યમદંડ

કડવું ૭

પૂર્વછાયો

આવું સાંભળી શ્રવણે, રખે ઉર વિચારતા એમ ॥

જીવ વસ્તુતાએ જડે નહિ,1 તો દુઃખ ભોગવશે કેમ ॥ ૧ ॥

વળી કોઈ કે’શો જીવ ઝીણો, વ્યોમથી અતિ વિશેષ ॥

અછેદ્ય અભેદ્ય અખંડ એહ, બળે સડે સૂકે નહિ લેશ ॥ ૨ ॥

વળી કોઈક એમ કહેશો, કહ્યો જીવ તે બ્રહ્મસ્વરૂપ ॥

કર્મ માયા કલ્પિત છે, કહ્યો આતમા એક અનુપ ॥ ૩ ॥

એમ જણ જણ પ્રત્યે જૂજવું, જો પરઠી કરશો પ્રમાણ ॥

તેહ ઉપર કહું સાંભળો, તમે સર્વે જન સુજાણ ॥ ૪ ॥

વિવિધ ભાતે વર્ણવી, કહુ જીવની સર્વે વાત ॥

શાસ્ત્ર સહુએ સત્ય કહ્યો, જીવ જૂઠો નહિ કોઈ ભાત ॥ ૫ ॥

જીવ જોતાં જો નવ જડે, તો સાધન સર્વે વ્યર્થ છે ॥

વંધ્યાસુતને વખાણે વગોવે, એમાં શિયો કહો અર્થ છે? ॥ ૬ ॥

શૂન્યસુમનની2 સ્રજ3 સારુ, અતિ આગ્રહ કોણ કરે ॥

શશશૃંગની4 શિબિકાયે,5 બેઠે ન બેઠે શું સરે? ॥ ૭ ॥

જપ તપ તીરથ જોગ જજ્ઞ, દાન પુણ્ય વ્રતવિધિ મળી ॥

કેને અરથે કરવું, પામનારો6 ન મળે વળી ॥ ૮ ॥

પુણ્ય પાપ પર પોતાનાં, સમજ્યામાં શું સાર છે? ॥

ન્યાયે અન્યાયે ન કરવું, એ પણ જૂઠો નિરધાર છે ॥ ૯ ॥

એમ આગમ અસત્ય થયાં, વળી વક્તા ન સમજ્યા વાત ॥

એ તો મત છે મૂરખનો, જીવ સાચો છે સાક્ષાત ॥૧૦॥

વેદાંતી વણસમજ્યે કહે, બ્રહ્મ હતો તે જીવ થયો ॥

એ પણ મોટો બાધ7 આવ્યો, તે પણ મર્મ નવ લહ્યો ॥૧૧॥

અછેદ્ય અભેદ્ય અખંડ એહ, અક્ષર બ્રહ્મ કે’વાય છે ॥

તેમાંથી આ જીવ ક્ષર્યો,8 એ કહેવાનો કાંઈ ન્યાય છે? ॥૧૨॥

વળી ભળશે જીવ જ્યારે બ્રહ્મમાં, ત્યારે કોઈક દિન ક્ષરશે ખરો ॥

ક્ષરણ સ્વભાવ બ્રહ્મમાં ખચીત,9 ત્યારે હર્ષ શોક શાને કરો ॥૧૩॥

વળી ઉચ્ચ નીચમાં અવતર્યો, જ્યાં સુખ નહિ દુઃખ અતિ ॥

ખર સૂકર શ્વાન સૃજવા,10 એવી કેમ આવી મતિ ॥૧૪॥

સુખ તજીને દુઃખ લેવું, એવું અજ્ઞાની પણ ઇચ્છે નહિ ॥

એ પણ વાત અસત્ય છે, જીવ સત્ય છે માનો સહિ ॥૧૫॥

વળી પરસ્પર પંચભૂતને, નથી વૈરબુદ્ધિ વપુધારીને ॥

આત્મા આત્મા એક છે, ત્યારે નાખે છે કેમ કેને મારીને ॥૧૬॥

અરિ મિત્ર તો અસત્ય છે, જ્યારે આત્મા તો છે એક ॥

એ તો વાણીનો વિલાસ છે, કહું હવે તેનો વિવેક ॥૧૭॥

જેમ નર આકાશમાં, અતિ ઊંચો કરે પ્રવેશ ॥

તેને આકાર અવનિ તણા,11 નજરે ન આવે લેશ ॥૧૮॥

પણ અવનિ પર એ છે ખરા, નથી અસત્ય આકાર એક ॥

નોખા નોખા નજરે, આવે છે એહ અનેક ॥૧૯॥

તેમ નિરવિકલ્પ સમાધિમાં, નથી આવતાં નજરે જોય ॥

પણ જીવ ઈશ્વર માયા વળી, એ સાચાં છે સહુ કોય ॥૨૦॥

માયા ઈશ્વર સત્ય છે, જાણો સત્ય છે જીવ જેહ12

અછેદ્ય અભેદ્ય અજનમા,13 નિત્ય નિરંશ કે’વાય તેહ ॥૨૧॥

તેને ત્રણ શરીર ત્રણ અવસ્થા, અને ત્રણ ધરે અભિમાન14

ત્રણ ગ્રંથિયે ગૂંથિયો, તેહ જાણો જીવ નિદાન ॥૨૨॥

હરખ શોકને તે ભોગવે, વાસનાએ જુક્ત એ જીવ ॥

જન્મમરણ સુખદુઃખમાં, રહે સંસૃતિ માંય સદૈવ ॥૨૩॥

શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ॥

એહ શરીર નવ તત્ત્વનું, જાણો જીવનું નિરધાર ॥૨૪॥

સ્વપ્નમાં જે જાય આવે, મૂરતિ માન શરીર ॥

સુખ-દુઃખને તે ભોગવે, મને માનજ્યો મહાધીર ॥૨૫॥

જેમ વહનિ વ્યાપે લોહમાં, જુદા પણ જણાયે નહિ ॥

તેમ જીવ અવસ્થા શરીરમાં, તદાત્મક15 રહ્યો થહિ ॥૨૬॥

ઘણ એરણ્યને વચ્ચે આવી, લોહ જેમ ઘડાય છે ॥

તેમ જીવ શરીર સંબંધે, માનો માર બહુ ખાય છે ॥૨૭॥

અનેક તન આવ્યાં ગયાં, વળી જશે આવશે અનેક ॥

દેહી16 નહિ દેહ વિના, એમ સમજી લેજ્યો વિવેક ॥૨૮॥

જેમ ભોયંગ અંગથી ઊતરે, કાંચળિયો કહું કોટ ॥

તોય અહિ તને આવે નહિ, જોને ખાલ્ય ઉતારતાં ખોટ ॥૨૯॥

એમ જીવને જાણજ્યો, જો તજે તન અનંત ॥

તોટો17 તોય આવે નહિ, મને માનજ્યો બુદ્ધિવંત ॥૩૦॥

એવી રીતે આગમમાં, જોઈ કહ્યો જીવ અખંડ ॥

તેને ઝાલી જાય છે, દિયે છે દુષ્કર18 દંડ ॥૩૧॥

આ તન તજતે અંગુષ્ઠમાત્ર, થાય ત્રણ તત્ત્વનું તન ॥

આકાશ વાયુ ને અગનિ, તેનું રૂપ બંધાય છે જન ॥૩૨॥

પછી તેને પંડ દેતાં, વળી વીતે છે દશ દન ॥

તેણે કરીને થાય છે, એક-મૂંઢા19 હાથનું તન ॥૩૩॥

પછી દિન અગિયારમે, ષટ ઊર્મિ વ્યાપે શરીર ॥

દ્વાદશ દિન સુધી રહીને, ચાલે તેરમે દિન અચીર ॥૩૪॥

સગાં સંબંધી સર્વે મેલી, ચાલ્યો એકીલો આપ ॥

સંગ ન ચાલી સંપત્તિ, ચાલ્યાં ભેળાં પુણ્ય ને પાપ ॥૩૫॥

આદર્યું તે અધવચ રહ્યું, થયું વચમાં વિવા’નું બારમું ॥

મનસૂબો મનમાં રહ્યો, થયું ચાલવાનું કારમું20 ॥૩૬॥

હાથ ઠાલે ને ભૂંડે હાલે, જીવ ચાલ્યો જમપુર મારગે ॥

અણતોળ્યાં દુઃખ આવિયાં, કહી કહી કહિયે ક્યાં લગે ॥૩૭॥

મનુષ્યલોકથી છ્યાસી સહસ્ર, જોજન ત્રણસો ત્રણ21

દક્ષિણ દેશમાં સંયમિની પુરી,22 વારિ વસુધા વચ્ચે ધરણ23 ॥૩૮॥

તિયાં જાવાનું થયું જીવને, ભેળું ભલું ભૂંડું ભાતું લહિ ॥

ખાવા લીધી સંગે ખરચી, જેમાં સુખનો લવલેશ નહિ ॥૩૯॥

વાટ વસમી વિકટ વળી, જિયાં ઓળખાણ નહિ આપણી ॥

પ્યાસ ભૂખનું કોણ પૂછે, દિયે માર બહુ સહુ ઘણી ॥૪૦॥

એહ મારગમાં જે ગામ છે, તેનાં તે કહું હવે નામ ॥

સોળ પુર છે દંડનાં, અને બીજાં તે અનેક ગામ ॥૪૧॥

પ્રથમ યમપુર નામ છે, પુર સૌરી બીજું જાણ ॥

વરિંદ્રપુર ત્રીજું કહિયે, ગાંધર્વ ચોથું વખાણ ॥૪૨॥

શૈલાગમ પુર પાંચમું, ક્રૂર પુર જાણો એ ષષ્ઠ ॥

ક્રૌંચ પુર એ સપ્તમું, વિચિત્ર પુર એ અષ્ટ ॥૪૩॥

નવમું પુર બાહ્વાપદ, દશમું દુઃખદ૧૦ જે નામ ॥

નાનાક્રંદ૧૧ દશ એક છે, સુતપ્ત૧૨ દ્વાદશ ઠામ ॥૪૪॥

રૌદ્રપુર૧૩ એ તેરમું, પયોવર્ષણ૧૪ દશ ને ચાર ॥

શીતાઢ્યપુર૧૫ એ પન્નરમું, બહુ બહુભીતિ૧૬ ષોડશ વિચાર ॥૪૫॥

એ સોળ પુર છે દંડનાં, એક એક થકી કઠોર ॥

મંદભાગી એ મારગે ચાલ્યો, જેણે કીધાં કર્મ અતિ ઘોર ॥૪૬॥

હવે જે જે દુઃખ ભોગવશે, સહેશે શરીરે માર ॥

શ્રવણ દઈ સૌ સાંભળો, કહું કરી વિસ્તાર ॥૪૭॥

પાછો ન ફર્યો પાપ કરતાં, કર્યાં અઘ અતિ અગણિત ॥

તે જીવ ચાલ્યો જમપુરીએ, ભૂખ પ્યાસે ભૂંડી રીત ॥૪૮॥

જમદૂતે જોરે ઝાલીને, નાખી કંઠમાં કાળપાશ24

આયુધ ઉગામે મારવા, બહુ બહુ દેખાડે ત્રાસ ॥૪૯॥

ઊંધે તે માથે તાણિયો, તેણે પ્રાણી કરે છે પોકાર ॥

અઘવંતની એ સમે, કહો કરે કોણ વા’ર ॥૫૦॥

કરતાં બહુ કુકર્મને, પાછું વાળી પેખ્યું નહિ ॥

ભલું ભૂંડું પડશે ભોગવવું, એવું આંખ્યે તો દેખ્યું નહિ ॥૫૧॥

અંધ ધંધે25 આયુષ્ય ખોઈ, કરી કમાણી જો પાપની ॥

અભાગીને એ મારગે, સર્વે થઈ છે સંતાપની26 ॥૫૨॥

જેહ અર્થે આ મનુષ્ય દેહ, તેહ કારજ કીધું નહિ ॥

અવળાં આચરણ આચર્યો, તેહ ફળ લેતાં ફજેતી થહિ ॥૫૩॥

અલ્પ સુખને આશરી, કરી ઘણી ઘણી ઘાત ॥

એવો પાપી પ્રાણિયો, તે ચાલિયો જમ સંઘાત ॥૫૪॥

પૂરણ દુઃખમાં જૈ પડ્યો, જેનો કે’તાં ન આવે પાર ॥

નિષ્કુળાનંદ નિશ્ચય કહે, સત્ય માનજ્યો નરનાર ॥૫૫॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું ૧ કડવું ૨ કડવું ૩ કડવું ૪ કડવું ૫ કડવું ૬ કડવું ૭ કડવું ૮ કડવું ૯ કડવું ૧૦ કડવું ૧૧ કડવું ૧૨ કડવું ૧૩ કડવું ૧૪ કડવું ૧૫ કડવું ૧૬ કડવું ૧૭ કડવું ૧૮ કડવું ૧૯ કડવું ૨૦ પદ