કલ્યાણ નિર્ણય
નિર્ણયઃ ૬
દોહા
મુક્ત કહે સુણો શુભમતિ, સત્ય વાત સમજીએ સાર ॥
કૃતઘ્નીના એ કામ છે, જે નંદે1 આગમ2 અવતાર ॥ ૧ ॥
સતશાસ્ત્ર સુખદાયી છે, સમજાવે તે સત્ય અસત્ય ॥
તેને મિથ્યા કરી માનવું, એ જ આવી જાણવી કુમત્ય ॥ ૨ ॥
શાસ્ત્ર કહે તે સત્ય છે, નથી અસત્ય તે અણુભાર ॥
નિશ્ચય પડશે નરકમાં, એની નિંદાના કરનાર ॥ ૩ ॥
શાસ્ત્ર જે જે સૂચવે, તે કૂડું3 ન પડે કાંઈ ॥
ગ્રહણ પાંખે4 છે અસમાનમાં, તેહ સહુ દેખે છે આંઈ ॥ ૪ ॥
ચોપાઈ
શાસ્ત્ર જણાવે સાર અસાર રે, શાસ્ત્રે કર્યો સહુ નિરધાર રે ॥
સતશાસ્ત્ર કહે છે સુરસુખ5 રે, તેહ પામ્યાં સારુ કરે મખ6 રે ॥ ૫ ॥
શાસ્ત્ર કહે છે કૈલાસની વાત રે, સત્યલોકે સુખ કહે સાક્ષાત રે ॥
શાસ્ત્ર કહે છે વૈકુંઠ વખાણી રે, તેને પામવા ઇચ્છે છે પ્રાણી રે ॥ ૬ ॥
શાસ્ત્ર કહે છે ગોલોકમાં ગુણ રે, શાસ્ત્ર વિના સમજાવે કુણ રે ॥
શાસ્ત્ર કહે છે અક્ષરધામ રે, તે સુણી સહુ કરે છે હામ7 રે ॥ ૭ ॥
શાસ્ત્ર કહે છે શ્રીહરિનું સુખ રે, જે પામતાં રહે નહિ દુઃખ રે ॥
લોક અલોકમાં જે અગમ રે, તેની ગ્રંથ પડાવે છે ગમ રે ॥ ૮ ॥
શાસ્ત્ર કહે છે સર્વેના સ્થાન રે, જને દીઠાં ન સાંભળ્યા કાન રે ॥
શાસ્ત્ર કહે છે કલ્યાણની રીત રે, શાસ્ત્રે થાય છે પ્રભુમાં પ્રીત રે ॥ ૯ ॥
શાસ્ત્ર થકી સંત ઓળખાણ રે, શાસ્ત્ર થકી સમજણ જાણ રે ॥
શાસ્ત્રે કરી આવે છે સુબુદ્ધિ રે, શાસ્ત્ર વિના મતિ રહે ઊંધી રે ॥૧૦॥
શાસ્ત્ર મરજાદે સહુ છે સુખી રે, નહિ તો દેહધારી રહે દુઃખી રે ॥
દેવ દાનવ માનવ મુની રે, શાસ્ત્રે બાંધી મરજાદ સહુની રે ॥૧૧॥
એવી કેટલી વાતો કહેવાય રે, મોટો સતશાસ્ત્રનો મહિમાય રે ॥
તેમાં દોષ દેખાડે છે પાપી રે, તેની જોઈએ છીએ જીભ કાપી રે ॥૧૨॥
તે તો મરીને જમપુરી જાશે રે, ઘણી જમદૂતની માર ખાશે રે ॥
પડશે નરકના કુંડમાં તેહ રે, પાછો નહિ મળે મનુષ્યનો દેહ રે ॥૧૩॥
શાસ્ત્ર બા’ર વરતે છે જેહ રે, શાસ્ત્ર બા’ર પામે દેહ તેહ રે ॥
શ્વાન8 સૂકર9 ખર10 શિયાળ રે, તન તે પામશે તતકાળ રે ॥૧૪॥
ત્યારે ઓરતો11 થાશે જો એને રે, કહ્યા જેવું નહિ રહે કેને રે ॥
એમ દુઃખી રહેશે રાત દન રે, સત્ય માને મુમુક્ષુ તું મન રે ॥૧૫॥
વળી પૂછી તેં પ્રભુની વાત રે, તે પણ સુણી લેજ્યે સાક્ષાત રે ॥
કિયાં જીવ કિયાં જગદીશ રે, કિયાં ખદ્યોત કિયાં દિનેશ12 રે ॥૧૬॥
જે જે જગજીવનથી થાય રે, તે તો જીવથી ન થાય કાંય રે ॥
જોને પ્રભુ તણો પ્રતાપ રે, સહુ જાણે જગતમાં આપ રે ॥૧૭॥
જેની આજ્ઞાને શશી સૂર રે, નથી લોપતા જાણો જરૂર રે ॥
જેની આજ્ઞામાં સુરરાજ13 રે, મેઘ વરસાવે સહુ જન કાજ રે ॥૧૮॥
જેની આજ્ઞા ઉર વિચારી રે, ધરણી રહી છે લોકને ધારી રે ॥
જેની આજ્ઞામાં શેષ હંમેશ રે, ચૌદ લોક ધરી રહ્યા શીશ રે ॥૧૯॥
જેની આજ્ઞામાં વેલી વન રે, આપે ફળ દળ સમે સુમન14 રે ॥
જેની આજ્ઞામાં કાળ શક્તિ રે, દિન રાત રહે છે ડરતી રે ॥૨૦॥
જેની આજ્ઞા માનીને મૃત્યુ રે, સદા સર્વદા રહે છે ફરતું રે ॥
જેની આજ્ઞામાં અજ ઈશ રે, હરખે કરી રહે છે હમીશ રે ॥૨૧॥
વળી દેહ ધરી કર્યાં કાજ રે, તે તો કહેતાં ન કહેવાય આજ રે ॥
બહુ ધરી હરિ અવતાર રે, કર્યો કંઈ જીવનો ઉદ્ધાર રે ॥૨૨॥
તેહ પ્રભુ તણી તડોવડ15 રે, થાવા જાય પાપી જીવ જડ રે ॥
જેને નથી શરીરની સાધ્ય રે, વળી વણતોળી વેઠે છે વ્રાધ્ય16 રે ॥૨૩॥
પડ્યો પરવશ પરાધીન રે, વર્તે એક એક આગે દીન રે ॥
રહ્યો અજ્ઞાનમાં અવરાઈ રે, ઘણો ઘનશ્યામનો ઘનાઈ17 રે ॥૨૪॥
તે જાશે મરી જમપુરી માંય રે, બહુ માર ખાશે મૂઢ ત્યાંય રે ॥
પછી નરકના કુંડમાં પડશે રે, પડ્યો કૈક કાળ લગી સડશે રે ॥૨૫॥
કર્મભોગે જો નીસરશે બા’ર રે, લેશે ભૂત પ્રેતના અવતાર રે ॥
ખાશે વિષ્ટા પેશાબને પીશે રે, એવું હરિ નિંદાનું ફળ લેશે રે ॥૨૬॥
એવું સુખ સાંભળીને કાન રે, થાવું હોય તો થાજ્યો ભગવાન રે ॥
એમાં જૂઠું નહિ પડે જરાય રે, સહુ માની લેજ્યો મનમાંય રે ॥૨૭॥
એવા પાપીનો સંગ જેને થાય રે, તેનો પણ જન્મ એળ્યે જાય રે ॥
કલ્યાણનું તો રહી જાય ક્યાંય રે, સામું પડે મહાદુઃખ માંય રે ॥૨૮॥
ફૂટ્યું નિરજળમાં18 જળઠામ19 રે, ટળી હૈયેથી જીવ્યાની હામ રે ॥
મળ્યા મારગે મમોઈગરા20 રે, પ્રાણીના પ્રાણ લેનાર ખરા રે ॥૨૯॥
એમ સમજી લેવું સિદ્ધાંત રે, સમજ્યા વિના ભાંગે નહિ ભ્રાંત21 રે ॥
કહી વાત પૂછ્યા પ્રમાણ રે, હવે શું પૂછવું છે સુજાણ રે ॥૩૦॥
ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે ષષ્ઠો નિર્ણયઃ ॥૬॥
Summary
In this Nirnay, Mukta explains the fate of those false gurus whose conduct is opposite that prescribed by the scriptures (true scriptures as mentioned in Nirnay 4) and against the avatars of God.
The understanding of the different loks (realms) and their level of happiness, what is right and what is wrong, the means for liberation, how to distinguish between a true sadhu and a false sadhu, the disciplines that are prescribed for devas, danavs, man, etc., all comes from scriptures. Hearing the words of the scriptures, people have behaved according to them to reach the fruits described therein (such as yagnas). Those who falsify the scriptures will go to narak and suffer great misery there.
Mukta then explains the greatness of God to show how God’s powers are incomparable to the feeble jivas; and yet the jivas malign God or try to be worshiped as God. Sun, Moon, Shesh, Earth, Indra, Kal, Shakti, etc. all remain in God’s command in their respective tasks assigned. Hence, those who denounce or malign the avatars of God or become God themselves will also be consigned to narak. They will not gain the human birth again, but instead become dogs, pigs, donkeys, etc. They will also suffer as ghosts and eat feces and drink urine for maligning God.