કલ્યાણ નિર્ણય

નિર્ણયઃ ૯

દોહા

મહામુક્ત કહે મુમુક્ષુ તને, વણ પૂછ્યે કહું છું વાત ॥

કલ્યાણકારીના કુળની, તું સાંભળી લે સાક્ષાત ॥ ૧ ॥

અલૌકિકપણું નહિ આપમાં, લોકમાં વધારવા લાજ ॥

આટાટોપ1 એહ કારણે, સહુ રાખી રહ્યા ગુરુરાજ ॥ ૨ ॥

જેણે કરી જાયે નહિ, રહે ગુરુપણું ઘરમાંહિ ॥

એવી રીતને અનુસરી, બહુ ઠગ કરે છે ઠગાઈ ॥ ૩ ॥

જેમ ઉદ્યમ વર્ણ અઢારમાં, સહુ કરે થઈ સાવધાન ॥

તેમ ઉદ્યમ ગુરુએ આદર્યો, મન કર્મ વચને નિદાન ॥ ૪ ॥

ચોપાઈ

ગુરુવેષ ભજાવવા કાજ રે, રાખે શોભતો સર્વે સમાજ રે ॥

સારાં વસ્ત્ર ઘરેણાં વાહન રે, કહું તેની રીત સુણો જન રે ॥ ૫ ॥

પો’ળા પનાળાં કૈક સુંવાળા રે, બહુ બુટ્ટા2 ને રંગે રૂપાળાં રે ॥

ઝીણાં પોતાં3 છાપેલ છેડાળાં રે, વાસેલ4 અત્તરે પાનડિયાળાં રે ॥ ૬ ॥

એવાં વસ્ત્ર અંગોઅંગ પે’રી રે, ગુરુપણું લડાવે છે લે’રી રે ॥

વળી પે’રી ઘરેણાં જો ઘણાં રે, જડેલ હીરા મોતી હેમતણાં5 રે ॥ ૭ ॥

વેઢ વીંટી કડા બાંયે બાજુ રે, રૂડા ઘાટવાળાં ઘણાં કાજુ6 રે ॥

બેસી ગજ બાજ સુખપાલે રે, ખોળે લાલ7 લઈ ગુરુ મા’લે8 રે ॥ ૮ ॥

વળી સુંદર મંદિર રહેવા રે, કાચ ઢાળેલ હાંડિયે દીવા રે ॥

ખાવા પીવા મળે ખૂબ ખાસુ રે, જેવું ચઉ ચરણને9 ચોમાસું10 રે ॥ ૯ ॥

સૌથી સરસ સુખિયા ફરે છે રે, વાત કલ્યાણની જો કરે છે રે ॥

આપે પ્રસાદી ને પ્રસાદિયાં રે, એમ ચેલા કરે જિયાં તિયાં રે ॥૧૦॥

કૈક ફૂંકતા ફરે છે કાન રે, ચાદર શ્રીફળ લઈ નિદાન રે ॥

કોઈ દોરા બાંધે દુવા11 આપે રે, કોઈ તપ્તમુદ્રાએ તન છાપે રે ॥૧૧॥

કોઈ મૂકે છે મસ્તક હાથ રે, ઓહં સોહં જપતાં સનાથ રે ॥

કોઈ મંત્ર આપે બાંધે માળ12 રે, કોઈ કરાવે જાતિ વિટાળ13 રે ॥૧૨॥

કોઈ આપે પાન પરમાણા14 રે, બહુ ધન લેવાને શાણા રે ॥

એમ સહુ સહુના મત મળતા રે, આપે ઉપદેશ રાખે ભળતા રે ॥૧૩॥

એમ બાંધી બેઠા ગુરુ દોરી15 રે, એક બીજાથી રાખે વાત ચોરી રે ॥

કહે આપણી વાત છે એવી રે, નથી કોઈ બીજાને કહ્યા જેવી રે ॥૧૪॥

આપણ સહુનું કલ્યાણ થાશે રે, બીજાં બહુ ભવે ભટકાશે રે ॥

એમ પોતે પોતાના મન માંઈ રે, માન્યું કલ્યાણ કસર ન કાંઈ રે ॥૧૫॥

સહુએ માની છે પરમ પ્રાપ્તિ રે, થાશે કલ્યાણ નહિ ફેર રતિ રે ॥

સગરા16 પામશે ધણીનું ધામ રે, નથી નગરાનું17 કોઈ ઠામ રે ॥૧૬॥

માટે સહુ થાઓ ગુરુમુખી રે, શીદ ગુરુવિના રહો દુઃખી રે ॥

એમ સહુ કોઈ સગરા થયા રે, ગુરુ વિના તો કોઈ ન રહ્યા રે ॥૧૭॥

જેને બેસતું આવ્યું છે જેમાં રે, કરી ગુરુ મળિયા છે તેમાં રે ॥

એમ કલ્યાણ ઠેરાવી ઠીક રે, બેઠા મટાડી માથેથી બીક રે ॥૧૮॥

એવા કલ્યાણકારી કંઈ કા’વે રે, વિષય પંચ ભોગવે ભોગવાવે રે ॥

કહે નિર્ભય નિઃશંક રે’જો રે, જમપુરી તમારે જૂઠી છે જો રે ॥૧૯॥

એવી વાતો થાય ઘરોઘર રે, તેણે નીડર થયાં નારી નર રે ॥

એવું ચાલ્યું કલ્યાણનું તૂત18 રે, કહે છે જખમારે19 છે જમદૂત રે ॥૨૦॥

એવું સાંભળીને જમે જાણ્યું રે, પડ્યું ભાંગી આપણું પ્રમાણ્યું રે ॥

કહે ચાલો રાયને20 જઈ કહિયે રે, અમે તેડવા તે કેને જઈયે રે ॥૨૧॥

સહુ ગુરુનો આશરો લઈ રે, બહુ બેઠાં છે નિર્ભય થઈ રે ॥

તેને અમે કેમ લાવું તેડી રે, મહામોટાની મરજાદ ફેડી રે ॥૨૨॥

લિયો21 કાળપાશ22 ને કુતડાં23 રે, કરો ઉજ્જડ જમનાં ગામડાં રે ॥

હુકમ હવે તમારો ન રહ્યો રે, તે તો જમરાય જાણી લિયો રે ॥૨૩॥

એવું કહ્યું છે જમદૂતે જ્યારે રે, જમરાયે વિચાર્યું છે ત્યારે રે ॥

હવે આ વાતનું કેમ થાશે રે, જાઉં શ્રીહરિ શ્યામની પાસે રે ॥૨૪॥

પછી શ્રીહરિ પાસળ જઈ રે, વાત મનુષ્ય લોકની કઈ રે ॥

મર્ત્યલોકે થઈ મોટી વાત રે, કરે પાપ સહુ દિન રાત રે ॥૨૫॥

તેને ભોગવ્યાનો ભય ટાળી રે, બેઠા નિર્ભય થઈ ગાંઠ્ય વાળી રે ॥

કહે છે નગરાનું નરસું થાશે રે, સગરા સહુ ધામમાં જાશે રે ॥૨૬॥

માટે ગુરુ વિના નથી તરવા રે, કાલાઘેલા પણ ગુરુ કરવા રે ॥

એમ બેઠા સહુ ગુરુ ધારી રે, ગુરુ વિના નથી નરનારી રે ॥૨૭॥

હવે સંયમનીનું24 શું કામ રે, કહો તો કરિયે ઉજ્જડ એ ધામ રે ॥

ગુરુમુખીને દેવો જે દંડ રે, થાય પાપ મોટું એ પ્રચંડ રે ॥૨૮॥

માટે જેમ કહો તેમ કરિયે રે, થાય અપરાધ તેથી ડરિયે રે ॥

જેના ગુરુ થયા છે જમાન રે, તેને કેમ કરું બંધિવાન રે ॥૨૯॥

એટલું કહીને જમરાય રે, પાણ જોડી લાગ્યા પ્રભુ પાય રે ॥

ત્યારે બોલિયા શ્રીહરિ હસી રે, ધર્મ25 વાત કરો છો એહ કશી રે ॥૩૦॥

 

ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે નવમો નિર્ણયઃ ॥૯॥

નિર્ણય 🏠 home ગ્રંથ મહિમા નિર્ણયઃ ૧ ★ નિર્ણયઃ ૨ ★ નિર્ણયઃ ૩ ★ નિર્ણયઃ ૪ ★ નિર્ણયઃ ૫ ★ નિર્ણયઃ ૬ ★ નિર્ણયઃ ૭ ★ નિર્ણયઃ ૮ ★ નિર્ણયઃ ૯ નિર્ણયઃ ૧૦ નિર્ણયઃ ૧૧ નિર્ણયઃ ૧૨ નિર્ણયઃ ૧૩ નિર્ણયઃ ૧૪ નિર્ણયઃ ૧૫ નિર્ણયઃ ૧૬ નિર્ણયઃ ૧૭ નિર્ણયઃ ૧૮ ★