કલ્યાણ નિર્ણય
નિર્ણયઃ ૧૮
પદ (રાગ – ધોળ)
સાચેસાચું કહેશું, હરિ રાખે તેમ રહેશું રે…ટેક꠶
ખરાખરું કહેશું ખોળી, શીદ કરિયે વાત મોળી રે. સાચે꠶ ॥
કહું કલ્યાણને માંઈ, કસર રાખશો મા કાંઈ રે. સાચે꠶ ॥ ૧ ॥
જાણો જેની તેની વાતે, નથી કલ્યાણ કોઈ ભાતે રે. સાચે꠶ ॥
સાચા મળ્યા વિના સાચું, થાવા કલ્યાણનું કાચું રે. સાચે꠶ ॥ ૨ ॥
ખોટા સંગે દન ખોયે, જેમ રણમાંહિ રોયે રે. સાચે꠶ ॥
થયા કપટીના વેચાણ, ભાંગ્યું મહાદરિયે વા’ણ રે. સાચે꠶ ॥ ૩ ॥
જાણી જોઈ ઝેર ખાયે, તેમાં સુખી ક્યાંથી થાયે રે. સાચે꠶ ॥
એમ પાપીને ઉપદેશે, પાપ પેટમાંઈ પેસે રે. સાચે꠶ ॥ ૪ ॥
જાણો ધંતુરાને બીજે, ખાઈ સુખ શાનું લીજે રે. સાચે꠶ ॥
તેમ ખોટા ગુરુ કરતાં, પાર ના’વે ભવ ફરતાં રે. સાચે꠶ ॥ ૫ ॥
લાડુ મસાણને મધ્ય, નો’ય એલચીની ગંધ્ય રે. સાચે꠶ ॥
વોરી1 વીંછી વરુ વ્યાળા, કોઈ નો’ય જો સુખાળા રે. સાચે꠶ ॥ ૬ ॥
એવા પાપીને પરહરિયે, સંગ સ્વપ્ને ન કરિયે રે. સાચે꠶ ॥
ખાંત્યે વિખફળ2 ખાવે, તેણે સુખ શાનું આવે રે. સાચે꠶ ॥ ૭ ॥
ચાલે ચોરને સંગાથે, માર ખાવાનો છે માથે રે. સાચે꠶ ॥
એવા પ્રભુના જે ચોર,3 તેને મેલો ડાબી કોર રે. સાચે꠶ ॥ ૮ ॥
કોટે બાંધી કાળાપા’ણા, કોઈ ન તર્યા શિયાણા4 રે. સાચે꠶ ॥
દૂધ ખરસાણીની5 ખીરે, ખાધે સુખ શું શરીરે રે. સાચે꠶ ॥ ૯ ॥
એવા નકારાને6 સંગે, આવે દુઃખ અતિ અંગે રે. સાચે꠶ ॥
ગણો ગધેડાની ગાય, ધોયે7 ધફોયે8 ન થાય રે. સાચે꠶ ॥૧૦॥
નપુંસક નરને પરણી, નારી નહિ પામે અઘરણી9 રે. સાચે꠶ ॥
તેમ ખોટા ગુરુ કરી, કેમ જાશે ભવ તરી રે. સાચે꠶ ॥૧૧॥
ભવજળ તરવા કાજ, સાચા સંતનો સમાજ રે. સાચે꠶ ॥
ખોટા સંગે ખોટ્ય આવે, બાંધ્યા પા’ણા તે બુડાવે રે. સાચે꠶ ॥૧૨॥
એની અધોગતિ અતિ, નથી એની ઊર્ધ્વ ગતિ રે. સાચે꠶ ॥
માટે ઓળખીને લેવું, જ્યાં ત્યાં ઝલાઈ ન રે’વું રે. સાચે꠶ ॥૧૩॥
ચોખી ચોળાફળી જાણી, ખાયે નહિ ખરસાણી રે. સાચે꠶ ॥
ગાય મહિષી વરોળ્યે,10 ક્યાંથી વલોણું વલોવ્યે રે. સાચે꠶ ॥૧૪॥
એવા ગુરુ જ્ઞાન હીણા, તે તો કાળના ચવિણા રે. સાચે꠶ ॥
જળ જાહ્નવીનું જાણી, પિયે નહિ મઉ11 પાણી રે. સાચે꠶ ॥૧૫॥
આંબ જાણી આક12 ફળ, ખાધું પડી નહિ કળ13 રે. સાચે꠶ ॥
તેમ પાપી ગુરુ મળ્યે, સુખ શાંતિ ક્યાંથી વળે રે. સાચે꠶ ॥૧૬॥
અઘ ગુરુનાં એ એંધાણ, તમે સાંભળો સુજાણ રે. સાચે꠶ ॥
હોય દલમાં દોંગાઈ,14 માને મોટો મનમાંઈ રે. સાચે꠶ ॥૧૭॥
ધર્મ નીમ ભક્તિ હીણ, જાણે છૈયે પ્રવીણ રે. સાચે꠶ ॥
કુટિલતા ને કૂડ કપટ, દગા દલમાં દોવટ15 રે. સાચે꠶ ॥૧૮॥
ઝાઝી અંતરમાં જાળું,16 વિષયસુખની વિકરાળું રે. સાચે꠶ ॥
ભીતર માંઈ તો ભડકા, વિષય સારુ નાખે વડકાં17 રે. સાચે꠶ ॥૧૯॥
ભાયો એવાને ભરોંસે, રહેશે તેને દુઃખ થાશે રે. સાચે꠶ ॥
માટે વિચારવું ઊંડું, એને થયે થાય ભૂંડું રે. સાચે꠶ ॥૨૦॥
નાગ વાઘ બલાખારી, તે તો કેનાં હિતકારી રે. સાચે꠶ ॥
કાગ બાજ ને બલાઈ, તેથી ન થાય ભલાઈ રે. સાચે꠶ ॥૨૧॥
એમ દુષ્ટ ગુરુ દુઃખદાઈ, માની લેજ્યો મનમાંઈ રે. સાચે꠶ ॥
એવા ગુરુ સંત જગે, માંડી છે ઠગાઈ ઠગે રે. સાચે꠶ ॥૨૨॥
લઈ શિષ્યનું સરવસ, કરી લીધા પોતાને વશ રે. સાચે꠶ ॥
બહુ દિલમાંહી દગા, તે તો ન હોય કેના સગા રે. સાચે꠶ ॥૨૩॥
એને અજાણ્યે આશરે, તેનું ભારે ભૂંડું કરે રે. સાચે꠶ ॥
માટે કરવો સાચો સંગ, જેથી રહી જાય રંગ રે. સાચે꠶ ॥૨૪॥
સાચા હરિ ગુરુ કહિયે, જેથી પરમપદ લહિયે રે. સાચે꠶ ॥
કૈવલ્ય18 પ્રાપ્તિના દાતા, નથી બીજાને કહેવાતા રે. સાચે꠶ ॥૨૫॥
બીજા બહુ છે બકાલી,19 બાંધી બેઠા ઢુંગ20 ઢાલી રે. સાચે꠶ ॥
જેમ કાખના મવાળા, સર્વે સરખા ધોળા કાળા રે. સાચે꠶ ॥૨૬॥
શાણા જાણી કરિયે સંગ, સુંવાળા પણ છે ભોયંગ21 રે. સાચે꠶ ॥
હોય રૂડી હીરાકણી, પણ ખાધે વ્યાધિ ઘણી રે. સાચે꠶ ॥૨૭॥
એમ બા’રે દીસે રૂડા, પણ અંતરમાં કૂડા રે. સાચે꠶ ॥
એવા જગે ઘણા ધૂતા,22 જીવ લેવા જમદૂતા રે. સાચે꠶ ॥૨૮॥
ભડવા કેના ભરથાર, વેશ્યા કેની કુળનાર રે. સાચે꠶ ॥
એવા બગડેલ બેહાલ, કેને ન કરે નિહાલ રે. સાચે꠶ ॥૨૯॥
મળ્યા સો મોટલિયા23 થાય, પણ શેઠ ન કહેવાય રે. સાચે꠶ ॥
શેઠ હોય ધનવાન, ઘેરે સુખના સામાન રે. સાચે꠶ ॥૩૦॥
માટે સાચા શેઠ હરિ, પળમાં મૂકે સુખી કરી રે. સાચે꠶ ॥
અલૌકિક સુખ લોકે, જન ભોગવે વિલોકે24 રે. સાચે꠶ ॥૩૧॥
છતી દેહે પામે ધામ, વળી થાય પૂરણકામ રે. સાચે꠶ ॥
એવી રીત હોય જિયાં, જાણો પ્રભુ પોતે તિયાં રે. સાચે꠶ ॥૩૨॥
કથા આ છે કલ્યાણકારી, સહુ લેજ્યો હૈયે ધારી રે. સાચે꠶ ॥
એમ સમજે ટળશે ફંદ, નિશ્ચે કે’ નિષ્કુળાનંદ રે. સાચે꠶ ॥૩૩॥
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિવિરચિતે કલ્યાણનિર્ણયમધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે અષ્ટાદશો નિર્ણયઃ ॥૧૮॥
નિરૂપણ
તા. ૧૬મીએ સવારે મંગળ પ્રવચનમાં ‘કલ્યાણ નિર્ણય’માંથી સ્વામીશ્રીએ નીચેનું પદ સ્વમુખે વાંચી નિરૂપ્યું:
સાચેસાચું કહેશું હરિ રાખે તેમ રહેશું રે...
મળ્યા સો મોટલિયા થાય, પણ શેઠ ન કહેવાય રે...
શેઠ હોય ધનવાન, ઘેરે સુખના સામાન રે... ॥૩૦॥
“આ કીર્તન અમે મોઢે કરેલું. મસાણના લાડવામાં એલચીની સુંગધ ન હોય. વીંછીનો વેપાર કરીએ તો આપણને જ ફટકાવે. ખરસાણીનું દૂધ ફર્સ્ટ ક્લાસ લાગે, પણ ખાય તૈંયે ગળું ઝાલે. કાર્બોલિક સાબુ ઘસીને ગંગાજીમાં ગધેડાને ખૂબ નવડાવે તોય તે ગધેડાની ગાય કંઈ થાય? કેરી જાણીને આકોલિયા ખાય તો ગળું પકડે. સ્વામીએ કેવાં સરસ દૃષ્ટાંત મૂક્યાં છે! ભગવાનને સાધ્યા તે સાધુ.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૪/૫૪૧]
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિવિરચિતે કલ્યાણનિર્ણયઃ સમાપ્તઃ