યમદંડ
કડવું ૧૧
પૂર્વછાયો
સંકટ કહ્યાં સોળે શહેરનાં, સંક્ષેપે કરી મેં મુખ ॥
પણ લખ્યાથી છે લાખઘણું, ભાઈ દંડતણું ત્યાં દુઃખ ॥ ૧ ॥
સાચા સદ્ગુરુ સંતનો, અંગે લાગ્યો નહિ ઉપદેશ ॥
પાપે પૂરણ પાપિયો, લિયે સુખ ક્યાંથી લવલેશ ॥ ૨ ॥
એમ જમદૂતે જોરે કરી, પંથ કરાવિયો બહુપેર ॥
વર્ષ વીત્યું એક વાટમાં, ત્યારે પોં’ચ્યો સંયમિની શહેર ॥ ૩ ॥
શોભા સંયમિની શહેરની, વળી અતિ ઘણી છે અનુપ ॥
તેહ જ પાપી પ્રાણીને, દેખતાં થાયે દુઃખરૂપ ॥ ૪ ॥
ચોપાઈ
પુણ્યવાન હોય કોઈ પ્રાણી, દેખે સંયમિની શોભાખાણી ॥
તેહ પુર તણું પરિમાણ, કહું સુણજો સહુ સુજાણ ॥ ૫ ॥
શત જોજન લંબાઈ લૈયે, પહોળી પણ સો જોજન કૈ’યે ॥
કિલ્લો કનકનો તિયાં રાજે, શોભે ચાર સુંદર દરવાજે ॥ ૬ ॥
એક સોનાનો બીજો રૂપાનો, ત્રીજો દ્વાર તાંબાનો છે માનો ॥
ચોથો લોઢાનો દરવાજો લૈયે, દ્વાર ચાર એ પુરીનાં કૈ’યે ॥ ૭ ॥
તિયાં જેનાં જેવાં કર્મ હોય, તેવે દ્વારે જાય જીવ સોય ॥
ઉત્તર દ્વાર અનુપમ અતિ, તિયાં પુણ્યવાન કરે ગતિ ॥ ૮ ॥
જિયાં રાજમાર્ગ ચૌટા શેરી, બહુ શોભાયે શોભે ઘણેરી ॥
મેડી મો’લ હવેલિયો શોભે, જોઈ પુષ્પ ઝાડ મન લોભે ॥ ૯ ॥
મીઠી વાણીએ કરે પંખી રવ, શોભે ભૂમિ ત્યાં બહુ વૈભવ ॥
ધ્વજા પતાકા ત્યાં બહુ પેર, તે તો બાંધ્યાં ઘણાં ઘેરોઘેર ॥૧૦॥
રાજ દુર્ગદ્વાર સ્ફટિક મણિ, કનક કમાડે શોભે છે ઘણી ॥
વળી બ્રહ્માના પુત્ર જે બાર, શ્રવણ દેવતા બેઠા છે દ્વાર ॥૧૧॥
પિતૃગણ જે અગ્નિષ્વાત્તાદિ, તેના ગોત્રપુરુષ સત્યવાદી ॥
તેણે આપી આશિષો જે ઇયાં, તેને ભાવે લઈ વસ્યા તિયાં ॥૧૨॥
તિયાં પુણ્યવાળો જીવ જાય, દેખે વિષ્ણુસમ ધર્મરાય ॥
હવે કહું અધર્મીની રીત, દેખે એ પુરી મહા ભયભીત ॥૧૩॥
એને લઈ આવે લોહ દ્વાર, મારે કરે કાયર પોકાર ॥
ભર્યો લોહ ગોખરુએ મારગ, તેહ ઉપર મંડાવે પગ ॥૧૪॥
મોટા શ્વાન સર્પ સિંહ ઘણા, મળે સામા એવા બિયામણા ॥
ગીધ ગર્જ્ય કવા ચીલ ચાર, કરે ઉલૂ શબ્દ ભયંકાર ॥૧૫॥
એવા શબ્દ સાંભળતાં કાને, ચાલ્યો જાય છે પાસે રાજાને ॥
રાજદ્વારે લોઢાનાં કમાડ, અતિ તીખા ખીલા અંગફાડ ॥૧૬॥
તેમાં તાણી જાય જમ જોરે, ફાટે તન ત્યાં પ્રાણી બકોરે ॥
પછી આવે છે રાજાને પાસ, દેખી રૂપ પામે પ્રાણી ત્રાસ ॥૧૭॥
રોષે ભર્યા અતિશે રિસાળ, દેખે ધર્મને મહા વિકરાળ ॥
સામું જોયું પણ નવ જાય, જોઈ જીવ કરે ત્રાય ત્રાય ॥૧૮॥
લીધો લોહતણો દંડ હાથે, જાણ્યું કોપી રહ્યા પાપી માથે ॥
અતિ આંખ્યો દેખે ભરી રીસે, લાંબા દાંત મુખબાર દીસે ॥૧૯॥
મોટી દાઢી લોઢા જેવું દેહ, દેખે પાપી રૂપ એવું તેહ ॥
એવા સૂર્યસુત ધર્મરાય, તેને પૂછ્યું દૂતે લાગી પાય ॥૨૦॥
અમે આવ્યા પ્રાણી એક લઈ, તેની આપો છો આગન્યા સઈ ॥
ત્યારે રાયે તે કરી વિચાર, પૂછ્યું ચિત્રગુપ્તને તે વાર ॥૨૧॥
કહો આ પ્રાણીનાં પુણ્ય પાપ, જોઈ ખાતું ને દિયો જબાપ ॥
ત્યારે પ્રધાન કે’ છે સુણો રાય, એનાં પાપ કહ્યાં નવ જાય ॥૨૨॥
કો’તો સંક્ષેપે સૂચવું સ્વામી, એણે કર્યું જે નરતન પામી ॥
સુણ્યું શ્રવણે વિષયી ગાન, હરિકથામાં ન દીધા કાન ॥૨૩॥
રસિકપ્રિયા રસમંજરી, એવાં બહુ સાંભળ્યાં ભાવ ભરી ॥
નયણે નીરખી નારીનું રૂપ, કર્યાં નેત્ર તેમાં તદરૂપ ॥૨૪॥
કર્યો ત્વચાએ નારીનો સ્પર્શ, ગાયા જિહ્વાએ નારીના જશ ॥
નાસે1 નિત્ય કુવાસના2 લેતો, મુખે શ્રીકૃષ્ણ ભૂલ્યે ન કહેતો ॥૨૫॥
કરે પૂરણ વિકર્મ કર્યાં, પગે પગલાં પાપમાં ભર્યાં ॥
જે જે વડ્યે થાય શુભ કર્મ, તે તે વડ્યે કર્યું છે અધર્મ ॥૨૬॥
એવું સુણી બોલ્યા ધર્મરાય, સુણ્ય પાપી તેં કર્યો અન્યાય ॥
કર્યા ગુણ ન જાણ્યા તેં કેમ, કાં રે કૃતઘ્ની તું થયો એમ ॥૨૭॥
જેણે ઉદરમાં કરી સાર, આપ્યો મનુષ્યનો અવતાર ॥
માગે દેવ મનુષ્યનો દેહ, પામ્યો અભાગિયા તન તેહ ॥૨૮॥
ભરતખંડ જંબુદ્વીપ માંય, રહે પ્રગટ શ્રીહરિ જ્યાંય ॥
એવી ભૂમિમાં નરતન પામી, જ્યારે થયો તું લૂણહરામી ॥૨૯॥
કરી આવ્યો તું અતિ અનર્થ, બક્ષુ3 ગુહ્ના અમે નહિ સમર્થ ॥
બોલ્યા રાય કરી અતિ કોપ, પાપી કરી તે આગન્યા લોપ ॥૩૦॥
શેષ ગણેશ શશી સૂરજ, ઈશ અમરેશ વળી અજ ॥
તે તો ન લોપે આગન્યા લેશ, તેથી પણ તું થયો સરેશ4 ॥૩૧॥
જે તેં ન ગણ્યા હુકમી હરિને, આવ્યો એવું તું કામ કરીને ॥
નથી જોયા જેવું તારું મુખ, જા જા પરો પ્રભુના વિમુખ ॥૩૨॥
લઈ જાઓ કિંકર યાંથી બાર, દિયો દંડ પ્રચંડ અપાર ॥
એવું સુણ્યું કિંકર સઘળે, ચાલ્યા જીવને ઝાલીને ગળે ॥૩૩॥
કર્યો માર અખાડામાં ઊભો, જાણી અતિશે પાપી અશુભો ॥
પછી અનેક આયુધ લાવ્યા, તર્ત અગનિમાંયે તપાવ્યાં ॥૩૪॥
તેણે બાળે છે પાપીનું તન, જેણે લોપ્યાં હરિનાં વચન ॥
દઈ દઈ પાપનાં એંધાણ, કિંકર કરે છે બહુ હેરાણ ॥૩૫॥
પછી તન તળે તેલ માંય, તેને દુઃખે કરે હાય હાય ॥
હાથ હથેળીમાં ખીલા ખોડે, પગ ઘૂંટીએ ઘણેશું તોડે ॥૩૬॥
આંખ્યમાં ગજ5 ઘાલે લોઢાના, ભૂંડા હાલ કરે છે મોંઢાના ॥
તોડે જીભ સાંણસિયે તાણી, જે કોય બોલ્યો તો અસત્ય વાણી ॥૩૭॥
બાળે કાન સીસાં ઊનાં ઘાલી, જેને વિષયવાત લાગી વાલી ॥
પછી દંડનો બીજો ઉપાય, કરે છે વિચારી મન માંય ॥૩૮॥
કરે લોહ તણી નર નાર, તેનું તન તપાવે અપાર ॥
પછી કિંકર કહે વ્યભિચારો,6 ભરો બાથ શું મને વિચારો ॥૩૯॥
જેણે બાથ ભરી એક વાર, તેની ભરાવે વાર હજાર ॥
પરપુરુષ ને પરનારી, પામે વિષયસુખે દુઃખ ભારી ॥૪૦॥
એમ દુઃખ દિયે છે અનંત, કહેતાં મુખે નાવે તેનો અંત ॥
શ્યું થયું હજી શ્યું થાશે, જીવ નરકના કુંડમાં જાશે ॥૪૧॥
ત્યાં તો તપાશી તપાશી પાપ, કરશે જમના દૂત સંતાપ ॥
રતીરતી તણું લેખું લેશે, તે પ્રમાણે તેવો દંડ દેશે ॥૪૨॥
પળપળનાં પાપ સંભારી, કા’સે7 કિંકર તે મારીમારી ॥
થાકી જાશે જમદૂત જ્યારે, પછી પૂછશે પાપીને ત્યારે ॥૪૩॥
ભાઈ અમે કાયા8 તુ ન કાયો, ભલો માર અપાર તેં ખાયો ॥
એમ કહી વિચારે છે જમ, હવે કરિયે કોઈક ઉદ્યમ ॥૪૪॥
થોડે મારે દુઃખ ઘણું થાય, એવો ગોતી કાઢિયે ઉપાય ॥
તૈયેં બોલ્યો એક જૂનો જમ, સર્વે મારની મુને છે ગમ ॥૪૫॥
તાળુ લલાટે તાડન કરો, મુખ આંખ્યમાં મરચાં ભરો ॥
લમણામાં મારો લોહ લાંઠ્યે, એમ ભાંગો અંગ ગાંઠો ગાંઠ્યે ॥૪૬॥
ગળુ દબાવો ને ઘડીવાર, તેણે પામશે દુઃખ અપાર ॥
છાતીમાંય મારો મોટા ઘણ, ભાંગી કચરી નાખો વૃષણ ॥૪૭॥
કોણી કાંડાં ગોઠણમાં ઘાવ, એહ કહ્યા મરમના દાવ ॥
દૂંટી ઘૂંટી નળી વળી વાઢો, નખ વીશ વળી તાણી કાઢો ॥૪૮॥
એમ દિયો દાવ ગોતી દુઃખ, તો હમણાં એ કા’સે વિમુખ ॥
પછી તેમ જ કિંકરે કીધું, થોડે મારે દુઃખ બહુ દીધું ॥૪૯॥
ત્યારે કઠણ પ્રાણીને પડ્યું, કર્યાં કર્મ તણું ફળ જડ્યું ॥
જેવો ઈયાં9 માલ્યો10 મગરુર,11 તેવો તિયાં મારી કર્યો ચૂર12 ॥૫૦॥
માટે સહુ વિચારજ્યો વાત, પોતે પોતાની કરશો મા ઘાત ॥
સહુ સારું પોતાનું કરજ્યો, સુણી જમના દંડને ડરજ્યો ॥૫૧॥
ખરું છે એ ખોટું નહિ થાય, પછી વિચારશો મનમાંય ॥
કહે નિષ્કુળાનંદ શું કથી, પ્રભુ ભજ્યા વિના સુખ નથી ॥૫૨॥