કલ્યાણ નિર્ણય
નિર્ણયઃ ૭
દોહા
ધન્ય ધન્ય મુક્ત શિરોમણિ, ભૂલ્ય ભ્રાંતિના ભાંગનાર ॥
અજ્ઞાન તમ ટાળવા, સૂરજ સમ નિરધાર ॥ ૧ ॥
ઘણા દિવસનું ઘરમાં, સંશયનું રહ્યું’તું શૂળ1 ॥
તેહ તરત તમે ટાળિયું, મહા મોટા મોહનું મૂળ ॥ ૨ ॥
વળી પૂછું છું પ્રીત શું, તમે કહેજ્યો કૃપાનિધાન ॥
અનેક જીવ ઉદ્ધારવા, આવે ભૂમિ પર ભગવાન ॥ ૩ ॥
કલ્યાણ કરી કોટિ કોટિનાં, પાછા પધારે પોતાને ધામ ॥
કેડ્યે2 રહે તેના કુળના, તેથી સરે કે ન સરે કામ3 ॥ ૪ ॥
ચોપાઈ
પ્રભુ હોય પ્રગટ પ્રમાણ રે, ત્યારે કરે બહુના કલ્યાણ રે ॥
જ્યાં જ્યાં હરિ ધરે અવતાર રે, કહું સાંભળજ્યો કરી પ્યાર રે ॥ ૫ ॥
ખગ મૃગ જળચર માંય રે, ધરે નર દેહ આપ ઇચ્છાય રે ॥
વિપ્ર નૃપ જાણો જોગીમાંય રે, થાય પ્રભુજી પ્રગટ ત્યાંય રે ॥ ૬ ॥
તેના વંશના રહે છે વાંસે રે, ભલા ગુણના ભરેલ ભાસે રે ॥
દૃઢ હોય ધર્મ નીમ માંઈ રે, અયોગ્ય આચરણ ન કરે કાંઈ રે ॥ ૭ ॥
રૂડી રીતને પાળે પળાવે રે, સંશય શોકના ખાતા વળાવે4 રે ॥
રહે પ્રભુની મરજી પ્રમાણ રે, મેલી મન મમતાની તાણ રે ॥ ૮ ॥
આપ સ્વારથ સારવા સારુ રે, કદી કરે નહિ મારું તારું રે ॥
કામ ક્રોધ વળી લોભ લહી રે, મોહ વેનમાં5 ન જાય વહી રે ॥ ૯ ॥
સહુને આપે શુભ ઉપદેશ રે, તેમાં સ્વારથ નહિ લવલેશ રે ॥
સગા સહુના છે હિતકારી રે, ધર્મ ધીરજને રહ્યાં ધારી રે ॥૧૦॥
શ્રીહરિના ગમતાં માંઈ રે, રહે સદા સર્વથા સદાઈ રે ॥
હોય હરિના મળેલ એવા રે, તેથી સહુને ઉપદેશ લેવા રે ॥૧૧॥
તેને મળી પામે જીવ પાર રે, તેમાં નથી જો સંશય લગાર રે ॥
પણ ન હોય ધર્મ નીમ માંઈ રે, રહે અંતરે અધર્મ છાઈ રે ॥૧૨॥
એવા પ્રભુ કેડ્યના6 રહી જાય રે, તેથી શ્રેય7 થાય કે ન થાય રે ॥
કહ્યા મો’રે શુભ ગુણ સોય8 રે, તે તો હોય કે વળી ન હોય રે ॥૧૩॥
કલ્યાણકારી મોટપ્ય થોડી રે, રહ્યા જગ મોટપ્યે મન જોડી રે ॥
વે’વારિક મોટપ્યને માંઈ રે, વાવરે છે બુદ્ધિ બહુ ત્યાંઈ રે ॥૧૪॥
સહુથી સરસ ભોગવે છે સુખ રે, નથી કોઈ વાતનું વળી દુઃખ રે ॥
મુખે કહે છે મો’રની9 મોટાઈ રે, તે માંયલી નથી પોતામાંઈ રે ॥૧૫॥
એવા થકા ભૂમિયે ફરે છે રે, આપી ઉપદેશ શિષ્ય કરે છે રે ॥
કહે છે કલ્યાણ છે અમ પાસ રે, આવો મંત્ર લઈ થાઓ દાસ રે ॥૧૬॥
આપો તન મન ધન અમને રે, ભવ પાર કરીએ તમને રે ॥
નથી હરિની હદમાં10 હાલતા રે, રહે છે મન ગમતે મા’લતા11 રે ॥૧૭॥
ચાલે પ્રભુની મરજાદ ત્રોડી રે, રહે છે વિષય સાથે મન જોડી રે ॥
એથી કલ્યાણ થાવાનું કેમ રે, એ પૂછું છું કહેજ્યો કરી પ્રેમ રે ॥૧૮॥
વળી પૂછું છું એક મહારાજ રે, બહુ અવતાર ધર્યાનું શું કાજ રે ॥
કાં હરિ ન રહે એક જ રૂપે રે, શીદ થાય છે બહુ સ્વરૂપે રે ॥૧૯॥
એક હોત તો ભજત સહુ એને રે, ખેંચાતાણ રહત નહિ કેને રે ॥
સહુ ભાવે કરત ભજન રે, એક બીજામાં મેળવી મન રે ॥૨૦॥
હેતે હળી મળી રહત ભેળા રે, દિલે ન રહત કોઈ દુમેળા12 રે ॥
આ તો પરસ્પર પડી આંટી રે, માંહોમાંહે થઈ રહ્યા માટી13 રે ॥૨૧॥
એક બીજાને નિશ્ચે નંદે છે રે, સહુ સહુ પોતાને વંદે છે રે ॥
એક એકની ઉપાસના માંઈ રે, કાઢે ખોળી ખાંચ્ય14 ખોટ્ય કાંઈ રે ॥૨૨॥
તે તો સહુ મળી નિંદે છે નાથ15 રે, હીણું16 કરે છે પોતાને હાથ રે ॥
તેમાં નહિ આવે સ્વપ્ને સુખ રે, થાશે સહુનું શ્યામ શાહીમુખ17 રે ॥૨૩॥
એમાં કમાણી શી કમાશે રે, ઠાલો જનમ એળે ગમાશે રે ॥
એવી ભૂલવણી છે જે ભારે રે, માટે પૂછું છું હું વારે વારે રે ॥૨૪॥
કે’જો જો હોય કે’વા જેવું રે, નહિ તો ઘોળ્યું પરું નવ કે’વું રે ॥
મેં તો સે’જે પૂછ્યું સંતજન રે, નથી સંશય એનો મારે મન રે ॥૨૫॥
મેં તો સમજી સાબિત કીધું છે રે, દૃઢ અંતરે ધારી લીધું છે રે ॥
પ્રભુ પ્રગટ વિના કલ્યાણ રે, નથી માનતો હું નિરવાણ રે ॥૨૬॥
એની નિગઠ18 ગાંઠ્ય વળી છે રે, બીજી સર્વે ભ્રાંતિ ટળી છે રે ॥
ખાંચ્યો પૂછવામાં નથી ખાટ રે, હવે એવું પૂછું શિયા માટ રે ॥૨૭॥
એક પુરીષ19 ને પરદોષ રે, એને ઉઘાડતાં અપશોષ રે ॥
હવે એવો નહિ કરું ઉચ્ચાર રે, શોધી લીધું છે સર્વેનું સાર રે ॥૨૮॥
પણ બીજાને સમજવા સારુ રે, પૂછવું છે મહારાજ મારું રે ॥
રખે પ્રપંચમાં કોઈ પડે રે, એમ મારું મન ઘાટ ઘડે રે ॥૨૯॥
ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે સપ્તમો નિર્ણયઃ ॥૭॥
Summary
In this Nirnay, Mumukshu says that if the descendents of God are virtuous, then seeking their refuge may liberate jivas. However, if the descendants are not virtuous, can jivas be liberated by them? Some descendants following God pose to be the gateway of liberation but their only goal is to fulfill their indulgences. They have no decency and mislead others only to grow their follower base.
Another question Mumukshu asks is the reason for God assuming different avatars. If God did not come in various forms and instead came as one, then everyone would worship that one avatar, avoiding the tensions that occur among people.