યમદંડ

કડવું ૧૪

પૂર્વછાયો

એહ નરકથી નીસર્યો, બહુ વરસ રહી બા’ર ॥

ત્યાર પછી દુઃખ પામશે, તે કહું કરી વિસ્તાર ॥ ૧ ॥

વજ્રકંટક શાલ્મલી, નામે નરક નિદાન ॥

જેહ પાપે પાપી પડે, કહું સૌ સુણો દઈ કાન ॥ ૨ ॥

પાપી પરત્રિય પશુ આદિ, કરે કામવશ પ્રસંગ ॥

એહ પાપે પરલોકમાં, પામે તે દુઃખ અભંગ ॥ ૩ ॥

સ્પર્શના જો સુખ સારુ, કર્યો ધર્મનો તે લોપ ॥

તેની ઉપર દૂત જમના, કરે છે અતિશય કોપ ॥ ૪ ॥

સમું1 કહેતાં વસમું,2 સમજતો નર સોય ॥

વજ્રકંટકે વસિયો, જ્યાં સા’ય ન કરે કોય ॥ ૫ ॥

વજ્ર સરીખે કાંટે કહિયે, શાલ્મલીનાં ઝાડ ॥

તેહ ઉપર નાખી તાણે, પાડે ત્યાં રાડોરાડ ॥ ૬ ॥

દેતાં દંડ જમદૂત હારે, ત્યારે જ આવે અંત ॥

ચાલતો વહીવટ વિપત્તિનો, સત્ય માનજ્યો બુદ્ધિવંત ॥ ૭ ॥

એમ પ્રાણી ભોગવે, નિત્ય પ્રત્યે દુઃખ અનંત ॥

ત્યાંથી પડે વૈતરણીએ, ભાઈ કહું તેનું વરતંત ॥ ૮ ॥

ચોપાઈ

આલોકે નૃપ નૃપના જન રે, સતકુળમાં થયા ઉત્પન્ન રે ॥

પણ ધર્મ મર્યાદાને ભાંગી રે, વર્તે અધર્મે નર અભાગી રે ॥ ૯ ॥

એવા રાજા ને રાજાના ભૃત્ય રે, પડે વૈતરણીએ પામી મૃત્ય રે ॥

જેમાં વિષ્ટા મૂત્ર પરુ લોઈ રે, કેશ નખ અસ્થિ મેદ સોઈ રે ॥૧૦॥

માંસ ત્વચાએ3 ભરી વૈતરણી રે, દુઃખદાય કૈ’યે શું વરણી રે ॥

નરક ખાઈરૂપ છે એ નદી રે, જેમાં જળ જંતુ રહ્યા મદી4 રે ॥૧૧॥

જિયાં તિયાંથી તોડીને ખાય રે, તેને દુઃખે કરે હાયહાય રે ॥

કર્યાં કર્મ સંભારે છે આપ રે, કે’ છે ક્યાંથી કર્યાં આવાં પાપ રે ॥૧૨॥

પામે પીડા પ્રાણ ન નીસરે રે, હાય મુવોમુવો એમ કરે રે ॥

એમ રાજા રાજાના પદાતિ5 રે, પામે પાપે દુઃખ દિન રાતિ રે ॥૧૩॥

એવી વૈતરણી મહાવિકટ રે, જેમાં દુઃખ અતિ દુરઘટ રે ॥

સહ્યું ન જાય શરીરે સોય રે, તમે સાંભળજ્યો સહુ કોય રે ॥૧૪॥

વળી કહુ કુંડની રીત રે, જેમાં દુઃખ અતિ અગણિત રે ॥

નર્ક નર્ક પ્રત્યે દુઃખ નોખાં રે, એક એક થકી અતિ ઓખાં6 રે ॥૧૫॥

જેણે જેવાં કર્યાં હોય પાપ રે, તેવો તે પ્રાણી પામે સંતાપ રે ॥

કર્યું કર્મ પોતાનું તે સે’વું રે, જેણે જેવું કર્યું હોય તેવું રે ॥૧૬॥

વળી આ લોકે શૂદ્રીના સંગી રે, શૌચાચાર નિયમ ઉલ્લંઘી રે ॥

નર પશુ પેઠે લજ્જા ત્યાગી રે, મનવશ વર્તે છે અભાગી રે ॥૧૭॥

તે તો મરી પરલોકે જાય રે, પડે પુયોદ નરકની માંય રે ॥

પરુ મૂત્ર વિષ્ટા લીંટ લાળ રે, તેનો ભર્યો સમુદ્ર કરાળ7 રે ॥૧૮॥

તેમાં પડે પિયે ખાય તેહ રે, નર વૃષલીપતિ8 થયા જેહ રે ॥

એમ વિચારી વિકળ ન થાવું રે, પડશે જરૂર જમપુર જાવું રે ॥૧૯॥

તિયાં રંગીલાપણું નહિ રહે રે, સત્ય ધર્મવાળા સહુ કહે રે ॥

મરડ ઠરડ મટાડશે મારી રે, કરજ્યો કર્મ વિચારી નરનારી રે ॥૨૦॥

વળી પાપીના પાપ પ્રમાણે રે, નાખે પ્રાણરોધ નરક ખાણે રે ॥

પ્રાણરોધમાં પડે છે પાપી રે, સુણો વાત સહુ કાન આપી રે ॥૨૧॥

આ લોકે બ્રાહ્મણાદિક કૈ’યે રે, ખરા ખર સરીખા તે લૈયે રે ॥

મારે મૃગને કરે અકાજ રે, જેની સત્યશાસ્ત્રે પાડી નાજ રે ॥૨૨॥

તેહ મરી જમપુર જાય રે, પડે પ્રાણરોધ નરક માંય રે ॥

તેનું કિંકર કરી નિશાણ રે, રોમરોમ વેંધે મારી બાણ રે ॥૨૩॥

છેદી નાખે છે પાપીની છાતી રે, પામે પીડા કહી નથી જાતી રે ॥

જોઈ જોઈ શરીરના હાલ રે, પછી રુવે કૃપણ9 કંગાલ રે ॥૨૪॥

વળી આ લોકે પુરુષ દંભે રે, દંભમય જગન આરંભે રે ॥

મારે પશુ એ જગન માંય રે, તે મરી વૈશાસન જાય રે ॥૨૫॥

ઝાલે જમદૂત ગળે જોરે રે, મારે પશુ પેઠે તે બકોરે રે ॥

પાડે કાળીરાડ્ય તે કુકર્મી રે, જે કોઈ ઇયાં થયા’તા અધર્મી રે ॥૨૬॥

થોડા સુખ સારુ દુઃખ મોટું રે, બાંધી લીધી ભેળી પાપ પોટું10 રે ॥

તે તો ભોગવે આવશે પાર રે, સહુ નિશ્ચે જાણો નિરધાર રે ॥૨૭॥

વળી પોતાના પાપ પ્રતાપે રે, પડે લાલાભક્ષ માંય આપે રે ॥

લાલાભક્ષનું દુઃખ અપાર રે, કહું કાંઈક તે નિરધાર રે ॥૨૮॥

આ લોકે ત્રણે વર્ણના પુરુષ રે, આપે પાપી થઈ કામવશ રે ॥

પોતાના વર્ણની જે નાર રે, પાપી તેશું કરે વ્યભિચાર રે ॥૨૯॥

તેહ પાપે જમદૂત ત્યાંઈ રે, નાખે છે વીર્યની નદી માંઈ રે ॥

મારી મુદગર મસ્તક માંય રે, પાપી જીવને વીર્ય ત્યાં પાય રે ॥૩૦॥

આવે ઊબકા અતિ ઓકારી11 રે, તોય પીવરાવે મારી મારી રે ॥

દિયે દંડ એમ દિનરાત રે, પામે પીડા પ્રાણી બહુ ભાત રે ॥૩૧॥

વળી આપ પાપે પાપી જન રે, પડે છે તે સારમેયાદન રે ॥

સારમેયાદનનું જે દુઃખ રે, તે તો કહ્યું જાય નહિ મુખ રે ॥૩૨॥

જેહ પાપે પડે એહ માંઈ રે, તેહ સાંભળજ્યો કહું ભાઈ રે ॥

કરે ચોરી મૂકે વળી આગ્ય રે, બાળે ગામ પુર વન જાગ્ય રે ॥૩૩॥

દિયે ઝેર લૂંટે ગામ સાર્થ12 રે, એવો કરે છે પાપી અનર્થ રે ॥

એવા કુકર્મના કરનાર રે, હોય રાજા કે રાજાના ચાકર રે ॥૩૪॥

તે મરી જમપુરીમાં જાય રે, તેને જમના દૂત તોડી ખાય રે ॥

શ્વાન સાતસો ને વીશ વળી રે, ચૂંથી ખાય છે પાપીને મળી રે ॥૩૫॥

વજ્રસરીખી છે જેની દાઢ્યો રે, તોડે તન પાડે તેણે રાઢ્યો રે ॥

કોણ મુકાવે મહાદુઃખમાંથી રે, જેણે સાચી વાત માની નથી રે ॥૩૬॥

હોય સાચી વાતના કે’નારા રે, તે તો એને લાગ્યા નહિ સારા રે ॥

વળી પાપીનો કરી તપાસ રે, નાખે અવિચી નરકમાં તાસ13 રે ॥૩૭॥

અવિચીનું દુઃખ છે અલેખે રે, તે તો ભોગવશે રાઈ રેખે રે ॥

તેમાં કરશે નહિ કાંઈ માપ રે, દેશે દુઃખ જોઈ જેવા પાપ રે ॥૩૮॥

જેહ પૂરે જૂઠી સાખ્ય જન રે, બોલે અસત્ય લેતાં દેતાં ધન રે ॥

આપી દાન ને બોલે અસત્ય રે, એવી પાપમય જેની મત્ય રે ॥૩૯॥

પછી એને અવિચીથી નાખે રે, પાપીને કોણ પડતો રાખે રે ॥

અવિચી નામે પર્વત જાણો રે, એવો નરક પ્રૌઢ પ્રમાણો રે ॥૪૦॥

તેમાં ઊંચા પગ નીચું શીશ રે, એમ નાખે કિંકર કરી રીશ રે ॥

શત જોજન ઊંચો છે એહ રે, તેને માથેથી નાખે છે તેહ રે ॥૪૧॥

દીસે તરંગ નહિ જળ જેમાં રે, ભર્યા એકરસ પાણા તેમાં રે ॥

થાય તલતલ કટકા તન રે, તોય મરે નહિ પાપી જન રે ॥૪૨॥

એમ અસત્યના બોલનાર રે, સહે દુઃખ અપરમપાર રે ॥

વળી વિપ્ર વિપ્રની જે ઘરુણી14 રે, કરે પ્રમાદે પાન વારુણી15 રે ॥૪૩॥

વળી વિપ્ર વિના વર્ણ અન્ય રે, કરે વ્રતદિને સુરાપાન રે ॥

ક્ષત્રી વૈશ્યાદિ પ્રમાદે વળી રે, જે પિયે છે સોમવલી મળી રે ॥૪૪॥

તે પાપે એ જીવ નિદાન રે, પડે નરક નામે અયઃપાન રે ॥

જ્યારે વિપ્ર આદિ ત્રણે વર્ણ રે, જાય જમપુરી પામી મર્ણ રે ॥૪૫॥

તેની જમદૂત છાતી દબાવી રે, પાય લોહરસ16 તેને લાવી રે ॥

તેહ દુઃખે કરે હાય હાય રે, ભૂખ પ્યાસે કરી પ્રાણ જાય રે ॥૪૬॥

વળી ઈયાં અધમ નર છોટો રે, માને કરી માને છે હું મોટો રે ॥

જે કોઈ જન્મ તપ વિદ્યા વર્ણે રે, મોટા આશ્રમ ચાર આચર્ણે17 રે ॥૪૭॥

તેની ગણતી નહિ કહું કાંઈ રે, એવો અભિમાની મનમાંઈ રે ॥

સૌથી જાણે પોતાને સરસ રે, બીજાને તો જાણે છે નરસ રે ॥૪૮॥

તેનું કરે અપમાન અતિ રે, તે કરે ક્ષારકર્દમે ગતિ રે ॥

હેઠું માથું ને ઊંચા છે પગ રે, નાવે થાહ18 પડ્યો તેમાં ઠગ રે ॥૪૯॥

એવાં જમપુરીનાં જે દુઃખ રે, પામે પ્રાણી પ્રભુથી વિમુખ રે ॥

સાચા સંતની શીખ ન માની રે, થયો અસંત સંગે અભિમાની રે ॥૫૦॥

એવી અભાગી નરની રીત રે, ખોટા માંય છે ખરી પ્રતીત રે ॥

જેવું જૂઠું અંતરમાં પેસે રે, તેવું સાચામાં મન ન બેસે રે ॥૫૧॥

કહો કેમ થાય એહ સુખી રે, સાચી વાત ન માને મનમુખી રે ॥

જે જીવના પરમ સનેહી રે, જાણ્યા શત્રુ સરીખા તેહી રે ॥૫૨॥

તેહ પાપે પડે નરક માંય રે, ન મળે ઉપાય એનો હવે કાંય રે ॥

હોય સમજુ તો સમજે સમું રે, લાગે અણસમજુને વસમું રે ॥૫૩॥

વાત હેતની છે રાખો હૈયે રે, વારેવારે કેટલુંક કૈયે રે ॥

કહે નિષ્કુળાનંદ કેટલું રે, આવું સુણી ચેતો તો છે ભલું રે ॥૫૪॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું ૧ કડવું ૨ કડવું ૩ કડવું ૪ કડવું ૫ કડવું ૬ કડવું ૭ કડવું ૮ કડવું ૯ કડવું ૧૦ કડવું ૧૧ કડવું ૧૨ કડવું ૧૩ કડવું ૧૪ કડવું ૧૫ કડવું ૧૬ કડવું ૧૭ કડવું ૧૮ કડવું ૧૯ કડવું ૨૦ પદ