ભક્તિનિધિ

કડવું – ૨૨

રાગ: ધન્યાશ્રી

સુખ અતોલ પામવા માટજી, તન મન ધન મર1 જાય એહ સાટજી2

તોય ન મૂકીયે એહ વળી વાટજી,3 તો સર્વે વારતા ઘણું બેસે ઘાટજી ॥૧॥

રાગ: ઢાળ

ઘાટ બેસે વાત સરવે, વળી સરે તે સર્વે કામ ।

કેડે ન રહે કાંઈ કરવું, સેવતાં શ્રીઘનશ્યામ ॥૨॥

સહુના સ્વામી જે શ્રીહરિ, સહુના નિયંતા જે નાથ ।

સહુના આશ્રય4 એહ સેવતાં, સદાય થાય સનાથ ॥૩॥

દેવના દેવ જે અખંડ અભેવ,5 અશર્ણશર્ણ6 સૌના આધાર ।

સર્વે સુખના વળી સુખનિધિ, સર્વે સારનું પણ સાર ॥૪॥

સર્વે રસના રસરૂપ અનુપ, સર્વે ભૂપના પણ ભૂપ ।

સર્વે તેજના તેજ છે એ જ, સર્વે રૂપના પણ રૂપ ॥૫॥

પરાપાર7 અપાર એવા, જેની સેવા કરે સહુ કોય ।

ઈશના ઈશ પરમેશ્વર પોતે, એહ સમ અન્ય નહિ હોય ॥૬॥

પુરુષોત્તમ પરબ્રહ્મ પૂરણ, સુખદ સર્વના શ્યામ ।

તેહ નરતન ધરી નાથજી, સુખ દેવા આવે સુખધામ ॥૭॥

એહ સુર સુરેશ સરીખા નહિ, નહિ ઇશ અજ સમ એહ ।

પ્રકૃતિ પુરુષ સરીખા નહિ, નહિ પ્રધાન પુરુષ સમ તેહ ॥૮॥

એવા અંતરજામી અવનિ મધ્યે, આપે આવે છે અલબેલ ।

ત્યારે સહુ નર નારને, સેવવા જેવા થાય છે સહેલ ॥૯॥

હોય મનુષ્યાકાર અપાર મોટા, જેની સામર્થીનો નહિ પાર ।

નિષ્કુળાનંદ એહ નાથનો, કોણ કરી શકે નિરધાર ॥૧૦॥

કડવું 🏠 home