ભક્તિનિધિ

કડવું – ૪૨

રાગ: ધન્યાશ્રી

જુગો જુગ જીવન રહે જન હેતજી, જે જને સોંપ્યું તન મન સમેતજી ।

સહુશું તોડી જેણે પ્રભુશું જોડી પ્રીતજી, એવા ભક્તની કહું હવે રીતજી ॥૧॥

રાગ: ઢાળ

રીત કહું હરિભક્તની હવે, જેણે પ્રભુ વિના પળ ન રે’વાય ।

જેમ જળ વિના ઝષના, પળ એકમાં પ્રાણ જાય ॥૨॥

અમૃત લાગે તેને મૃત1 જેવું, પંચામૃત તે પંક2 સમાન ।

શય્યા લાગે શૂળી સરખી, જો ભાળે નહિ ભગવાન ॥૩॥

શ્રીખંડ લાગે પંડ્યે3 પાવક જેવું, માળા4 લાગે મણીધર નાગ ।

હરિસેવા વિના હરિજનને, અન્ય સુખ થઈ ગયાં આગ ॥૪॥

વળી ભુવન લાગે તેને ભાગશી,5 સંપત તે વિપત સરખી ।

કિર્તિ જાણે કલંકે ભરી, સુણી હૈયે ન જાય હરખી ॥૫॥

નિરાશી ઉદાશી નિત્યે રહે, વહે નયણમાં જળધાર ।

હરિ વિનાનું હોય નહિ, હરિજનને સુખ લગાર ॥૬॥

સૂતાં ન આવે નિદ્રા, જેને જમતાં ન ભાવે અન્ન ।

ભક્તિ વિના હરિભક્તને, એમ વરતે રાત ને દન ॥૭॥

ગાન લાગે શબ્દ સિંહ સર્પ સમ, તાન6 લાગે તાડન7 તન ।

પડયું વિઘન જાણી તે પરહરે, ભક્તિ વિના ભાવે નહિ અન્ય ॥૮॥

પ્રભુ વિના જેના પંડમાં, પ્રાણ પીડા પામે બહુપેર ।

એવા ભક્તને ભાળી વળી, મહાપ્રભુ કરે છે મે’ર8 ॥૯॥

ભાખ્યા9 ગુણ હરિભક્તના, જોઈએ એવા જનમાં જરૂર ।

નિષ્કુળાનંદ કહે નાથ એવાથી, પળ એક રહે નહિ દૂર ॥૧૦॥

કડવું 🏠 home