કલ્યાણ નિર્ણય
નિર્ણયઃ ૪
દોહા
ત્યારે મુક્ત કહે સુણ્ય મુમુક્ષુ, તમે પૂછ્યું જે જે પ્રશ્ન ॥
તેનો ઉત્તર અમે આપિયે, તમે સાંભળજ્યો દઈ મન ॥ ૧ ॥
પૂર્વે ઉત્તરમાંહિ પ્રીછવ્યો,1 હરિ હરિજનનો સંબંધ2 ॥
તેહ વિના કોઈ જીવના, વળી છૂટે નહિ ભવબંધ3 ॥ ૨ ॥
જે જે જીવ તર્યા જક્તમાં, તેનો કરો વિચારી વિવેક ॥
હરિ હરિજન વણ મળ્યે, કોઈ ઉદ્ધરિયા નહિ એક ॥ ૩ ॥
અંતરમાં અવરાઈ રહ્યું, ઉપદેષ્ટાને અજ્ઞાન ॥
તે સામાને શું સમજાવશે, વળી નક્કી વાત નિદાન ॥ ૪ ॥
ચોપાઈ
માટે જેને મળ્યા મહારાજ રે, એવા સંતથી સરે છે કાજ રે ॥
હરિ સાથે હોય હળ્યા મળ્યા રે, પ્રભુ પ્રગટ પામી તાપ ટળ્યા રે ॥ ૫ ॥
રહી નહિ ઉધારાની4 વાત રે, પામ્યા સાચા સાધુ સાક્ષાત રે ॥
અટકળ5 અકળ6 ન રહ્યું રે, જથાર્થ જે છે તે થયું રે ॥ ૬ ॥
એવા સંતનો જે સમાગમ રે, તે તો ટાળવા દુઃખ વિષમ રે ॥
જેની સંશય રહિત વાત સાચી રે, પૂરણ પ્રાપતિમાં નથી કાચી રે ॥ ૭ ॥
એની બોલી છે રોકડી રૂડી રે, નથી વારતા એની નમૂડી7 રે ॥
ખાતે ચોપડે નથી ખોળવી રે, જ્યારે જોઈએ ત્યારે નિત્ય નવી રે ॥ ૮ ॥
વણ દીઠી નથી વખાણતા રે, કહે છે નજરો નજરની જાણતા રે ॥
પ્રભુ પાસળના જે રહેનાર રે, જે કહે તેમાં નહિ ફેરફાર રે ॥ ૯ ॥
બોલે પ્રભુ પ્રસન્નતા પ્રમાણ રે, તેમાં નહિ તન મન તાણ8 રે ॥
જોઈ મહાપ્રભુની મરજી રે, ઘણું વાત કરે છે ગરજી9 રે ॥૧૦॥
અતિ અમલ10 સહિત ઉચ્ચરે છે રે, બહું જીવનાં કાજ કરે છે રે ॥
સાચા સંત એ છે સુખદાઈ રે, એમ કહે છે સહુ જગ માંઈ રે ॥૧૧॥
એવા સંતથી સરે છે કાજ રે, તેહ દિવસ કે વળી આજ રે ॥
તે તો કહ્યું’તું મેં તુંને મો’રે11 રે, ભૂલી પૂછ્યું તેં પૂછ્યાને હોરે12 રે ॥૧૨॥
સાચા સંત કે શ્રીહરિ સોય રે, જીવ તારવા એ જગે દોય રે ॥
તેહ વિના જે સંત કહેવાય રે, તેહ સંતથી કાજ ન થાય રે ॥૧૩॥
એ તો સંત તણો લઈ વેશ રે, પેટ સારુ આપે ઉપદેશ રે ॥
તેને પણ સમજશો સંત રે, થાશે જ્યાન13 મોટું જો અત્યંત રે ॥૧૪॥
એનો જો કરશો વિશ્વાસ રે, નાખશે તો કોટે કાળપાશ14 રે ॥
પાડશે પ્રભુનો કાળ15 ચોખો રે, થાશે એ વાતનો બહુ ધોખો રે ॥૧૫॥
કાં તો કરશે કર્મ પ્રધાન રે, કહેશે ઘટ ઘટમાં ભગવાન રે ॥
કાં તો થઈ ગયા હવે થાશે રે, એમ બંબેબંબ16 બહુ ગાશે રે ॥૧૬॥
નથી પ્રભુ તણી દિશ લાધી17 રે, મૂરખાઈએ રહ્યા મત બાંધી રે ॥
આપ સ્વારથ સારવા કાજ રે, કરે બહુ જીવનાં અકાજ રે ॥૧૭॥
એવા થકી માનશે કલ્યાણ રે, તે તો બહુ દિન થાશે હેરાણ રે ॥
એહ સમજીને લેવું સાર રે, કલ્યાણ અકલ્યાણ કરનાર રે ॥૧૮॥
સાચા સંતથી સાચું કલ્યાણ રે, બીજે તો મુખસ્વાદની18 વાણ રે ॥
માટે જે જે તર્યા જગે જંત રે, તેને મળ્યા પ્રગટના સંત રે ॥૧૯॥
હવે શાસ્ત્રનું કહી સંભળાવું રે, તારો સર્વે સંશય ટળાવું રે ॥
શાસ્ત્ર શ્રીમુખના જેહ વેણ રે, સત્ય શાસ્ત્ર એ છે સુખદેણ રે ॥૨૦॥
એના વચન તે સુખકારી રે, લેવાં સહુને અંતરે ધારી રે ॥
એ છે વેદ શાસ્ત્ર ને પુરાણ રે, એમાં રહ્યું છે કોટિ કલ્યાણ રે ॥૨૧॥
કાં તો એની19 લીલા ને ચરિત્ર રે, સુખદાઈ એ પરમ પવિત્ર રે ॥
કાં તો એના માનેલ જે ગ્રંથ રે, આવે એટલા શ્રેયને અર્થ રે ॥૨૨॥
બીજા કવિ કોવિદની20 કાવ્ય રે, એ તો વારિ વિનાની છે વાવ્ય રે ॥
તેમાં રહ્યાં છે ભૂત ભોયંગ21 રે, ગરે22 તેનું કરે અંગ ભંગ રે ॥૨૩॥
વળી મત મતના જે ગ્રંથ રે, કર્યા સારવા પોતાનો અર્થ રે ॥
તેહ વિના બીજા ગ્રંથ વળી રે, થાય ભૂંડું એ ગ્રંથ સાંભળી રે ॥૨૪॥
રસિકપ્રિયા રસમંજરી રે, સુણતાં તરત જાય બુદ્ધિ ફરી રે ॥
વળી વામી વેદાંતીના ગ્રંથ રે, અતિ નાસ્તિક નામ અનર્થ રે ॥૨૫॥
આવે આસ્તિક મતિ જો એમાં રે, થાય દુઃખી રહે નહિ શેમાં રે ॥
માટે એ સંત શાસ્ત્રનો સંગ રે, સમજી વિચારી ન કરવો અંગ રે ॥૨૬॥
ન હોય ઊજળું એટલું દૂધ રે, તે પણ સમજી લેવું સુબુધ રે ॥
જેમ શાહુકાર શહેરમાં હોય રે, તેમ ચોર વિના શહેર નો’ય રે ॥૨૭॥
એક કનક કુંદન23 કહેવાય રે, હોય બડવાળ24 બહુ બીજા માંય રે ॥
માટે શાસ્ત્ર શાસ્ત્ર નહિ એક રે, સંત સંતમાં પણ વિવેક રે ॥૨૮॥
તે તો શુદ્ધ મુમુક્ષુને સૂઝે રે, સહુ સરખું એમ ન બૂજે25 રે ॥
જેને પામવું પરમ કલ્યાણ રે, તેને અતિ ન રહેવું અજાણ રે ॥૨૯॥
વાત સરવે સમજી લેવી રે, ગ્રહ્યા જેવી હોય તેને ગ્રહેવી રે ॥
એટલું તો જાણવું જરૂર રે, ભીંતર ભોળાપણ કરી દૂર રે ॥૩૦॥
ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે ચતુર્થો નિર્ણયઃ ॥૪॥
Summary
In this Nirnay, Mukta reemphasizes that kalyan is only possible by manifest God or one who has met God (ભગવાનના મળેલા સંત). Then he describes the qualities of such a sant as stated above.
Here, we must understand that the Sant Mukta speaks of is Aksharbrahma in the form of a guru. Aksharbrahma is advitiya (unique, there is no other like him) who is inseparable from Parabrahma. Aksharbrahma eternally and inherently transcends maya just like Parabrahma. One who has transcended maya by serving and pleasing Aksharbrahma, i.e. the Aksharmuktas, cannot grant kalyan.
Then, Mukta contrasts with the false sadhus and their qualities.
Similarly, Mukta states that the only true scriptures are the Veda, Purans, scriptures which narrate the lila of God, and those authenticated by God himself (for example – the eight scriptures that are authoritative as mentioned in the Shikshapatri). Rest of the “scriptures” are merely written as an occupation.