કલ્યાણ નિર્ણય
નિર્ણયઃ ૧૪
દોહા
એવું સુણી મુમુક્ષુ કહે, તમો સાંભળો મુક્ત મહારાજ ॥
પૂછું છું વળી પ્રશ્નને, મારો સંશય સમાવા કાજ ॥ ૧ ॥
કલ્યાણ કરવા કારણે, કરે અતિ ઉત્તમ ઉપાય ॥
શ્રુતિ પુરાણમાં સાંભળી, વળી કરે એમ સદાય ॥ ૨ ॥
પ્રગટ હરિ હોય નહિ, હોય નહિ તેના મળેલ ॥
સાજ સમાજ1 સરવે, રહી જાય તેનો રળેલ2 ॥ ૩ ॥
પાછળ પ્રભુજી પ્રગટે, આવે એનું કર્યું કાંઈ અર્થ3 ॥
તે સા’ય કરે કાંઈ શ્રેયમાં, કે વણ સા’યે જાય વ્યર્થ ॥ ૪ ॥
ચોપાઈ
જે જે કરે એ કલ્યાણ કાજ રે, તે તે કહું સાંભળો મહારાજ રે ॥
મેળ્યાં4 અન્ન ધન કર્યાં ધામ રે, વસન ભૂષણ આવે કેડ્યે કામ રે ॥ ૫ ॥
વાસન વાહન ખાટ્ય પાટલા રે, ગાદી તકિયા ઓછાડ ગાદલાં રે ॥
વાવ્ય કૂવા તલાવડી ક્ષેત્ર રે, આવે અર્થ પ્રભુને એ પવિત્ર રે ॥ ૬ ॥
પર્વ5 સદાવ્રત6 વૃક્ષછાંઈ રે, પ્રભુ બેસે ધર્મશાળા માંઈ રે ॥
ગાય ગવા મહિષી7 ગજ બાજ રે, હોય રથ પાલખી સમાજ રે ॥ ૭ ॥
વાંસે8 આવે એ અર્થે હરિને રે, થાય સારું એનું તેણે કરીને રે ॥
વળી આપી હોય મહિષી ગાય રે, તેનાં દહીં દૂધ ઘી જમાય રે ॥ ૮ ॥
આપનારને એ અર્થ (આપ્યા) તણું રે, શ્રેય કે’જ્યો સમજાવી ઘણું રે ॥
વળી અસ્થિ ત્વચા ને વિષાણ9 રે, વાળ વડે તે કે’જ્યો કલ્યાણ રે ॥ ૯ ॥
વળી સાર દાર દળ તૃણ રે, આવે હરિ અર્થે પંખા પર્ણ રે ॥
ફળ ફૂલ મૂળ રસ ફળી રે, ભાજી તરકારી ઔષધી વળી રે ॥૧૦॥
પશુ પંખી ને મનુષ્ય માંય રે, એનું આવે સેવામાં જો કાંય રે ॥
હીરા મોતી મણિ પરવાળાં રે, કંકર પથ્થર રત્ન રૂપાળાં રે ॥૧૧॥
તે મનુષ્યનાં મેલેલ10 હોય રે, આવે એ માંયેલું અર્થ કોય રે ॥
સ્થાવર જંગમ જે કહેવાય રે, તેહ આવે હરિસેવા માંય રે ॥૧૨॥
એવી વસ્તુ અનેક પ્રકાર રે, એહ સાજ સમાજ દેનાર રે ॥
આવે હરિ હરિજન અર્થ રે, ફળ શું મળે કહો સમર્થ રે ॥૧૩॥
પ્રભુ પ્રગટ પૃથવિયે હોય રે, પણ તે સમે તે જન નો’ય રે ॥
વળી કાવ્ય કીર્તન ગદ્ય પદ્ય રે, કર્યાં કવિએ કવિત છપય છંદ રે ॥૧૪॥
અષ્ટક સ્તોત્ર ને વળી સ્તુતિ રે, કરી હોય બહુવિધે વિનતિ રે ॥
પણ પ્રભુ પ્રગટ ન હોય રે, ના’વે એ માંયેલું અર્થ કોય રે ॥૧૫॥
કરે વિષ્ણુયાગ જપે નામ રે, તીર્થ વ્રત કરે ફરે ધામ11 રે ॥
રાખે નીમ કરી બહુ જતન રે, તપે કરી તજી દિયે તન રે ॥૧૬॥
કર્યું હોય તે કલ્યાણ કાજ રે, પણ પ્રગટ ન હોય મહારાજ રે ॥
એનું આવે છે એ કાંઈ અર્થ રે, કે વણ મળ્યે એ છે વ્યર્થ રે ॥૧૭॥
કર્યું હોય એ કલ્યાણ સારુ રે, પણ પ્રભુ વિના પડ્યું ઉધારુ રે ॥
કરતાં કરતાં કસર ન રાખી રે, ગઈ એમાં આવરદા આખી રે ॥૧૮॥
બહુ કલ્યાણ કરવા રળ્યો12 રે, પણ એ દેહે જોગ ન મળ્યો રે ॥
આખો જન્મ એમ ગુમાવ્યો રે, પણ દાખડો દોપે13 ન આવ્યો રે ॥૧૯॥
પ્રભુ પ્રગટ પૃથ્વીએ નહિ રે, એની મે’નત કરે કોણ સહિ14 રે ॥
ઘણું રળ્યો રોકડું ન મળ્યું રે, જન્મમરણનું દુઃખ ન ટળ્યું રે ॥૨૦॥
કર્યું હોય તે કલ્યાણ કાજ રે, પણ પ્રગટ ન મળ્યા મહારાજ રે ॥
કહું કેડ્યે પ્રગટે ઘનશ્યામ રે, આવે એનું કર્યું કાંઈ કામ રે ॥૨૧॥
કર્યું હોય એ શ્રદ્ધા સહિત રે, આણી ઉરે પ્રભુની પ્રતીત રે ॥
શુદ્ધ મન હોય શુદ્ધ ભાવ રે, દલમાંહિ નહિ દગા દાવ રે ॥૨૨॥
અતિ આસ્તિક મતિ છે ઉર રે, નાસ્તિક વાતથી રહે છે દૂર રે ॥
એવા જન જગતમાં જેહ રે, ન મળ્યા હરિ છૂટી ગયા દેહ રે ॥૨૩॥
કરી પુરુષ પ્રયત્ન તન તાવ્યું રે, પણ એ દેહે અર્થ ન આવ્યું રે ॥
પછી પ્રગટિયા ઘનશ્યામ રે, આવ્યું કર્યું કેડ્યે એનું કામ રે ॥૨૪॥
તેની થાય કે ન થાય મુક્તિ રે, કે’જ્યો મુક્ત વિક્ત પાડી અતિ રે ॥
જે જે પૂછી છે વાત સઘળી રે, કે’જ્યો વણ પૂછી પણ વળી રે ॥૨૫॥
જે જે વાત જાણ્યા માંહિ આવી રે, તે તે પૂછી તમને મેં લાવી રે ॥
કૈક રહી ગઈ હોય વાંસે રે, તે પણ કે’જ્યો સુણીશ ઉલ્લાસે15 રે ॥૨૬॥
સર્વે વાત કે’જ્યો એ સંભારી રે, સુણી રાખીશ હૃદયે ધારી રે ॥
છે એ સહુના અર્થની વાત રે, કે’તાં સુણતાં ભાંગે સર્વે ભ્રાંત રે ॥૨૭॥
જે જે કર્યું હોય પ્રભુ સારુ રે, કે’જ્યો તેના ફળનું દેનારું રે ॥
તમ વિના કે’શે બીજું કોણ રે, નથી કે’નાર જોયું છે જોણ16 રે ॥૨૮॥
માટે સહુ જોઈ રહ્યા સામું રે, બોલી અમૃત વેણ પૂરો હામું રે ॥
તમે દિલના છો દરિયાવ રે, માટે પૂછતા થાય છે ઉછાવ17 રે ॥૨૯॥
પ્રશ્ન પૂછું છું હું લગાર રે, તે સમજાવો છો કરી વિસ્તાર રે ॥
ધન્ય ધન્ય દિલના દયાળ રે, ધર્મધુરંધર ધર્મપાળ રે ॥૩૦॥
ઇતિ શ્રી કલ્યાણનિર્ણયમધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે ચતુર્દશો નિર્ણયઃ ॥૧૪॥