યમદંડ
કડવું ૧
સોરઠા
મંગળરૂપ અનુપ, સમરતાં સદ્ય સુખ મળે ॥
સો સહજાનંદ સુખરૂપ, જે ભજતાં ભવદુઃખ ટળે ॥ ૧ ॥
કરવા માંગલિક કાજ, જન મનમાં જે ઇચ્છા કરે ॥
તે સમરે શ્રી મહારાજ, તો વિઘ્ન તેનાં તર્ત હરે ॥ ૨ ॥
એવા શ્રી ઘનશ્યામ, નામે જેને નિર્વિઘ્ન થઈયે ॥
વળી સરે સઘળાં કામ, તેને તજી બીજું શીદ ચહિયે ॥ ૩ ॥
સર્વે સુખના સદન, દુઃખહરણ હરિ દીનબંધુ ॥
તે પ્રભુ થઈ પ્રસન્ન, સા’ય કરજ્યો સદા સુખસિંધુ ॥ ૪ ॥
દોહા
પ્રથમ પ્રભુને પ્રણમી, કરું કથા ઉચ્ચાર ॥
યમદંડની જે વારતા, કહું મતિ અનુસાર ॥ ૫ ॥
રાગ: સામેરી
મંગળમૂર્તિ મહાપ્રભુ, બહુનામી બદ્રિકાઈશ ॥
ભક્તિધર્મ સુત ભાવશું, રહ્યા હૃદયમાં હમિશ ॥ ૬ ॥
સુખસાગર સૌના પતિ, અતિ દયાસિંધુ દયાળ ॥
પૂરણકામ સુખધામ સદા, નિજ ભક્તવત્સલ પ્રતિપાળ ॥ ૭ ॥
તેહ પ્રભુ પૂર્વે1 પ્રગટ્યા, દ્વિજકુળ ધર્મને ઘેર ॥
નામ ઘનશ્યામ સુંદર હરિ, કરી જન પર મે’ર ॥ ૮ ॥
ત્યાંથી પ્રભુજી પધારિયા, પૂર્વથી પશ્ચિમ દેશ ॥
અનેક જીવ ઉદ્ધારિયા, આપી અમળ ઉપદેશ ॥ ૯ ॥
તેહ પ્રભુ મળ્યા મુજને, સ્વામી તે સહજાનંદ ॥
જન્મ મરણ યમયાતના, જેથી છૂટ્યો હું સર્વે ફંદ ॥૧૦॥
જેહ દુઃખ ન કહેવાય જીભથી, અતિ વિકટ છે વિપરીત ॥
જે જન સુણે શ્રવણે, તે થાય અતિ ભયભીત ॥૧૧॥
એહ દુઃખ જેને ઉપરે, તે સુખી નહિ નિરધાર ॥
અલ્પ સુખને આશરી, નથી કરતા કોઈ વિચાર ॥૧૨॥
બીજી વાતો બહુ સાંભળી, જીવ થાય રાજી રળિયાત ॥
જન્મ મરણ જમપુરીની, કોઈ કાને ન સુણે વાત ॥૧૩॥
માટે આજ્ઞા મને કરી, એહ વાત વિસ્તારવા કાજ ॥
કૃપા કરી કહ્યું હરિ, શ્રીમુખે શ્રીમહારાજ ॥૧૪॥
કહ્યું પૂર્વે મને પૂછ્યું હતું, પન્નગારિયે2 કરી પ્રીત ॥
યથારથ યમદંડની, મેં કહી છે3 તેહને રીત ॥૧૫॥
તેહ રીત હૃદયે ધરી, તું કહેજ્યે કરી વિસ્તાર ॥
જે સુણી સહુ પાપથી, ડરી ચાલે નર ને નાર ॥૧૬॥
એમ શ્રીમુખેથી મેં સાંભળી, વળી ઉર કર્યો વિચાર ॥
જેમ કહ્યું તેમ કરવું, ફેર પાડવો નહિ લગાર ॥૧૭॥
એહ હરિ આજ્ઞા ઉર ધરી, કહું કષ્ટ જીવનાં જેહ ॥
નરનારી નિજ પાપથી, સહે છે દુઃખ જે દેહ ॥૧૮॥
જન્મ મરણ યમયાતનું, કષ્ટ અતિ ઘણું છે અપાર ॥
શ્રવણ દઈ સહુ સાંભળો, કહું નિરય4 દુઃખ નિરધાર ॥૧૯॥
જેહ પાપે આ જીવને, નાખે છે નરકને કુંડ ॥
પાપ તપાસી પ્રાણીનાં, જે દિયે છે દુષ્કર દંડ ॥૨૦॥
જેવી વિકટ વાટ છે, જેવા છે યમદૂત ઘોર ॥
કહું સંયમિની5 શહેરનાં, દુઃખ પામે પ્રભુના ચોર ॥૨૧॥
જેવા નરકના કુંડમાં, છે જૂજવી જાતનાં દુઃખ ॥
તેમાં પડીને પ્રાણિયો, પામે નહિ લેશ સુખ ॥૨૨॥
સહુ મળી હવે સાંભળો, કહું સુંદર કથાસાર ॥
જે સુણી આ જીવનો, નિશ્ચય હોય નિસ્તાર6 ॥૨૩॥
તે તો પ્રત્યક્ષ પ્રભુને પામિયે, કાં તો તેના મળેલ જન મળે ॥
જન્મમરણનું દુઃખ જીવને, તેહ વારે તર્ત ટળે ॥૨૪॥
તેહ પ્રભુ જુગ જુગ માંહી, અખંડ રહે અવિનાશ ॥
નિજ જ્ઞાન દઈ જીવનાં, કરવા કિલ્બિશ7 નાશ ॥૨૫॥
દશ ચોવીશ આદિ અનંત, નિત્ય નિમિત્ત જે અવતાર ॥
નરતન ધરી રહે નાથજી, કરે અનંત જીવ ઉદ્ધાર ॥૨૬॥
મનુષ્યાકાર અપાર મોટા, વળી કળી ન શકે કોય ॥
મહાસમર્થ થઈ મનુષ્ય જેવા, શ્રીહરિ વરતે સોય ॥૨૭॥
અનંત બ્રહ્માંડ જેના રોમમાં, ઊડે છે અણુંને ઠામ8 ॥
કોણ લિયે તેના પારને, મન વાણી પામે છે વિરામ ॥૨૮॥
સામર્થ્ય જોતાં સહુને સરે,9 પાર જોતાં સહુને પાર10 ॥
મોટપણે મોટા અતિ, તેહ હરિ ધરે અવતાર ॥૨૯॥
દુર્લભ તે સુલભ થઈ, થઈ અગમ11 સુગમ સ્વરૂપ ॥
અગોચર તે ગોચર થઈ, કરે જીવને કૃપા અનુપ ॥૩૦॥
વળી વિશેષે દયા કરી, વચનની બાંધે છે પાજ12 ॥
મંદ વૈરાગ્યે ત્યાગે માનવી, તારવા તેહને કાજ ॥૩૧॥
વચન માને જે મહારાજનું, નિશ્ચય કરી નર નાર ॥
તે જાયે હરિના ધામમાં, પામે તે સુખ અપાર ॥૩૨॥
સુખ સુખ સુખ અતિ, નહિ દુઃખનો લવલેશ ॥
જે ધામમાં જાણજ્યો, નહિ કાળ માયાનો કલેશ ॥૩૩॥
અખંડ આનંદ અતિ ઘણો, જે કહેતાં પણ કહેવાય નહિ ॥
તે ભોગવે છે ભક્ત હરિના, વા’લાને વચને રહિ ॥૩૪॥
વચન વડે સુખી સહુ, તેહનાં તે કહું એંધાણ13 ॥
ભવ બ્રહ્મા વિષ્ણુ વળી, જે વડે આ સૃષ્ટ મંડાણ14 ॥૩૫॥
અજ ઉપાવે15 વિષ્ણુ પાળે વળી, અને શિવ કરે તે સંહાર ॥
તાન વચન પર તેહનું, નહિ બીજો ઉર વિચાર ॥૩૬॥
સુર શશી સિંધુ શેષ જે, સુણી વચનને એક વાર ॥
સદાય રહે મન ડરતા, નવ પાડે ફેર લગાર ॥૩૭॥
કાળ કંપે જેની બીકથી, ઇન્દ્ર આદિ સર્વે અમર ॥
લોપતાં લેશ વચનને, સહુ કંપે છે થરથર ॥૩૮॥
મોટા એમ મનમાં ડરી, સદા વર્તે છે વચનમાંઈ ॥
સમર્થ જાણી શ્રીહરિ, ફેર પડવા ન દિયે કાંઈ ॥૩૯॥
મંદ ન જાણે એ મર્મને, લોપે છે વચન લબાડ ॥
કૃતઘ્ની નર કુબુદ્ધિ, પાપી જે પાપનો પા’ડ ॥૪૦॥
પ્રભુ વિમુખ જે પાપિયા, નવ માને નાથ વચન ॥
તેહ જાય જમપુરીએ, કહું રીત સુણો સહુ જન ॥૪૧॥
અલ્પ બુદ્ધિ તે પણ ઊંધી, સુધી વાત સમઝે નહિ ॥
સદા હિતકારી શ્રીહરિ, અરિ તેને સમજ્યો સહિ ॥૪૨॥
અતિ અકોણો16 લજ્જાવોણો,17 ઘરવગોણો18 ગણિયે ॥
પરમ હેતુ પ્રભુ પરહરી, વરત્યો મતિ આપણિયે ॥૪૩॥
જોને હરિ દયાળુ દલના, કર્યા અનેક એને ગુણ ॥
તે જીવે એકે જાણ્યો નહિ, અતિ હોઈ હરામીલુણ19 ॥૪૪॥
જોને ઘણું દુઃખ ગર્ભવાસમાં, ત્યાં કરી હરિએ એની સા’ય ॥
પળ પળની પીડા હરી, તેનો પા’ડ20 ન માન્યો કાંય ॥૪૫॥
ઉદરમાં દુઃખ અતિ ઘણું, કે’તાં તેનો ન આવે પાર ॥
વેદનામાં વ્યાકુળ થઈ, કરતો પ્રભુને જે પોકાર ॥૪૬॥
અતિ દીન દુઃખિયો હતો, પીડા પામ્યો ત્યાં બહુપેર ॥
એહ દુઃખમાંથી કાઢિયો, હરિ કરી મોટી મે’ર ॥૪૭॥
તે વેળા તુંને વીસરી,21 જ્યારે આવ્યો ઉદરથી બા’ર ॥
સત્ય કહું સહુ સાંભળો, ઉદર દુઃખ અપાર ॥૪૮॥
સર્વે સંકટ સાંભળ્યાં, જીવે ભોગવ્યાં છે જેહ ॥
ઉદરના દુઃખ આગળે, વળી નથી ગણાતાં તેહ ॥૪૯॥
દુઃખ દુઃખ દુઃખ જિયાં, નહિ સુખનો લવલેશ ॥
માસ નવ સુધી જીવને, હેરાન ગતિ હમેશ ॥૫૦॥
તે કહ્યું22 કપિલજીએ માતને, ગર્ભવાસનું દુઃખદ્વંદ્વ ॥
તે સંભળાવું સહુને, એમ કહે નિષ્કુળાનંદ ॥૫૧॥