યમદંડ
કડવું ૬
પૂર્વછાયો
પછી પાપી જીવને, ઘેરી રહ્યા હતા ઘટમાંય ॥
કાયામાંથી કાઢવા, કર્યો યમકિંકરે ઉપાય ॥ ૧ ॥
સઉ કિંકર થઈ સાબદા, વીંટી વળ્યા તે વાર ॥
ક્રોધ કરી કઠણ અતિ, દિયે મૂઢમતિને માર ॥ ૨ ॥
જોઈ ભૂંડાઈ જીવની, નથી આવતી યમને મે’ર ॥
રૂંધ્યો ભૂંડી રીતશું, પીડવા બહુ પે’ર ॥ ૩ ॥
જન્મ ધરી જે જે કર્યાં, પાપી જીવે જે પાપ ॥
તે તે સંભારી સરવે, કર્યો યમદૂતે સંતાપ ॥ ૪ ॥
રાગ: ધન્યાશ્રી (‘જન્મ્યા ત્યાંથી જરૂર જાણો’ એ ઢાળ)
બાળ જોબનમાં જે જે કર્યાં’તાં, વૃદ્ધપણામાં વળીજી ॥
કર્યાં કરાવ્યાં પાપ જે પોતે, તે આવ્યાં છે મળીજી ॥ ૫ ॥
સારી ઉમરમાં સુખને અર્થે, કર્મ વિકર્મ જે કીધુંજી ॥
સર્વે મળીને અઘ તે આવ્યું, અંત્યે દુઃખ જ દીધુંજી ॥ ૬ ॥
કર્યાં કર્મ કાળાં કંઈ, કુળ કુટુંબને કાજેજી ॥
ભવ આખાની ભૂંડાઈ લીધી, લોકડિયાંની લાજેજી ॥ ૭ ॥
કઠણ વેળાએ કામ ન આવી, પડી પોતાને માથેજી ॥
પાપમાં પાંતી1 કેણે ન લીધી, જે કર્યા’તાં નિજ હાથેજી ॥ ૮ ॥
બેખબરને ખબર તેની, પડી નહિ લગારજી ॥
ભૂંડે હાલે ભોંયે સુવાર્યો, તોયે ના’વ્યો વિચારજી ॥ ૯ ॥
ત્યાર પછી જે પાસળ હતાં, જમનાં જૂથ અપારજી ॥
સર્વે આવી અંગે વળગ્યાં, કે’તાં ન આવે પારજી ॥૧૦॥
ઘેરી લીધો ઘાંઘો2 કીધો, દીધો બહુ મારજી ॥
અચાનક આવી વીંટ્યો, ગાફલ નર ગમારજી ॥૧૧॥
મારો મારો શું વિચારો, ખૂની આવ્યો હાથજી ॥
દયા રખે આણો દલમાં, એમ બોલે જમ સાથજી ॥૧૨॥
કઠણ વાણી બોલે તાણી, આણી વચન વાંકાંજી ॥
કાનપડિયા થયા ઉજડિયા, ફૂટી પડિયા ફાંકાંજી ॥૧૩॥
કોયક ક્રૂર બોલે મુખથી, જાણ્યું ગર્જ્યો મેઘજી ॥
પડી અંગ જાયે ને થયું અંધારું, તાંણી કરમાં તેગજી3 ॥૧૪॥
કૈક આંખ્ય દેખાડે એવી, જેવી પડતી વીજજી ॥
કરડે દાંત ને થાય કડાકા, તીખા લાગે તેજજી ॥૧૫॥
કાઢી જીભ દેખાડે ડરાવે, સામુ જોયું ન જાયજી ॥
રોક્યાં દ્વાર4 દશે જમે જ્યારે, ભાગી કેમ જવાયજી ॥૧૬॥
આકુળ વ્યાકુળ થઈ આકળો, દિયે અંગમાં દોટુંજી ॥
જીયાં જુવે ત્યાં જમને દેખે, પામે મહાદુઃખ મોટુંજી ॥૧૭॥
ઘણે વાઘે વાનર ઘેર્યો, કરે જેમ કિલકારજી ॥
હાકા-બાકા ચડ્યો હિલોળે, કરે બહુ પોકારજી ॥૧૮॥
દુઃખનો દરિયો સભર ભરિયો, પડિયો તેમાં પ્રાણીજી ॥
પેટ ભરી જે પાપ કર્યા’તાં, જમદુઃખ જૂઠાં જાણીજી ॥૧૯॥
તે તો સર્વે સાચું થયું, ગયું સુખ સમૂળુંજી ॥
હાં હાં કરતાં જનમ હાર્યો, આવ્યું દુઃખ અણતોળ્યુંજી ॥૨૦॥
જમને દૂતે ઝાલ્યો ગળે, તેણે ડચકાં ભરેજી ॥
મે’ર ન આવે મારે ઘણું, કાઢો કાઢો કરેજી ॥૨૧॥
રગ5 મારગ રોકી તે વારે, બંધ પવન લઈ કીધોજી ॥
સૂક્ષ્મ રૂપ ધરી શોધીને, પળમાં પકડી લીધોજી ॥૨૨॥
મારી મુદગર ગાઢા ગરજી, બાંધ્યો બેઉ હાથેજી ॥
પાયે ઝંજિરા6 સાંકળ સારી, મારી લીધો સાથેજી ॥૨૩॥
મૂષો7 જેમ માર્જારે8 ઝાલ્યો, મછલી ઝાલી બકેજી9 ॥
તેતરને જેમ બાજે ઝાલ્યો, એમ ઝાલ્યો અચાનકેજી ॥૨૪॥
મનોરથ રહ્યા મનમાં, અધુરા આદરિયાજી ॥
જમને દૂતે લીધો જોરે, રહ્યા મનસૂબા ધરિયાજી ॥૨૫॥
બહુ બફોયો10 અતિ અસોયો, કીધો ભૂંડે હાલેજી ॥
કાયામાંથી કાઢ્યા સારુ, એવાં દુઃખ આલેજી ॥૨૬॥
પૂઠ્ય દ્વારેથી કાઢ્યો પછી, અંગથી અળગો કીધોજી ॥
જીવ કાયાને થયો જુવારો,11 મારી મો’રે લીધોજી ॥૨૭॥
જેમ દડે પડે બહુ ડાંગુ,12 ચોંકે ચારે કોરજી ॥
એમ મારતા મહાપાપીને, ચાલ્યા જમરા ઘોરજી13 ॥૨૮॥
જમપુરીમાં જઈ પોં’ચાડ્યો, માનો મુહૂર્ત માંઈજી ॥
પાપ પુણ્ય પૂછી પ્રાણીનાં, વળતા લાવ્યા આંઈજી ॥૨૯॥
કર્મ વિકર્મ કર્યાં જે સારુ, તેનું14 જોવા હેતજી ॥
દ્વાદશ દિન સુધી દેખવા, પાપી થયો પ્રેતજી ॥૩૦॥
પ્રેતના દેહને પામી હરામી, દેખે છે દુર્મતિજી ॥
કમાણી તો કામ ન આવી, થઈ છે ભૂંડી ગતિજી ॥૩૧॥
ત્યાર પછી જે તન પડ્યું’તું, દીઠું ખાલી જોતાંજી ॥
કુટુંબ મળી કુતોહલ15 કીધો, રહે નહિ છાનાં રોતાંજી ॥૩૨॥
માત તાત ભાઈ ને ભગિની, રુવે સુત ને નારીજી ॥
ઊઠે દાઝ્ય એને અંતરમાં, સ્વારથ આપ સંભારીજી ॥૩૩॥
કુળ કુટુંબ કૂડું કૂડું,16 રુવે માને ન્યા’લજી ॥
ઘર ખેતર શેઢા સીમે, મોટું મટ્યું સાલજી17 ॥૩૪॥
ઘરની નારી ઘર સંભારી, રુવે આઠું જામજી ॥
ગોલાની પેઠે આ ઘરનું, કોણ કરશે કામજી ॥૩૫॥
સંસારનું સુખડું સર્વે, જોતાં કરી ગયો ઝેરજી ॥
ઓઢ્યા પે’ર્યાનું ઊતરિયું,18 કરિયે કઈ પેરજી ॥૩૬॥
લટ ત્રટ ત્રોડી કંકણ ફોડી, જોડી19 આજ વિખંડીજી20 ॥
એવાતણ21 ઊતરિયું મારું, હું સુવાગણ્ય22 રંડીજી ॥૩૭॥
ભૂ પર લોટે હૈયું કૂટે, છૂટે કેશે નારીજી ॥
રહી ભૂખ અંતરમાં મોટી, ભોગ તણી તે ભારીજી ॥૩૮॥
કાગારોળ23 કાને સુણી, આવી બીજી બાઈયુંજી ॥
વિવાહથી વા’લેરું24 લાગે, પારકું ત્રધાયુંજી25 ॥૩૯॥
ઘેરઘેરથી ઘેરે વળીને, મળી મંડળી બાંધીજી ॥
ગાણા સરખું રોણું રુવે, સર્વે રાગ જ સાંધીજી ॥૪૦॥
ચલતી ચાલ્ય ચોકારો26 લઈને, ત્રોડે સરખું તાનજી ॥
લડાવી લટકાં શું કરે, રોયા માંઈ ગાનજી ॥૪૧॥
એક નારી કહે છે એને, જમનાં તેડાં નો’યજી ॥
બીજી કહે મ બોલ્ય બાઈ, હોયે હોયે હોયજી ॥૪૨॥
કૂટી પીટી કાઢ્યો બા’રો, ઠોકી ઠાલે હાથેજી ॥
પાપ પુણ્ય જે કીધાં પ્રાણી, તે તો ચાલ્યાં સાથેજી ॥૪૩॥
લઈ કાષ્ઠ લગાડી દીધો, કાં તો ભૂમાં દાટ્યોજી ॥
જોજ્યો રે જે પાસળ હો તે, સરવાળે શું ખાટ્યોજી ॥૪૪॥
ગામ ગરાસ ઘર હવેલી, પડ્યાં રહ્યાં પછવાડેજી ॥
માલ ખજીના27 ખાવા જાણ્યું, નો’તું કોઈ દા’ડેજી ॥૪૫॥
બાળી ઝાળી ટાળી કાયા, સૌ કોઈ આવ્યાં ઘેરજી ॥
ઉતારીને મેલ્યો મનથી, કોઈ ન પૂછે પેરજી28 ॥૪૬॥
ઠાલો આવ્યો ને ભૂલો ગયો, વાયો29 ને વગૂતોજી30 ॥
જોજ્યો રે કમાણી કીધી, જમને ગાડે જૂતોજી ॥૪૭॥
બાર દિવસ એ બેઠાં જોયું, જે જે કીધું કેડેજી ॥
લાળ મવાળે થૂંકે બળખે, મુખ ભરાણું સેડેજી ॥૪૮॥
ઘર ચૌટા મસાણમાંહી, દિન દ્વાદશ રહ્યોજી ॥
તર્ત તિયાંથી દન તેરમેં, જમની સાથે ગયોજી ॥૪૯॥
ચડીચોટે31 લીધો દોટે, જમને દૂતે જોરેજી ॥
ત્યારે પાડે રાડ્યો કાળી, બહુ દુઃખે બકોરેજી ॥૫૦॥
કાયર રોદન કરે કુબુદ્ધિ, કોઈ ન સુણે કાનેજી ॥
સગાં સંબંધી સૌનો ટળિયો, પડિયો જમને પાનેજી ॥૫૧॥
કિંકર કરે પડિયો પાપી, કરે કોણ સહાયજી ॥
નિષ્કુળાનંદ કે’ નાથ ભજ્યા વિના, નહિ અવર ઉપાયજી ॥૫૨॥
પૂર્વછાયો
ઉપાય નથી આ જીવને, પ્રભુ ભજ્યા વિના કોઈ પેર ॥
જન્મ મર્ણનું જોખમ માથેથી, મટે નહિ જમવેર32 ॥૫૩॥
ઘડિયે ઘડિયે ઘટે આવરદા, આયુષ્ય ઓછું થાય ॥
એહ દુઃખને મટાડવા, કરવો સહુને ઉપાય ॥૫૪॥
એવું દુઃખ જે તે આવવા, વળી નથી કાંયે વાર ॥
નથી ઉધારો એહનો, તન મૂકતાં છે તૈયાર ॥૫૫॥
મળ્યું સુખ જાશે મટી, આવશે ઊલટી દુઃખ ॥
માટે ગાફલતા મેલીને, શ્રીહરિ સમરવા મુખ ॥૫૬॥
જાવું જોઈશે જમપુરીએ, જીવ જાણી લેજ્યો જરૂર ॥
નિમિષ નિમિષે નિકટ આવે, દેખી લે નથી એહ દૂર ॥૫૭॥