ભક્તિનિધિ
પદ – ૫
રાગ: બિહાગડો
સરલ વરતવે છે સારું રે મનવા... સરલ,
માની એટલું વચન મારું રે મનવા૦ ટેક.
મન કર્મ વચને માનને રે મેલી, કાઢ્ય અભિમાન બા’રું;
હાથ જોડી હાજી હાજી કરતાં, કેદી ન બગડે તે તારું રે; મનવા૦ ॥૧॥
આકડ નર1 લાકડ2 સૂકા સમ, એને વળવા ઉધારું3 ।
તેને તાપ આપી અતિ તીખો, સમું કરે છે સુતારું4 રે; મનવા૦ ॥૨॥
આંકડો5 વાંકડો વીંછીના સરખો, એવો ન રાખવો વારું ।
દેખી દૃગે કોઈ દયા ન આણે, પડે માથામાં પેજારું6 રે; મનવા૦ ॥૩॥
હેતનાં વચન ધારી લૈયે હૈયે, શું કહિયે વાતો હજારું ।
નિષ્કુળાનંદ નિજ કારજ કરવા, રાખિયે નહિ અંધારું રે; મનવા૦ ॥૪॥ પદ ॥૫॥
કડવું - ૨૧
રાગ: ધન્યાશ્રી
નથી અંધારું નાથને ઘેરજી, એ પણ વિચારવું વારમવારજી ।
સમજીને સરલ વર્તવું રૂડી પેરજી, તો થાય માનજો મોટાની મે’રજી7 ॥૧॥
રાગ: ઢાળ
મે’ર કરે મોટી અતિ, જો ઘણું રહિયે ગર્જવાન ।
ઉન્મત્તાઈ8 અળગી કરી, ધારી રહિયે નર નિર્માન ॥૨॥
અવળાઈ કાંઈ અર્થ ન આવે, માટે શુદ્ધ વર્તવું સુજાણ ।
અંતર ખોલી9 ખરું કરવું, પોત10 વિના ન તરે પાષાણ ॥૩॥
માટે જે કામ જેથી નીપજે, તે બીજે ન થાય મળે જો કોટ11 ।
તેને આગળ આધિન રહેતાં, ખરી ભાંગી જાય ખોટ ॥૪॥
જેમ અન્ન અંબુ12 હોય એક ઘરે, બીજે જડે નહિ જગમાંઈ ।
એથી રાખિયે અણ મળતું, તો સુખ ન પામિયે ક્યાંઈ ॥૫॥
માટે સર્વે સુખ શ્રી હરિમાં રહ્યાં, તે વિના નથી ત્રિલોકમાં ।
એમ સમુ13 જે નવ સમઝે, તે નર વરતે કધ્રોકમાં14 ॥૬॥
જે ખરા ખપની ખોટવાળા, તે સુખાળા શું થાય છે? ।
અતિ અનુપમ અવસરમાં, મોટી ખોટને ખાય છે ॥૭॥
અમળતી અતિ વારતા, તે મેળવી હરિ કરી મે’ર ।
એહ વારતાની વિગતી કરી, નથી પ્રીછતા15 કોઈ પેર16 ॥૮॥
જેમ અજાણ નરને એક છે, પથ્થર પારસ એક પાડ17 ।
બાવના ચંદન બરોબરી, વળી જાણે છે બીજાં ઝાડ ॥૯॥
પણ પુરુષોત્તમ પ્રગટનું મળવું, તે છે મોઘાં મૂલનું ।
નિષ્કુળાનંદ નર સમઝી, લેવું સુખ અતુલનું18 ॥૧૦