કલ્યાણ નિર્ણય

નિર્ણયઃ ૧૬

દોહા

મુમુક્ષુ તું મને માનજ્યે, પૂરણ આણી પ્રતીત ॥

હરિ હરિજન મળ્યા વિના, નો’ય કલ્યાણ કહું કોઈ રીત ॥ ૧ ॥

અવિચળ અવશ્ય એ વાત ખરી, કરી પુરાણમાં પ્રમાણ ॥

તેહ વિના ત્રણ લોકમાં, જુવો ઝાંખી1 જો જડે કલ્યાણ ॥ ૨ ॥

કંઈક તર્યા કંઈક તરશે, કંઈક તરે છે વળી આજ ॥

તે સહુનું તું સમજજ્યે, તર્યા મળ્યા જેને મહારાજ ॥ ૩ ॥

આત્યંતિક કલ્યાણ કારણે, જાવું પ્રગટ પ્રભુને પાસ ॥

મોક્ષદાયક એહ મૂરતિ, કે મોક્ષદાતા એના દાસ ॥ ૪ ॥

ચોપાઈ

તેહ વિના ત્રિલોકને માંઈ રે, નથી કલ્યાણ થાવાનું ક્યાંઈ રે ॥

બ્રહ્મલોક2 લગી જુવો ભાળી રે, શિવલોકને જુવો સંભાળી રે ॥ ૫ ॥

જોતાં કલ્યાણ ક્યાંયે ન મળે રે, એવું સુણ્યું પુરાણ સઘળે રે ॥

યક્ષ રાક્ષસ ને રુદ્રગણ રે, તેમાં પામ્યા છે કલ્યાણ કુણ રે ॥ ૬ ॥

અજ ઈશથી શ્રેય ન થાય રે, ત્યારે બીજાથી કેમ કે’વાય રે ॥

મર પૂજો યજો3 ભજો સાચું રે, પણ કલ્યાણ થાવાનું કાચું રે ॥ ૭ ॥

એવાથી પણ અર્થ ન સરે રે, તઇયે બીજા શ્રેય કોણ કરે રે ॥

શશી સૂરજ ને વળી શેષ રે, સુર સુરપતિ ને ગણેશ રે ॥ ૮ ॥

એહ મોટા દેવ જગે જાણ રે, પણ કરી ન શકે કલ્યાણ રે ॥

ત્યારે અન્ય દેવને ઉપાસે રે, કહો કલ્યાણ તે કેમ થાશે રે ॥ ૯ ॥

માટે કલ્યાણકારી સાંભળ્યા રે, એક હરિ કે હરિના મળ્યા રે ॥

સાચી વાત તું માનજે સહિ રે, એહ બેઉ વિના મોક્ષ નહિ રે ॥૧૦॥

જે જે કરે છે કલ્યાણ સારુ રે, પણ એ વિના કામ ઉધારુ4 રે ॥

શુદ્ધ મને જો પરોક્ષ સેવશે રે, તેનું કોઈ કાળે ફળ લેશે રે ॥૧૧॥

તે પણ જ્યારરે પ્રગટ હશે હરિ રે, એની ભક્તિ માનશે સાચી કરી રે ॥

તે દી પામશે પદ નિર્વાણ રે, એ પણ સમજી લેજ્યે સુજાણ રે ॥૧૨॥

પણ વિના પ્રભુને સંબંધ રે, નહિ કલ્યાણ આદ્ય અંત્ય મધ્ય રે ॥

મોટા દેવથી મુક્તિ ન થાય રે, ત્યારે મનુષ્યથી કેમ કે’વાય રે ॥૧૩॥

જેને અજ્ઞાને લીધા છે આવરી રે, મેલ્યા પંચ વિષયે વશ કરી રે ॥

કામ ક્રોધ ને લોભના ભર્યા રે, એથી કહો કોણ જન તર્યા રે ॥૧૪॥

પિંડ પોષવા સારુ પ્રપંચ રે, સજ્જ કરી રાખ્યા સર્વે સંચ5 રે ॥

જેણે કરી આ જીવ ઝલાય રે, એવા શીખી લીધા છે ઉપાય રે ॥૧૫॥

ભણ્યા શાસ્ત્ર એ સારવા અર્થ રે, ઘણું ડાહ્યા લેવા ગૌરી6 ગર્થ7 રે ॥

એને પામવા પ્રપંચતણા8 રે, બાંધ્યા મત પંથ જગે ઘણા રે ॥૧૬॥

એને પણ ઓળખી લેવા રે, હોય કૈક ભજ્યા તજ્યા જેવા રે ॥

નોય સર્વે કલ્યાણકારી રે, વાત એ પણ જોવી વિચારી રે ॥૧૭॥

માટે મત પંથમાંહિ મળી રે, રખે જાતા જિયાં તિયાં ભળી રે ॥

નથી કોઈ કલ્યાણ કરનાર રે, પ્રભુ પ્રગટ વિના નિરધાર રે ॥૧૮॥

દેવસેવામાં પણ રહ્યો સંશે રે, ત્યારે બીજે કલ્યાણ કેમ હશે રે ॥

જોગી જંગમ શેખ સંન્યાસી રે, દત્ત દિગંબર વનવાસી રે ॥૧૯॥

જટા શ્વેતપટા વાળકટા રે, કંથર ભર્થર ને કાનફટા રે ॥

જંદા જૈન ટાટાંબર ખાખી રે, ભક્ત પંડિત કે’ મુખે ભાખી રે ॥૨૦॥

દશા વિશા વૈરાગી ઉદાસી રે, ગોરખ9 ગોદડ10 શ્રવણ ઉપાસી રે ॥

દાદુ કબીર ગુરુ ગોસાંઈ રે, દંડી મુંડી ને સૂથરા સાંઈ રે ॥૨૧॥

કુંડ ઢુંઢ ને ઊંડા અઘોરી રે, શૂન્યવાદી વેદાંતિ મુસોરી રે ॥

એહ વિના બીજા બહુ ગુરુ રે, તેમાં માન્યું છે કલ્યાણ ખરું રે ॥૨૨॥

તેને કોણ કરે આજ ખોટા રે, પણ દેવથી એ નહિ મોટા રે ॥

કોણ સમજે આ વાતનો મર્મ રે, સૌએ સત્ય માન્યો નિજધર્મ રે ॥૨૩॥

લૂંટી આંધળે બેરે બજાર રે, તેનો કોયે ન કર્યો વિચાર રે ॥

જોજ્યો પ્રભુઘેરે તમ મોટું રે, થયા કલ્યાણકારી ગુરુ કોટું રે ॥૨૪॥

એહ ગુરુ ને ગુરુના શિષ્ય રે, તેહ ઉપર કરે હરિ રીસ રે ॥

કહે જુવો અજ્ઞાની જન રે, સહી વાત સમજ્યા છે મન રે ॥૨૫॥

જેને નથી ખબર કોય ખરી રે, થયા ગુરુ વરુ11 કહે હરિ રે ॥

વાત સર્વે માનજ્યો સાચી રે, માટે રખે રે’તા એમાં રાચી12 રે ॥૨૬॥

જે જે કે’વાનું હતું તે કહ્યું રે, નથી કેડ્યે કે’વા કાંઈ રહ્યું રે ॥

સત્ય માની મુમુક્ષુ મને રે, સુણી જાળવી રાખે જતને રે ॥૨૭॥

ભવમાં13 છે ભુલવણી ભારે રે, માટે કહ્યું તુંને વારે વારે રે ॥

જે જે પૂછ્યા હતા તેં પ્રશ્ન રે, તે તે કહ્યા મેં જિજ્ઞાસુ જન રે ॥૨૮॥

જે કોઈ સાંભળી સમજશે સમું રે, તેને ટળશે વિકટ વસમું રે ॥

કહ્યું જે જે પૂછ્યું તે તે કથી રે, જે મેં કહ્યું તેમાં જૂઠું નથી રે ॥૨૯॥

સાચી વાત છે શાસ્ત્ર પુરાણે રે, સમજી લખ્યું છે સંત શિયાણે14 રે ॥

સુણી અનઘ15 પામશે આનંદ રે, નિશ્ચે કે’ એમ નિષ્કુળાનંદ રે ॥૩૦॥

 

ઇતિ શ્રી કલ્યાણનિર્ણયમધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે ષોડશો નિર્ણયઃ ॥૧૬॥

નિર્ણય 🏠 home ગ્રંથ મહિમા નિર્ણયઃ ૧ ★ નિર્ણયઃ ૨ ★ નિર્ણયઃ ૩ ★ નિર્ણયઃ ૪ ★ નિર્ણયઃ ૫ ★ નિર્ણયઃ ૬ ★ નિર્ણયઃ ૭ ★ નિર્ણયઃ ૮ ★ નિર્ણયઃ ૯ નિર્ણયઃ ૧૦ નિર્ણયઃ ૧૧ નિર્ણયઃ ૧૨ નિર્ણયઃ ૧૩ નિર્ણયઃ ૧૪ નિર્ણયઃ ૧૫ નિર્ણયઃ ૧૬ નિર્ણયઃ ૧૭ નિર્ણયઃ ૧૮ ★