યમદંડ

કડવું ૧૭

પૂર્વછાયો

વિવિધ ભાતે વર્ણવી, કહ્યાં કષ્ટ જીવનાં જેહ ॥

તેહ સાંભળતાં શ્રવણે, સહુના તે કંપે દેહ ॥ ૧ ॥

અલ્પ આયુષ્યમાં એવડી, પીડા પામે છે પ્રાણી અપાર ॥

એહ દુઃખની આગળે, સુખ સ્વપ્ના જેવો સંસાર ॥ ૨ ॥

મનુષ્ય દેહને મૂકતાં, દુઃખ તરત છે એ તૈયાર ॥

તેનો ઉપાય અભાગિયા, કાં રે કરો નહિ નરનાર ॥ ૩ ॥

માથે નગારાં મોતનાં, વાજે છે બહુ વિધ ॥

પળે પળે રીત પલટે, પેખી જુવોને પ્રસિદ્ધ ॥ ૪ ॥

બાળ જુવાપણ બે ગયાં, વૃદ્ધપણ વણસતું1 જાય ॥

આજ કાલ્યમાં ઊઠી ચાલવું, સહુ વિચારો મનમાંય ॥ ૫ ॥

યાંથી અચાનક ચાલતાં, સઈ2 વસ્તુ આવશે સાથ ॥

વણ સમજ્યે વિપત્તિની, શીદ ભરી રહ્યા છો બાથ ॥ ૬ ॥

સાચો સમાગમ શોધીને, ટાળો માથેથી એ ત્રાસ ॥

નરસે સંગે નહિ મટે, મરણ ને ગર્ભવાસ ॥ ૭ ॥

મેં કહ્યું આ જીવને, કુસંગ છે દુઃખરૂપ ॥

કુસંગ કહિયે જેહને, કહુ તેહનું હવે સ્વરૂપ ॥ ૮ ॥

ચોપાઈ

મોટો કુસંગ તે નિજદેહ, જેમાં જીવે બાંધ્યો છે સનેહ ॥

એહ અર્થે કરતાં અનર્થ, જીવ ખુવે છે જનમ વ્યર્થ ॥ ૯ ॥

કૂડ કપટ દગા ને ઘાત, થાય દેહ સારુ સર્વે વાત ॥

છળ ચોરી હિંસા કરી હણે,3 આપ સ્વારથે પાપ ન ગણે ॥૧૦॥

એવું પાપ નથી જગ માંય, જે કોઈ શરીર સારુ ન થાય ॥

જ્યારે પિંડસુખ સામું પેખે,4 ત્યારે દોષમાત્રને ન દેખે ॥૧૧॥

પરત્રિય પરધન લેવું, તનસુખ સારુ કરે એવું ॥

દેહ સાથે સનેહ છે જેને, નહિ ધર્મ નિયમ લાજ તેને ॥૧૨॥

દેહઅભિમાની નરનારી, થાય એથી અનરથ ભારી ॥

જેણે દેહમાંહી સુખ માન્યાં, કરે પાપ કૈ પ્રગટ છાનાં ॥૧૩॥

પોતાના પિંડના સુખ સારુ, કરે પાપ હજારે હજારુ ॥

જેણે કરી જમપુર જવાય, તેનો ન કરે વિચાર કાંય ॥૧૪॥

ન ખાધા સરીખું તેહ ખાય, ન પીધા સરીખું પીયે પાય ॥

તે તો દેહના સુખને અર્થ, થાય અતિ ઘણા તે અનર્થ ॥૧૫॥

જે અનર્થે જમપુરી જવાય, માટે મોટો કુસંગ એ કહેવાય ॥

તેહ સારુ તજવો સનેહ, જાણી કુસંગરૂપ આ દેહ ॥૧૬॥

દેહ માન્યે માને માઈબાપ, દેહ માન્યે માને પર5 આપ6

દેહ માન્યે માને ભગિની ભ્રાત, દેહ માન્યે માને નાત જાત ॥૧૭॥

દેહ માન્યે માને ગૃહ મેરી,7 દેહ માન્યે માને વા’લાં વેરી ॥

દેહ માન્યે માને મારું તારું, દેહ માન્યે મમત હજારું ॥૧૮॥

દેહ સારુ શુભાશુભ થાય, તેનો દોષ દેખે નહિ કાંય ॥

અંધધંધ થઈ કરે પાપ, તે તો દેહ સારુ સહુ આપ ॥૧૯॥

સર્વે નરકે જાવાનો સામાન, કરે જેને દેહ અભિમાન ॥

માટે મોટો કુસંગ આ દેહ, તેશું તજવો જોયે સનેહ ॥૨૦॥

તેહ વિના કુસંગ છે અન્ય, કહું તે પણ સાંભળો જન ॥

કુસંગ તે ક્રવ્યાદની પેર,8 સદા વાવરે9 પ્રભુશું વેર ॥૨૧॥

હરિ ને હરિના અવતાર, પાપી તેને ઘસારો દેનાર ॥

શ્રીકૃષ્ણ જે ગોલોકપતિ, જનસુખદાયક મૂરતિ ॥૨૨॥

ધરે જુગોજુગમાં અવતાર, કૈક જીવનો કરવા ઉદ્ધાર ॥

વરાહાદિક વપુને ધારી, રહે ભૂભાર હરવા મુરારિ ॥૨૩॥

દઈ દરશ પરશનું દાન, હરે કૈક જીવનું અજ્ઞાન ॥

તેને તજીને અભાગી જન, કરે અન્ય દેવનું ભજન ॥૨૪॥

કાળી ભૈરવ ભૂત ને વીર, પાપી માને પાવલિયા10 પીર ॥

તેને બલિદાન દેવા બહુપેર, મારી જીવને કરે ઝમેર11 ॥૨૫॥

એવા પાપીની પ્રતીતિ આવે, તોય પણ જમપુરીમાં જાવે ॥

જેણે મનુષ્યદેહ આવી આપી, તેનો પાડ માને નહિ પાપી ॥૨૬॥

કોઈક કર્મ કરી પ્રધાન, માને મોક્ષે જાવાનું હેવાન12

કર્મે કરી સરવે થાય છે, એમ કર્મના ગુણ ગાય છે ॥૨૭॥

પરમેશ્વરનો બેઠા પાડી કાળ, નાસ્તક એવા નર છે ચંડાળ ॥

એનો સંગ તે કુસંગ કહેવાય, તેને સંગે જમપુર જવાય ॥૨૮॥

કોઈક અદ્વૈતની ઓટ્ય લઈ, કરે કુકર્મ બેશર્મ થઈ ॥

મેલી શરણ શ્રીકૃષ્ણ તણું, કરે મન જેમ માને આપણું ॥૨૯॥

એક બ્રહ્મ કહી ભ્રમાવે લોક, કહે કર્મ ધર્મ સર્વે ફોક13

કરે પાપ પુણ્ય થકી પાડે, તેમા નિર્દોષપણું દેખાડે ॥૩૦॥

એવા નર જે હોય અભાગી, જાણી કુસંગ મૂકવા ત્યાગી ॥

એનો સંગ ન દેવો લાગવા, એ છે જમપુરીના આગવા14 ॥૩૧॥

કળિ માંય છે કુસંગ ઘણું, સુણો જન આચરણ તેહતણું ॥

સત્ય શાસ્ત્ર મર્યાદને મેલી, મન મતે વરતે છે ફેલી ॥૩૨॥

પાપી તજી નિજ કુળધર્મ, વિષય સારુ કરે છે વિકર્મ ॥

વળી પેટ ભરવા પાખંડી, કરે અધર્મ ધર્મને છંડી ॥૩૩॥

થઈ અભાગી નર ચંડાળ, કરે કરાવે જાતિવિટાળ15

કોઈક નિજ માતા સુતા સંગ, કરે ભગિની સાથે વ્રતભંગ ॥૩૪॥

એવા પંથ કળિમાં છે બહુ, તેમાં માની બેઠા મોક્ષ સહુ ॥

તે તો સત્યશાસ્ત્ર જૂઠાં થાશે, ત્યારે એમાં કલ્યાણ કે’વાશે ॥૩૫॥

માટે એવો સંગ તે કુસંગ, તેનો ન દેવો લાગવા રંગ ॥

હોય પૂર્વ જનમનાં પાપ, મળે એવો સંગ તે પ્રતાપ ॥૩૬॥

મળે વાઘ નાગ વિષ ખારું,16 પણ કુસંગ થકી સૌ સારું ॥

એથી એક જનમ જાય જાણ્ય, કુસંગથી કોટી કોટી હાણ્ય ॥૩૭॥

માટે કુસંગ કેણે ન કરવો, પાપરૂપ જાણી પરહરવો ॥

એવા કુસંગને સંગે રહ્યા, તે તો લખ ચોરાશીમાં ગયા ॥૩૮॥

વિધ વિધ સહ્યા જમદંડ, વળી ધરશે ચૌ17 ખાણ્યમાં પંડ ॥

વર્ષા શીત સેહશે તને તાપ, તે તો કુસંગને પ્રતાપ ॥૩૯॥

ફરશે ભરશે ચારે એ ખાણ્ય, ધરશે સ્થાવર જંગમ તન જાણ્ય ॥

મહાકુસંગની ખોટ્ય મોટી, જેણે જન્મ લેવા કોટિ કોટિ ॥૪૦॥

તેહ સારુ તે જોવું તપાસી, નથી આગળ ખેલ ને હાંસી ॥

ત્યાં તો સરે સાચાથી જો કાજ, નહિ રહે કપટીની લાજ ॥૪૧॥

દેહપાળક18 ઇન્દ્રના દાસ, તેનો રાખવો નહિ વિશ્વાસ ॥

એને સંગે ખોટ્ય નવ ખાયે, સાચા સંત હોય તિયાં જાયે ॥૪૨॥

પશુ પેઠે ન રહેવું બંધાઈ, સત્ય અસત્ય ઓળખવું ભાઈ ॥

એહ કહી કુસંગની રીત, તેશું કે દી ન કરવી પ્રીત ॥૪૩॥

માત તાત ભગિની જે ભાઈ, સુત દારા કુળ સગાં સાઈ ॥

હરિ ભજતાં પાડે જે ભંગ, તે તો કહિયે સર્વે કુસંગ ॥૪૪॥

દેવ ગુરુ અધ્યારુ19 પ્રવેણ,20 અન્નદાતા મિત્ર સુખદેણ ॥

એહ હરિ ભજતાં જો વારે, સમજી શત્રુ તજી દેવા ત્યારે ॥૪૫॥

મતિયાં પંથિયાં પરપંચી, બેઠા અભક્ત ભાગશી રચી ॥

પીરા કબીરા પ્રભુના દ્રોહી, એહ આદ્યે એવાં બીજા કોહી ॥૪૬॥

તેનો રાખવો નહિ વિશ્વાસ, જેથી ટળી જાયે હરિદાસ ॥

પૃથ્વીપતિ પ્રધાન પટેલ, તે પણ હોય કુસંગે ભરેલ ॥૪૭॥

દઈ ડારો ને દબાવી રાખે, હરિ ભજતાં વિઘન નાખે ॥

તેનો દેશ ગામ તજી દેવું, જાણી અસુર મનમાં એવું ॥૪૮॥

જેમ તેમ કરવો નિભાવ, પણ એનો કરવો અભાવ ॥

એવો કુસંગ ક્યાં લગી કહું, કે’તાં કે’તાં તે પાર ન લહુ ॥૪૯॥

એવાં કહ્યાં કુસંગ ઠેકાણાં, રહ્યાં ઘણાં ને થોડાં લખાણાં ॥

જમપુરે લૈ જાવા જમાન, એહ સહુ રહે છે સાવધાન ॥૫૦॥

માટે સચેત રહેવું સદાય, નહિ તો પોં’ચાડે જમપુરી માંય ॥

હરિભક્તિમાં પડાવે ભંગ, કહે નિષ્કુળાનંદ એ કુસંગ ॥૫૧॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું ૧ કડવું ૨ કડવું ૩ કડવું ૪ કડવું ૫ કડવું ૬ કડવું ૭ કડવું ૮ કડવું ૯ કડવું ૧૦ કડવું ૧૧ કડવું ૧૨ કડવું ૧૩ કડવું ૧૪ કડવું ૧૫ કડવું ૧૬ કડવું ૧૭ કડવું ૧૮ કડવું ૧૯ કડવું ૨૦ પદ