કલ્યાણ નિર્ણય

નિર્ણયઃ ૧૫

દોહા

મુમુક્ષુ તારા મનનું, મેં જોઈ લીધું છે જાણ ॥

સુખદાયક એ સહુના, એવા પ્રશ્ન તારા પ્રમાણ ॥ ૧ ॥

પડે પ્રતીતિ ભક્ત પરોક્ષને, મોક્ષનો સમજાય મર્મ ॥

એવો આશય તારા ઉરનો, પરમાર્થ અર્થનો પર્મ ॥ ૨ ॥

જગ હિતકારી જાણિયો, જિજ્ઞાસુ તુને મેં જોર ॥

જે જે પૂછ્યું તેં જીભથી, તે નથી કાંઈ કનોર1 ॥ ૩ ॥

આપું ઉત્તર હવે એહના, તેં પૂછિયું મુજને જેહ ॥

શ્રુતિ દઈ હવે સુણજે, કહું સર્વે સમજાવી તેહ ॥ ૪ ॥

ચોપાઈ

તેં પૂછ્યું પરોક્ષ ભક્તતણું રે, તે કહું કાંઈક થોડું ઘણું રે ॥

ભૂત ભવિષ્ય ને વર્તમાન રે, કહું ત્રણેની રીત નિદાન રે ॥ ૫ ॥

ભક્ત ભક્તમાંહિ ભેદ ઘણા રે, સર્વે ભક્ત ન હોય પ્રભુ તણા રે ॥

નિષ્કામ સકામ બે ભક્ત રે, તેની પણ જાણી જોઈએ વિક્ત રે ॥ ૬ ॥

સકામ ભજે કામ સારવા રે, તાપ તન મનના નિવારવા રે ॥

એને અર્થે ભજે અવિનાશ રે, તે તો અર્થ સર્યા સુધી દાસ રે ॥ ૭ ॥

એને ભક્ત હરિના ન કૈયે રે, વાત એ પણ સમજી લૈયે રે ॥

સુત કલત્ર2 દેહ સારુ રે, ભજે છે ભાવે ભક્ત હજારું રે ॥ ૮ ॥

એનું આશ્ચર્ય નહિ કાંઈ અણું રે, સહુ સારે છે કામ આપણું રે ॥

સાચા ભક્ત એને ન ભણિયે3 રે, અર્થાઅર્થી4 એ જન ગણિયે રે ॥ ૯ ॥

એની ભક્તિ હરિને ન ભાવે રે, એ તો પ્રાકૃત ભક્ત જો કા’વે રે ॥

સાચા ભક્તતણી ઓળખાણ રે, કહું સાંભળજે તું સુજાણ રે ॥૧૦॥

શુદ્ધ અંતર ને શુદ્ધ આશે રે, શુદ્ધ મને પ્રભુને ઉપાસે રે ॥

નિષકામ કપટે રહિત રે, શુદ્ધ ભાવ શ્રદ્ધાયે સહિત રે ॥૧૧॥

યશ કીર્તિ વધારવા લાજ રે, નહિ દંભ દેખાડવા કાજ રે ॥

નહિ ઇરષ્યા ને અમરષ5 રે, નહિ સ્પરધા થાવા સરસ રે ॥૧૨॥

એવી રીતે જીવ જગે જેહ રે, તેનું કરેલ હોય કાંઈ તેહ રે ॥

આવે તે હરિ હરિજન અર્થ રે, તે તો કદી ન જાયે વ્યર્થ રે ॥૧૩॥

જમે અન્ન ને પે’રે વસન રે, આવે હરિ અર્થે એનું ધન રે ॥

તેણે પામે પરમ પ્રાપતિ રે, તેમાં ફેર નથી રાઈ રતિ રે ॥૧૪॥

ભૂષન વસન વાહન વળી રે, ખાટ્ય પાટ્યાદિ વસ્તુ સઘળી રે ॥

આવે પ્રગટ પ્રભુને એ કામ રે, પામે સુખનિધિ એનો શ્યામ6 રે ॥૧૫॥

વાવ્ય કૂવા તળાવ ભુવન રે, તેના કરાવનારા જે જન રે ॥

તેહ પામે પ્રાણી પરમ ગતિ રે, પ્રભુ પ્રગટ પ્રસંગે પ્રાપતિ રે ॥૧૬॥

પિયે પાણી ના’યે નીરમાંય રે, બેસે એનાં કરેલ ઘર છાંય રે ॥

આવ્યું એનું કરેલ હરિ કામે રે, તેણે કરી એ પ્રાણી સુખ પામે રે ॥૧૭॥

ગાદી તકિયા ગાદલાં ગોદડાં રે, અવલ7 ઓછાડ ઓસિસાં8 રૂડાં રે ॥

તે પણ આવે જો કામ હરિને રે, સુતાં બેઠાં જાગવે કરિને રે ॥૧૮॥

તેના કરાવનારા જીવ જેહ રે, પામે પ્રભુના સુખને તેહ રે ॥

વાડી ખેત્ર પરબ સદાવ્રત રે, બાંધી ધર્મશાળા પામે મૃત9 રે ॥૧૯॥

ગાય ગવા મહિષી ગજ બાજ રે, મેલી મરે એ સર્વે સમાજ રે ॥

પણ કેડ્યે આવે અર્થ કાંઈ રે, હરિ હરિજનની સેવા માંઈ રે ॥૨૦॥

તેણે કરીને થાય કલ્યાણ રે, તે પણ નિશ્ચે જાણજ્યે નિરવાણ10 રે ॥

રથ વે’લ પાલખી ને મેના રે, કરાવેલ હોય જન જેના રે ॥૨૧॥

જીવ્યો ત્યાં સુધી જોગ ન મળ્યો રે, પછી સર્વે મૂકી પ્રાણી પળ્યો રે ॥

મૂવો મેલી એ સરવે મિરાથ11 રે, પાછળ આવી એ પરને હાથ રે ॥૨૨॥

તેહ વડે શ્રીહરિ સેવાય રે, તેનું કલ્યાણ જરૂર થાય રે ॥

દૂધ દહીં માખણ ઘી મિસરી રે, જમ્યા હોય પ્રગટ શ્રીહરિ રે ॥૨૩॥

તેહ ગાય મહિષીની ગતિ રે, થાય પ્રભુ પ્રસંગે પ્રાપતિ રે ॥

કેનાં અસ્થિ શ્રૃંગ12 રોમ13 ચામ14 રે, આવે મહાપ્રભુજીને એ કામ રે ॥૨૪॥

પામે પરમ ગતિ પ્રાણી એહ રે, હરિ અર્થે આવ્યો એનો દેહ રે ॥

સાર દાર15 દલ તૃણ વળી રે, ફળ ફૂલ મૂલ કંદ ફળી રે ॥૨૫॥

એહ આદિ ઔષધિ જે કા’વે રે, તે જો પ્રગટ પ્રભુને અર્થે આવે રે ॥

થોડે દને સ્થાવર16 દેહ ત્યાગી રે, થાય માનજ્યો મોક્ષનાં ભાગી રે ॥૨૬॥

વળી હીરા મોતી મણિ માળા રે, કંકર પથ્થર રત્ન પ્રવાળાં રે ॥

અતિ કષ્ટે કર્યોં હોય ભેળાં રે, પડ્યાં રહ્યાં એ ચાલતી વેળા રે ॥૨૭॥

એહ વડ્યે પ્રભુ જો પૂજાય રે, તેના ધણીનું કલ્યાણ થાય રે ॥

કાવ્ય કવિ કરી ગયા હોય રે, આવે શ્રીહરિ અર્થે સોય રે ॥૨૮॥

તે પણ પામે છે પરમ કલ્યાણ રે, તેનું સમજી લેજ્યે સુજાણ રે ॥

પ્રભુ પ્રગટનો પ્રસંગ રે, પામે પ્રાણધારી કોઈ અંગ રે ॥૨૯॥

તે તો પામે સહુ ભવપાર રે, તેમાં સંશય નથી જો લગાર રે ॥

એમ આદ્ય અંત્ય મધ્ય માંઈ રે, પ્રભુ વિના કલ્યાણ નહિ ક્યાંઈ રે ॥૩૦॥

 

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે પંચદશો નિર્ણયઃ ॥૧૫॥

નિર્ણય 🏠 home ગ્રંથ મહિમા નિર્ણયઃ ૧ ★ નિર્ણયઃ ૨ ★ નિર્ણયઃ ૩ ★ નિર્ણયઃ ૪ ★ નિર્ણયઃ ૫ ★ નિર્ણયઃ ૬ ★ નિર્ણયઃ ૭ ★ નિર્ણયઃ ૮ ★ નિર્ણયઃ ૯ નિર્ણયઃ ૧૦ નિર્ણયઃ ૧૧ નિર્ણયઃ ૧૨ નિર્ણયઃ ૧૩ નિર્ણયઃ ૧૪ નિર્ણયઃ ૧૫ નિર્ણયઃ ૧૬ નિર્ણયઃ ૧૭ નિર્ણયઃ ૧૮ ★