કલ્યાણ નિર્ણય

નિર્ણયઃ ૧૩

દોહા

જિજ્ઞાસુ તુને મેં જાણિયો, ખરા ખપવાળો નિરધાર ॥

જે જે તેં પૂછ્યું તે પણ, છે સર્વે સારનું સાર ॥ ૧ ॥

પ્રગટ પ્રભુને પામિયા, તે કૃતાર્થ કે’વાય ॥

સર્વે કારજ સારિયાં, જાણજ્યો આ જગમાંય ॥ ૨ ॥

પછી જુવે પ્રભુ પ્રગટનું, ઘણું ગમતું જેમ હોય ॥

તેવી રીતે તત્પર થઈ, કરે સદા નિરંતર સોય ॥ ૩ ॥

મેલી ગમતું નિજ મનનું, રહે હરિઆજ્ઞા અનુસાર ॥

સાચો મુમુક્ષુ એ માનવો, નિશ્ચય કરી નિરધાર ॥ ૪ ॥

ચોપાઈ

જેના હરિપરાયણ પ્રાણ રે, નથી રહી જેને કોઈ તાણ1 રે ॥

ધ્વજપટ2 કર્યું નિજ તન રે, વાયુ સમ હરિનું વચન રે ॥ ૫ ॥

જેમ વાળે તેમ જન વળે રે, મેલી મમત અંગ સઘળે રે ॥

રહ્યા અતિ આજ્ઞા અનુસાર રે, કરી નિશ્ચય મને નિરધાર રે ॥ ૬ ॥

એવા શુદ્ધ સેવક સુજાણ રે, પ્રભુ પ્રગટના પ્રમાણ રે ॥

બીજા સહુથી થઈ નિરાશ રે, થયા શ્રી ઘનશ્યામના દાસ રે ॥ ૭ ॥

સદા જોઈ રહ્યા હરિ સામું રે, ગમતું હરિનું કરવા છે હામું3 રે ॥

એવા સંત સદા શિરોમણિ રે, કહું રીત સુણો તેહ તણિ રે ॥ ૮ ॥

કરે ભક્તિ સદા નિષ્કામ રે, ચતુરધાનું4 ન પૂછે નામ રે ॥

માને મન કર્મ વચને વચન રે, રાખે એકાગ્રે હરિમાં મન રે ॥ ૯ ॥

શુદ્ધ શ્રદ્ધા હોય સેવા માંઈ રે, તેમાં દંભ કપટ નહિ કાંઈ રે ॥

મેલે મન તન અભિમાન રે, કરવા હરિ રાજી સાવધાન રે ॥૧૦॥

વાળે હરિ જીભ ત્યાં વળે તન રે, વિષયસુખ મળ્યે ન ચળે મન રે ॥

પૂરો છે પ્રભુનો વિશ્વાસ રે, રહે પ્રભુપાસે દાસાનુદાસ રે ॥૧૧॥

અંતરજામી જાણી રાખે બીક રે, કે દી ન કરે કામ અઠીક5 રે ॥

બોલે દીન આધીન વચન રે, કાંઈક કે’જ્યો મુને ભગવન રે ॥૧૨॥

સુણે સાવધાન થઈ વાત રે, સત્ય વચન જાણે સાક્ષાત રે ॥

મટકે રહિત જુવે હરિરૂપ રે, નીર્ખી આનંદ આવે અનુપ રે ॥૧૩॥

જુવે રાજીપો હરિનો જેમ રે, વર્તે મન કર્મ વચને તેમ રે ॥

શુદ્ધ ભોજને જમાડે શ્યામ રે, હૈયે હરિ જમાડવા હામ રે ॥૧૪॥

લેહ્ય ચોષ્ય ભક્ષ્ય ને ભોજને રે, જમાડી પે’રાવે વસ્ત્ર તને રે ॥

બહુ પ્રેમ ભરી પૂજા કરે રે, ઘણમૂલાં6 ઘરેણાં અંગે ધરે રે ॥૧૫॥

અતિસુગંધી ચંદન ઉતારી રે, કરે સમો જોઈ પૂજા સારી રે ॥

સારાં સુગંધી ભર્યા ફૂલ લાવે રે, કરી હાર હરિને પે’રાવે રે ॥૧૬॥

અતિ હેતે ઉતારે આરતિ રે, થઈ મગન કરે ધુન્ય અતિ રે ॥

પ્રેમે ઊભા રહી પગવતિ7 રે, કરે દંડવત ને વિનતિ રે ॥૧૭॥

મેલે મસ્તક ભેટ્ય ચરણે રે, માગે પ્રભુ રાખજ્યો શરણે રે ॥

વરતે થઈ દાસના દાસ રે, એમ રહે પ્રભુજીને પાસ રે ॥૧૮॥

જે જે મહાપ્રભુને નવ ગમે રે, તે તે કરે નહિ કોઈ સમે રે ॥

વળી પૂછ્યું હતું તેં પ્રશ્ન રે, જ્યારે પ્રગટ હોય ભગવન રે ॥૧૯॥

ત્યારે મનુષ્ય તરે કે તરે કોય રે, તે પણ કહું સાંભળજ્યે સોય રે ॥

તરે દેવ દાનવાદિ વળી રે, તે તો પ્રગટ પ્રભુને મળી રે ॥૨૦॥

રાક્ષસ યક્ષ ભૂત ભૈરવ રે, મળે પ્રગટ તો તરે એ સર્વ રે ॥

વળી પશુ પંખી સરિસાપ રે, તે પણ તરે પ્રભુ પ્રતાપ રે ॥૨૧॥

વૃક્ષ વેલી પામે પરમ ગતિ રે, ફળ ફૂલ દળ દારવતિ8 રે ॥

સ્થૂળ સૂક્ષ્મ જડ ચૈતન રે, પ્રભુ પ્રગટ પ્રસંગે પાવન રે ॥૨૨॥

સ્થાવર જંગમ ચરાચર જેહ રે પ્રભુ પ્રગટ મળ્યે તરે તેહ રે ॥

જોને રામકૃષ્ણાદિ અવતાર રે, તેથી બહુ થયા ભવપાર રે ॥૨૩॥

સ્થાવર જંગમ સ્થૂળ સૂક્ષ્મ રે, ચરાચર પામ્યા ગતિ પરમ રે ॥

તેનો ગણતાં ન આવે પાર રે, એમ થયો બહુનો ઉદ્ધાર રે ॥૨૪॥

કૈક મનુષ્ય તર્યા નર વામ રે, પશુ પંખી પામ્યાં હરિધામ રે ॥

કૈક ભૂત પ્રેત ને ભૈરવ રે, વૃક્ષ વેલી ખગ મૃગ સર્વ રે ॥૨૫॥

આગે બહુ થયા અવતાર રે, તેથી આજ9 સામર્થી અપાર રે ॥

જોને આ સમે ઉદ્ધાર્યા કઈ રે, તે તો લખતાં લખાય નઈ રે ॥૨૬॥

રામઅવતારે કૈં રહી ગયા રે, તે કૃષ્ણ અવતારે પાર થયા રે ॥

કૃષ્ણ અવતારે ગયા’તા રહિ રે, તે તો આજ ઉદ્ધારિયા કઈ રે ॥૨૭॥

એમ આદિ અંત મધ્યે માનો રે, પ્રતાપ પ્રગટનો નહિ છાનો રે ॥

પ્રગટ પ્રભુ કે પ્રભુના સંત રે, તેહ વિના ન ઉદ્ધરે જંત10 રે ॥૨૮॥

એહ બેઉ રીત વિના બીજે રે, કોઈ રીતે કલ્યાણ ન પ્રતીજે11 રે ॥

સર્વે શાસ્ત્રનું સિદ્ધાંત કહ્યું રે, કે’વા હવે કેડ્યે નથી રહ્યું રે ॥૨૯॥

કહી રીત સનાતન તણી રે, પણ આજ છે અલેખે12 ઘણી રે ॥

આજ અગણિત પામ્યા આનંદ રે, એમ નિશ્ચે કહે નિષ્કુળાનંદ રે ॥૩૦॥

 

ઇતિ શ્રી કલ્યાણનિર્ણયમધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે ત્રયોદશો નિર્ણયઃ ॥૧૩॥

નિર્ણય 🏠 home ગ્રંથ મહિમા નિર્ણયઃ ૧ ★ નિર્ણયઃ ૨ ★ નિર્ણયઃ ૩ ★ નિર્ણયઃ ૪ ★ નિર્ણયઃ ૫ ★ નિર્ણયઃ ૬ ★ નિર્ણયઃ ૭ ★ નિર્ણયઃ ૮ ★ નિર્ણયઃ ૯ નિર્ણયઃ ૧૦ નિર્ણયઃ ૧૧ નિર્ણયઃ ૧૨ નિર્ણયઃ ૧૩ નિર્ણયઃ ૧૪ નિર્ણયઃ ૧૫ નિર્ણયઃ ૧૬ નિર્ણયઃ ૧૭ નિર્ણયઃ ૧૮ ★