યમદંડ

કડવું ૮

પૂર્વછાયો

જંજીર બંધે બાંધિયો, મારીને લીધો મો’ર ॥

ડગલે ડગલે દુઃખું ઘણું, નહિ લેવાં સુખ કોઈ ઠોર1 ॥ ૧ ॥

બસેં ને સડતાળીશ જોજન,2 જમ ચલાવે છે નીત3

જેવાં જેનાં કર્મ છે, તેવી તે દંડની રીત ॥ ૨ ॥

મર્મસ્થળે મારે ઘણું, તેણે પાપી કરે પોકાર ॥

પુણ્ય હીણા પ્રાણી તણી, એ સમે કરે કોણ સાર ॥ ૩ ॥

શોધી સંધ્ય4 શરીરની, તિયાં માર દિયે મનગમતી ॥

દંડ દેવાની રીતને, જાણે છે જમદૂત અતિ ॥ ૪ ॥

તાળવે5 કપાળે કોણિયે, ગોઠણે માર દિયે ઘણી ॥

છાતી નખ છેદે તેની, થાય પીડા અતિ તે તણી ॥ ૫ ॥

નાશી ભાગી નવ શકે, પડિયો જમને હાથ ॥

કષ્ટ સહેવાય કેટલું, અતિ પામે પીડા અનાથ ॥ ૬ ॥

જેમ નર વાનરને, બળે6 ગળે બાંધે છે બંદ7

તેમ જાયે ક્યાં જીવ પાપી, પડિયો જમને ફંદ ॥ ૭ ॥

જેને દીઠે દુઃખ ઊપજે, વળી સ્પર્શે જાય પ્રાણ ॥

વજ્ર જેવી વાણી વદે, એવા ભૂંડા જમરાણ ॥ ૮ ॥

ચોપાઈ

તેને સાથે ચાલિયો અનાથ રે, ઘણું ઘણું ઘસતો હાથ રે ॥

કરે ઓરતો8 મનમાં બહુ રે, મારો મારો કરે જમ સહુ રે ॥ ૯ ॥

પડે માથે મુદગર માર રે, કરે હાય હાય ત્યાં પોકાર રે ॥

દઈ દઈ પાપનાં એંધાણ રે, દિયે દુઃખ ઘણું જમરાણ રે ॥૧૦॥

જેહ સમે કર્યાં પાપ જેવાં રે, કહે એંધાણ સહિત એવાં રે ॥

ત્યારે સાંભરે સર્વે વાત રે, એમ જાય જમને સંઘાત રે ॥૧૧॥

ચાલતાં ચાલતાં પો’ર ચાર રે, પ્રાણી પામે છે પીડા અપાર રે ॥

હારી થાકી થયો છે હેરાણ રે, અતિ પીડાને પામ્યો છે પ્રાણ રે ॥૧૨॥

પડી રાત્ય આવ્યું તિયાં ગામ રે, જાણે જીવ કરીશ આરામ રે ॥

ત્યાં તો આવે છે ગામનાં વાસી રે, ખાય માંસ રુધિરનાં પ્યાસી રે ॥૧૩॥

હાથે કાતાં9 છરા ને કુઠાર રે, કાપી પાપીનો કરે આહાર રે ॥

ખાઈ ખાઈ ધરાય જમ જ્યારે રે, બહુ વખાણ કરે છે ત્યારે રે ॥૧૪॥

અમે ખાધું માંસ બહુ તણું રે, પણ સૌથી સ્વાદુ તારું ઘણું રે ॥

ખારું ખાટું તીખું તમતમું રે, જમતો તું બહુ મનગમ્યું રે ॥૧૫॥

ગળ્યું ચીકણું તળેલ તાવ્યું10 રે, વઘાર્યું ઘુંગાર્યું મનભાવ્યું રે ॥

શુદ્ધાશુદ્ધ ખાધા ખટ રસ રે, તેણે કરી તારું માંસ સરસ રે ॥૧૬॥

એમ કહી કાપી કાપી ખાય રે, તેને દુઃખે કરે હાય હાય રે ॥

કરી પોકાર પડે અચેત11 રે, નથી ખમાતો માર મેં નિત્ય રે ॥૧૭॥

ત્યારે કિંકર12 કહે સુણ્ય પ્રાણી રે, તેં આ વાટને કેમ ન જાણી રે ॥

યાં તો કોઈ કોઈનું જ નથી રે, અમે કહિયે તુંને શું કથી રે ॥૧૮॥

એમ કહીને આપે છે માર રે, તેને દુઃખે કરે છે પોકાર રે ॥

પછી સાંભરે પાપ પોતાનાં રે, જે કાંઈ કર્યાં છે પ્રગટ છાનાં રે ॥૧૯॥

કહે છે મનુષ્ય દેહને પામી રે, મારી શુભ મતિ સર્વે વામી રે ॥

પાળ્યો નહિ મેં પવિત્ર ધર્મ રે, કર્યાં વિકળ થઈ વિકર્મ રે ॥૨૦॥

મૂરખાઈ મૂકી સદાચાર રે, મેં તો કાંઈ ન કર્યો વિચાર રે ॥

બા’ર ભીતર અપવિત્ર રહ્યો રે, સત્ય પુરુષનો ગુણ ન ગ્રહ્યો રે ॥૨૧॥

અન્ન ધન જે આયુષ્ય મારું રે, ખોયું સત્ય માર્ગથી મેં બા’રું રે ॥

ભજ્યા નહિ ભાવે ભગવંત રે, સેવ્યા નહિ સાચા સદ્‌ગુરુ સંત રે ॥૨૨॥

આવી એવી મુજને કુબુદ્ધિ રે, ભૂલ્યો જન્મથી મરણ સુધી રે ॥

આજ કોણ કરે મારી સા’ય રે, એમ કહી કરે હાય હાય રે ॥૨૩॥

ત્યારે કિંકર કહે છે પ્રાણી રે, તેં આ વાતને નહોતી શું જાણી રે ॥

જાવું જો’શે જમપુરી માંય રે, જિયાં નથી સગાં કોઈ સા’ય રે ॥૨૪॥

નહિ મળે ત્યાં ઉછી-ઉધારું13 રે, નહિ કરે કોઈ દંડમાં વારુ14 રે ॥

યાં તો કર્મ કર્યું જેણે જેવું રે, ભોગવવું પડે છે જો તેવું રે ॥૨૫॥

જે જે ભેળું લાવ્યો તું ભાતું રે, તેનું વાંચી દેખાડિયે ખાતું રે ॥

પોષ્યો અન્યાયે અસત્ય દેહ રે, કર્યો અસત્ય સગાંશું નેહ રે ॥૨૬॥

તે તો રહ્યાં છે તિયાંનાં તિયાં રે, કોણ સગું થાય તારું ઇયાં રે ॥

સત્ય પુરુષ ન સેવ્યા કદાપિ રે, માટે આ વાટે આવ્યો છું પાપી રે ॥૨૭॥

કરતો પાપ ન ડરતો લગાર રે, ચાલ્યો મન ગમતે ગમાર રે ॥

નો’તી બીક શંકા મનમાંય રે, કરતો પાપ આપ ઇચ્છાય રે ॥૨૮॥

તેં તો જમપુરીને ન જાણી રે, તેમ સુણીને બીક ન આણી રે ॥

જો તું અમથી બી’ત15 અભાગી રે, તો તું પાપબુદ્ધિ દેત ત્યાગી રે ॥૨૯॥

માટે અમને ન ગણ્યા ગમાર રે, એમ કહી દિયે બહુ માર રે ॥

દિયે માર અપાર તે સહે રે, વળી મુખે કિંકર એમ કહે રે ॥૩૦॥

થયા ભૂખ્યા ને તરસ્યા ભારે રે, આપ્ય ખાવા ને પીવા આ વારે રે ॥

તે તો જોઈશે અમારે જરૂર રે, લાગી ભૂખ ને જાવું છે દૂર રે ॥૩૧॥

આપ્ય ખાવા નહિ તો તુંને ખાશું રે, ત્યારે મૂકશું સૌ જ્યારે ધરાશું રે ॥

પછી કેડે દીધું હોય કાંય રે, ભાગ ત્રણ વહેંચે છે ત્યાંય રે ॥૩૨॥

એક ભાગ જમદૂત લિયે રે, બીજો પ્રેતના ગણને દિયે રે ॥

ત્રીજો ભાગ તે પોતે જમે રે, એમ દિન અઢાર નિગમે રે ॥૩૩॥

દ્વાદશ મો’રના એહ અઢાર રે, મળી માસ થાય નિરધાર રે ॥

રાત દિવસ ચાલે દડીદોટે16 રે, ચડ્યો જમના દૂતની ચોટે રે ॥૩૪॥

ભૂખપ્યાસે પીડાણો છે અતિ રે, મહાદુઃખે મૂંઝાણી છે મતિ રે ॥

થયો બફોયો17 ફોમ18 ન રહી રે, નિત્ય માર શકે કેમ સહી રે ॥૩૫॥

ત્રાહી તોભા કરી ત્રિશ દન રે, અતિ કષ્ટે કર્યા ઉલ્લંઘન રે ॥

તૈયે આવ્યું યમપુર જેહ રે, તિયાં પહોંચ્યો છે પ્રાણિયો એહ રે ॥૩૬॥

તેમાં પ્રેત વસે છે જો ઘણા રે, બહુ ભયંકર બિયામણા રે ॥

તિયાં પુષ્પભદ્રા નદી તટ રે, એક અતિ વિસ્તારે છે વટ રે ॥૩૭॥

તિયાં બેઠાં છે પ્રેતનાં બાળ રે, દેખી જીવ આવે તતકાળ રે ॥

કાપી કાપી કલેવર ખાય રે, વળગ્યાં અંગે અળગાં ન થાય રે ॥૩૮॥

કાઢી લઈયે એનું કલેજુ રે, પછી મારે તીર કરી વેજું19 રે ॥

દિયે દુઃખ દયા નહિ દલ રે, પામે દુઃખ સુખ નહિ પલ રે ॥૩૯॥

તને તપે છે તાપ વિષમ રે, પ્રલયકાળના સૂરજ સમ રે ॥

જીવે જોઈ એ વટનું વૃખ20 રે, છાંયે બેસવા કર્યો’તો હરખ રે ॥૪૦॥

ત્યાં તો પ્રેત બાળ બીજાં મળી રે, ખાવા લાગ્યાં છે પાપીને વળી રે ॥

ત્યાંથી આવ્યો પુરદ્વારે પ્રાણી રે, ઊઠ્યા લાગ21 લેવા દરવાણી રે ॥૪૧॥

લીધું માંસ પીધું છે રુધિર રે, તેને દુઃખે રુવે છે અધીર રે ॥

પછી જાય છે જમપુર માંય રે, લિયે લાગ ભાગ માગી ત્યાંય રે ॥૪૨॥

લીધું માંસ રુધિર પીવાને રે, રાજા પ્રધાન વજીર દીવાને રે ॥

કહે લઈ જાઓ જમ આંયથી રે, ઉતાવળો આ પુર માંયથી રે ॥૪૩॥

આપી લાગ ને નીસર્યો બા’ર રે, ઉત્તરદ્વારેથી દક્ષિણ દ્વાર રે ॥

મેલ્યું શહેર એક સોળમાં રે, એમ રાત દી જાય રોળમાં22 રે ॥૪૪॥

કંપે કાળજ દેખી દૂતને રે, અતિ થરથર ધૂ્રજે છે તને રે ॥

કેમ આવશે આ દુઃખ અંત રે, એમ કરે ઓરતો અત્યંત રે ॥૪૫॥

તેને જોઈને જમના દૂત રે, દુઃખ દિયે છે એને અદ્‌ભુત રે ॥

મો’રે કરે છે કિંકર મારી રે, જીવ ભોગવે છે દુઃખ ભારી રે ॥૪૬॥

નિત્યે આવે છે જમનાં ગામ રે, તિયાં નથી સુખ લેવા ઠામ રે ॥

સાંજ પડે ને થાય સવાર રે, દિયે નાનાં મોટાં સહુ માર રે ॥૪૭॥

નરનારીને ન મળે મે’ર રે, જાણે ગોળનું ગાડું આવ્યું ઘેર રે ॥

ખાય ધરાય થાય રળિયાત રે, વળી કરે પરસ્પર વાત રે ॥૪૮॥

આનું માંસ લાગે છે મીઠું રે, આવું બીજા કોયનું ન દીઠું રે ॥

ઘણે દને મળ્યું આજ ગળ્યું રે, આજ દિન મો’ર આવું ન મળ્યું રે ॥૪૯॥

એમ પામે છે દુઃખ અપાર રે, કષ્ટ પામે પાપ કરનાર રે ॥

પામે દુઃખ જાય નહિ સહ્યું રે, સત્ય નિષ્કુળાનંદે એ કહ્યું રે ॥૫૦॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું ૧ કડવું ૨ કડવું ૩ કડવું ૪ કડવું ૫ કડવું ૬ કડવું ૭ કડવું ૮ કડવું ૯ કડવું ૧૦ કડવું ૧૧ કડવું ૧૨ કડવું ૧૩ કડવું ૧૪ કડવું ૧૫ કડવું ૧૬ કડવું ૧૭ કડવું ૧૮ કડવું ૧૯ કડવું ૨૦ પદ