યમદંડ
કડવું ૧૦
પૂર્વછાયો
સુણો કથા સહુ શુભમતિ, જીવ નહિ નર ને નાર ॥
જે જેવાં કર્તવ્ય કરે, તે ભોગવે આવે પાર ॥ ૧ ॥
એમ દુઃખ ભોગવતાં, સાડા પાંચ માસ થાય ॥
વિચિત્ર નામે પુર છે, તેમાં તે પ્રાણી જાય ॥ ૨ ॥
વિચિત્ર પેરે વળી વળી, પૂછે પુરના રહેનાર ॥
મનુષ્ય દેહ પામી હરામી, તુંને નર ફટકાર ॥ ૩ ॥
દેવ ઇચ્છે જે દેહને, તે પામ્યો હતો તું પાપિયા ॥
એહ દેહે ધર્મ ઉથાપી, અધર્મ અતિશે થાપિયા ॥ ૪ ॥
ન્યાય મૂકી અન્યાય કીધો, ચાલ્યો મહા અઘ મારગે ॥
દુર્મતિ અતિ અંધ થઈ, દીઠું નહિ કાઈ દગે ॥ ૫ ॥
હદ્ય મેલીને હાલિયો, મૂકી મર્યાદ મહારાજની ॥
પરલોકનાં સુખ પરહરી, કરી ખરચી દુઃખ સમાજની ॥ ૬ ॥
ખોટ્ય મોટી ખાધી ખરી, કહીએ તુંને ક્યાં લગે ॥
મોટા દુઃખ માંહી પડ્યો, આવ્યો જ્યારે આ મારગે ॥ ૭ ॥
લાગ આપી લજ્જા વોણા, નીસર પુરથી બા’ર ॥
આજ પછી અભાગિયા, આવું કરીશ મા કોઈ વાર ॥ ૮ ॥
ચોપાઈ
લઈ લાગ લોહી માંસ તણો, કરે છે અતિ હેરાન ઘણો ॥
જિયાં તિયાંથી ઊઠે છે ખાવા, ખાઈ ધરાઈ પછી દીધો જાવા ॥ ૯ ॥
કાઢ્યો બા’રે પડે શિર માર, જેમ લોહને ઘડે લુહાર ॥
આવી મૂરછા પડિયો ભોમ, થયો બેશુદ્ધ ન રહી ફોમ ॥૧૦॥
પછી ઘસરડી ઘાંઘો કરી, ઉઠાડીને આપે માર ફરી ॥
લડથડે ને પડતો જાય, નિત્ય માર કેટલો ખમાય ॥૧૧॥
મારી કૂટીને મો’રે જ કીધો, જેમ ચોર મારવાને લીધો ॥
ઘડી એકમાં હીંડાડે1 ઘણું, નહિ પ્રમાણ ચાલવા તણું ॥૧૨॥
એમ દુઃખે વીતે ષટ માસ, આવે બહ્વાપદપુર પાસ ॥
તેને પાદર છે વૈતરણી,2 દુઃખદાયી તે ન જાય વરણી ॥૧૩॥
શત જોજનમાં પરિવાહ,3 પરુ પાચે પૂરણ નહિ થાહ ॥
તેમાં સર્પ વીંછી જંતુ ઘણા, સર્વે આહારી લોહી માંસ તણા ॥૧૪॥
વળી ઉપર ઊડે માંસાહારી, લોહ ચાંચવાળાં પંખી ભારી ॥
ભયંકાર ત્યાં ભમરા વળે, તપે વેળું4 તેમાં પગ બળે ॥૧૫॥
તપે સૂરજ ઉપર તીખો, જાણે પ્રલયના કાળ સરીખો ॥
એવો દેખી સર્વે સામાન, જીવ કરે ત્રાહિ ત્રાહિ માન ॥૧૬॥
ત્યારે કહે છે ઉતારનાર, ગાય આપી હોય તો સંભાર ॥
આવે ગાય તો ઉતારે સુખે, નહિ તો ઊતરીશ ઘણે દુઃખે ॥૧૭॥
તે તો ક્યાંથી આપી હોય આણે, પછી તેમાં તાણે છે પરાણે ॥
બૂડે મુંડ ને નીસરે બા’ર, વળગે અંગમાં જંતુ અપાર ॥૧૮॥
માથે લોહ ચાંચે ભયાનક, આવી પડે પંખી અચાનક ॥
ભાંગી ભેચો5 માથાનો લિયે છે, એવી ચોટ એ પંખી દિયે છે ॥૧૯॥
કૈક લિયે કાન નાક તોડી, કૈક નાખે છે આંખ્યોને ફોડી ॥
એમ તન ખાય કાપી કાપી, તિયાં દુઃખ પામે બહુ પાપી ॥૨૦॥
જળ સમળ6 ટાઢું છે અતિ, તેમાં કરાવે છે એને ગતિ ॥
તાઢ્યે ધ્રૂજી થાય તન શૂન્ય,7 માટે તે સારુ કરવું પુણ્ય ॥૨૧॥
સહિ દુઃખ ચાલે સાત માસ, ત્યારે આવે દુઃખદ પુર પાસ ॥
તેનું દુઃખ જાયે નહિ કહ્યું, તે તો સર્વે એ પ્રાણિએ સહ્યું ॥૨૨॥
મોટા મોટા વાઘ વરુ વ્યાળ, તે તો લાવ્યા તિયાં તત્કાળ ॥
લાવી વળગાડ્યા એને શરીર, ખાય માંસને પિયે રુધિર ॥૨૩॥
મોટા દાંતને ફાડેલ મુખ, ખાય તન તોડી દિયે દુઃખ ॥
તિયાં પ્રાણીઓ પાડે પોકાર, ભા’યો કોય કરો મારી વા’ર ॥૨૪॥
નથી ખમાતું નિત્યનું દુઃખ, કહો કેમ પામું હવે સુખ ॥
ત્યારે કિંકર કહે છે તે વાર, મા કર્ય સુખ લાલચ્ય લગાર ॥૨૫॥
પાપ કરતાં પાછું નવ જોયું, ખોટા સુખમાં જીવિત ખોયું ॥
હવે સુખની લાલચ ત્યાગી, કર્યાં કર્મ ભોગવ્ય અભાગી ॥૨૬॥
એમ દુઃખ દઈ જો અપાર, પછી કાઢે છે પુરથી બા’ર ॥
ત્યાંથી નાનાક્રંદ પુર કા’વે, તે તો આઠ માસ વીતે આવે ॥૨૭॥
તેના દંડ છે જૂજવી જાતે, જીવ ભોગવે છે બહુ ભાતે ॥
કાપે તન તળી તળી ખાય, વળી મુખે કહે છે વાહવાય ॥૨૮॥
આવું માંસ કોઈનું ન દીઠું, જમ કે’ છે લાગે છે જો મીઠું ॥
માંસ પાપીનું ક્યાં થકી મળે, એમ વખાણ્યું જમ સઘળે ॥૨૯॥
એમ જીવને દુઃખ દિયે છે, લાગ લોહી માંસનો લિયે છે ॥
નાના પ્રકારના દંડ દઈ, જમકિંકર ચાલે છે લઈ ॥૩૦॥
તેનો તેજ માર્ગ કહેવાય, સુકૃતિને8 સુખરૂપ થાય ॥
દાન પુણ્ય પાળ્યો સતધર્મ, કર્યાં હોય અહિંસાદિ કર્મ ॥૩૧॥
તેને એ વાટમાં નહિ દુઃખ, દુઃખ પામે પ્રભુના વિમુખ ॥
એમ જમપુરીની વાટ જાણો, કહી છે પુરાણે તે પ્રમાણો ॥૩૨॥
પછી નવ માસે નિરધાર, પોં’ચે સુતપ્ત શહેર મોઝાર ॥
સુતપ્તમાં તપાવીને લોઢું, બાળે હાથ પગ અંગ મોઢું ॥૩૩॥
એમ સર્વે અંગ એનાં બાળે, પુણ્ય વિના શાંતિ કોણ વાળે ॥
છત્ર વસ્ત્ર જોડા પાણી ઠામ, પંખા ચંદન ઘર વિશ્રામ ॥૩૪॥
ચંદ્રવા9 આદિ આપે જો દાન, તેણે સુખ પામે એ નિદાન ॥
તે તો ન આપ્યું ને ન અપાવ્યું, માટે એ દુઃખ સૌ ભોગવાવ્યું ॥૩૫॥
દઈ દુઃખ કાઢ્યો પુર બા’ર, માથે પડે છે મુદગર માર ॥
ત્યાંથી દશમે માસે જરૂર, આવે છે એ પ્રાણી રૌદ્રપુર ॥૩૬॥
તે તો અતિશય ભયંકાર, આવી જાચે10 છે ત્યાંના રહેનાર ॥
આપ્ય અમને ખાવું કાંઈ ખાવા, તો તુંને અમે આપિયે જાવા ॥૩૭॥
ક્યાંથી આપે આપ્યું નહિ કેડે, ભૂખ્યા દૂત પછી આવી પીડે ॥
ખાઈ ધરાઈને કાઢે બા’ર, નથી વાટમાં સુખ લગાર ॥૩૮॥
સેવ્યા હોય ખોટા ગુરુ જેવા, જમ રૂપ ધરી આવે એવા ॥
દેખે દૂરથી આવતા એને, જીવ જોઈ રાજી થાય તેને ॥૩૯॥
જમદૂતને કહે છે પ્રાણી, આવ્યા વા’રે ગુરુ ગુરવાણી11 ॥
જોને ભેળી છે ભેખની ઝુંડી,12 કરશે તમારી ગતિ જો ભૂંડી ॥૪૦॥
એમ મનમાં આનંદ આણી, અતિ પ્રફુલ્લિત થાય પ્રાણી ॥
જાણે હમણાં મુકાવશે મુને, ત્યાં તો આવી ખાય છે વપુને ॥૪૧॥
તેને દુઃખે દુઃખી જીવ થાય, કહે ભરમાણો હું ભેખમાંય ॥
ત્યારે જમગુરુ કહે છે પ્રાણી, અસદ્ગુરુની એંધાણી ન જાણી ॥૪૨॥
આખા વિશ્વનાં રાખ્યાંતાં ફેલ, વળી વ્યભિચારી ને વટલેલ ॥
કરતા ખોટો પ્રભુનો આકાર, નિંદતા ધર્મ નીમ સદાચાર ॥૪૩॥
હતાં એવાં પ્રસિદ્ધ એંધાણ, તેની ન પડી તુંને ઓળખાણ ॥
ખોયો જન્મ તેં ખોટાને સંગે, એમ કહી ચલાવે છે મગે ॥૪૪॥
એમ વીતે માસ અગિયાર, આવે પ્રયોવૃષણ મોઝાર ॥
તિયાં જીવને આવતો જોઈ, થાય રાજી જમ સહુ કોઈ ॥૪૫॥
ભલે આવ્યો તું ભાંગવા ભૂખ, તુંને જોઈ ચળવળે છે મુખ ॥
જાણું હમણાં જાયે તુંને ચાવી, પણ ખાશું તુંને નવરાવી ॥૪૬॥
તિયાં તાઢાં જળ હિમસરખાં, તેનો વરસાવે છે માથે વરષા ॥
તેણે ભીંજી ધ્રૂજે જીવ વળી, ઊડે તાઢ આપી હોય કામળી ॥૪૭॥
પછી ત્યાંથી ચલાવે છે મગે, માસ સાડા અગિયાર લગે ॥
દેખે છે દૂરથી શહેર સારું, પણ માંહી છે જમ હજારું ॥૪૮॥
જોઈ રહ્યા છે જીવની વાટ, ખાવા માંસ પીવા લોહી માટ ॥
આવે છે સહુ ઊઠીને સામા, કે’ છે અમે તારા કાકા મામા ॥૪૯॥
અવળે મારગે ચલાવ્યો તુંને, તે તો ખાવા સારુ આ સહુને ॥
આપ્ય ખાવા જાવા દૈયે જાણ, એમ કહે છે સહુ જમરાણ ॥૫૦॥
પછી અંગે ચોળી મરચું મરી, મીઠું ભૂંશી ખાય ખાંતે કરી ॥
એનું નામ શીતાઢ્ય નગર, વ્યાપે શીત ધ્રૂજે થરથર ॥૫૧॥
ગોદડાં ગાદલાં સજ્યા સોય, ઓછાડ ઓશિશાં આપ્યાં હોય ॥
તેણે સુખ પામે એહ પ્રાણી, માટે દાન દેવું એવું જાણી ॥૫૨॥
તે જો નાપ્યું હોય નિજ હાથે, ત્યારે સંભારે છે સગાં સાથે ॥
તે તો ક્યાંથી આપે એહ કેડ્યે, પછી રુવે પ્રાણી એહ પીડ્યે ॥૫૩॥
ત્યાંથી જમદૂત દઈ માર, ચલાવે છે પ્રાણીને અપાર ॥
બહુ દુઃખે વીતે માસ બાર, આવે બહુભીતિ પુર તે વાર ॥૫૪॥
તિયાં જમના દંડને જોઈ, ભય પામી પ્રાણી દિયે રોઈ ॥
કહે છે આ રાતાં ઝાડ છે શાનાં, નથી કેશું કેસર ચંપાનાં ॥૫૫॥
ઊંચાં નીચાં ઊડે છે પવને, જાણું હમણાં અડશે ગગને ॥
તેને જમકિંકર એમ કહે છે, નથી ઝાડ એ લોહી ઊડે છે ॥૫૬॥
તું જેવાનો કરે છે તપાસ, માર્યે લોહી ઊડે છે આકાશ ॥
તે સાંભળી જીવ ફડકે છે, કંપે કાળજ છાતી થડકે છે ॥૫૭॥
એવા પ્રેતના પ્રહાર સાંભળી, તેવા માને છે પોતાને વળી ॥
કહે કિયાં જાઉં કેમ કરું, આ મારથી હું કેમ ઊગરું ॥૫૮॥
ન કર્યું દાન પુણ્ય સંતસેવા, સેવ્યા તે જમકિંકર જેવા ॥
આપી પાપીએ અવળી મતિ, કરાવી આ મારગમાં ગતિ ॥૫૯॥
કર્યું મોટા કસાઈનું કામ, મોકલ્યો મુને જમને ધામ ॥
એમ શોચે પ્રાણી સુણો સહુ, કહે નિષ્કુળાનંદ શું કહું ॥ ૬૦॥