યમદંડ

કડવું ૧૯

પૂર્વછાયો

કુસંગ ને સતસંગનું, કહ્યું રૂડી રીતે કરી રૂપ ॥

સર્વે જન હવે સાંભળો, કહું એક વાત અનુપ ॥ ૧ ॥

જે સુણી આ જીવને, ઊઘડે અંતરની આંખ્ય ॥

સતસંગ સમજી કરે, તજે કુસંગ કરવા ધાંખ ॥ ૨ ॥

જેમ સર્વે સંત તણી, એક રે’ણી ને એક રીત ॥

તેમ હરિની હોય નહિ, કહું તેહ સુણો દઈ ચિત્ત ॥ ૩ ॥

જીવના કલ્યાણ કારણે, ધરે જૂજવી જાતના તન ॥

જિયાં જેવું કામ પડે, તિયાં તેવા થાય ભગવન ॥ ૪ ॥

ચોપાઈ

હવે સાંભળો સહુ સુજાણ રે, કહું વાત શાસ્ત્ર પ્રમાણ રે ॥

જેથી પ્રભુપણું પ્રિછાય રે, પ્રભુ પ્રગટમાં સંશય ન થાય રે ॥ ૫ ॥

દશ ચોવીશ આદિ અનંત રે, ધરે તન ઉદ્ધારવા સંત રે ॥

મત્સ્ય કચ્છ ને વરાહ નામ રે, નૃસિંહ વામન પરશુરામ રે ॥ ૬ ॥

રામ કૃષ્ણ બુદ્ધ ને કલકી રે, એહ આદિ જે તન અલોકી રે ॥

મત્સ્ય કચ્છ વારિમાં વિચર્યા રે, વરાહ નૃસિંહ વનમાં ફર્યા રે ॥ ૭ ॥

વામન પરશુરામ કહું વર્ણી રે, રામ કૃષ્ણની અલૌકિક કર્ણી રે ॥

બુદ્ધ શુદ્ધબોધના દાતાર રે, કલ્કી ભૂમિહરણ ભાર રે ॥ ૮ ॥

ક્રિયા એકએકની ન મળે રે, એમ લખ્યું પુરાણ સઘળે રે ॥

પણ કરવું જીવોનું કલ્યાણ રે, ધર્મ થાપી પાપી લેવા પ્રાણ રે ॥ ૯ ॥

જુગોજુગ પ્રગટે પાપી રે, કરે અધર્મ ધર્મ ઉથાપી રે ॥

દ્વિજ રાજ વળી વેષ ધારી રે, જેને કહ્યે વર્તે વર્ણ ચારી રે ॥૧૦॥

એમાં આવી રહે છે અધર્મ રે, તેહ કરાવે સૌને કુકર્મ રે ॥

સંત ભક્ત તપસી ને ત્યાગી રે, પીડે રંક ઋષિને અભાગી રે ॥૧૧॥

સતશાસ્ત્ર શ્રવણે ન સુણે રે, ખોટાં શાસ્ત્ર વાંચે બેસી ખુણે રે ॥

જેમાં મદ્ય માંસ વ્યભિચાર રે, જાતિવિટાળ ને અનાચાર રે ॥૧૨॥

એવાં શાસ્ત્ર સહુને સુણાવે રે, પાપીને તેની પ્રતીત આવે રે ॥

પછી મનને ગમે તે વરતે રે, બિયે નહિ અશુભ આચરતે રે ॥૧૩॥

બાંધી મહાપ્રભુએ મરજાદ રે, તેને ભાખે1 કુકર્મી ક્રવ્યાદ રે ॥

તેને દેખી ન શકે દયાળ રે, આવે એને અર્થે તત્કાળ રે ॥૧૪॥

ધર્મરક્ષા કરવાને કાજ રે, જુગોજુગ પ્રગટે મહારાજ રે ॥

તેમાં હરિજનનાં દુઃખ હરે રે, જેવું ઘટે તેવું તન ધરે રે ॥૧૫॥

તાતપર્ય એ સર્વેનું એક રે, કહ્યું વિચારી કરી વિવેક રે ॥

જેમ સાધુ સાધુતાયે અતિ રે, તેમ કૃષ્ણ કલ્યાણમૂરતિ રે ॥૧૬॥

પણ એથી ન હોય અકાજ રે, છે એ કલ્યાણમૂર્તિ મહારાજ રે ॥

જોને કામ ભાવે ભજી ગોપી રે, કુળ વેદ મર્યાદાને લોપી રે ॥૧૭॥

ભયે ભજીયા કંસ ભૂપાળ રે, ક્રોધભાવે ભજ્યા શિશુપાળ રે ॥

સ્નેહે વસુદેવ ને દેવકી રે, દુષ્ટભાવે કરી ભજી બકી2 રે ॥૧૮॥

સખાભાવે પાંડવ પ્રમાણ રે, દાસભાવે ઉદ્ધવ સુજાણ રે ॥

એહ આદિ સુખી થયા બહુ રે, પ્રગટ પ્રભુને સ્પરશી સહુ રે ॥૧૯॥

માનો ન ફરે એહ એંધાણ રે, પ્રભુ મળ્યે કોટિ કલ્યાણ રે ॥

વળી અજીત એવું આ મન રે, તેને જીતવે એ ભગવન રે ॥૨૦॥

એહ એંધાણે લેવા ઓળખી રે, પણ ક્રિયા તો ન હોય સરખી રે ॥

એહ મર્મ મેં કહ્યો અનુપ રે, સત્ય એમ છે એનું સ્વરૂપ રે ॥૨૧॥

કૃપાસિંધુ જે કૃષ્ણ મુરારિ રે, તે તો અવતારના અવતારી રે ॥

જે જે અવતાર કહ્યા મેં કથી રે, તે તો સર્વે શ્રીકૃષ્ણ માંયથી રે ॥૨૨॥

સર્વેનું છે શ્રીકૃષ્ણ કારણ રે, ભવભયહારી ભક્તતારણ રે ॥

આપ ઇચ્છાએ પ્રગટે મહારાજ રે, નિજજનની રક્ષાને કાજ રે ॥૨૩॥

જ્યારે કરવું હોય જેવું કામ રે, તન તેવું ધરે ઘનશ્યામ રે ॥

પણ સહુનું કારણ કૃષ્ણ રે, તેનું દુર્લભ સર્વને દષ્ણ3 રે ॥૨૪॥

તે તો સ્વયં પ્રભુ શ્રીહરિદેવ રે, તેનો જાણ્યો છે વિરલે4 ભેવ5 રે ॥

જે કોઈ મન વાણીને અગમ રે, તે તો થયા છે સહુને સુગમ રે ॥૨૫॥

કરવા કોટિ જીવનાં કલ્યાણ રે, આજ આપે પ્રગટ પ્રમાણ રે ॥

દેવા દર્શ સ્પર્શ અભયદાન રે, ઢળ્યા અઢળક ભગવાન રે ॥૨૬॥

તેને આવી મળે જન જેહ રે, જમદંડથી મુકાય તેહ રે ॥

ટળે સર્વે સંકટ ત્યારે રે, મળે સંત કે શ્રીહરિ જ્યારે રે ॥૨૭॥

સુખકારી દુઃખહારી દોય રે, સાચા સંત કે શ્રીકૃષ્ણ સોય રે ॥

જેને કહું છું શ્રીકૃષ્ણ અમે રે, તે જ શ્રીહરિ સમજો તમે રે6 ॥૨૮॥

એહ સર્વે સુખનું છે ધામ રે, સુખદાયી શ્રીઘનશ્યામ રે ॥

જન ઇચ્છે સુખી થાવા જેહ રે, અચળ એક ઠેકાણું છે એહ રે ॥૨૯॥

તેહ વિના નથી સુખ થાવા રે, જન્મ મરણ મહાદુઃખ જાવા રે ॥

કાં તો તે પ્રભુ કાં તેના જન રે, સુખી થાવા ઠામ માનો મન રે ॥૩૦॥

નથી એહ વિના બીજો ઉપાય રે, સત્ય માની લેજ્યો મનમાંય રે ॥

જેહ સમે જેનું હોય રાજ રે, તેહ સમે સરે તેથી કાજ રે ॥૩૧॥

માટે આ સમે એહ ભગવન રે, નિશ્ચે માની લેજ્યો સહુજન રે ॥

તે મળ્યા છે જેને મહારાજ રે, તેનાં સર્યાં છે સર્વે કાજ રે ॥૩૨॥

નથી રહ્યું તેને કાંય કરવું રે, જન્મ મરણ ભવફેરા ફરવું રે ॥

છેલ્લો જન્મ છે આ જાણી લેજ્યો રે, એમ જાણી આનંદમાં રે’જ્યો રે ॥૩૩॥

જ્યારે આવશે આ તન અંત રે, તેનું સહુ જાણો છો વરતંત રે ॥

નિશ્ચય આવે છે તેડવા નાથ રે, નિજસંત સખા લઈ સાથ રે ॥૩૪॥

અશ્વ રથ વહેલ્ય વિમાન રે, ગજ ગરૂડ ગાડિયો નિદાન રે ॥

આવે એક બે ત્રણ દિન આગે રે, દેઈ દર્શન ને દુઃખ ભાંગે રે ॥૩૫॥

તેને આવી કહે એમ નાથ રે, તુંને તેડી જાશું અમ સાથ રે ॥

થાજ્યે સાબદો કહી સહુને રે, કહેજ્યે આવ્યાં છે તેડવા મુને રે ॥૩૬॥

કરજ્યે વાયદો વિશ્વાસ લાવી રે, તેડી જાશું તે સમે અમે આવી રે ॥

નહિ પડે તેમાં ફેર કાંઈ રે, નિર્ભય રે’જ્યે તું મનમાંઈ રે ॥૩૭॥

એમ આગેથી કહે અવિનાશ રે, તેણે મન મગન રહે દાસ રે ॥

તેહ સમે તેડવાને આવે રે, સંગે સાજ અલૌકિક લાવે રે ॥૩૮॥

સર્વે સુખમય તે સમાજ રે, એમ આવે તેડવા મહારાજ રે ॥

વળી તે વિના બીજી છે રીત રે, સહુ સાંભળજો દઈ ચિત્ત રે ॥૩૯॥

જ્યારે ત્યાગવું હોય તનને રે, ત્યારે મો’રે જણાય જનને રે ॥

પછી બીજા જનને એમ કહે રે, મારો દેહ હવે નહિ રહે રે ॥૪૦॥

આજ થકી પાંચ દશ દન રે, વીશ ત્રીશમાં ત્યાગીશ તન રે ॥

જેને આવવું હોય મારે સંગે રે, તેને તેડી જાઉં હું ઉમંગે રે ॥૪૧॥

કરવું હોય જો સાબિત કેને રે, હરિધામમાં પોં’ચાડું તેને રે ॥

જે ધામમાં સદાય છે સુખ રે, નથી કોઈ વાતનું જિયાં દુઃખ રે ॥૪૨॥

તે ધામ ગોલોક કે’વાય રે, જેને મોટામોટા મને ચા’ય રે ॥

તેહ મધ્યે કરી રહો વાસ રે, જિયાં કાળ માયાનો નહિ ત્રાસ રે ॥૪૩॥

એવી હિંમત સોત હરિજન રે, એમ કહીને ત્યાગે છે તન રે ॥

એવી રીત સત્સંગ માંય રે, તેહ વિના બીજે નથી ક્યાંય રે ॥૪૪॥

એહ મોટા પ્રતાપને માનો રે, નથી એ પ્રતાપ કાંઈ છાનો રે ॥

સર્વે ધામ તણા જેહ ધામી રે, તે આવ્યા છે સહજાનંદ સ્વામી રે ॥૪૫॥

આવી શક્કો બેસાર્યો નવલ રે, અતિ અનુપમ જે અવલ રે ॥

સર્વે જીવ તણા સુખ કાજે રે, રૂડી રીત ચલાવી મહારાજ રે ॥૪૬॥

સુણી હરિજન રે’જ્યો મગન રે, મને માની લેજ્યો ધન્યધન્ય રે ॥

કહ્યાં જમપુરીનાં જે દુઃખ રે, તેના ભોગવનારા વિમુખ રે ॥૪૭॥

જેણે પ્રગટ પ્રભુને ત્યાગી રે, બીજી વાતે વળગ્યા અભાગી રે ॥

તે તો જમપુરીમાંઈ જાશે રે, તિયાં મનગમતો માર ખાશે રે ॥૪૮॥

કહી વિસ્તારી સરવે વાત રે, સુખ દુઃખ કહ્યાં સાક્ષાત રે ॥

નથી કે’વા કેડ્યે કાંઈ રાખ્યું રે, ભલી રીતે એ સર્વે ભાખ્યું રે ॥૪૯॥

જેવું કહ્યું’તું મહારાજે મુને રે, તેવું કહી સમજાવ્યું સહુને રે ॥

એહ મોટો થયો ઉપકાર રે, સુણી તરશે સહુ નરનાર રે ॥૫૦॥

પાપી બી’શે કરતાં તે પાપ રે, સુણી આ ગ્રંથ શ્રવણે આપ રે ॥

માટે રૂડું થયું જાણો જન રે, સુણી સહુ થાશે પાવન રે ॥૫૧॥

કહ્યું સર્વે સૂચવી સહુને રે, જેવું હરિએ ઉપજાવ્યું મુને રે ॥

આ જે જમદંડ ગ્રંથ ગાશે રે, સુણી જમદંડથી મુકાશે રે ॥૫૨॥

દેશે સાંભળી વિપ્રને દાન રે, અન્ન ધન વસ્ત્રાદિ સન્માન રે ॥

તે તો સુખી થાશે નરનાર રે, વળી સહજે તરસે સંસાર રે ॥૫૩॥

કહી સુખદુઃખની મેં વિધિ રે, જેવી મહારાજે આજ્ઞા કીધી રે ॥

કહ્યું મેં તો મતિ પ્રમાણે રે, જથાર્થ તો મહાપ્રભુ જાણે રે ॥૫૪॥

ઓછું અધિકું કહ્યું હોય કાંઈ રે, તે તો નાવ્યું હોય જાણ્યામાંઈ રે ॥

કહે નિષ્કુળાનંદ વિચારી રે, સહુ જન લેજ્યો હૈયે ધારી રે ॥૫૫॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું ૧ કડવું ૨ કડવું ૩ કડવું ૪ કડવું ૫ કડવું ૬ કડવું ૭ કડવું ૮ કડવું ૯ કડવું ૧૦ કડવું ૧૧ કડવું ૧૨ કડવું ૧૩ કડવું ૧૪ કડવું ૧૫ કડવું ૧૬ કડવું ૧૭ કડવું ૧૮ કડવું ૧૯ કડવું ૨૦ પદ