કલ્યાણ નિર્ણય

નિર્ણયઃ ૩

દોહા

મુમુક્ષુ કહે મુક્ત સાંભળો, તમે કહી કલ્યાણની રીત ॥

પ્રગટ વિના છે પાંપળાં,1 ખરાખરું કહ્યું ખચિત2 ॥ ૧ ॥

પ્રગટ પ્રભુ ન હોય પૃથ્વીએ, કોઈ કરવા ઇચ્છે કલ્યાણ ॥

કહું તેને કેમ કરવું, એહ પૂછું છું જોડી પાણ ॥ ૨ ॥

હોય અવતારનો આશરો, ભાવે કરતો હોય ભજન ॥

કલ્યાણ કરવા કારણે, ઝાઝી કરતો હોય જતન3 ॥ ૩ ॥

વળી સેવતો હોય સંતને, સાંભળતો હોય પુરાણ ॥

તેણે કરીને તેહનું, કેમ ન હોય કલ્યાણ ॥ ૪ ॥

ચોપાઈ

સંત શાસ્ત્ર છે કલ્યાણકારી રે, સહુ કહે છે એમ વિચારી રે ॥

સાધુ સરવે નાના મોટા રે, ગ્રંથ પણ ખરા નથી ખોટા રે ॥ ૫ ॥

શાસ્ત્ર શાસ્ત્ર સરખાં છે સહુ રે, સંત સંત છે સરખાં કહું રે ॥

સંત સહુ માળાના મણકા રે, એમાં કોણ ઓછા ને અધિકા રે ॥ ૬ ॥

બાનું4 જોઈ નમાવિયે શીશ રે, જોઈએ નહિ કરણી5 એની લેશ રે ॥

એમ સાચે મને સંતને સેવે રે, તે તો મોટા સુખને લેવે6 રે ॥ ૭ ॥

શાસ્ત્ર શ્રદ્ધાયે કરી સાંભળે રે, તેના સર્વે સંકટ ટળે રે ॥

સંત શાસ્ત્રથી કૈક સુધર્યા રે, ભણ્યા7 સહુ કહે છે ભવ તર્યા રે ॥ ૮ ॥

એવું સાંભળીને સંશય ટળ્યો રે, જાણું મોક્ષનો મારગ મળ્યો રે ॥

સંત સેવીને કૈક સુખ પામ્યા રે, શાસ્ત્ર સુણી કૈક દુઃખ વામ્યા રે ॥ ૯ ॥

સંતે કૈક અધમ ઉદ્ધાર્યા રે, પામર પતિતને પણ તાર્યા રે ॥

સંતે ઉદ્ધારિયો અજામેલ રે, મહા સમલનો8 હતો જે શૈલ9 રે ॥૧૦॥

સજના હસના હતા કસાઈ10 રે, તેને સંત મળ્યા સુખદાઈ રે ॥

મહાપાપથી તેને મુકાવ્યા રે, આ જક્તમાં ભક્ત તે કા’વ્યા11 રે ॥૧૧॥

ખગ12 મૃગ ને ખેવટ13 જાત રે, કર્યા સંતે સુખી સાક્ષાત રે ॥

ગજ ગીધ ગનિકા ગણિયે રે, સંતે ભવ તાર્યા તે ભણિયે રે ॥૧૨॥

શ્રુતદેવ સુદામો વિદુર રે, સુખી સંતથી થયા જરૂર રે ॥

દક્ષપુત્ર જે દશ હજાર રે, એક વારે થયા ભવપાર રે ॥૧૩॥

વળી હજાર મૂકીને હાલ્યા રે, ચોરાશી માર્ગમાં ન ચાલ્યા રે ॥

નવ જોગી જનક જે’દેવ રે, સંતે સુખી કર્યા તતખેવ રે ॥૧૪॥

સહસ્ર અઠ્યાસી ઋષિ કહેવાય રે, તે પણ સંતનો મહિમા ગાય રે ॥

સંત સેવે ભોળે ભાવે કરી રે, જાય સંસારસિંધુ તો તરી રે ॥૧૫॥

સંત નાવ જેવા નિરધાર રે, એથી પામ્યા કઈ ભવપાર રે ॥

કૈક ઋષિ તપસી રાજન રે, પામ્યા સંતથી સુખસદન14 રે ॥૧૬॥

ધ્રુવ પ્રહલાદ સુખી થયા આપે રે, તે પણ કે’ છે સંત પ્રતાપે રે ॥

રાય રુક્‌માંગદ અંબરીષ રે, એહ જેવા બીજા જે નરેશ રે ॥૧૭॥

શિબિ સુધનવા સત્યવાદી રે, રહુગણ રંતિદેવ આદિ રે ॥

દ્વિજ ક્ષત્રી વૈશ્ય વળી શુદ્ર રે, પામ્યા સંતથી સુખસમુદ્ર રે ॥૧૮॥

સંત સહુના છે સુખદાઈ રે, એમ કહે છે સહુ જુગ માંઈ રે ॥

એથી પામ્યા બહુ સુખધામ રે, પડ્યું નહિ પ્રભુ પ્રગટનું કામ રે ॥૧૯॥

કર્યો ઉદ્યમ અફળ ન જાય રે, નથી પ્રગટનું કામ કાંય રે ॥

જોઈએ ભક્તની ભલી ભગતિ રે, પ્રભુ15 ન હોય તોય થાય ગતિ રે ॥૨૦॥

અમને તો સમજાય છે એવું રે, નથી સાચા વિશ્વાસ જેવું રે ॥

સેવે સંત રાખી મન સાચું રે, તો કલ્યાણનું ન રહે કાચું રે ॥૨૧॥

વળી શાસ્ત્રને કોઈ સાંભળે રે, તેની ભૂલ્ય કહો કેમ ન ટળે રે ॥

શાસ્ત્ર સર્વે રહ્યાં ધર્મધારી રે, શાસ્ત્ર પ્રમાણે રહે નરનારી રે ॥૨૨॥

શાસ્ત્રે કરી છે વર્ણ આશ્રમ રે, શાસ્ત્રે કરી છે ધર્મ અધર્મ રે ॥

શાસ્ત્રે કરી છે સર્વે વે’વાર રે, શાસ્ત્ર જણાવે સાર અસાર રે ॥૨૩॥

શાસ્ત્રમાંયે કહ્યું છે કલ્યાણ રે, તે પણ વાત નથી અપ્રમાણ રે ॥

શાસ્ત્ર સુણવે ન હોય કલ્યાણ રે, એવી સાંભળી નૈ વળી વાણ16 રે ॥૨૪॥

સતશાસ્ત્ર સહુનાં સુખદાઈ રે, એમાં ફેર નથી કહું કાંઈ રે ॥

સતશાસ્ત્રથી શ્રેય ન થાય રે, એવું અમે મુખે ન કે’વાય રે ॥૨૫॥

સતશાસ્ત્રનો સંગ જો હોય રે, તો તર્યા વિના ન રહે કોય રે ॥

એમાં પ્રગટ પ્રભુજીનું કામ રે, નથી પડતું કહું કરભામ17 રે ॥૨૬॥

તમે તો કહ્યો પ્રગટ પ્રતાપ રે, તે પામ્યા વિના ન ટળે તાપ રે ॥

ત્યારે સંત શાસ્ત્રથી શું સર્યું રે, જ્યારે કલ્યાણ પ્રગટમાં ઠર્યું રે ॥૨૭॥

એહ વાતમાં વડો સંદેહ રે, તમે કૃપા કરી કહો તેહ રે ॥

તમ વિના એ સંશય ન નાસે રે, માટે અમે પૂછ્યું તમ પાસે રે ॥૨૮॥

શ્રદ્ધા છે જો સાંભળવા માંઈ રે, કહેજ્યો કસર ન રહે કાંઈ રે ॥

જેણે ન હોય નક્કી નિરધાર રે, તેહ સાંભળ્યામાં શું સાર રે ॥૨૯॥

જેમાં ફરી ફેરવણી ન હોય રે, સૌને સુણવા સરખું સોય રે ॥

કરિયે ઉદ્યમ ન આવે અર્થ રે, ઠાલો જાય આ જનમ વ્યર્થ રે ॥૩૦॥

માટે સરવે સુફળ થાય રે, એવો અનુપમ કે’જો ઉપાય રે ॥

એમ મુમુક્ષુ કહે મહાંત રે, સાચા સાચું કહેજ્યો એ સિદ્ધાંત રે ॥૩૧॥

 

ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે તૃતીયો નિર્ણયઃ ॥૩॥

 

 

Summary

The main question raised by Mumukshu in this Nirnay is: It is common belief that kalyan can be attained by a sant or scriptures. Many examples are given, such as Dhruv, Prahlad, Ambarish, Ajamil, etc. – all who have encountered a sant who washed their sins away or saved them from the misery of their sins or simply pointed them in the direction of worshiping God.

If one listens to the scriptures with faith, will they not be liberated? Certainly – as according to the common belief in the world. After all, scriptures are a source of bliss. By serving a sant faithfully, no matter their conduct, wouldn’t they be saved? If not, then all the examples above would be false.

Mumukshu requests Mukta to shed light on these questions so that one’s birth is not in vain, pursuing the wrong means for kalyan.

નિર્ણય 🏠 home ગ્રંથ મહિમા નિર્ણયઃ ૧ ★ નિર્ણયઃ ૨ ★ નિર્ણયઃ ૩ ★ નિર્ણયઃ ૪ ★ નિર્ણયઃ ૫ ★ નિર્ણયઃ ૬ ★ નિર્ણયઃ ૭ ★ નિર્ણયઃ ૮ ★ નિર્ણયઃ ૯ નિર્ણયઃ ૧૦ નિર્ણયઃ ૧૧ નિર્ણયઃ ૧૨ નિર્ણયઃ ૧૩ નિર્ણયઃ ૧૪ નિર્ણયઃ ૧૫ નિર્ણયઃ ૧૬ નિર્ણયઃ ૧૭ નિર્ણયઃ ૧૮ ★