ભક્તિનિધિ
પદ – ૪
રાગ: આશાવરી
સંતો સમે સેવી લિયો સ્વામી રે સંતો સમે સેવી લિયો સ્વામી.
જેને ભજતાં રહે નહિ ખામી રે... સંતો૦ ટેક.
મટે ખોટ્ય મોટી માથેથી, કોટિક ટળીયે કામી;
પૂરણ બ્રહ્મ પ્રભુ મળે પોતે, ધામ અનંતના ધામી રે. સંતો૦ ॥૧॥
જે પ્રભુ અગમ1 નિગમે2 કહ્યા, રહ્યા આગે કરભામી;3
તે પ્રભુ આજ પ્રગટ થયા છે, જે સર્વે નામના નામી રે. સંતો૦ ॥૨॥
અણુ એક એથી નથી અજાણ્યું, જાણો એ છે અંતરજામી;
તેને તજીને જે ભજે બીજાને, તે તો કે’વાયે લૂણહરામી4 રે. સંતો૦ ॥૩॥
જેનાં દર્શ સ્પર્શ કરે પ્રાણી, તેનાં પાપ જાયે વામી;5
નિષ્કુળાનંદ કે’ આનંદ ઊપજે, પૂરણ પુરુષોત્તમ પામી રે. સંતો૦ ॥૪॥
કડવું – ૧૭
રાગ: ધન્યાશ્રી
પૂરણ પુરુષોત્તમ પામિયે જ્યારેજી, તન મનમાંહિ તપાસિયે ત્યારેજી ।
આવો અવસર ન આવે ક્યારેજી, એમ વિચારવું વારમવારેજી ॥૧॥
રાગ: ઢાળ
વારમવાર વિચારવું, વણસવા6 ન દેવી વળી વાત ।
સમો જોઈને સેવકને, હરિ કરવા રાજી રળિયાત ॥૨॥
અવળાઈને7 અળગી કરી, સદા સવળું વર્તવું સંત ।
અવળાઈયે દુઃખ ઊપજે, વળી રાજી ન થાય ભગવંત ॥૩॥
જેમ ભૂપના ભૃત્ય8 ભેળા થઈ, સમા વિના કરે સેવકાઈ ।
જોઈ એવા જાલમ9 જનને, રાજા રાજી ન થાયે કાંઈ ॥૪॥
જ્યા જોઈએ ભલુ ભાગવું, ત્યાં સામો થાય શૂરવીર ।
જ્યાં જોઈએ થાવું ઉતાવળું, ત્યાં ધરી રહે ધીર ॥૫॥
જ્યાં જોઈએ હારવું, ત્યાં કરે હઠાડવા10 હોડ ।
જ્યાં જોઈએ નમવું, ત્યાં કરે નમાડવા કોડ ॥૬॥
જ્યાં જોઈએ જાગવું, ત્યાં સૂવે સોડ11 તાણીને ।
જ્યાં જોઈએ બોલવું, ત્યાં બંધ કરે છે વાણીને ॥૭॥
જ્યાં ન જોઈએ બોલવું, ત્યાં બોલે છે થઈ બેવકૂફ12 ।
જ્યાં જોઈએ વસવું, ત્યાંથી ખસી જાય છે ખૂબ ॥૮॥
એવી ભક્તિ જો આવડી, જેમાં રાજી ન થાય રામ ।
કરવાનું તે કરે નહિ, કરે ન કરવાનું કામ ॥૯॥
એવા સેવકને શ્રીહરિ, પાસળથી13 પરા14 કરે ।
નિષ્કુળાનંદ એ નરને, સેવતાં સુખ શું આવ્યું સરે15 ॥૧૦॥