યમદંડ
કડવું ૧૮
પૂર્વછાયો
સદમતિ સહુ સાંભળો, મેં કહ્યું કુસંગનું રૂપ ॥
અસત્ય નથી એમાં અણુ, છે તેમ જ તે તદરૂપ ॥ ૧ ॥
વિષ વ્યાળ વેરી થકી, કહો સુખ પામે કુણ ॥
અનેક જુગ વીત્યા વીતશે, તોય તેમાં તેના તે ગુણ ॥ ૨ ॥
તેમ કૃતઘની નરથી, પ્રાણી પામે દુઃખ અપાર ॥
તેનું આશ્ચર્ય નહિ કશું, નિશ્ચય જાણો નિરધાર ॥ ૩ ॥
વળી કહ્યું મેં સતસંગથી, મટી જાય છે મહાદુઃખ ॥
કહુ રૂપ હવે તેહનું, જેથી જીવને થાય છે સુખ ॥ ૪ ॥
ચોપાઈ
સુણો સર્વે હવે નર નાર, કહું સત્સંગનું રૂપ સાર ॥
અતિ મહિમા જેનો છે અપાર, કહેતાં કોઈ પામે નહિ પાર ॥ ૫ ॥
શેષ મહેશ ને સરસ્વતી, ગુણ ગાય જેના ગણપતિ ॥
વળી શ્રીહરિ શ્રીમુખે કરી, ગાય સંતના જશ શ્રીહરિ ॥ ૬ ॥
શોધી જોતાં સંતની સમાન, નથી ત્રિલોકે વસ્તુ નિદાન ॥
કલ્પતરુ કામધેનુ જેહ, શુદ્ધ પારસ ચિંતામણિ તેહ ॥ ૭ ॥
નવ નિધિ સિદ્ધિ સર્વે મળી, એહ આદિ સમૃદ્ધિ સઘળી ॥
શોધી જોતાં એ સર્વેનું સાર, સુખ અલ્પ ને દુઃખ અપાર ॥ ૮ ॥
તે તો સંત સમ તોલ નાવે, જેના જશ નિગમ નિત્ય ગાવે ॥
એવા સંત સહુના સુખકારી, જેના હૃદામાં રહ્યા મુરારી ॥ ૯ ॥
શુભ ગુણના સદન સંત, તેનો મહિમા મોટો છે અત્યંત ॥
પરમારથી પુણ્ય પવિત્ર, નહિ શત્રુતા સહુના મિત્ર ॥૧૦॥
કહિયે દિલના દયાળુ એને, ક્ષમા કરવાનો સ્વભાવ જેને ॥
સર્વે જીવના છે હિતકારી, શીત ઉષ્ણ સહે દુઃખ ભારી ॥૧૧॥
કેના ગુણમાં અવગુણ ન ગોતે, શાંત સ્વભાવવાળા છે પોતે ॥
નથી શત્રુ જેને જગમાંય, વળી વર્તે છે વણ ઈરષાય ॥૧૨॥
નથી કેને ઉપર જેને વેર, માને રહિત મને અતિ મે’ર ॥
મત્સર નહિ સહુનું સહેવું, ઘટે બીજાને તેમ માન દેવું ॥૧૩॥
સત્યરૂપ સૌને લાગે પ્યારી, એવી વાણી બોલે છે વિચારી ॥
કામ ક્રોધ લોભ મોહ જીતી, નથી કોય મદપર પ્રીતિ ॥૧૪॥
વળી દેહમાંહી અહંબુદ્ધિ, પદારથ જે દેહના સંબંધી ॥
તેમાંથી અહંમમતનો ત્યાગ, સ્વધર્મમાં દૃઢ અનુરાગ ॥૧૫॥
દંભે રહિત દયાના ભંડાર, સદા પવિત્ર ભીતર ને બા’ર ॥
વળી દેહ ઇન્દ્રયો દમનાર, સરલ સ્વભાવ અતિ ઉદાર ॥૧૬॥
જીતી છે ઇન્દ્રયો સર્વે જાણો, વળી પ્રમાદ રહિત પ્રમાણો ॥
સુખ દુઃખ માન અપમાન, હર્ષ શોક લાભ વળી જ્યાન ॥૧૭॥
તેણે કરી પરાભવ પામી, ધીરજતામાં ન આવે ખામી ॥
કર્મ ઇન્દ્રિયોનું ચપળપણું, ટાળ્યું છે જ્ઞાન ઇન્દ્રિયોતણું ॥૧૮॥
નિજધર્મ અનુસારે આવે, તેણે કરીને દેહ નિભાવે ॥
તે વિના અધિક પદારથ, ન સંગ્રહે જાણી અનરથ ॥૧૯॥
વળી બીજાને બોધ કરવા, અતિ ચતુર અજ્ઞાન હરવા ॥
માને પોતાને આતમારૂપ, તેમાં નિષ્ઠા અતિશે અનૂપ ॥૨૦॥
યથા યોગ્ય જીવની ઉપર, કરે ઉપકાર બહુ પેર ॥
કોય પ્રકારનો ભય નથી, નથી ડરતા કોઈના ડરથી ॥૨૧॥
અપેક્ષા પદારથ કોઈની, નથી ઇચ્છા સુખદ સોયની ॥
દ્યૂતાદિક વ્યસને રહિત, સદા વર્તે છે શ્રદ્ધા સહિત ॥૨૨॥
અતિ ઉદાર સ્વભાવે યુક્ત, તપ કરવા નિષ્ઠા એવા મુક્ત ॥
ન કરે કોઈ પ્રકારનું પાપ, ત્યાગે વાત ગ્રામ્યકથા1 આપ ॥૨૩॥
પંચ વિષયની આસક્તિ ટળી, આસ્તિક મતિવાળા છે વળી ॥
સત્યાસત્યના વિવેક યુક્તે, મદ્ય માંસાદિ કે દી ન ભુક્તે ॥૨૪॥
સતશાસ્ત્ર સુણવા વ્યસન, દૃઢ વ્રત ધાર્યા જેણે મન ॥
ચાડી ચોરી કેદિયે ન કરે, હેરુપણું2 પરું પરહરે ॥૨૫॥
છાની વાત કોઈની જો હોય, બીજા આગળ ન કહે સોય ॥
જીતી નિદ્રાને જીત્યો આહાર, એવા સંત સદાય ઉદાર ॥૨૬॥
જેવું મળે પદારથ જ્યારે, સદા સંતોષ રહે છે ત્યારે ॥
નિજધર્મ વિષે બુદ્ધિ ઠેરી,3 હિંસા રહિત વૃત્તિ જેહ કેરી ॥૨૭॥
પદારથની તૃષ્ણાને ટાળી, થાય પોતાને સુખદુઃખ વળી ॥
તેમ પારકું સુખદુઃખ જાણે, પોતાને થાય તે પરમાણે ॥૨૮॥
સતશાસ્ત્ર પાડે જેની નાજ, તે ન થાય આવે અતિ લાજ ॥
ન કરે પોતે પોતાનાં વખાણ, ન કરે બીજાની નિંદા સુજાણ ॥૨૯॥
સત્યશાસ્ત્રે કહ્યા નિષ્કામ, બ્રહ્મચર્ય વ્રતધારી નામ ॥
અષ્ટ પ્રકારે પાળે છે એહ, જથારથ જાણી લિયો તેહ ॥૩૦॥
યમ નિયમ જુક્ત છે એ જન, જેણે જીત્યાં છે સર્વે આસન ॥
પ્રાણવાયુને જીત્યો છે જેણે, પ્રીત શ્રીહરિમાંય છે તેણે ॥૩૧॥
શ્રીહરિનાં જે ચરણ કમળ, તેનો દૃઢ આશ્રય અચળ ॥
શ્રીકૃષ્ણની ભક્તિપરાયણ, સદા રહે છે દિવસ રયણ4 ॥૩૨॥
કરે કૃષ્ણ અર્થે ક્રિયા સર્વ, તજી માન મોટાઈ ને ગર્વ ॥
શ્રીકૃષ્ણ અવતાર ચરિત્ર, હરખે સુણે શ્રવણે પવિત્ર ॥૩૩॥
અવતારચરિત્રનું ગાન, કરે કીર્તનને તે નિદાન ॥
કૃષ્ણમૂર્તિનું કરે છે ધ્યાન, તે પરાયણ છે જેનું તાન ॥૩૪॥
હરિભક્તિ વિના કોઈ કાળ, નથી ખોતા5 એવા છે દયાળ ॥
નિત્ય નારાયણને ભજે છે, અન્ય વાસના સર્વે તજે છે ॥૩૫॥
એવાં લક્ષણે યુક્ત જે સંત, સત્પુરુષ કે’વાય મહંત ॥
એહ આદિ શુભ ગુણ જેહ, હોય સાચા સંતમાંહી તેહ ॥૩૬॥
એવા સદગુણે જે સંપન્ન, તેને કહિયે સાચા સંતજન ॥
એવા સાચા સંત હોય તિયાં, હોય પ્રગટ શ્રીહરિ જિયાં ॥૩૭॥
હરિ હોય તિયાં હરિજન, સતસંગની રીત પાવન ॥
કાં તો મળે હરિ ધરી તન, કાં તો મળે તેના મળ્યા જન ॥૩૮॥
સતસંગ એ ઉભય6 કહિયે, તેહ વિના કલ્યાણ ન લહિયે ॥
કહી રીત એ સતસંગ તણી, જથારથ જાતી નથી ભણી7 ॥૩૯॥
સંત સદા નિર્ભય નિશ્ચિંત, જેને પ્રગટ પ્રભુશું પ્રીત ॥
સાક્ષાત હરિના સુખ માંય, રહ્યા અચળ પર્વતપ્રાય ॥૪૦॥
હરિ અમલમાં8 હરે ફરે, કોટિ જીવનાં કલ્યાણ કરે ॥
કૃષ્ણચરણમાં માન્યું ચિત્ત, બીજે રહી નહિ જેની પ્રીત ॥૪૧॥
શ્યામસુખમાં રહ્યા સમાઈ, તેણે મગન ઘણું મનમાંઈ ॥
અનુભવે અમલમાં બોલે, જાણે પિંડ બ્રહ્માંડ તૃણતોલે ॥૪૨॥
સુખ સંસારી જે જે કે’વાય, તેને સ્વપ્ને પણ ન ચહાય ॥
નર નિર્જરનાં9 સુખ જે છે, ઈશ અજનાં સુખને ન ઇચ્છે ॥૪૩॥
એક રાધિકાપતિ શ્રીકૃષ્ણ, તેને પામીને રહ્યા છે પ્રષ્ણ10 ॥
એવા સંત સુખિયા છે સરે,11 મળે જેને તેનાં કાજ કરે ॥૪૪॥
એહ સતસંગ સુણો ભાઈ, તે હોય જુગો જુગની માંઈ ॥
એહ મળે ટળે જમત્રાસ, પાછો આવે નહિ ગર્ભવાસ ॥૪૫॥
મળે એવો સમાગમ જ્યારે, જીવ નિર્ભય થાય છે ત્યારે ॥
સુખી થાવા સંતસમાગમ, નિશ્ચે કહે છે એમ નિગમ ॥૪૬॥
એવા હોય સાચા જિયાં સંત, તિયાં હોય પોતે ભગવંત ॥
તેહ વિના ન હોય એવી રીત, સર્વે લોક થકી જે પુનિત ॥૪૭॥
એમ સમજી સમાગમ કરિયે, તો જન્મ મરણથી તરિયે ॥
મટે માથેથી જમનો માર, આવે સર્વે દુઃખનો તે પાર ॥૪૮॥
એહ વિના નથી જો ઉપાય, જેણે જન્મમરણ દુઃખ જાય ॥
સાર માંહી વાત એ છે સાર, તે તો કહી દેખાડી કઈ વાર ॥૪૯॥
કહે નિષ્કુળાનંદ એમ સત્ય, કહી સતસંગની વિગત્ય ॥
સુખી થાવા જીવને એ ઠામ,12 તેહ વિના નથી વિશ્રામ ॥૫૦॥