યમદંડ
કડવું ૪
પૂર્વછાયો
પ્રભુ વિમુખ જે પાપિયો, પામે પરલોકમાં દુઃખ ॥
કૃતઘ્ની જે કુબુદ્ધિ, તેને ક્યાંયે ન હોય સુખ ॥ ૧ ॥
પરલોકે પીડા પામશે, આ લોકે દુઃખ અપાર ॥
સુખ શાંતિ ક્યાંથી લહે, એવા પાપનાં કરનાર ॥ ૨ ॥
બાળ જોબન વૃદ્ધમાંયે, કર્યા કર્મ અપાર ॥
માન ઘટ્યું મમતા વધી, પછી સૌએ કર્યો તિરસ્કાર ॥ ૩ ॥
હેતુ1 જેને જાણતો, રાખતો અતિ ઘણું હેત ॥
તે જ લાગ્યાં તિરસ્કારવા, કહે પરો રહે પાપી પ્રેત ॥ ૪ ॥
રાગ: ધોળ (‘જન્મ્યા ત્યાંથી જરૂર જાણો’ એ ઢાળ)
બાળ ત્રિયા2 બીજા બહુ મળી, વચન કહે કરી રોષાજી ॥
અમે અમારું ઉકેલશું બેસી રે’ને દુર્મતિ ડોસાજી ॥ ૫ ॥
લવલવ કરતાં લાજ ન આવે, કહી કહીને શું કહિયેજી ॥
બોલતાં બંધ ન બેસે તારે, જીહ્વા ઝાલીને રહિયેજી ॥ ૬ ॥
ઊનું ટાઢું હાજર હશે, એવું અન્ન આણી દેશુંજી ॥
ટંક ટાણાની ટેવ નહિ રહે, જ્યારે નવરા થાશુંજી ॥ ૭ ॥
તું જેવા નકામા નથી, અમારે છે કામજી ॥
ન થાવાનાં નખરાં મૂકી, બેસી રહે એક ઠામજી ॥ ૮ ॥
ન બોલ્યાનું બોલે છે બૂઢા, જિહ્વા મૂકી છૂટીજી ॥
બા’રની બુંદાણી3 આંખ્યો, હૈયાની પણ ફૂટીજી ॥ ૯ ॥
સમજ્યા વિના શાને માટે, લવરી કરે છે લાંબીજી ॥
મેલ્ય મનસુબો મહાસુખ લેવા, કરી કમાણી આંબીજી4 ॥૧૦॥
તારા કર્તવ્ય નડિયા તુંને, દે મા કેને દોષજી ॥
ભાવે કરીને ભોગવ્ય હવે, મેલી મન અફસોષજી ॥૧૧॥
ખાધા ટાણે ખાંચ્યો5 કાઢી, ખારું મોળું કહેતોજી ॥
એ તો દિન વીતી ગયા આગે, પળમાં રિસાઇ રહેતોજી ॥૧૨॥
એવાં વચન શ્રવણે સુણતાં, ચિત્તમાં લાગ્યો ચટકોજી ॥
લઈ કર લાઠી ચૌટે ચાલ્યો, બાંધી ફાટો પટકોજી ॥૧૩॥
પો’ર બે પો’ર ત્યાં બેસી રહ્યો, પણ કેણે ન પૂછી પેરજી6 ॥
લાગી ભૂખ ને પ્યાસે પીડ્યો, અણતેડ્યો આવ્યો ઘેરજી ॥૧૪॥
ઓશિયાળો આંગણિયે ઊભો, ટાંપાટૈયા7 કરવાજી ॥
કાલાવાલા ક્રોડ કરે પણ, ઘરમાં ન દિયે ગરવાજી ॥૧૫॥
ઓશરિયે ઊભો અન્ન વિના, કંપે થરથર કાયાજી ॥
છોરું સહુ છણકાવા8 લાગ્યાં, ન જુવે સામું જાયાજી9 ॥૧૬॥
પછી કહે ઘડી બે પછી, આપો એને અન્નજી ॥
આજ પછી એ આવું વળી, ન કરે કોઈ દનજી ॥૧૭॥
આદર વિના આપ્યું ખાવા, અન્ન અતિ ઊતરેલજી ॥
માંખી મચ્છર માંહે પડ્યાં’તાં, હતું વણ ઢાંકેલજી ॥૧૮॥
શ્વાનની પેઠે સ્વાદ જ મૂકી, ખાધું દીધું જેવું અન્નજી ॥
હુવા હાલ હવાલ10 જ એવા, તોય ન વિચાર્યું મનજી ॥૧૯॥
કાંય ન ચાલે સુખડાં સાલે,11 મોર્યનાં મન માંઈજી ॥
ખટ રસ ભોજન ખાવા ભાવે, કહ્યું ન જાયે કાંઈજી ॥૨૦॥
નયણે ન સૂઝે થરથર ધ્રૂજે, અંગની શોભા સૂકીજી ॥
દંત ગયા તન ત્વચા લટકી, કેશે કાળપ્ય મૂકીજી ॥૨૧॥
ચલણ ચૂક્યું માન ન મૂક્યું, થઈ જરજરી12 કાયાજી ॥
હરિ ન ભજ્યો મોહ ન તજ્યો, મનમાં ઇચ્છ્યો માયાજી ॥૨૨॥
અંતર બળે ભોગ ન મળે, મને કલપના થાયજી ॥
ઇચ્છ્યું ન આવે મુખે ન ભાવે, ખાટ્યે સૂતો ખાયજી ॥૨૩॥
મળ મૂત્ર માંય તે લોટે,13 ભૂંડી ગંધ્ય ઊઠે જ્યાં ભારીજી ॥
તેને અભાવે અળગાં રહી, અન્ન આપે નર નારીજી ॥૨૪॥
પાસું14 ન ફરે પ્યાસે મરે, કોઈ ન લિયે સારજી ॥
લોક સગામાં લજ્જા ખોવા, પાપી કરે પોકારજી ॥૨૫॥
જોજ્યો રે મારી આ સમામાં, કોઈ ન કરે સેવાજી ॥
તરસ્યો ભૂખ્યો હું તલપું છું, નાવે ખબર લેવાજી ॥૨૬॥
સહુ મળી સમજાવી કહોને, કરે ચાકરી મારીજી ॥
નહિ તો મરીશ કૂવે પડીને, જાશે લાજ તમારીજી ॥૨૭॥
એમ કરીને ઉચ્ચે સાદે, બોલ્યો બરકી15 બહુજી ॥
નર નારી જે નાનાં મોટાં, આવ્યાં સુણી સહુજી ॥૨૮॥
ઘરના કહે અકારા16 કરવા, પોકારે છે પાપીજી ॥
સંબંધી સૌ સામટા મળી, કહે છે ઠપકો આપીજી ॥૨૯॥
મળ્યાં પાપ અમારાં મોટાં, જે તારો અંત ન આવેજી ॥
શું ભાખ્યું17 છે ભૂંડા તારું, કાંરે કુળ લજાવેજી ॥૩૦॥
શું કહીને સમજાવિયે તુંને, બોલે છે કાળો કે’રજી ॥
દાટ્યો રહેને દુર્મતિ ડોસા, લાગે છે કડવો ઝેરજી ॥૩૧॥
લાજ્યું ઘર લાખેણું અમારું, કર્યા હાંસુ18 ને હેરાણજી ॥
ખપવાળા ખપ્યા19 છે સર્વે, તારા ન ગયા પ્રાણજી ॥૩૨॥
જેનો ખપ ઇયાં પણ નથી, તેનો ત્યાં પણ નથીજી ॥
માગ્યાં મોત મહાપાપીને, કહોને આવે ક્યાંથીજી ॥૩૩॥
સહુ જાણે જે સેવા તારી, નહિ કરતાં હોય કોઈજી ॥
એમ અમને અકારા કીધા, વંઠેલ તેં વગોઈજી ॥૩૪॥
મરજ્યે મરજ્યે મરજ્યે મૂરખ, એવી આશિષ દીધીજી ॥
શા સુખ સારુ જીવે છે પાપી, લાજ અમારી લીધીજી ॥૩૫॥
એમ કહીને ઊભા આગે, પ્યાસ ભૂખનું ન પૂછેજી ॥
એવું કહ્યું ન જાય સહ્યું, કહ્યું સુખદુઃખનું તારે શું છેજી ॥૩૬॥
એમ કહીને સંબંધી સર્વે, ઊઠી ચાલ્યાં અળગાંજી ॥
સર્વે દુઃખ સજીને20 આવ્યાં, વળતાં તેને વળગ્યાંજી ॥૩૭॥
આધિ વ્યાધિ છે અંગ કેડ્યે, કહી ન જાય કેણેજી ॥
બાળ જોબન વૃદ્ધપણામાં, સહુ કોઈ પીડાય તેણેજી ॥૩૮॥
નખ વેઢો ને નયુ પાક્યું, ઝામરો ને ઝામરીજી21 ॥
સાતપડો ને સોજા ચઢિયા, તેની પીડા ખરીજી ॥૩૯॥
રાફો રીંગણી રતવા, પત્યે પગ ખવાણાજી ॥
કીડિયારાં પડિયાં ઘારા, ઝાઝું રૂવે ઝલાણાજી ॥૪૦॥
કાળો કોઢ કળતરે બળતર, તેણે તન તવાયજી ॥
જાનવે બે ગોઠણ ઝાલ્યા, શલ્ય ન સહેવાયજી ॥૪૧॥
સાથળમૂળે વેળ્ય વસમી, ફોડાની ફજેતીજી ॥
સારણ્ય ને સંઘરણી વાયુ, ભગંદર ભૂંડો અતિજી ॥૪૨॥
તણખિયો-પ્રમેહ પાણવી, મૂત્રકચ્છ બંધાણીજી ॥
અર્શરોગ ને હાથધોણે, પામે પીડા પ્રાણીજી ॥૪૩॥
બદ બરોલ્ય બાંબલાઈ, પીડ્યે પેટે પાંસા શૂળજી ॥
મુઝારો ને મૂર્છી માનો, મોટાં દુઃખનાં મૂળજી ॥૪૪॥
નળ મળ પડી પેચુટી, ચાલી પેટે ચૂંકજી ॥
આંતર ગાંઠ્ય ને ચડિયો ગોળો, ગળે ન ઊતરે થૂંકજી ॥૪૫॥
ગડ ગુંબડ ને ગળે ગાંઠ્યો, ભરનિંગળ ભારીજી ॥
હેડકી ને હીક હૈયામાં, મૂક્યો અરધો મારીજી ॥૪૬॥
ઉધરસ ને ઊબકો આવે, ખાલી આવે ખાંસીજી ॥
મુખ પાક્યું ને જીભ ઝલાણી, ન થયો તોય ઉદાસીજી ॥૪૭॥
અંતરગળ ને અંડની વૃદ્ધિ, ઓકારી બહુ આવેજી ॥
ક્ષયરોગ ને ખીલી-ખટકે, કોશ-રસોળી કા’વેજી ॥૪૮॥
હલદરવો ને હૈયા-હોડી, મસ ખીલ મુટાણોજી ॥
કંઠમાળ ને કરણક કાને, જોર કફ જડાણોજી ॥૪૯॥
ધાતુ જાયે ધનુર ધાયે, થાયે સનેપાતજી ॥
ઉદર ક્ષુદ્ર રોગ અતિશે, નથી કે’વાતી વાતજી ॥૫૦॥
નાકે નાકસુર અતિ, આંખ્યે રોગ અપારજી ॥
મસ્તક રોગ કહું કપાળી, કે’તાં ના’વે પારજી ॥૫૧॥
કુંભ કમળો કમળી કહિયે, કાળજ્ય માંયથી કાપેજી ॥
ઔદરી ને ઊર્ધ્વ-વાયુ, આફરો દુઃખ આપેજી ॥૫૨॥
ઘેન ઘણું ને ઘાંટો ઝાલ્યો, ચાલ્યો શ્વાસ એકદંડજી ॥
છાતીબંધ છપે નહિ છાનું, પીડા તેની પંડજી ॥૫૩॥
દમ ભ્રમવા વિસફટક, ઉદર દરદ ઉપદંશજી ॥
મેદ ને પરમેદ પેખો, કરે કાયાનો ભ્રંશજી ॥૫૪॥
રક્ત-પિત્તને રજો આદિ, તાવ તાવલી આવેજી ॥
તાવ તરિયો એકાંતરિયો, તાઢો ઊનો કાવેજી ॥૫૫॥
પડીપડીને પાસાં સડિયાં, પડિયાં ભાઠાં ભારેજી ॥
તૃષ્ણા મદનો રોગ ન મટ્યો, પીયો થયો ત્યારેજી ॥૫૬॥
ગંડુશ ને ગાલ-પચોળાં, કાને પડી ધાકજી ॥
મંદાગ્નિ અજીરણ માનો, આષ્ટીલ અપાકજી ॥૫૭॥
વાળા દુઃખના માળા કહિયે, ચઢ્યો કૃમિનો ગોટોજી ॥
આમવાયુ ગ્લાનિ ગણિયે, મરડો રોગ મોટોજી ॥૫૮॥
એવાં એવાં દુઃખ અનંત, પડિયાં કાયા કેડેજી ॥
બાળ જોબન વૃદ્ધપણામાં, પૂરણ પાપે પીડેજી ॥૫૯॥
કાયા કંપે અતિ અજંપે, આંખ્યો પડિયો ઊંડીજી ॥
નાક નમ્યું કટિ કોટ નમી, થઇ છે ગતિ ભૂંડીજી ॥ ૬૦॥
ઝામર વાયે ઝાંઝાં મુઝાં, આંખ્યો આવી ઊઠીજી ॥
ફૂલડિયા ને ક્રુવા પડિયા, બેઉ આંખ્યો ફૂટીજી ॥ ૬૧॥
ઉપરસસે શ્વાસ ન બેસે, હૈયે હાલકલોલજી ॥
એ આદિ દૈ અનંત વ્યાધિ, આવી છે અતોલજી ॥ ૬૨॥
એમ આધિ વ્યાધિ આવ્યાં, પેરેપેરે પીડેજી ॥
કહી ન શકે રહી ન શકે, કરકું ખાધું કીડેજી ॥ ૬૩॥
શ્વાસ ન માયે સુખ ન થાયે, કંઠે ચઢિયું જાળુંજી ॥
અન્ન ને પાણી તજ્યું ત્યારે, ભૂખે ઊઠે ઝાળુંજી ॥ ૬૪॥
એ આદિ અનંત વ્યાધિમાં, પાપી બહુ પીડાયજી ॥
કહે નિષ્કુળાનંદ નિશ્ચય, જમ વિન જીવ ન જાયજી ॥૬૫॥
સુખ સર્વે સ્વપ્ના સમ થયાં, દુઃખ દરિયા ઉલટ્યાજી ॥
પાપી પર હવે શું થાશે, જે શ્રીહરિ ન રટ્યાજી ॥ ૬૬॥