યમદંડ
કડવું ૧૫
પૂર્વછાયો
વળી અભાગી જીવને, સૂઝે જ અવળાં કામ ॥
અઘમગમાં1 ચાલતાં, ક્યાંથી સુખને વિશ્રામ ॥ ૧ ॥
ડોડા ભૂંડા ખાધાં ખરા, ધાંખે કરી ધંતૂરાતણા ॥
ચડ્યો કેફ તેનો ચિત્તને, કહો કાંઈ રહે મણા? ॥ ૨ ॥
સુણો સહું આ લોકમાં, કરે નરનારી મળી પાપ ॥
કાળી ભૈરવ દેવ તામસી, જે જે નર પશુ મારી આપ ॥ ૩ ॥
માંસ ખાઈ પશુ મનુષ્યનું, થાય નર નારી પ્રસન્ન ॥
તેહ જાય જમપુરીએ, પડે રક્ષોગણ ભોજન ॥ ૪ ॥
માર્યા નર પશુ અવતરી, ત્યાં રાક્ષસના ગણ થાય ॥
જેમ ખાધું’તું માંસ એહનું, તેમ તેનું એહ જ ખાય ॥ ૫ ॥
જેમ એ નરનારીએ, કર્યું હતું નૃત્ય ને ગાન ॥
તેમનું તેમ રાક્ષસ કરે, ખાઈ માંસ કરી લોહીપાન ॥ ૬ ॥
ચોપાઈ
વળી આ લોકમાં અપરાધી રે, કરે પાપ ન કરે પારાધી2 રે ॥
આવે શરણ જીવવાને જન રે, આણી અતિ વિશ્વાસ મન રે ॥ ૭ ॥
એવા વન ગામના જીવ જેહ રે, આવે જીવવા આશરે તેહ રે ॥
તેને શૂળ કે સૂત્રની3 ફાંસી રે, તેણે કરીને માર્યાં વિશ્વાસી રે ॥ ૮ ॥
પછી મરી જમપુર જાય રે, તેને જમદૂત પ્રોવીને ખાય રે ॥
આપે દુઃખ નાપે અન્નપાણી રે, આવે મૂરછા બંધાય વાણી રે ॥ ૯ ॥
પડે પૃથવી ઉપર આપ રે, ત્યારે સંભારે પોતાનાં પાપ રે ॥
ભાયો4 ક્યાંથી કર્મ આવાં કીધાં રે, ક્યાંથી જેને તેને દુઃખ દીધાં રે ॥૧૦॥
એમ કહી પોકારે છે પ્રેત રે, પછી પડે ભૂમિએ અચેત રે ॥
પડ્યો જાણી આવે પંખી ઝટ રે, લોહ ચાંચવાળાં કંક5 બટ6 રે ॥૧૧॥
તે તો તોડી તોડી તન ખાય રે, પાપી પીડાય પ્રાણ ન જાય રે ॥
એમ બહુ ભાતે દુઃખ ભોગવે રે, નોખા કષ્ટ કુંડ નવાનવે રે ॥૧૨॥
નાવે અંત અત્યંત દુઃખનો રે, નહિ લવલેશ ત્યાં સુખનો રે ॥
વળી આ લોકે નર જે તીખા રે, સ્વભાવ છે સર્પના સરીખા રે ॥૧૩॥
જેને તેને દિયે બહુ દુઃખ રે, જેથી ન હોય કોઈને સુખ રે ॥
પછી મરી જમપુર જાય રે, પડે દંદશૂક નરક માંય રે ॥૧૪॥
સુણો ભાઈ એ નરકની વાત રે, મુખ જંતુનાં પાંચ વા સાત રે ॥
અતિ કરડકણાં કરાળ રે, જાણું પાપી પ્રાણી તણો કાળ રે ॥૧૫॥
ખાઉં ખાઉં ખાઉં એમ કરે રે, વણ વપુએ વડચકાં7 ભરે રે ॥
તીખી દાઢો દીસે દુઃખદાઈ રે, એવા જંતુ એ નરકની માંઈ રે ॥૧૬॥
ઉગ્ર સ્વભાવવાળાને એહ રે, તર્ત ગળી જાય જંતુ તેહ રે ॥
પામે પીડા અતિ તિયાં ભારી રે, માટે કરવાં કર્મ વિચારી રે ॥૧૭॥
વળી આ લોકમાં જે અભાગી રે, દિયે પરને દુઃખ દયા ત્યાગી રે ॥
ખાડા કોઠલા ગુફા અંધારી રે, બીલ8 ભોમ જેમાં તમ ભારી રે ॥૧૮॥
ઘર દર માંહી જીવ રૂંધી રે, મૂકે આગ્ય ધૂમ ત્યાં કુબુદ્ધિ રે ॥
પછી તે પાપી પરલોક પામી રે, પડે અવટરોધને હરામી રે ॥૧૯॥
ઝેર સહિત અગ્ન ધૂમાડે રે, રોકી એવે સ્થળે રોળ પાડે રે ॥
ઈયાં જીવે કર્યાં પાપ જેમ રે, દિયે દંડ ત્યાં તેમનો તેમ રે ॥૨૦॥
નથી અધિક ઓછું કરતા રે, રહે છે પ્રભુના ડરથી ડરતા રે ॥
નથી ડરતો એ નર અભાગી રે, દુઃખ લિયે છે મુખથી જો માગી રે ॥૨૧॥
વળી આ લોકે અભાગી નર રે, બાંધી બેઠા છે આશ્રમ ઘર રે ॥
આવે આંગણે અતિથિ રાજ રે,અભ્યાગત અન્ન જળ કાજ રે ॥૨૨॥
તે શું ક્રોધ કરી તતકાળ રે, કરે કરડી દૃષ્ટ કરાળ રે ॥
અન્ન જળ જરાય ન આપે રે, સામું ક્રોધ કરીને સંતાપે રે ॥૨૩॥
પછી જ્યારે પામે પાપી મૃત્ય રે, પડે નરકે નામ પર્યાવ્રત રે ॥
તિયાં વજ્ર જેવાં ચાંચવાળાં રે, ગીધ કંક બટ જે રિસાળાં રે ॥૨૪॥
ઝાલી બળે મારી ચાંચો પાંખો રે, કાઢી લિયે છે પાપીની આંખ્યો રે ॥
ડોળા કાઢી લિયે દિયે માર રે, તેણે ચાલે છે રુધિરધાર રે ॥૨૫॥
તેણે ભીંજાય મુખ શરીર રે, એવે દુઃખે રહે કેમ ધીર રે ॥
એમ દિયે છે દંડ અપાર રે, સહે એવા પાપ કરનાર રે ॥૨૬॥
સારું સુંદર નરતન પામી રે, કર્યાં પાપ રાખી નહિ ખામી રે ॥
આવ્યા સમૂહ તેના સામટા રે, જેમ આવે ઘન ચડી ઘટા રે ॥૨૭॥
વળી આલોકે કરી અનર્થ રે, બહુ પાપે કરી મેળ્યું ગર્થ9 રે ॥
પામે ધન વાધે અભિમાન રે, જાણે નહિ કોય મુજ સમાન રે ॥૨૮॥
ધનમદે બોલે વાંકાં વેણ રે, થયો દુર્બળને દુઃખદેણ રે ॥
ધન ખરચતાં ખરખરો ઘણો રે, રાખે ભય રાજા ચોર તણો રે ॥૨૯॥
મેળ્યું ધન જક્ષના10 સમાન રે, નાપ્યું તેમાંથી કોડી દાન રે ॥
અભ્યાગત વિપ્ર ને કલોઈ11 રે, તેને અર્થે નાવ્યો દામ કોઈ રે ॥૩૦॥
મેળ્યું ધન કેવળ કરી પાપ રે, તે ન ખરચ્યું ન ખાધું આપ રે ॥
પછી ધન તન તજી તેહ રે, જાય જમપુરીમાંહી એહ રે ॥૩૧॥
તેને નાખે સૂચિમુખ નરકે રે, પામે દુઃખ પાપી બહુ બરકે12 રે ॥
જમદૂત દરજીની પેઠ્યે રે, એનું તન સીવી બહુ ગંઠ્યે રે ॥૩૨॥
ચીરી ચામડી સોએ સીવે છે રે, મુવા સરીખો થઈ જીવે છે રે ॥
સર્વે લોભનો લાભ દેખાડી રે, એક સીવે બીજો નાખે ફાડી રે ॥૩૩॥
એમ બહુવિધિ આપે છે દુઃખ રે, તેહ ન કહેવાય ભાઈ મુખ રે ॥
સુણી સર્વે પુરાણે અશેષ રે, કહ્યાં નરક એમ અઠ્ઠાવીશ રે ॥૩૪॥
એહ વિના બીજા છે અપાર રે, સોએ સો ને હજારે હજાર રે ॥
પાપી જીવને પીડવા કાજે રે, ધર્મરાયને રાખ્યા મહારાજે રે ॥૩૫॥
જેણે જેવી કરી છે કમાણી રે, તેને ભોગવાવે તેવી જાણી રે ॥
સંયમિનીને દક્ષિણ દ્વાર રે, નરક અગણિત છે અપાર રે ॥૩૬॥
જેણે જેવાં કર્યાં હોય પાપ રે, તેવે નરક પડે પ્રાણી આપ રે ॥
પડે સર્વે નરકે અધર્મી રે, હોય નર વા નારી વિકર્મી રે ॥૩૭॥
નથી વાત જૂઠી એહ જાણો રે, સર્વે સાચી પુરાણે પ્રમાણો રે ॥
તેને અર્થે કરે છે ઉપાય રે, દાન પુણ્ય વ્રત કહેવાય રે ॥૩૮॥
એહ દુઃખને ટાળવા કાજ રે, કરે ઉપાય રંક ને રાજ રે ॥
પણ પાપીનો સંગ નડે છે રે, તેણે કરી નરકમાં પડે છે રે ॥૩૯॥
ખોટી દિશના દેખાડનાર રે, છે આ જગમાંઈ અપાર રે ॥
તેના સંગને નથી તજતા રે, શુદ્ધ થઈ નથી હરિ ભજતા રે ॥૪૦॥
આપ પાપે કરી નરક એહ રે, ભોગવે છે અનુક્રમે તેહ રે ॥
તેમ ધર્મ અનુક્રમે જીવ રે, જાય સ્વર્ગાદિ લોકે સદૈવ રે ॥૪૧॥
કેટલાક નરકેથી નીસરે રે, કેટલાક નરક માંય ગરે રે ॥
એમ કૈક સ્વર્ગથી પડે છે રે, કૈક સ્વર્ગાદિ લોકે ચડે છે રે ॥૪૨॥
એમ કરતાં વધે પુણ્ય પાપ રે, તેણે ફરે ચોરાશીમાં આપ રે ॥
એમ રચી રહ્યો છે અખાડો રે, પ્રભુ ભજ્યા વિના છે પવાડો13 રે ॥૪૩॥
ભજો હરિ તજી બીજી વાત રે, તો ટળે માથેથી જમઘાત રે ॥
પ્રભુ ભજ્યા વિના એનો પાર રે, નથી આવતો જાણો નિરધાર રે ॥૪૪॥
સાચા સંતનો સંગ કરીને રે, ભજો ભાવે કરીને હરિને રે ॥
જો કોઈ ઇચ્છો એ ટાળવા દુઃખ રે, રહો શ્રીહરિને સનમુખ રે ॥૪૫॥
જે એ દુઃખ કહ્યાં કથી કથી રે, તે તો હરિજન પર નથી રે ॥
માટે હરિજન સહુ થાઓ રે, શીદ જમપુરીમાંહી જાઓ રે ॥૪૬॥
મો’રે મોટા મોટા જો વિચારી રે, થયા ભકત પ્રભુજીના ભારી રે ॥
રાજ સાજ સુખ ને સંપત્તિ રે, તજી ભજ્યા પ્રભુ પ્રાણપતિ રે ॥૪૭॥
તે તો એ દુઃખ ટાળવા કાજ રે, મેલ્યો સર્વ સુખનો સમાજ રે ॥
સુખ મૂકીને દુઃખને લેવું રે, તે તો ન ગમે કોઈને એવું રે ॥૪૮॥
પણ જમપુરીનાં દુઃખ જાણી રે, ખરી પ્રતીત મનમાં આણી રે ॥
તૈયે મેલી દીધો એ મારગ રે, પછી સુખમારગે ભર્યા પગ રે ॥૪૯॥
માટે સહુને જોવું તપાસી રે, નથી આગળ ખેલ14 ને હાંસી રે ॥
કહે નિષ્કુળાનંદ નિરધાર રે, કરવો સહુને એનો વિચાર રે ॥૫૦॥