કલ્યાણ નિર્ણય

નિર્ણયઃ ૧૦

દોહા

શ્રીહરિ કહે ધર્મ સાંભળો, ગુરુ ન હોય ઘેરોઘેર ॥

ગુરુ તો એક ગોવિંદ છે, બીજી માયા બની બહુપેર ॥ ૧ ॥

કલ્યાણકારી કલ્યાણ કરી, સારી જાયે અનેકના અર્થ ॥

પછવાડે પ્રપંચ1 રચી, અતિ અજા2 કરે છે અનર્થ ॥ ૨ ॥

જેમ નર્તકી નૃત્ય કરી, હરિ લિયે હેવાનનું3 ધન ॥

વેશ લઈ વિધવિધના, કરે પામરને પ્રસન્ન ॥ ૩ ॥

તેમ માયાયે મનગમતા, વળી લીધા વિશ્વમાંય વેશ ॥

એવા ગુરુ શિષ્યની, તમે બીક મ રાખજ્યો લેશ ॥ ૪ ॥

ચોપાઈ

ગુરુ કહ્યે શું થઈ ગયા ગુરુ રે, સુણો ધર્મ તેની વાત કરું રે ॥

ગુરુ આ જગમાંય છે ઘણાં રે, તે તો કોળિયા સહુ કાળતણા રે ॥ ૫ ॥

જે ગુરુથી જમદંડ જાય રે, તે સાંભળો તમે ધર્મરાય રે ॥

તે તો હોય પોતે ભગવાન રે, આપે આશ્રિતને અભયદાન રે ॥ ૬ ॥

સર્વે ધામતણા હોય ધામી રે, વળી અકળ અંતરજામી રે ॥

જાણે સહુના મનની વાત રે, જેમ હોય તેમ સાક્ષાત રે ॥ ૭ ॥

અણુ ચોરી એ આગે ન ચાલે રે, ઊપજતાં ઉત્થાનને4 ઝાલે રે ॥

એથી ન હોય અજાણ્યું જો કાંઈ રે, વળી જક્તગુરુ5 એ કહેવાય રે ॥ ૮ ॥

હોય પ્રાણનાડી એને હાથ રે, સર્વેશ્વર એ સર્વેના નાથ રે ॥

ખેંચે પ્રાણનાડી તો ખેંચાય રે, તેની વાર લાગે નહિ કાંય રે ॥ ૯ ॥

તાણી ધમની6 દેખાડે ધામ રે, જોઈ જન થાય પૂરણકામ રે ॥

વળી ધામધામના રે’નાર રે, દેખે અતિ સુખિયા અપાર રે ॥૧૦॥

જન જોઈ આવે ધામ જેવું રે, આવી મર્ત્ય લોકે કહે એવું રે ॥

એવી અલૌકિક રીત જિયાં રે, હોય હરિગુરુ7 હોય તિયાં રે ॥૧૧॥

વળી અંતકાળે આપે આવે રે, રૂડા રથ વિમાનને લાવે રે ॥

તે પર બેસારીને તેડી જાય રે, સાચા સદ્‌ગુરુ તેને કહેવાય રે ॥૧૨॥

આવે તેડવા તેનાં એંધાણ રે, જેના પ્રભુ આવ્યે છૂટે પ્રાણ રે ॥

હીરફેલ્ય8 સમ અંગ9 હોય રે, અતિ નર્મ વળે વાળે કોય રે ॥૧૩॥

એવી રીત જિયાં લગી જાણો રે, તિયાં સુધી કલ્યાણ પ્રમાણો રે ॥

પછી એ વાતનો થાય નાશ રે, વળતી માયા કરે તિયાં વાસ રે ॥૧૪॥

આવી લિયે છે ગુરુનો વેશ રે, ન હોય ગુરુપણું લવ લેશ રે ॥

સર્વે વિશ્વતણાં ફેલ10 વળી રે, માયાગુરુમાં11 રહ્યાં હોય મળી રે ॥૧૫॥

દારી12 ચોરી વળી મદ્ય માંસ રે, તે તો મળે માયાગુરુ પાસ રે ॥

ગાંજો ભાંગ્ય હોકા બહુ પેર રે, મળે આફુ13 મફર14 ગુરુઘેર રે ॥૧૬॥

જે જે જગમાંય હોય ફેલ રે, તે તે સર્વે ગુરુએ રાખેલ રે ॥

હોય વિષયી ને વ્યસની રે, ઘણાં પ્રભુજીના કૃતઘની રે ॥૧૭॥

થઈ જમપુરીના આગવા15 રે, એવા ગુરુ ઘરોઘર હવા રે ॥

મળી ધર્મ નીમ મુકાવે રે, વેદ મર્યાદામાંથી ચુકાવે રે ॥૧૮॥

વર્ણાશ્રમનો જે વે’વાર રે, નો’યે માયાગુરુને સદાચાર રે ॥

તર્ત કરાવે જાતિ વિટાળ રે, તીર્થ વ્રત નીમના તો કાળ રે ॥૧૯॥

એવા ગુરુ ને ગુરુના શિષ્ય રે, ઝાલી મગાવજ્યો અહોનિશ રે ॥

એની શીદ શંકા મન આણો રે, સર્વે જીવ એ તમારા જાણો રે ॥૨૦॥

એવા ગુરુ ચેલા જગે ઘણાં રે, તે તો સર્વ કુળ તમતણાં રે ॥

એવા ગુહ્નેગાર ગુરુ શિષ્ય રે, તેને હેરાન કરો હમેશ રે ॥૨૧॥

એવા ગણિયે મર્ત્ય લોકે ગુરુ રે, સુણો ધર્મરાય નાવે સરું16 રે ॥

જે જે ક્રિયા શીખવી જેણે રે, તે તો ગુરુ કરી માન્યા તેણે રે ॥૨૨॥

વળી વ્યસની વૃંદળ17 વેષ રે, તેને પણ ગુરુ હોયે શિષ રે ॥

ભાની તાની ત્રાગી સુંથરા રે, તેને પણ ગુરુ જાણો ખરા રે ॥૨૩॥

એવા ગુરુ જગમાં અપાર રે, તે તો માનો માયાનો પરિવાર રે ॥

માટે જે થકી કલ્યાણ ન થાય રે, તે પણ તે ગુરુ જેવા કે’વાય રે ॥૨૪॥

નો’ય ગુરુનામે ગુરુ સમ રે, તેની ગોતીને કાઢવી ગમ રે ॥

એવા અસત્ય ગુરુની બીક રાખી રે, શીદ દિયો છો આયુધ નાખી રે ॥૨૫॥

લાવો ઝાલી નાખી ગળે પાસ રે, તેનો તલભાર ન રાખો ત્રાસ રે ॥

પાપી લિયે છે અમારી લાજ રે, સત્ય માની લેજ્યો જમરાજ રે ॥૨૬॥

જે જે બાંધી અમે મરજાદ રે, તે તે ત્રોડે છે એ મનુજાદ18 રે ॥

માટે એને તો બહુ દંડ દેવો રે, કર્યો હરિયે હુકમ એવો રે ॥૨૭॥

એવું સાંભળીને જમરાય રે, માની આજ્ઞા લાગિયા પાય રે ॥

કે’ છે જે જે કૃપા કરી કહ્યું રે, તે તો નિશ્ચે નિઃસંશય થયું રે ॥૨૮॥

એહ વાત છે પદ્મ પુરાણે રે, સ્કંદપુરાણમાં પણ જાણે રે ॥

અસત ગુરુના થાશે એ હાલ રે, સંગે શિષ્ય પીડાશે કંગાલ19 રે ॥૨૯॥

ત્યારે આંખ્ય એની ઊઘડશે રે, જ્યારે અણતોળ્યાં દુઃખ પડશે રે ॥

થાશે પછી તેનો પસ્તાપ રે, જ્યારે નડશે કરેલ પાપ રે ॥૩૦॥

 

ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે દશમો નિર્ણયઃ ॥૧૦॥

નિર્ણય 🏠 home ગ્રંથ મહિમા નિર્ણયઃ ૧ ★ નિર્ણયઃ ૨ ★ નિર્ણયઃ ૩ ★ નિર્ણયઃ ૪ ★ નિર્ણયઃ ૫ ★ નિર્ણયઃ ૬ ★ નિર્ણયઃ ૭ ★ નિર્ણયઃ ૮ ★ નિર્ણયઃ ૯ નિર્ણયઃ ૧૦ નિર્ણયઃ ૧૧ નિર્ણયઃ ૧૨ નિર્ણયઃ ૧૩ નિર્ણયઃ ૧૪ નિર્ણયઃ ૧૫ નિર્ણયઃ ૧૬ નિર્ણયઃ ૧૭ નિર્ણયઃ ૧૮ ★