કલ્યાણ નિર્ણય

નિર્ણયઃ ૧

સોરઠા

સમરતાં સુખ હોય, કોઈ વિઘન ન વ્યાપે વળી ॥

સુખદ મૂરતિ સોય, સહજાનંદ આનંદકંદ1 ॥ ૧ ॥

સમર્થ શ્રીઘનશ્યામ, હામ2 મદન3 મનની હરી ॥

કર્યા જન નિષ્કામ, દામ વામ દોષ દૂર કરી4 ॥ ૨ ॥

અવતારી આપે અનુપ, રૂપ અનુપમ આપે ધરી ॥

સો યહ સુખદ સ્વરૂપ, સહજાનંદ જગવંદ હરિ ॥ ૩ ॥

સરવોપરી સુખધામ, શ્યામ સહુના નાથ સહી ॥

પ્રભુજી પૂરણકામ, હામ કરી હરિ રહિયે હૈયે ॥ ૪ ॥

દોહા

એક વાત અનુપ છે, સાંભળજ્યો સહુ કોઈ ॥

સંશય ન રહે શ્રેયમાં,5 છે સમજ્યા સરખી સોઈ ॥ ૫ ॥

ચોપાઈ

શુદ્ધ મુમુક્ષુ જે સુજાણ રે, પૂછ્યું થાવા પ્રથમ કલ્યાણ રે ॥

મહામુક્ત તમે શિરોમણિ રે, સુણો વિનતિ એક મુજ તણી રે ॥ ૬ ॥

સહુ સહુના મનને મતે રે, માન્યું કલ્યાણ મન ગમતે રે ॥

કોઈ કે’ અમે મત્સ્ય ઉપાસી રે, કોઈ કહે કૂર્મ સુખરાશી રે ॥ ૭ ॥

કોઈ કહે વારાહના દાસ રે, કેને નૃસિંહનો વિશ્વાસ રે ॥

કોઈ વામનરૂપને ભજે રે, કેને પરશુરામરૂપ રજે6 રે ॥ ૮ ॥

કોઈ રામ ભરોંસે રહે છે રે, કોઈ કૃષ્ણ કૃષ્ણ કહે છે રે ॥

કોઈક બુધજીનું બળ લઈ રે, બેઠા કંઈક કલકિ કઈ રે ॥ ૯ ॥

એહ આદિ દશ અવતાર રે, એ તો સર્વે સુખના દાતાર રે ॥

તેને ભજે છે ભિન્ન ભિન્ન ભાવે રે, મને અતિ અચંબો7 એ આવે રે ॥૧૦॥

જે જે જનના જે ઇષ્ટદેવ રે, તે તે જન કરે તેની સેવ રે ॥

તે વિના નથી બીજું સહેવાતું રે, બોલે બીજા દેવનું ઘસાતું રે ॥૧૧॥

વળી એ વિના બીજા જે અનેક રે, ઝાલી બેઠા છે જૂજવી ટેક રે ॥

વેષ વાત ભિન્ન ભિન્ન ભાતે રે, ઉપાસના તે જૂજવી જાતે રે ॥૧૨॥

કોઈ કોઈ ભેળા નવ ભળે રે, માન્યું સત્ય પોતાનું સઘળે રે ॥

કોઈ કાન ફડાવી ફરે છે રે, કોઈ કાષાંબરને8 કરે છે રે ॥૧૩॥

કોઈ દંડી9 મુંડી10 ડામખાઈ11 રે, કોઈ મગન12 નીરમાં નાઈ રે ॥

કોઈ જટી13 કાટી ખાલ ખરી રે, કોઈ માળા તિલક રહ્યા ધરી રે ॥૧૪॥

કોઈ કંથા ગોદડી કોપીન રે, વનકલ14 ટાટાંબર15 મૃગાજીન16 રે ॥

કોઈક થયા પંડિત પુરાણી રે, કોઈ એક બ્રહ્મ17 બોલે વાણી રે ॥૧૫॥

કોઈ રાજ મહારાજ મહારાણી રે, શૂન્ય18 સમીર19 પાવક20 પાણી રે ॥

કોઈ કર્મ ધર્મ કબીર રે, કોઈ કંથર ભરથર પીર રે ॥૧૬॥

કોઈક કપર્દીથી21 કલ્યાણ રે, માન્યું પરિપૂરણ પ્રમાણ રે ॥

કોઈ શેષ દિનેશ ગણેશ રે, કોઈ શશી વસી વન સુરેશ રે ॥૧૭॥

કોઈ દશા વિશામાનું ભાવે રે, સદા શ્રીરંગ અભંગ ગાવે રે ॥

એમ કલ્યાણ અનેક રીતે રે, સહુએ માન્યું છે ચોક્કસ ચિત્તે રે ॥૧૮॥

તેમાં પોતાનો દોષ ન દેખે રે, અન્યથી આપ અધિક લેખે રે ॥

સહુથી સમજે પોતાનું સરસ રે, આવે બીજાનું નજરે નરસ રે ॥૧૯॥

નથી નક્કી એક નિરધાર રે, મારે મને એ મોટો વિચાર રે ॥

વળી અવતારના જે ઉપાસી રે, તેની પણ મતિ ગઈ નાશી રે ॥૨૦॥

નોખાં નોખાં વપુને22 વંદે છે રે, પરસ્પરને નંદે છે રે ॥

કોઈક પૂજે છે બાળમુકુન્દ રે, કોઈક ભજે છે શ્રીવ્રજચંદ23 રે ॥૨૧॥

કોઈ કહે રુક્મિણીરાય રે, કોઈ રમાપતિ ગુણ ગાય રે ॥

એમ ભેદ પાડીને ભજે છે રે, તેહ વિના બીજાને તજે છે રે ॥૨૨॥

એમ જૂજવું જૂજવું જન રે, મનભાવતું કરે છે ભજન રે ॥

એહ વિના બીજા ઉપાસી રે, તે પણ પૂછું છું કહેજ્યો તપાસી રે ॥૨૩॥

કહું કલ્યાણ બહુ પ્રકારે રે, જુદું જુદું માન્યું છે સંસારે રે ॥

સર્વે સરખું કલ્યાણ છે એહ રે, કે કાંઈ અધિક ન્યૂન છે તેહ રે ॥૨૪॥

સહુ પામશે પૂરણ પદ રે, ત્યારે બાંધી જોઈએ નહિ હદ24 રે ॥

જેમ આ લોકે છે ખેંચાતાણ રે, તેમ કલ્યાણમાં પણ જાણ રે ॥૨૫॥

જેમ આ લોકમાં મારું તારું રે, તેમ કરે છે મતપંથ સારું રે ॥

નથી અલૌકિકપણું એમાં રે, ગૃહી ત્યાગી ગુરુ કહ્યા તેમાં રે ॥૨૬॥

રહ્યું કાચું પોતાની કોરનું રે, પૂછ્યું છે નોર25 કે કનોરનું26 રે ॥

બૂડ્યો27 બૂડ્યાને કેમ તારશે રે, માટે મોટો એ વાતનો સંશે28 રે ॥૨૭॥

કહો કેને સેવ્યે કેવું સુખ પામે રે, કેને સેવ્યે કેવું દુઃખ વામે રે ॥

કેને સેવ્યે કેવું ફળ થાય રે, કેને પૂજ્યે કાળથી મૂકાય રે ॥૨૮॥

કોણ થકી જાય અક્ષરધામ રે, કોણ થકી થાય પૂર્ણકામ રે ॥

એહ સંદેહ સર્વે મટાડી રે, કે’જો વિવેકે વિગતિ પાડી રે ॥૨૯॥

જોગ્ય છોજી જથાર્થ કે’વા રે, પૂછ્યા પ્રશ્નનો ઉત્તર દેવા રે ॥

પૂછી એટલું જોડિયા પાણ29 રે, ત્યારે બોલિયા મુક્ત સુજાણ30 રે ॥૩૦॥

 

ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે પ્રથમો નિર્ણયઃ ॥૧॥

 

 

Summary

Everyone believes they will be liberated (attain kalyan) in their own way. People worship the various avatars of God (Matsya, Kurma, Varah, Ram, Krishna, etc.) that they have a liking for. Some give alms, donate money, engage in austere penance, etc. for their kalyan. No one universal agreed upon means to achieving kalyan is observed. Do all these different means result in the same achievement (the same kalyan) or is there a difference? If there is a difference in the type of kalyan, what is the difference?

નિર્ણય 🏠 home ગ્રંથ મહિમા નિર્ણયઃ ૧ ★ નિર્ણયઃ ૨ ★ નિર્ણયઃ ૩ ★ નિર્ણયઃ ૪ ★ નિર્ણયઃ ૫ ★ નિર્ણયઃ ૬ ★ નિર્ણયઃ ૭ ★ નિર્ણયઃ ૮ ★ નિર્ણયઃ ૯ નિર્ણયઃ ૧૦ નિર્ણયઃ ૧૧ નિર્ણયઃ ૧૨ નિર્ણયઃ ૧૩ નિર્ણયઃ ૧૪ નિર્ણયઃ ૧૫ નિર્ણયઃ ૧૬ નિર્ણયઃ ૧૭ નિર્ણયઃ ૧૮ ★