યમદંડ
કડવું ૩
પૂર્વછાયો
જોબનમાં જે જે કર્યુ, તેની કહું હવે વાત ॥
દામ વામને કારણે, ઘણી ઘણી શીખ્યો ઘાત ॥ ૧ ॥
પ્રીત બાંધી પતની સંગે, અને અંગે કરે અધર્મ ॥
સાચા સંતની શીખ ન માને, અને કરે તે ખોટા કર્મ ॥ ૨ ॥
ચોપાઈ
કરે કર્મ અતિ ઘણાં ખોટાં, જેણે થાશે તે બંધન મોટાં ॥
ચોરે ધન ને હરે છે નારી, થયો મદ્યમાંસનો આહારી ॥ ૩ ॥
મારે જીવ આવે નહિ મે’ર, બાંધી અધર્મધ્વજા તે ઘર ॥
બોલે ખોટું ને નાખે છે આળ, નિરબળ કંગાલનો કાળ ॥ ૪ ॥
વાઢે વનને મૂકે છે આગ્ય, કીધો ધર્મ સુધર્મનો ત્યાગ ॥
શીખ્યો છળબળ કળ ભૂંડી, અતિ અંતરે મમતા છે ઊંડી ॥ ૫ ॥
સહુથી સરસ થવાનું છે સઈ, તેને અર્થે કરે પાપ કંઈ ॥
રાત દિવસ ઘડે બહું ઘાટ, મનસુબો મોટું થાવા માટ ॥ ૬ ॥
ઇચ્છે વસ્ત્ર આભૂષણ અંગે, રાચી રહ્યો તનસુખ રંગે ॥
મરડે મૂછને પાઘ સંભાળે, લઈ દર્પણ મુખ નિહાળે ॥ ૭ ॥
ચાલે જોબનમાં મદમાતો,1 દેખી ધન કુટુંબ ફુલાતો ॥
જોઈ છબી છોગલાંની છાંય, તેને મગન રહે મનમાંય ॥ ૮ ॥
બરોબર બેસતાં બનાવી, પે’રે લૂગડાં લજિત લાવી ॥
પાઘે પેચ પોતિયે પાટલી, પાડે ભાવે કરી અતિ ભલી ॥ ૯ ॥
બણીઠણી બેસે ચોરે ચોકે, જાણે લોક મને અવલોકે ॥
ચાલે છકમાં2 દેખાડે છાતી, બીજી ભૂંડાઈ કહી નથી જાતી ॥૧૦॥
જુવે પનઘટે જઈ પરનારી, અતિ હીણો હલકાઈ ભારી ॥
નાખે નજર પરનારી પર, પાપીને નહિ પ્રભુનો ડર ॥૧૧॥
સૂંઘે કાખ શીખ્યો સનકારા,3 થાય વિકળ દેખી પરદારા ॥
કામી હરામીશું હેત રાખે, ભૂલ્યે નામ હરિનું ન ભાખે ॥૧૨॥
મરડ ઠરડમાં રહે મલકાતો, ઘણું જોબન ને મદમાતો ॥
રાત દિવસ રહે રડવડતો, દામ વામ અરથે આથડતો ॥૧૩॥
જેમ હડકાયું શ્વાન દિયે દોટું, તેમ રઝળે કરવા કામ ખોટું ॥
જેમ આથડે ઓખરિયું4 ઢોર, તેમ આથડે દૈવનો ચોર ॥૧૪॥
ભાંડ ભવાઈ પાતર્યો5 જોવા, થાય તૈયાર ત્યાં ધન ખોવા ॥
હોકા ભાંગ્ય ગાંજા ને અફીણ, થયો બંધાણી બુદ્ધિનો હીણ ॥૧૫॥
હરિજન સાથે નહિ હેત, ચોરી અવેરીમાં ચોટ્યું ચિત્ત ॥
ફાટી નજરે ફરતો ફરે, પગ પાપ મારગમાં ભરે ॥૧૬॥
ચાલે ઠાઉકો થઈ ઠીકાઠીક, જેને નથી બગડ્યાની બીક ॥
લોકમાંઈ કાંઈક ગણાણો, મૂરખ મનુષ્યમાંય મનાણો ॥૧૭॥
લઈ લોક કુટુંબનો ભાર, કરે પાપ ન કરે વિચાર ॥
અઘ મગનો6 થયો અધ્યારું,7 જાણે પાપની રીતિ હજારું ॥૧૮॥
દંભ પાખંડમાં નર પૂરો, સર્વે કર્મ વિકર્મમાં8 શૂરો ॥
કરે કર્મ ન જુવે તપાસી, શીખ્યો ઠગ ઠગાઈને હાંસી ॥૧૯॥
નિત્ય પાપ કરે નર નવાં, રાચ્યો આપને સુખ પોષવા9 ॥
એમ કરતાં તે મળી છે નારી, ત્યારે સર્વેને મેલ્યાં વિસારી ॥૨૦॥
કેનાં માબાપ ભગિની ભાઈ, નહિ સુંદરી સમ સુખદાઈ ॥
કેનો કાકો મામો માશી ફોઈ, થયા વેરી નારીમુખ જોઈ ॥૨૧॥
કેનું કુળ કુટુંબ ગોત્ર ગામ, મળી નારી સૌ થયાં નકામ ॥
રાત દિવસ રાચ્યો રામારંગે,10 ગયું જોબન જુવતિ સંગે ॥૨૨॥
ધરે નિત્ય નારીનું તે ધ્યાન, જેમ કરકે11 સરાયે12 શ્વાન ॥
નખશિખા ચિંતવે છે નારી, પામ્યો ભામાઉપાસના13 ભારી ॥૨૩॥
એશું હળી મળી રહ્યો હેવાન,14 લાગ્યું તરુણી સંઘાથે તાન ॥
અરસપરસ રહે એકમેક, ગયો ઉરથી ઊઠી વિવેક ॥૨૪॥
નરનારી કરે એમ ક્રિળા, જેમ કર્કે કાગ થાય ભેળા ॥
કરે મોજ મલકાય વળી, જેમ વિષ્ટા ગીંગાને તે મળી ॥૨૫॥
રાતદિવસ રામારંગે રાચ્યો, જેમ માદણે15 મહિષો16 માચ્યો17 ॥
કરે અંગના18 કાજે કુકર્મ, લોપી વેદવિધિના તે ધર્મ ॥૨૬॥
જાણે કેમ રાજી રહે રમણી,19 રાખે સૌથી તે બરદાશ બમણી ॥
હાજીહાજી કરે જોડી હાથ, વર્તે વનિતા આગે અનાથ ॥૨૭॥
રાજી દેખે રમણીનું મુખ, ત્યારે વરતે શાંતિ ને સુખ ॥
એને અર્થે કરે કંઈ કર્મ, તેમાં ન જુવે ધર્મ અધર્મ ॥૨૮॥
આપ સ્વારથ સરે લગાર, તેમાં પરને પીડે અપાર ॥
કરે પાપ ન જુવે વિચારી, એમ ગયો તે જોબન હારી ॥૨૯॥
એમ કરતાં અર્ભકાં આવ્યાં,20 મંદ મૂરખને મન ભાવ્યાં ॥
બાંધી બાળ સંગે નર પ્રીતિ, એહ કારણે કરે અનીતિ ॥૩૦॥
લાગે પ્રાણ થકી અતિ પ્યારાં, નર ન મેલે નિમિષ ન્યારાં ॥
બોલે તોતળું તેહની સાથે, તેડે ભીડે ને ચઢાવે માથે ॥૩૧॥
એમ કરતાં સુખી દુઃખી થાયે, ત્યારે ભૂવાને પૂછવા જાયે ॥
ભૂવો કહે વળગી છે ભૂતડી, આપું આખ્યા21 તું રાખ્ય આખડી22 ॥૩૨॥
ખાજ્યે ખપ્પરમાં23 ઊભો અન્ન, તો નથી તારા સુતને વિઘન ॥
માની મૂરખે સાબિત કીધું, મેલી થાળીને ઠીકરું લીધું ॥૩૩॥
વણ ગુને ગુનેગાર થયો, ખાવા ટાણે પણ ઊભો રહ્યો ॥
એવો બહુ થાય છે બેહાલ, તોય મનમાં માને નિહાલ ॥૩૪॥
ઝાઝી જતને જાળવે બાળ, પળે પળે કરે પ્રતિપાળ ॥
ન મેલે નજર થકી ન્યારાં, લાગે પ્રાણ થકી અતિ પ્યારાં ॥૩૫॥
અર્ધ ઘડી જો અળગાં જાય, કરે કલ્પના બહુ મનમાંય ॥
નાનાં બાળને બહુ વિઘન, તેની કરવી જોઈએ જતન ॥૩૬॥
એમ નર નારી કરે વાત, થયો મોટો માંડ્યો ઉતપાત ॥
ફોડે ગોળા ને ભાંગે છે ઘડા, સામો રહી મારે છાતીમાં દડા ॥૩૭॥
કરે નિત્ય નવી અતિ આળ્યો,24 વળી ઘણી ઘણી દિયે ગાળ્યો ॥
તે તો સરવે સાંખીને રહે, પણ એનો અભાવ ન લહે ॥૩૮॥
તાણે મૂછને પાડે પાઘડી, તોય માને મને ધન્ય ઘડી ॥
કરે સનો25 જે જે સુણે દેખે, મળ્યા અમળ્યાનું નવ પેખે ॥૩૯॥
એમ સારો દી કરે સંતાપ, તોય રાખે હેત માઈ બાપ ॥
એવાં થયાં પાંચ છો છોકરાં, વીત્યા જનમનાં વેરી તે ખરાં ॥૪૦॥
પાળી પોષીને તે પરણાવે, એમ કરતાં બૂઢાપણ આવે ॥
બૂઢાપણમાં બગડી વાત, થયાં નેણ વેણ ક્ષીણ ગાત26 ॥૪૧॥
ખસી ડગળી27 ને થયા ડૂલ,28 તોય મેલે ન મનથી ફૂલ29 ॥
જાણે મારું કહ્યું માને સહુ, એવો દલમાં ડોડ છે બહુ ॥૪૨॥
ન માને ઘર પરના રતિ, તોય હરિ ન ભજે કુમતિ ॥
જાણે આપું શિખામણ સાર, ચાલે એના ઘરનો વ્યવહાર ॥૪૩॥
સર્વે અંગ તો શિથિલ થયાં, કરવા જેવાં તો કોઈ ન રહ્યાં ॥
ત્યારે વાધી લવરી લોલતા,30 લવલવ કરે છે બોલતાં ॥૪૪॥
આ જો અલોધ31 સરખું છૈયું,32 તે તો મારું માને નહિ કૈયું ॥
દૈયે33 નહિ ભિક્ષુકને દાણો, એ તો સર્વે ધૂતારા છે જાણો ॥૪૫॥
કો’ને ધર્મ કીધે તે શું હોઈ, સુખ દુઃખ આવ્યું કોણ જોઈ ॥
જાણો જૂઠું છે પુણ્ય ને પાપ, સર્વે જાણો વાણીનો વિલાપ ॥૪૬॥
આ જો ગાયનો ગોધો34 સમારો,35 તો થાય બળદિયો સારો ॥
દુઃખ દિયે ઉંદરડા દાડી, કહીએ કેટલું પાળો બિલાડી ॥૪૭॥
ખાટ ગોદડે ચાંચડ ખાય, મારો માંકડ તો સુખ થાય ॥
જુવા બગાં ને જૂ જે કે’વાય, તેને મારતાં પાપ ન થાય ॥૪૮॥
જન્મ ધરી કર્યું પોતે જેહ, પાપી આપે શિખામણ એહ ॥
નિત્ય શીખવે પાપની વાત, આપે કરે કરાવે છે ઘાત ॥૪૯॥
પણ ન જોયું મને વિચારી, અંતે શી ગતિ થાશે જો મારી ॥
એમ ખોઈ ખૂની36 અવતાર, જાવા તૈયાર થયો જમદ્વાર ॥૫૦॥
જે જે ભેળું લીધું એણે ભાતું, તે તે મુખે કહ્યું નથી જાતું ॥
એવા પાપી સુખ ક્યાંથી લહે, સત્ય નિષ્કુળાનંદ એમ કહે ॥૫૧॥