યમદંડ

કડવું ૧૨

પૂર્વછાયો

પછી પ્રાણી પોકારીને, કહે સુણો ધર્મ નિદાન ॥

અધર્મ આવો કાં કરો, કાંરે કોયે ન સાંભળો કાન ॥ ૧ ॥

જે દીથી તન મેં ત્યાગિયું, તે દીથી મારો જ માર ॥

અંગોઅંગ ભાંગી ગયાં, તોય હજી ન આવ્યો પાર ॥ ૨ ॥

ધર્મ નામ શીદ ધારિયું, જ્યારે દયા નહિ દિલમાંય ॥

મુજ જેવા કંગાલ પર, નથી કરુણા જો કાંય ॥ ૩ ॥

મેં જાણ્યું મન માહરે, ગુહ્ના બક્ષશે ધર્મરાય ॥

ત્યાં તો સામું કોપ કરી, મુને નાખ્યો મહાદુઃખ માંય ॥ ૪ ॥

એવું સુણી રાય બોલિયા, તું સાંભળ્ય પાપી વાત ॥

જમદંડને તેં જૂઠા જાણી, ઘણી ઘણી કરતો ઘાત ॥ ૫ ॥

કહ્યું શાસ્ત્ર સંતે મળી, સુણી તે ન માન્યું મન ॥

આજ મનાવે છે અમને, જેને છે હરિનું વચન ॥ ૬ ॥

સાચા સંતથી સુણ્યું નહિ, સત્યશાસ્ત્રનું તે સાર ॥

નિજ દોષ નથી દેખતો, કરે છે બીજાને ગુનેગાર ॥ ૭ ॥

હવે લઈ જાઓ જમદૂત એને, આપું છું આગન્યા એહ ॥

અઠ્ઠાવીશ જે નરક છે, હવે ભોગવે મર તેહ ॥ ૮ ॥

એમ રાયે આજ્ઞા કરી, તે ધરી જમદૂતે ચિત્ત ॥

કઠણ છે કૂપ નરકના, મહા ભયંકાર ભયભીત ॥ ૯ ॥

તે જુક્તે કરી કહું જૂજવાં, કહુ નરકનાં જે નામ ॥

જેહ પાપે પડે નરકમાં, પાપી પુરુષ ને વામ ॥૧૦॥

પંચમસ્કંધે પરીક્ષિત પ્રત્યે, શુકે કહ્યાં નરક સોય ॥

વિધવિધે તે વર્ણવું, તમે સાંભળજ્યો સહુ કોય ॥૧૧॥

તામિસ્ર અંધતામિસ્ર, રૌરવ મહારૌરવ જે ॥

કુંભીપાક ને કાળસૂત્ર, અસિપત્રવન દુઃખદવ જે ॥૧૨॥

સૂકરમુખ અંધકૂપ કહિયે, કૃમિભોજન૧૦ ને સંદશ૧૧

તપ્તસૂર્મિ૧૨ વજ્રકંટક, શાલ્મલી૧૩ જાણો ત્રયોદશ ॥૧૩॥

વૈતરણી૧૪ પુયોદ૧૫ પ્રાણરોધ,૧૬ વૈશાસન૧૭ નરક દુઃખ વળી ॥

લાલાભક્ષ૧૮ સારમેયાદન,૧૯ અવિચિ૨૦ અયઃપાન૨૧ મળી ॥૧૪॥

એકવીશ નરક એ કહ્યાં, ક્ષારકર્દમ૨૨ રક્ષોગણ ભોજન૨૩

શૂલપ્રોત૨૪ દંદશૂક,૨૫ વળી અવટરોધન૨૬ ॥૧૫॥

પર્યાવર્તન૨૭ સૂચિમુખ,૨૮ એ સર્વે દુઃખના સ્થળ છે ॥

નરક અઠ્ઠાવીશ નામ કહ્યાં, એ પાપીને પાપનું ફળ છે ॥૧૬॥

જેણે જેવાં કર્મ કર્યા, તેહને તેહવો દંડ ॥

પાપી જીવને પીડવા, કરિયા અઠ્ઠાવીશ કુંડ ॥૧૭॥

જેવે પાપે એ જીવ પડે, નરકમાં નર નાર ॥

શ્રવણ દઈ હવે સાંભળો, કહુ નરક તે નિરધાર ॥૧૮॥

પરધન પરદારા પાપી, હરે પરના વળી બાળ ॥

એહ પાપે એહ જીવને, નાખે તામિસ્રમાં તતકાળ ॥૧૯॥

અતિ ભયાનક ભૂંડો ઊંડો, જેમાં જંતુ અતિ અંધાર ॥

જમદૂતે ગળે બળે બાંધી, નાખ્યો તેહની મોઝાર ॥૨૦॥

ખાવું પીવું ન દેવું કે’વું, હવે જોજ્યે પાપી તારા હાલ ॥

એમ કહીને તાડે પછાડે, પાડે રાડોરાડ્ય કંગાલ ॥૨૧॥

કહે કિયાં જાઉં કેમ કરું, કેમ પામીશ દુઃખનો પાર ॥

પીડા માંહી પ્રાણિયો, કરે કાયર સાદે પોકાર ॥૨૨॥

પછી કંઈક કલપે1 કાઢિયો, એહ નરકથી બા’ર ॥

પાપ તપાશીને પાપીનાં, નાખે અંધતામિસ્ર મોઝાર ॥૨૩॥

કપટ વિકટ કરતો ભરતો, પાપી પાપમાં પગ ॥

ભોળા પુરુષને છળી વળી, લેતો ધન ત્રિયા તેનું ઠગ ॥૨૪॥

એહ પાપે નાખિયો, તેહ અંધતામિસ્ર માંઈ ॥

યમદૂતના મારથી, જેની મતિ ગઈ છે મુઝાઈ ॥૨૫॥

મહા અંધારું જેમાં મોટા, જંતુ અતિશે અનંત ॥

રોમેરોમે તન તોડી ખાય, તેનો ન આવે અંત ॥૨૬॥

થડ થકી જેમ કાપતાં, વળી ઢળી પડે તરુ જેમ ॥

તેમ પડે એ પ્રાણિયો, પૃથવી ઉપર એમ ॥૨૭॥

નિરાધાર નિરાશ થઈ, બોલી ન શકે મુખ ॥

નિત્ય ઊઠી નવા નવું, કેટલુંક ખમાય દુઃખ ॥૨૮॥

મે’ર ન આવે મારતાં, યમને નિરદયા જોર ॥

તેને હાથ પડ્યો પાપિયો, પાડે બહુ દુઃખે બકોર ॥૨૯॥

પૂરણ દુઃખ દઈ લઈ, કાઢિયો કોઈક કાળ ॥

કર્મ તપાશી તેહનાં, નાખ્યો રૌરવે તતકાળ ॥૩૦॥

અધર્મે ઈયાં ધન મેળી, પોષ્યું નિજકુળ નિજદેહ ॥

આપ સ્વારથ સારુ મારી, જાત્ય જંતુની જેહ ॥૩૧॥

પછી નિજકુળ નિજદેહને, તજી જાયે જમપુરે જંત ॥

તેહ પડે રૌરવમાં, જેમાં દુઃખનો નહિ અંત ॥૩૨॥

વિકટ વ્યાળે2 ભર્યો ભયાનક, તેમાં જમદૂતે કરી જોર ॥

નાખ્યો પરાણે એ નરકમાં, ભૂખે દુઃખે પાડે બકોર ॥૩૩॥

રાત દિવસ દુઃખી રહે, નહિ સુખનો લવલેશ ॥

જાય ઘડી જુગ જેવડી, હેરાણ ગતિ છે હંમેશ ॥૩૪॥

કંઈક કાળે બા’ર કાઢે, જમદૂત તે એહ જન ॥

પાપી પડે મહારૌરવે, જેમાં જંતુઓ તોડે તન ॥૩૫॥

આ લોકમાં અભાગિયે, માર્યા હતા જીવને જેમ ॥

તે જીવ મરી રુરુ3 થઈ, મારે છે અધર્મીને એમ ॥૩૬॥

જીહ્વા સ્વાદે જીવનાં, મારીને ખાતો તો માંસ ॥

એમ જ ખાધું એહનું, તેમ જ કરીને તપાસ ॥૩૭॥

અલ્પ પાપ અણું જેટલું, વળી કર્યું હોય કોઈ સ્થળ ॥

તે તે સંભારી સરવે, દિયે દુઃખ તેહ પળ ॥૩૮॥

એવી રીત રુરુ તણી, રાય રંકનો એક ન્યાય ॥

અધિક ન્યૂન એને નહિ, એમ જાણજ્યો મનમાંય ॥૩૯॥

રુરુનામે ક્રવ્યાદ4 કે’યે, તે માંસ તોડી તોડી ખાય ॥

જે જીવે નિજદેહ સારુ, કર્યા અસત્ય ઉપાય ॥૪૦॥

એમ દુઃખને ભોગવી જ્યારે, નીસરે નરકથી બા’ર ॥

પાપી પડે કુંભીપાકમાં, જિયાં દુઃખનો નહિ પાર ॥૪૧॥

પશુ પંખી જીવતાં, રાંધીને ખાતો’તો માંસ ॥

તેને તેલમાં રાંધિયો, કર્યો તેમ જ તનનો નાશ ॥૪૨॥

દીધાં દુઃખ બહુ જીવને, મે’ર મનમાં ના’વી વળી ॥

તે પાપે પડ્યો નરકમાં, કરી કમાણી આવી મળી ॥૪૩॥

ઉગ્ર સ્વભાવી અભાગિયો, જેને નહિ કરુણા લેશ ॥

કોઈ ન કરે કર્મ એવાં, તેવાં કરે છે અહોનિશ ॥૪૪॥

આપ સ્વારથે અનર્થનો,5 કરતાં ન કરે વિચાર ॥

જુલમ6 સર્વે જક્તનાં, રાખ્યા હૃદયા મોઝાર ॥૪૫॥

પ્રપંચનું નવ પૂછવું, કહિયે કપટનો વળી કોટ ॥

એહ આદિ અઘે ભર્યો, કોઈ વાતની નહિ ખોટ ॥૪૬॥

તેહ પાપે પાપી કરે, કુંભીપાકમાં પ્રવેશ ॥

જમદૂત દુઃખ દે ઘણું, જિયાં સુખનો નહિ લેશ ॥૪૭॥

દુઃખના દરિયા ઊલટ્યાં, વળી મેલી દીધી મરજાદ ॥

આવ્યાં મળી અઘ આપણાં, કરે કિયાં તે ફરિયાદ ॥૪૮॥

હદ્ય7 મેલીને હાલિયો, બાંધી વૃષભ8 સાથે વેર ॥

એવા અધર્મીને જોઈને, કહો કેને આવે મે’ર ॥૪૯॥

એવી રીત નરકની કહી, પંચમસ્કંધ માંય જેહ ॥

તેમની તેમ મેં લખી, કહે નિષ્કુળાનંદ એહ ॥૫૦॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું ૧ કડવું ૨ કડવું ૩ કડવું ૪ કડવું ૫ કડવું ૬ કડવું ૭ કડવું ૮ કડવું ૯ કડવું ૧૦ કડવું ૧૧ કડવું ૧૨ કડવું ૧૩ કડવું ૧૪ કડવું ૧૫ કડવું ૧૬ કડવું ૧૭ કડવું ૧૮ કડવું ૧૯ કડવું ૨૦ પદ