કલ્યાણ નિર્ણય

નિર્ણયઃ ૧૭

દોહા

મુમુક્ષુ કહે મન માહે રે, નથી રહી કસર કાંઈ ॥

સંશય સર્વે શમી ગયો, સુણી વચન તમારાં સુખદાઈ ॥ ૧ ॥

વચને વચને મેં વિચારિયું, તેમાં જોયું તમારું મેં તાન ॥

હરિ હરિજન વણ મળ્યે, નો’ય નિર્ભય જન નિદાન ॥ ૨ ॥

પ્રભુ પ્રગટનું નથી પૂછતો, પૂછું છું પ્રભુના મળેલ ॥

એક રહ્યા વા’લાના વચનમાં, એક વચનમાંથી ટળેલ ॥ ૩ ॥

એ બેઉનાં વચન બરોબરી, કે અધિક ન્યૂન છે એહ ॥

મુમુક્ષુને કેમ માનવું, એહ મટાડિયે સંદેહ ॥ ૪ ॥

ચોપાઈ

મો’રે બેઉ હતા હરિદાસ રે, રે’તા પ્રગટ પ્રભુને પાસ રે ॥

બેઉ સરખા માનતા વચન રે, રહેતા આજ્ઞામાં રાત દન રે ॥ ૫ ॥

તેમાં એક હતો આત્મજ્ઞાની રે, બીજો ઊંડો અતિ અભિમાની રે ॥

આત્મજ્ઞાનીને માન ન આવે રે, દેહમાની માને સુખ પાવે રે ॥ ૬ ॥

તે તો માન મળે કે ન મળે રે, ત્યારે અંતરમાં રહ્યો બળે રે ॥

ઘણું ઘુઘવતો રહે ધોખે રે, પછી પ્રભુજીથી પડ્યો નોખે રે ॥ ૭ ॥

બીજે જઈ બાંધે બીજો મત રે, કહે સત્સંગને તે અસત્ય રે ॥

જે જે શીખ્યો’તો સંતની સાથ રે, તે તે હથિયાર આવ્યાં હાથ રે ॥ ૮ ॥

કરે વાત વડાઈની ઘણી રે, તેમાં જણાવે મોટ્યપ પોતાતણી રે ॥

બહુ વાત કરે છે બનાવી રે, રૂડી લાવન1 લલિત2 લાવી રે ॥ ૯ ॥

બોલે મુખથી મીઠાં વચન રે, કરે જનનાં મન રંજન રે ॥

બહુ દેખાડે નિશ્ચયનું જોર રે, પણ હોય પ્રભુજીના ચોર રે ॥૧૦॥

વર્તતા હોય વચન વિરોધે રે, એવા થકા બહુ જીવ બોધે3 રે ॥

તેહ જીવ તરે કે ન તરે રે, કે’જ્યો સમજાવી સંશયને હરે રે ॥૧૧॥

હોય હરિના મળેલ ખરા રે, પણ વચન ન માને જરા રે ॥

વરતે પોતે વચનથી બા’ર રે, તેની ખોટ્ય ન માને લગાર રે ॥૧૨॥

થયો પ્રભુથી પોતે વિમુખ રે, માન્યું પામ્યો પૂરણ હવે સુખ રે ॥

કે’ છે બીજાઓને કોરે4 તેડી રે, હું તો નીસર્યો છઉં ભાંગી બેડી5 રે ॥૧૩॥

એવી ફરી ગઈ હોય બુદ્ધિ રે, તે તો ક્યાંથી કરે વાત સુધી રે ॥

ઊંધી વાતે રાખ્યા જીવ રુંધી રે, રહ્યા અભાગી એમાં વળૂંધી6 રે ॥૧૪॥

એનું કલ્યાણ થાય કે ન થાય રે, કે’જ્યો સમજાવી સંશય જાય રે ॥

કહ્યું કલ્યાણ હરિ હરિદાસે રે, માટે મેં પૂછ્યું તમારે પાસે રે ॥૧૫॥

એવું સાંભળી બોલ્યા મુક્ત રે, સુણ્ય જિજ્ઞાસુ તેની વિગત રે ॥

જે જે કહ્યાં હરિયે વચન રે, તેમાં રહે જિયાં લગી જન રે ॥૧૬॥

તિયાં લગી તારે જીવ બહુ રે, પામે હરિના ધામને સહુ રે ॥

જ્યારે નીસરે વચનથી બા’રે રે, ત્યારે પોતે ન તરે ન તારે રે ॥૧૭॥

જેમ જળ બા’ર થયું જા’જ રે, તઈયે તર્યા તારવાની નાજ રે ॥

શક્કો7 તજીને ચાલે સિપાઈ રે, તેનો ન ચાલે હુકમ કાંઈ રે ॥૧૮॥

છડી પડી મૂકી છડીદાર રે, કરે હજત8 તો ખાય માર રે ॥

કોટ બા’ર નીસરે શાહુકાર રે, બહુ લૂંટાય કુટાય બા’ર રે ॥૧૯॥

તેમ સંત વચન જો ત્યાગે રે, તેને કાળ માયાનું લારું9 લાગે રે ॥

બીજાને તો ક્યાં થકી તારે રે, પડ્યું પોતાનું પણ ઉધારે રે ॥૨૦॥

ખાધી ખોટ્ય મોટી થયો ખુવાર10 રે, કરે છે બીજાને ભાગદાર રે ॥

હોય મૂરખ તે માને એનું રે, નથી ઠોર ઠેકાણું11 જ જેનું રે ॥૨૧॥

એવાનો તો સંગ તજી દેવો રે, એનો ઉપદેશ પણ ન લેવો રે ॥

નથી મુખ એનું જોયા જેવું રે, દર્શ સ્પર્શ એનું તજી દેવું રે ॥૨૨॥

એની વાત જાણો લાળ વ્યાળ12 રે, જેવી હડકાયા શ્વાનની લાળ રે ॥

એને પ્રસંગે પામિયે દુઃખ રે, કરે વિમુખ મળી વિમુખ રે ॥૨૩॥

એની વાતને ઓળખી લેવી રે, ન માનવી સાચા સંત જેવી રે ॥

વચન એનાં છે વિષ13 સમાન રે, તેને કે દી દેવા નહિ કાન રે ॥૨૪॥

કોઈ કાયર થઈ રહે કોરે રે, બોલે પોતાનું પોતે ન જોરે રે ॥

કહે સંતની મોટપ્ય ઘણી રે, પોતે કહે ખોટ્ય પોતા તણી રે ॥૨૫॥

એવો હોય કોઈ હરિજન રે, તેનાં સાધારણિક વચન રે ॥

એને સુણે નહિ સાર અસાર રે, વચન વિમુખનાં દુઃખ દેનાર રે ॥૨૬॥

માટે સાચા સંતનાં જે વેણ રે, સહુ જનને છે સુખ દેણ રે ॥

જે જે ઉચ્ચાર એના મુખનો રે, તે તો દેનાર સૌને સુખનો રે ॥૨૭॥

મન કર્મ ને વચને કરી રે, એહ વાત માની લેજ્યો ખરી રે ॥

કહ્યું કલ્યાણનિર્ણય કથી રે, ખરી વાત છે એ ખોટી નથી રે ॥૨૮॥

શુદ્ધ મુમુક્ષુ શોધશે સાર રે, કરી અંતરે ઊંડો વિચાર રે ॥

ગાફલને તો નહિ પડે ગમ રે, નીર14 ક્ષીર15 સમજશે સમ રે ॥૨૯॥

તેને ઉપર નથી આ વાત રે, સમજુ સમજજ્યો સાક્ષાત રે ॥

સમું સમજતાં પામશો પાર રે, કહે નિષ્કુળાનંદ નિરધાર રે ॥૩૦॥

 

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્તમુમુક્ષુ સંવાદે સપ્તદશો નિર્ણયઃ ॥૧૭॥

નિર્ણય 🏠 home ગ્રંથ મહિમા નિર્ણયઃ ૧ ★ નિર્ણયઃ ૨ ★ નિર્ણયઃ ૩ ★ નિર્ણયઃ ૪ ★ નિર્ણયઃ ૫ ★ નિર્ણયઃ ૬ ★ નિર્ણયઃ ૭ ★ નિર્ણયઃ ૮ ★ નિર્ણયઃ ૯ નિર્ણયઃ ૧૦ નિર્ણયઃ ૧૧ નિર્ણયઃ ૧૨ નિર્ણયઃ ૧૩ નિર્ણયઃ ૧૪ નિર્ણયઃ ૧૫ નિર્ણયઃ ૧૬ નિર્ણયઃ ૧૭ નિર્ણયઃ ૧૮ ★