મને ॥૭॥
આવો સમાજ4 આવતો નથી, જુવો ચોરાશી દેહને ચિંતવી ।
તે તન ખોયું પશુ પાડમાં,5 કહો વાત શું સમજ્યા નવી ॥૮॥
મનષ્ય હોય તેને મનમાં, કરવો વિવેક વિચાર ।
માનવ દેહ મોંઘો ઘણું, નહિ અન્ય દેહને એ હાર ॥૯॥
માટે ભક્તિ ભજાવવી, મન વચન કર્મે કરી ।
નિષ્કુળાનંદ નરતનનું, નથી થાતું મળવું ફરી ॥૧૦॥