કલ્યાણ નિર્ણય
નિર્ણયઃ ૫
દોહા
મુમુક્ષુ સુજાણ જેહ, તેહ કહે છે જોડી પાણ ॥
સર્વે સરખું સમજતાં, તેહની આજ પડી ઓળખાણ ॥ ૧ ॥
પણ એક ભક્ત આ જક્તમાં, તે ભક્તના પણ ભગત ॥
તેનું કલ્યાણ કેમ છે, કહું પાડો તેહની વિગત ॥ ૨ ॥
જૂજવી રીતે આ જક્તમાં, થયા ભક્ત તે બહુ ભાત ॥
તેના શિષ્ય સંસારમાં, નથી માનતા કેની વાત ॥ ૩ ॥
પ્રભુ થકી પરાપરું1 ખરું, સમજે છે પોતાનું સિદ્ધાંત ॥
માયિક કહી અવતારને, બહુ જીવને ભરાવી ભ્રાંત ॥ ૪ ॥
ચોપાઈ
સતશાસ્ત્રને પણ ન માને રે, કહે પોથાં થોથાં લખ્યાં પાને રે ॥
સર્વે શાસ્ત્રમાંહિ શું છે સાર રે, નવરે નવરે કર્યો નિરધાર રે ॥ ૫ ॥
બાંધ્યા વર્ણાશ્રમ ચાર ચાર રે, વળી એ વિના વર્ણ અઢાર રે ॥
તેના મર્ણ પરણની2 વિધિ રે, બહુ નોખી નોખી બાંધી દીધી રે ॥ ૬ ॥
એમાં સમજો સઈ થઈ ખાટ3 રે, જીવ ભ્રમાવી ભુલાવી વાટ રે ॥
એમાં આત્માનું શું સર્યું રે, સર્વે પંડનું4 કૂટણું કર્યું રે ॥ ૭ ॥
જોજ્યો વ્યાસ વાલ્મિકની બુદ્ધિ રે, કોઈ વાત કરી નહિ સુધી રે ॥
પારાશર ને શંખ લિખિત રે, ઋષિમુનિ ન સમજ્યા રીત રે ॥ ૮ ॥
પાપ પુણ્ય પુરાણે પ્રમાણી રે, બાંધ્યા બહુ જીવને તેમાં તાણી રે ॥
ગૂંથી ગયા છે જાળ્યો જોરાણ5 રે, તેમાં સહુ થાય છે હેરાન રે ॥ ૯ ॥
ગ્રંથ ખોટા ને ખોટા કરનાર રે, એમાં અમે તો ન દીઠું સાર રે ॥
એમ ખળ6 ખંડે7 સત્ય ગ્રંથ રે, અભાગી કરવા અનરથ રે ॥૧૦॥
વળી કહે છે અવતાર ખોટા રે, ચૈતન્યમાં કોણ નાના મોટા રે ॥
કહે છે ચોવીશ પ્રભુના રૂપ રે, ત્યારે બીજાં તે કેનાં સ્વરૂપ રે ॥૧૧॥
સર્વે રૂપે રમે એક રામ રે, નથી દેવ દાનવ નર વામ રે ॥
પશુ પંખી સ્થાવર જંગમ રે, તેની ગોતી કાઢો તમે ગમ8 રે ॥૧૨॥
સર્વે પંચભૂતનાં પૂતળાં રે, શોભે રૂપે અનુપ સઘળાં રે ॥
તેમાં ચૈતન્ય ચમત્કારી રે, તે તો રહ્યું છે સહુને ધારી રે ॥૧૩॥
ચૈતન્ય ચૈતન્ય નહિ ફેર વાલ9 રે, દીવો દીવી મેતાબ મશાલ રે ॥
એમ ચૈતન્ય ચૈતન્ય10 એક રે, પિંડ પરઠી કહે છે અનેક રે ॥૧૪॥
એમ શાસ્ત્ર સુણી શુભ મતિ રે, નથી રે’તી તે નરને રતિ રે ॥
એમ કહે છે કુલક્ષણા11 કથી રે, જેને કોઈની પ્રતીતિ12 નથી રે ॥૧૫॥
તીર્થ વ્રત નીમ સદાચાર રે, તેના કાપનારા છે કુઠાર13 રે ॥
એવા જ્ઞાની ઘરોઘર ઘણાં રે, ભર્યા ભારે કળિમળ14 તણા રે ॥૧૬॥
એનું કેમ સમજવું કો’ને રે, ભારે સંશય એ તમે ભાંગોને રે ॥
સત્ય વાતના થોડા કહેનાર રે, અસત્ય વાતના કહેનારા અપાર રે ॥૧૭॥
મઠ મંદિરને અપાસરે રે, ચોરે દ્વારે એ જ વાત કરે રે ॥
વાટે ઘાટે એનો જ ઉચ્ચાર રે, ચૌટે15 હાટે16 એ વાત વેપાર રે ॥૧૮॥
ભટ્ટ પંડિત ને જે પુરાણી રે, ભેખ ભક્ત વદે છે એ વાણી રે ॥
ગુરુ સંત જૂઠા જગે ડોલે રે, તે પણ એમના એમ જ બોલે રે ॥૧૯॥
કહે છે ખાઓ પીઓ ખૂબી17 કરો રે, શીદ કોઈના ડરથી ડરો રે ॥
નરક સ્વર્ગ ને નથી ચોરાશી રે, ખરી વાત માની લિયો ખાશી18 રે ॥૨૦॥
રૂડો રહસ્ય કહ્યો રુદે ધારો રે, એમ સમજી સંશય વિસારો રે ॥
કર્મ ધર્મ ગયા મુનિ કથી રે, તેને આ વાતની ગમ નથી રે ॥૨૧॥
એમ કહે છે આ જક્તમાં ઝાઝા રે, ધર્મહીન અધર્મીના રાજા રે ॥
એ તો એવાના એવા જ રહેશે રે, કે કોઈ ખબર એની લેશે રે ॥૨૨॥
અતિ અવળી મતિ છે એની રે, નથી બીક કોઈ બીજા કેની રે ॥
થયા ઉપદેષ્ટા19 સહુના આપે રે, પણ વરતે છે પૂરણ પાપે રે ॥૨૩॥
યાંતો થયા છે અધર્મી આચાર્ય રે, જાણે બેઠા છીએ કરી કાર્ય રે ॥
એમ મને માન્યું મૂરખાયે રે, કરવું રહ્યું નથી હવે કાંયે રે ॥૨૪॥
પોતે માન્યું પાકું કામ થયું રે, જાણે બીજાને ઉપદેશ દિયું રે ॥
જેમ પોતે સમજ્યાં છે સહી રે, તેમ પરને દેખાડે છે કહી રે ॥૨૫॥
એવા ભવમાં બહુ ભાળેલ રે, નજરો નજરના નિહાળેલ રે ॥
ખરેખરા ખૂની20 પ્રભુજીના રે, જાણું વેરવાઈ21 બહુ દિનાં રે ॥૨૬॥
જે જે થાપ્યા છે પ્રભુએ ધર્મ રે, તેને અભાગી કહે છે અધર્મ રે ॥
જેને તેને ધર્મમાંથી પાડે રે, પાપ પુણ્યને ખોટા દેખાડે રે ॥૨૭॥
ધર્મદ્વેષી પાપના તો પા’ડ22 રે, મોક્ષ મારગે લોહ કમાડ23 રે ॥
તે તો તન તજે ફળ પામે રે, કહેજ્યો સર્વે સંશય શોક વામે રે ॥૨૮॥
સમજાવજ્યો એ સારી પેર રે, મહામુનિ મોટી કરી મે’ર રે ॥
ભવમાં ભૂલવણી છે ઘણી રે, મને બીક લાગે છે તે તણી રે ॥૨૯॥
માટે વળી વળી પૂછું છું વાત રે, કહેજ્યો રાજી થઈ રળિયાત રે ॥
કહેજ્યો ખરાખરું વશાવિશ24 રે, એમ કહીને નમાવ્યું શિશ રે ॥૩૦॥
ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે પંચમો નિર્ણયઃ ॥૫॥
Summary
In this Nirnay, Mumukshu is asking the fate of the false gurus, who are abundant in this world, who preach that:
- There is no distintion between what is right (dharma) and what is wrong (adharma). The great rishis who made these distinctions in the scriptures in the past were lost. In this manner, they falsify the scriptures and the great authors of the scriptures.
- All avatars are false. If they are all chaitanya like us, then how are they greater than us? With this logic, they falsify the avatars of God.
- All physical forms are the same since they contain the same chaitanya, and all chaitanyas are the same. Therefore, there should be no distinction between male and female, man or animal, etc.
These false gurus have become widespread, preaching their own philosophy and misleading many jivas from the path of God. They foolishly believe they are doing good, having established their own ways, such as their own rites of death or marriage. They have benefited financially from establishing their own practices.
Mumukshu also asks why there are more of these false gurus while the true believers of God are few.