કલ્યાણ નિર્ણય
નિર્ણયઃ ૧૧
દોહા
મુમુક્ષુ કહે મુક્તને, જ્યારે જમ એ પર કરે રોષ ॥
ત્યારે માયાગુરુને મર મારતા, પણ શિષ્યનો શિયો દોષ ॥ ૧ ॥
કલ્યાણ કરવા કારણે, આવ્યો એવા ગુરુની પાસ ॥
તન મન ધન દઈ તેહને, થયા દિલ સાચે એના દાસ ॥ ૨ ॥
ઓળખી ન શક્યા અસત ગુરુ, સમજ્યા વિના થયા શિષ્ય ॥
અજાણ્યા ઉપર એવડી, રાખી ન ઘટે ધર્મને1 રીસ ॥ ૩ ॥
એમ કહ્યું કર જોડીને, તમે સાંભળો મારા શ્યામ ॥
એ સંશય મારો સમાવિયે, સનેહી સુખના ધામ ॥ ૪ ॥
ચોપાઈ
એવું સાંભળી મુક્ત મહાજન રે, પછી બોલિયા પરમ પાવન રે ॥
કહે સાંભળ્ય તું જિજ્ઞાસુ રે, ખરું પ્રશ્ન તેં પૂછિયું ખાસું2 રે ॥ ૫ ॥
એનો ઉત્તર આપિયે અમે રે, સાવધાન થઈ સુણો તમે રે ॥
હોય જૂઠું સાચું બેઉ જોડ્યે રે, રાત દિવસ બે તડોવડ્યે3 રે ॥ ૬ ॥
હોય બક તિયાં હંસ હોય રે, જ્યાં કાગ ત્યાં કોયલ શું નો’ય રે ॥
હોય ચોર તિયાં શાહુકાર રે, હોય રવિ4 ત્યાં રાકેશ5 ત્યાર રે ॥ ૭ ॥
હોય પાપી ત્યાં પુણ્યવાન રે, હોય મૃત્યુ ત્યાં અમૃતપાન રે ॥
હોય સાચું ત્યાં ખોટું ખરું રે, તેનું કહેતાં કહેતાં નાવે સરું રે ॥ ૮ ॥
તેમ સત્ય અસત્ય ગુરુ છે રે, તે પણ ખોટું મા માનો ખરું છે રે ॥
તે તો કહે છે વેદ પુરાણ રે, સત્ય અસત્યની ઓળખાણ રે ॥ ૯ ॥
સતશાસ્ત્રનું એ જ સિદ્ધાંત રે, કપટી ગુરુ તે જ કૃતાંત6 રે ॥
જમપુરીના જમાન ખરા રે, જાવા ન દિયે જીવ અરાપરા7 રે ॥૧૦॥
ઝાલી આપશે જમને હાથ રે, માર્યો જાશે બિચારો અનાથ રે ॥
વણ ગુહ્ને ગુહ્નેગાર થાશે રે, વણ વાંકે મોટો માર ખાશે રે ॥૧૧॥
પડશે દુઃખના દરિયા માંઈ રે, તેની નથી ખબર એને કાંઈ રે ॥
એમ સાચા સંત સહુ કે’ છે રે, તોય શઠને શઠપણું રહે છે રે ॥૧૨॥
ત્યારે કે’તલનો8 શિયો વાંક રે, કહી કહી વાળ્યો આડો આંક9 રે ॥
તોય માન્યું નહિ જો મૂરખે રે, ખાધુ હળાહળ10 જઈ હરખે રે ॥૧૩॥
મેલી તરી11 તુંબડાં તરવા રે, બાંધ્યા કોટે પાણા બૂડી મરવા રે ॥
કરી હંસ મેના શુક12 ત્યાગ રે, સેવ્યા ઘુડ કપોત ને કાગ રે ॥૧૪॥
મેલી ગજ બાજ ગવા13 ગાય રે, વો’ર્યા14 વાઘ નાગ ને બલાય15 રે ॥
એમ અવળો કર્યો ઉદ્યમ રે, તેની ન પડી ગાફલને ગમ રે ॥૧૫॥
એવી અવળી અકલવાળા રે, તે તો ક્યાં થકી થાય સુખાળા રે ॥
મેલી સુખ લીધું દુઃખ માથે રે, પોતે પોતાનું બગાડ્યું હાથે રે ॥૧૬॥
નથી વાંક એમાં કેનો વળી રે, ખાધી મા’જમ16 મિસરી17 મેલી રે ॥
મૃત્યુમોદક18 અમૃત જાણી રે, પીધું સર્પલાળપય19 પાણી રે ॥૧૭॥
હોરે20 હેડ્યમાં21 પગ દેવાણો રે,વણ ચોરે તે ચોર કે’વાણો રે ॥
ભળ્યો ભરાડીમાં22 શાહુકાર રે, ધણી મળ્યે મળે વળી માર રે ॥૧૮॥
એમ અસત્ય ગુરુને આશરી રે, જીવ જાય છે તે જમપુરી રે ॥
તિયાં કષ્ટ પામે છે કુબુદ્ધિ રે, જેની અતિ સમજણ છે ઊંધી રે ॥૧૯॥
નથી સૂઝતું સાર અસાર રે, તેણે કરી ખાય જમમાર રે ॥
સાચી વાત સાંભળે છે કાને રે, તોય ચઢ્યો છે ખોટાને તાને રે ॥૨૦॥
ખોટા ગુરુના ખાધા છે ખતા23 રે, નથી છાના એ છે જગ છતા રે ॥
પંચ વિષય શું પોષણ કરી રે, લીધું અન્ન ધન આયુષ હરી રે ॥૨૧॥
ખરાખરો કીધો ગુરુએ ખાલી રે, પછી આપ્યો છે જમને ઝાલી રે ॥
એમ ચેલો ચાલ્યો જમ સાથે રે, અણકર્યું આવી પડ્યું માથે રે ॥૨૨॥
ફાંસીગરે ફાંસી નાખી કોટે રે, લીધો જમપુરે દડીદોટે રે ॥
શાહુકાર જાણી કર્યો સંગ રે, ખરો નીસર્યો દોંગાનો દંગ24 રે ॥૨૩॥
સમજ્યા વિના કર્યો સંગાથ રે, તેણે લૂંટાણો જાણો અનાથ રે ॥
કહ્યા જેવું તે કેને ન રહ્યું રે, એવું મંદભાગીને માથે થયું રે ॥૨૪॥
એમ ખબર વિના ખોટ્ય ખાધી રે, વણ વાંકે વળગી વરાધી25 રે ॥
મતિ હીણ તે મહાદુઃખ પામે રે, જે કોઈ ભ્રમી ચઢે ભૂર ભામે26 રે ॥૨૫॥
માટે મતિ પોતાની હોય થોડી રે, તો મળવું મોટાને માન મોડી27 રે ॥
પૂછી જોવી પંચને વારતા રે, મેલી મત પંથની મમતા રે ॥૨૬॥
સાચી વાત સાથે છે જો કામ રે, જેણે કરી જાય હરિધામ રે ॥
ખોટી વાતમાંહિ ખોટ્ય આવે રે, તે તો ભૂર28 વિના કેને ભાવે રે ॥૨૭॥
માટે સાચાને શોધવું સાચું રે, કલ્યાણમાં ન રાખવું કાચું રે ॥
સાચા સદ્ગુરુ સંતને સેવી રે, સર્વે વાતને સુધારી લેવી રે ॥૨૮॥
ફરી ફરી ન પડે ફરવું રે, એટલું તો અવશ્ય કરવું રે ॥
એ છે પોતાના હિતની વાત રે, સહુને સમજવું એ સાક્ષાત રે ॥૨૯॥
જેણે કરીને થાય જો જ્યાન29 રે, એવો સંગ ન કરવો નિદાન રે ॥
એમ કહ્યું મુક્તે મુમુક્ષુને રે, હોય સંશય તો પૂછજ્યે મુને રે ॥૩૦॥
ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે એકાદશો નિર્ણયઃ ॥૧૧॥