યમદંડ
કડવું ૨૦
પૂર્વછાયો
જૂજવી રીતે જીવને, કહ્યાં જમપુરીનાં દુઃખ ॥
હરિજન મગન રહેજ્યો, એ તો ભોગવશે વિમુખ ॥ ૧ ॥
પ્રભુ વિમુખ પ્રાણિયો, જો કરે કોટિ ઉપાય ॥
દુઃખ માથેથી મટે નહિ, જરૂર જમપુર જાય ॥ ૨ ॥
ભૂલી દિશ ભગવાનની, અને લીધી બીજી વાટ્ય1 ॥
તેમાં જેટલું ચોંપે ચાલશે, તેટલી ખોટ્ય નહિ ખાટ્ય2 ॥ ૩ ॥
સમર્થના શરણ વિના, કુશળ ક્યાં થકી હોય ॥
આપબળે નવ ઊગરે, જેમ સિંધુ તરવો સોય ॥ ૪ ॥
જે જન્મ મરણ જીવને, દુઃખનો ભર્યો દરિયાવ ॥
લે’રી પેઠે3 લય ઉત્પત્તિ, ઊપજે સહજ સ્વભાવ ॥ ૫ ॥
જનમ મરણ જ્યાં લગી, ત્યાં લગી જમનું જોર ॥
જમ આવે તિયાં જાણજ્યો, કહ્યાં દુઃખ જે કેડામો’ર4 ॥ ૬ ॥
જેને માથે છે મરવું, તોય ન ડરવું નિરધાર ॥
તેહ જ મૂરખ મંદમતિ, અતિ ગાફલ કહિયે ગમાર ॥ ૭ ॥
શું થયું શિયાણો થયે, શું થયું થયો ચતુર ॥
ડાહ્યા સમજુએ શું થયું, જો હરિ ન રાખ્યા ઉર ॥ ૮ ॥
પ્રભુ વિમુખ નર પરાક્રમે, જો હોય જગ જાણિત ॥
અનેક ગુણને આશરે, પણ જમપુરે જાવા રીત ॥ ૯ ॥
જમ આવે જેને તેડવા, કહુ તેના તનની રીત ॥
અચેત મરે અસાધ્યમાં, જેને પ્રભુ સાથે નહિ પ્રીત ॥૧૦॥
ચોપાઈ
જેને આવે લેવા જમરાણ રે, તેનાં ઓળખાવું હું એંધાણ રે ॥
જમ જોરે કાઢે એનો પ્રાણી રે, સર્વે નાડી અનાડીની તાણી રે ॥૧૧॥
ત્યારે સજડ થાય શરીર રે, લોહલાઠ્ય સરખું અચીર રે ॥
જેમ ન વળે સૂકું લક્કડ રે, એમ અંગ થાય છે અક્કડ રે ॥૧૨॥
તે તો જમદૂત જોરે કરી રે, લિયે પાપી તણા પ્રાણ હરી રે ॥
પછી હાથ પગ જેમ હોય રે, વાળ્યા વળે નહિ વળી સોય રે ॥૧૩॥
આંખ્ય મુખ ફાટ્યું રહી જાય રે, પાછું બીડતાં તે ન બીડાય રે ॥
નાડી તણાઈ સરવે ત્રૂટે રે, ગુદા શિષ્નુ તણા બંધ છુટે રે ॥૧૪॥
થાય મળ મૂત્ર ને મગન રે, તેણે ખરડ્યે બગડે તન રે ॥
હાયવોય કરતો તે મરે રે, થઈ વ્યાકુળ વલખાં કરે રે ॥૧૫॥
સુત દારા મારાં શું કરશે રે, મુજ વિના દુઃખી થઈ મરશે રે ॥
એમ આળપંપાળમાં મરે રે, જેના જમ જોરે પ્રાણ હરે રે ॥૧૬॥
આવે જમ તેડવા જેને રે, થાય જેમ કહ્યું તેમ તેને રે ॥
વળી હોય કોઈ વાસનાવાન રે, નાવે જમને હાથ નિદાન રે ॥૧૭॥
તર્ત ભૂત પ્રેત તન ધરે રે, તે પણ નરકથી નરસું સરે રે ॥
નદી કૂવા વાવ્ય તળાવે રે, તિયાં જળ પીવાને જો જાવે રે ॥૧૮॥
ન દિયે પીવા વરુણની ચોકી રે, મરે પ્યાસે રાખ્યા ઘાટ રોકી રે ॥
પછી અશુદ્ધ જળને ગોતે રે, તેહ વિના ન પીવાય ભૂતે રે ॥૧૯॥
પિયે ગુદા ધોયાનું પાણી રે, અતિશય અશુદ્ધ એ જાણી રે ॥
કાં તો લિંગ ભગ ધોયું તોય રે, ભૂત પ્રેતને પીવાનું સોય રે ॥૨૦॥
નરક થકી નરસું છે જેમાં રે, જાણી જમ મૂકી દિયે તેમાં રે ॥
એમ હરિ વિમુખને દુઃખ રે, જિયાં જાય તિયાં નહિ સુખ રે ॥૨૧॥
એમ ભૂત પ્રેત નર નાગ રે, પ્રભુ વિમુખનાં ભૂંડાં ભાગ્ય રે ॥
કાં તો અતિપાપી તન પામી રે, કરે પાપ રાખે નહિ ખામી રે ॥૨૨॥
ભાવું ભીલ કસાઈ કલાર રે, પારાધી ફાંસિયા મચ્છીમાર રે ॥
મહામ્લેચ્છ છે પાપનું મૂળ રે, મારે જીવ અહોનિશ અતુળ રે ॥૨૩॥
તે તો મરી જમપુર જાય રે, પછી સદા રહે નરકમાંય રે ॥
કોઈ કાળે ન નીસરે બા’ર રે, જેણે કર્યાં છે પાપ અપાર રે ॥૨૪॥
આવે અભાગ્યે મનુષ્યનો વારો રે, નાવે જીવતો ગર્ભથી બા’રો રે ॥
કાં તો ગળી જાય ગર્ભમાંય રે, કાં તો સંકટમાં સ્રવી જાય રે ॥૨૫॥
કાં તો કાઢે ઉદરથી કાપી રે, નાવે ગર્ભથી જીવતો પાપી રે ॥
એમ જન્મોજન્મ વેરેવેરે રે, ખુવે મનુષ્ય આયુષ્ય એ પેરે રે ॥૨૬॥
પણ મનુષ્ય દેહનું જે સુખ રે, પામે નહિ પ્રભુના વિમુખ રે ॥
એવી અતિ અધર્મની રીત રે, કહું બીજી સુણો દઈ ચિત્ત રે ॥૨૭॥
નાના મોટા હોય નામધારી રે, જેની નવ ખંડે નામના ભારી રે ॥
મર આ જગે હોય જાણીત રે, પણ સર્વે તણી એક રીત રે ॥૨૮॥
વિદ્યા ગુણ પેચ પરાક્રમ રે, નો’ય બીજો કોઈ એહ સમ રે ॥
સર્વ વાતનું કહી દેખાડે રે, પણ જમ આગે એક પાડે રે ॥૨૯॥
એમ સાંભળ્યું શાસ્ત્ર સઘળે રે, એવે ગુણે જમત્રાસ ન ટળે રે ॥
હરિ વિના મૃત્યુને ન તરે રે, સાચી વાત માનજ્યો એ સરે રે ॥૩૦॥
કોઈ પઢે સર્વે પુરાણ રે, કા’વે સર્વે લોકમાં સુજાણ રે ॥
કરી વાતે ડોલાવે બ્રહ્મંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૧॥
કોઈ કરે જગનને જાગ રે, આપે સર્વે અમરને ભાગ રે ॥
હોમે નર પશુ કરી પંડ રે, પણ ટળે નહિ જમ દંડ રે ॥૩૨॥
કોઈ પર્વતપરથી પડે રે, જ્યારે એવે વેગે મન ચડે રે ॥
મળે સુત વિત્ત રાજ્ય રંડ5 રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૩॥
કોઈ ફરે તીરથ સઘળે રે, રહે નિત્ય નવે વળી સ્થળે રે ॥
જઈ જળમાં પખાળે પંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૪॥
કોઈ કરે વ્રત ઉપવાસ રે, જાય ઉત્તરે થઈ ઉદાસ રે ॥
જઈ ગાળે હિમાળામાં હંડ6 રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૫॥
કોઈ ચારે કોરે અગ્નિ બાળી રે, બેસે વચ્ચમાં આસન વાળી રે ॥
માથે તપાવે જો માર્તંડ7 રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૬॥
કોઈ અષ્ટાંગયોગને સાધે રે, એક આત્મારૂપ આરાધે રે ॥
રોકે પ્રાણ અપાન પ્રચંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૭॥
કોઈ ભણે વેદાંત અનુપ રે, જાણે જીવેશ્વરમાયાનું રૂપ રે ॥
જે તે સામો રોપે જઈ ઝંડ8 રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૮॥
કોઈ વદે છે વ્યાકરણવાણ રે, સુણી સહુ કરે પ્રમાણ રે ॥
બોલે મુખથી શુદ્ધ અખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૩૯॥
કોઈ કવિ થઈ કાવ્ય જોડે રે, કોઈ કરે જ્ઞાન ગપોડે9 રે ॥
જાણું ભેદી જાશે આ બ્રહ્મંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૦॥
કોઈ સઉથી થઈ ઉદાસી રે, લિયે કરવત જઈ કાશી રે ॥
મરે જળે બૂડી ભરી ભંડ10 રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૧॥
કોઈ સતી પતિ કેડે થાય રે, કોઈ જીવતાં ભૂમાં સમાય રે ॥
એમ પરાણે કરે પ્રાણ છંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૨॥
કોઈ ત્યાગી થઈ વસે વન રે, ફરે નગન ન ખાય અન્ન રે ॥
સહે શીત ઉષ્ણ પીડા પંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૩॥
કોઈ સા’ય11 કરે સિદ્ધિ અષ્ટ રે, પામે નિધિ કરી બહુ કષ્ટ રે ॥
જાય ઇચ્છે તે લોકમાં ઊંડ12 રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૪॥
કોઈ જંત્ર મંત્રને વખાણે રે, બહુ નાટક ચેટક જાણે રે ॥
જાણે બહુ પ્રપંચ પાખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૫॥
કોઈ આપે સર્વસ્વ દાન રે, વાધે કીર્તિ કર્ણ સમાન રે ॥
પડે ખબર સરવે ખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૬॥
કોઈ શૂરા પૂરા સંગ્રામે રે, વડા વેરીથી હાર ન પામે રે ॥
કરે શત્રુ સેનાને વિખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૭॥
સ્વર્ગ મૃત્યુ પાતાળમાં જશે13 રે, વ્યાપી રહ્યો સહુથી સરસ રે ॥
હોય નર નારી વા ષંડ14 રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૮॥
એવી રીત કિયાં લગી કહું રે, કે’તાં કે’તાં તે પાર ન લહુ રે ॥
અંતે પડે તે નરકને કુંડ રે, પણ ટળે નહિ જમદંડ રે ॥૪૯॥
એમ કહે છે સર્વે પુરાણ રે, સુણી સમજી લેજ્યો સુજાણ રે ॥
નથી મુખની વાત મેં લખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ॥૫૦॥
જો આપ બળે સિંધુ તરાય રે, નાવ શોધવા તો શીદ જાય રે ॥
હોય પોત15 પાર થાય સુખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ॥૫૧॥
જેમ અર્ક વિના અંધારું રે, કરે ટાળવા ઉપાય હજારું રે ॥
ઉલેચતાં તમ થાય દુઃખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ॥૫૨॥
સર સરિતા સાગર સોય રે, ઘન વિના સૂક્યાં સહુ કોય રે ॥
એહ એંધાણ લેવું ઓળખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ॥૫૩॥
એમ સો વાતની વાત એક રે, સમજુ હોય તે સમજો વિવેક રે ॥
મમતે ન થાવું મનમુખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે ॥૫૪॥
યમદંડ નામે છે આ ગ્રંથ રે, તેમાં ચરણે ચરણે એ અર્થ રે ॥
લેવું પ્રકટ પ્રભુનું શરણ રે, ત્યારે ટળે જન્મ ને મરણ રે ॥૫૫॥
જન્મ મરણ તિયાં જમ જાણો રે, જમ આવે એ દુઃખ પ્રમાણો રે ॥
જાણો દુઃખ ટળી સુખ થાવું રે, ત્યારે પ્રગટ પ્રભુ પાસે જાવું રે ॥૫૬॥
કહ્યો છેલ્લો મેં એહ ઉપાય રે, હોય હરિ જુગો જુગ માંય રે ॥
તેને મળ્યે ટળે મહાદુઃખ રે, થાય શાંતિ પામે જીવ સુખ રે ॥૫૭॥
આદ્યે અંતે મધ્યે એહ વાત રે, સહુ સમજી લ્યો સાક્ષાત રે ॥
પ્રભુ મળ્યા વિના છે પાંપળાં16 રે, તજો તેને જાણીને ટાંપળાં17 રે ॥૫૮॥
કરો પ્રગટ પ્રભુ સાથે પ્રીતિ રે, તો જાઓ જગમાંહી જીતી રે ॥
નથી કઠણ વાત એ કાંઈ રે, સહુ સમજો એવી સુખદાઈ રે ॥૫૯॥
સાચા ખોટામાં સરખો શ્રમ રે, શીદ નથી જાણતા એ મર્મ રે ॥
જેમ દિશ મુવાડે18 મારગે રે, ચાલે સાંજથી સવાર લગે રે ॥૬૦॥
જેમ જેમ ચોંપેશું ચલાય રે, તેમ તેમ છેટું થાતું જાય રે ॥
તેમ પ્રભુજીને પૂઠ્ય દઈ રે, જીવ કરે છે ભગતિ કઈ રે ॥૬૧॥
તે તો નથી આવતી જો અર્થ રે, ઠાલો જન્મ ખુવે છે વ્યર્થ રે ॥
વણ સમજ્યે વેઠે છે દુઃખ રે, જે કોઈ હરિ થકી છે વિમુખ રે ॥૬૨॥
મટી વિમુખ સન્મુખ થાઓ રે, જાણી જોઈ કાં જમપુર જાઓ રે ॥
પોતે પોતાનું કરવું કાજ રે, સ્મરી શ્રીઘનશ્યામ મહારાજ રે ॥૬૩॥
અચળ એક આશરો એહ રે, એહ વાતમાં નથી સંદેહ રે ॥
તેહ વિના ન હોય ભવપાર રે, કહે નિષ્કુળાનંદ નિરધાર રે ॥૬૪॥
પદ
રાગ: ધોળ
પામ્યા પામ્યા રે ભવજળપાર, શ્રીહરિ સંત મળી.
વામ્યાં વામ્યાં રે દુઃખ અપાર, શ્રીહરિ꠶ ॥ ૧ ॥
નામ્યાં નામ્યાં રે શીશ પ્રભુ પાય, શ્રીહરિ꠶
જામ્યાં જામ્યાં રે સુખ ઉરમાંય, શ્રીહરિ꠶ ॥ ૨ ॥
સર્યાં સર્યાં રે સર્વે કાજ, શ્રીહરિ꠶
ભર્યાં ભર્યાં રે અભરે19 આજ, શ્રીહરિ꠶ ॥ ૩ ॥
ઠર્યાં ઠર્યાં રે પામી સુખઠામ, શ્રીહરિ꠶
કર્યાં કર્યાં રે પૂરણકામ, શ્રીહરિ꠶ ॥ ૪ ॥
ભાગ્યો ભાગ્યો રે ભવનો ભય, શ્રીહરિ꠶
જાગો જાગો રે થઈ જિતજય, શ્રીહરિ꠶ ॥ ૫ ॥
ત્યાગો ત્યાગો રે મનની તાણ, શ્રીહરિ꠶
માગો માગો રે પદ નિરવાણ,20 શ્રીહરિ꠶ ॥ ૬ ॥
લીધો લીધો રે પૂરણ લાવ, શ્રીહરિ꠶
દીધો દીધો રે જમશિર પાવ,21 શ્રીહરિ꠶ ॥ ૭ ॥
કીધો કીધો રે જન્મ સફળ શ્રીહરિ꠶
પીધો પીધો રે રસ અમળ22 શ્રીહરિ꠶ ॥ ૮ ॥
થઈ થઈ રે જગમાંય જીત, શ્રીહરિ꠶
ગઈ ગઈ રે અન્યની પ્રતીત, શ્રીહરિ꠶ ॥ ૯ ॥
રહી રહી રે લાખેણી23 લાજ, શ્રીહરિ꠶
સઈ સઈ રે વાત કહું આજ, શ્રીહરિ꠶ ॥૧૦॥
આવ્યો આવ્યો રે આજ આનંદ, શ્રીહરિ꠶
ફાવ્યો ફાવ્યો રે ફેરો ફાટ્યા24 ફંદ, શ્રીહરિ꠶ ॥૧૧॥
ભાવ્યો ભાવ્યો રે સાચો સત્સંગ, શ્રીહરિ꠶
નાવ્યો નાવ્યો રે અભાવ અંગ, શ્રીહરિ꠶ ॥૧૨॥
હર્યો હર્યો રે સર્વે સંતાપ, શ્રીહરિ꠶
તર્યો તર્યો રે ભવજળ આપ, શ્રીહરિ꠶ ॥૧૩॥
કર્યો કર્યો રે સર્વેનો ત્યાગ, શ્રીહરિ꠶
ઠર્યો ઠર્યો રે ઉર વૈરાગ, શ્રીહરિ꠶ ॥૧૪॥
જોયું જોયું રે જગમાં જરૂર, શ્રીહરિ꠶
ખોયું ખોયું રે દુઃખડું દૂર, શ્રીહરિ꠶ ॥૧૫॥
મોહ્યું મોહ્યું રે મન જોઈ નાથ, શ્રીહરિ꠶
પ્રોયું પ્રોયું રે ચિત્ત એહ સાથ, શ્રીહરિ꠶ ॥૧૬॥
દીધું દીધું રે દર્શન દાન, શ્રીહરિ꠶
કીધું કીધું રે અમૃતપાન, શ્રીહરિ꠶ ॥૧૭॥
લીધું લીધું રે સુખ અપાર, શ્રીહરિ꠶
સીધ્યું સીધ્યું25 રે કારજ આ વાર, શ્રીહરિ꠶ ॥૧૮॥
લાગ્યો લાગ્યો રે એ સંગે રંગ, શ્રીહરિ꠶
ભાગ્યો ભાગ્યો અન્યથી ઉમંગ, શ્રીહરિ꠶ ॥૧૯॥
વાગ્યો વાગ્યો રે જીતનો ડંક, શ્રીહરિ꠶
ત્યાગો ત્યાગો રે જૂઠી જગશંક, શ્રીહરિ꠶ ॥૨૦॥
લીધી લીધી રે શ્યામળે મારી સાર, શ્રીહરિ꠶
કીધી કીધી રે વાલે મારી વા’ર, શ્રીહરિ꠶ ॥૨૧॥
દીધી દીધી રે મોજ અનુપ, શ્રીહરિ꠶
સીધી સીધી રે વાત સુખરૂપ, શ્રીહરિ꠶ ॥૨૨॥
મળી મળી રે મહાસુખ મોજ, શ્રીહરિ꠶
દળી દળી રે જમદૂત ફોજ, શ્રીહરિ꠶ ॥૨૩॥
ટળી ટળી રે સર્વે ત્રાસ, શ્રીહરિ꠶
બળી બળી રે અન્ય બીજી આશ, શ્રીહરિ꠶ ॥૨૪॥
વળી વળી રે રંગડાની રેલ્ય, શ્રીહરિ꠶
ફળી ફળી રે સુફળ વેલ્ય, શ્રીહરિ꠶ ॥૨૫॥
ઢળી ઢળી રે ઢળી ગયો ઢાળ, શ્રીહરિ꠶
પળી પળી રે ગયાં પંપાળ, શ્રીહરિ꠶ ॥૨૬॥
ટળ્યો ટળ્યો રે જમનો ત્રાસ, શ્રીહરિ꠶
પળ્યો પળ્યો રે પરો ગર્ભવાસ, શ્રીહરિ꠶ ॥૨૭॥
મળ્યો મળ્યો રે સાચો સતસંગ, શ્રીહરિ꠶
વળ્યો વળ્યો રે દિન રહ્યો રંગ, શ્રીહરિ꠶ ॥૨૮॥
હુવો હુવો રે જય જયકાર, શ્રીહરિ꠶
જુવો જુવો રે સુખ અપાર, શ્રીહરિ꠶ ॥૨૯॥
સુવો સુવો રે સુખની સજ્જાય, શ્રીહરિ꠶
દુવો દુવો રે કામદુઘાય, શ્રીહરિ꠶ ॥૩૦॥
આજ આજ રે વરત્યો આનંદ, શ્રીહરિ꠶
કાજ કાજ રે સર્યાં ફાટ્યો ફંદ, શ્રીહરિ꠶ ॥૩૧॥
લાજ લાજ રે રહી મારી આજ, શ્રીહરિ꠶
નાજ નાજ રે ન કરું અકાજ, શ્રીહરિ꠶ ॥૩૨॥
રહે રહે રે સુખ અપાર, શ્રીહરિ꠶
વહે વહે રે કોણ ભવભાર, શ્રીહરિ꠶ ॥૩૩॥
સહે સહે રે કોણ દુઃખદ્વંદ, શ્રીહરિ꠶
કહે કહે રે નિષ્કુળાનંદ, શ્રીહરિ સંત મળી ॥૩૪॥
સોરઠો
અગિયારસો ચૌ અગિયાર ચર્ણ, ગણી ચોકસ કર્યાં,
યમદંડનો વિસ્તાર, કહ્યો એટલામાંયે કથી ॥૩૫॥
ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતો યમદંડઃ સમાપ્તઃ ।