કલ્યાણ નિર્ણય

નિર્ણયઃ ૧૨

દોહા

મુમુક્ષુ કહે મહામુક્તને, સંશય રહ્યો નથી રતીભાર ॥

તમે કહ્યું તેમ જ છે, એમાં નથી ફેર લગાર ॥ ૧ ॥

દુષ્ટ મળ્યે દુઃખ ઉપજે, શુદ્ધ સંત મળ્યે સુખ થાય ॥

ખરા ખરું એ ખોટું નથી, તેને કૂડું1 કેમ કે’વાય ॥ ૨ ॥

વળી હરિ હરિજન મળ્યા વિના, કહ્યું કે દી’ ન હોય કલ્યાણ ॥

એ પણ સર્વે સત્ય છે, નક્કા નક્કી વાત નિર્વાણ ॥ ૩ ॥

પણ હરિ ને હરિના જનની, કરી જોઈએ કેટલી સેવ ॥

જેણે કરી શ્રેય શિષ્યનું, થાય એવો પૂછું છું ભેવ2 ॥ ૪ ॥

ચોપાઈ

પ્રભુ પ્રગટ મળે પોતે જ્યારે રે,ખોટ્ય ખામી રહે નહિ ત્યારે રે ॥

જેનાં દર્શન દુર્લભ બહુ રે, નર અમર માને છે સહુ રે ॥ ૫ ॥

જોગી જતિ તપસી સંન્યાસી રે, સહુ પ્રભુ દર્શનના પ્યાસી રે ॥

હરિ3 હર4 અજ5 અમરેશ6 રે, પ્રભુ મળવા ઇચ્છે અહોનિશ રે ॥ ૬ ॥

તોય પ્રગટ નથી પામતા રે, રહે છે સદાય શીશ નામતા રે ॥

એવી વાત એ છે દુર્ઘટ7 રે, તે તો પ્રભુ મળ્યા પ્રગટ રે ॥ ૭ ॥

પછી પ્રભુને કરવા પ્રસન્ન રે, શું શું કરે જિજ્ઞાસુ જન રે ॥

કે’જ્યો એટલું કૃપા કરીને રે, કેમ રાજી કરે એ હરિને રે ॥ ૮ ॥

કેવી કરે પ્રભુજીની ભક્તિ રે, જેણે કરીને પામે મુક્તિ રે ॥

કેવું માને હરિનું વચન રે, કેવું રાખે સદા શુદ્ધ મન રે ॥ ૯ ॥

કેવી શ્રદ્ધા હોય સેવા માંઈ રે, સેવા વિના ન ગમે બીજું કાંઈ રે ॥

કેવું મેલી પોતાનું માન રે, કેવી રીતે રહે સાવધાન રે ॥૧૦॥

કેવી રીતે વાળે તેમ વળે રે, કેવી રીતે ચલાવે ને ચલે રે ॥

કેવી રીતે રાખે વિશ્વાસ રે, કેવી રીતે રહે પ્રભુ પાસ રે ॥૧૧॥

કેવી રીતે રાખે હૈયે બીક રે, કેવી રીતે રહે ઠીકોઠીક8 રે ॥

કેવી રીતનાં બોલે વચન રે, કેવી રીતનાં પૂછે તે પ્રશ્ન રે ॥૧૨॥

કેવી રીતે સુણે વાત કાને રે, કેવી રીતે મને સત્ય માને રે ॥

કેવી રીતે થાય પ્રસન્ન રે, કેવી મરજી જોઈને મગન9 રે ॥૧૩॥

વરતે મન કર્મ ને વચન રે, કેવી રીતે પે’રાવે વસન10 રે ॥

કેવી રીતની પૂજાને કરે રે, કેવી રીતે અલંકાર ધરે રે ॥૧૪॥

કેવી રીતે ચંદન ઉતારી રે, કરે પૂજા પ્રભુજીની સારી રે ॥

કેવી રીતનાં કુસુમ11 લાવે રે, કેવી રીતના હાર પે’રાવે રે ॥૧૫॥

કેવી રીતે ઉતારે આરતી રે, કેવી રીતે કરે ધુન્ય અતિ રે ॥

કેવી રીતે કરે વળી સ્તુતિ રે, કેવી રીતની કરે વિનતિ રે ॥૧૬॥

સઈ ભેટ મૂકે પ્રભુ આગે રે, પછી કર જોડી શું માગે રે ॥

કેવી રીતે વર્તવું વળી રે, મહા પ્રભુ પ્રગટને મળી રે ॥૧૭॥

જેણે કરી હરિ રાજી થાય રે, એવા કે’જ્યો એ સર્વે ઉપાય રે ॥

વિધવિધે કરી એની વાત રે, કે’જ્યો રાજી થઈ રળિયાત રે ॥૧૮॥

વળી પૂછું છું પ્રશ્ન એક રે, કહેજ્યો તે પણ કરી વિવેક રે ॥

જ્યારે પ્રભુજી પ્રગટ હોય રે, ત્યારે મનુષ્ય તરે કે તરે કોય રે ॥૧૯॥

હોય સ્વર્ગ મૃત્યુ ને પાતાળે રે, તેનું કલ્યાણ કેમ એહ કાળે રે ॥

દેવ દાનવાદિ જે કે’વાય રે, તેનું કલ્યાણ કઈ પેર થાય રે ॥૨૦॥

ભૂત પ્રેત ને ભૈરવ ભણિયે રે, તેનું કલ્યાણ કેમ ગણિયે રે ॥

વળી પશુ પંખી સરીસર્પ12 રે, જેના દલમાંહિ બહુ દર્પ13 રે ॥૨૧॥

વૃક્ષ વેલી વિવિધ કે’વાય રે, તેનું શ્રેય થાય કે ન થાય રે ॥

સ્થાવર જંગમ જડ ચૈતન્ય રે, સ્થૂળ સૂક્ષ્મ ચરાચર14 જન રે ॥૨૨॥

પ્રભુ પ્રગટને પ્રતાપે રે, એહ તરે કે ન તરે આપે રે ॥

જેને હોય હરિનો સંબંધ રે, તેના છૂટ્યા જોઈએ ભવબંધ રે ॥૨૩॥

માટે એહ દેહથી ઉદ્ધાર રે, થાય કે ન થાય નિરધાર રે ॥

અતિ રજ તમે ભર્યા દેહ રે, કેમ પામે કલ્યાણને તેહ રે ॥૨૪॥

પણ એહ દેહે ઉદ્ધરે જો નઈ રે, ત્યારે પ્રભુની પ્રભુતાઈ સઈ રે ॥

એહ સર્વે સમજાવી કહેજ્યો રે, જેમ હોય તેમ દેખાડી દેજ્યો રે ॥૨૫॥

તમે દલના છોજી દયાળું રે, માટે પ્રશ્ન પૂછું છું કૃપાળુ રે ॥

સુણવા હરખ ઘણો છે હૈયે રે, જાણું સર્વ એ સાંભળી લૈયે રે ॥૨૬॥

ક્યાંથી તમ જેવા કહેનાર રે, વાત ચોખી દેખાડી દેનાર રે ॥

જેમ છે તેમ કહો છો કથી રે, જેમાં લેશ સંશય રે’તો નથી રે ॥૨૭॥

વચન સુધાસમ15 સુખદાઈ રે, એવાં માનું છું હું મનમાંઈ રે ॥

જેણે કરી પરલોકનું સુખ રે, પામી વામિયે16 દારુણ દુઃખ રે ॥૨૮॥

એમ કહીને જિજ્ઞાસુ જન રે, પછી કર જોડી કર્યું સ્તવન રે ॥

એમાં સમ17 વિષમ18 જો હોય રે, કરજ્યો ક્ષમા સત્ય મુનિ સોય રે ॥૨૯॥

 

ઇતિ શ્રી કલ્યાણનિર્ણયમધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે દ્વાદશો નિર્ણયઃ ॥૧૨॥

નિર્ણય 🏠 home ગ્રંથ મહિમા નિર્ણયઃ ૧ ★ નિર્ણયઃ ૨ ★ નિર્ણયઃ ૩ ★ નિર્ણયઃ ૪ ★ નિર્ણયઃ ૫ ★ નિર્ણયઃ ૬ ★ નિર્ણયઃ ૭ ★ નિર્ણયઃ ૮ ★ નિર્ણયઃ ૯ નિર્ણયઃ ૧૦ નિર્ણયઃ ૧૧ નિર્ણયઃ ૧૨ નિર્ણયઃ ૧૩ નિર્ણયઃ ૧૪ નિર્ણયઃ ૧૫ નિર્ણયઃ ૧૬ નિર્ણયઃ ૧૭ નિર્ણયઃ ૧૮ ★