યમદંડ

કડવું ૯

પૂર્વછાયો

મારે કરી આવે મૂરછા, પડે પ્રાણી પૃથવી મોઝાર ॥

સંકટમાં સંબંધી સંભારી, પાપી કરે પોકાર ॥ ૧ ॥

કિયાં ગયાં મારાં કુટુંબી, કિયાં ગઈ મૃગાનેણી નાર ॥

કિયાં ગયા ભાઈ ભગિની, કિયાં ગયો પુત્ર પરિવાર ॥ ૨ ॥

કિયાં ગયું ધામ ધરતી, કિયાં ગયાં અન્ન ધન માલ ॥

આ સમે કામ કોયે ન આવે, મારા જોઈ આવા હાલ ॥ ૩ ॥

એમ કહી કહી કર ઘસે, રુવે ભૂખ્યો તરશ્યો તેહ ॥

માથે ભય જમરાણનો, તેણે થરથર ધ્રૂજે દેહ ॥ ૪ ॥

જેને અર્થે અતિ ઘણો, કરતો અધર્મ આઠું જામ ॥

તે તો ત્યાંનાં ત્યાં રહ્યાં, મારે કોઈ ન આવ્યાં કામ ॥ ૫ ॥

માત તાત ભાઈ ભગિની, સુત કલત્રને1 કાજ ॥

કર્યા કર્મ વિકર્મ કંઈ, તે ભોગવવાં પડ્યાં આજ ॥ ૬ ॥

એને અર્થે આયુષ્ય ખોઈ, જોઈ નહિ વિચારી વાત ॥

સંબંધીના સુખ કારણે, કર્યાં કપટ દગા ઘાત ॥ ૭ ॥

નીચ માણસની સંગત્યે, કર્યાં અઘ અમોઘ2 અપાર ॥

કુશળ રહેવાનું ક્યાં થકી, ખરી ખાવા રહી માર ॥ ૮ ॥

ચોપાઈ

તેને કિંકર કહે છે ભાઈ, એને સંભારે શું થાય આંઈ ॥

કર્યાં કર્મ તેં ધર્મને ત્યાગી, મેલી સુખ દુઃખ લીધું માગી ॥ ૯ ॥

આવ્યું સર્વે મળી તારે સાથે, જે જે કર્યું છે તેં તારે હાથે ॥

તે તો વે’વું3 પડશે આ વાટે, કોઈ ભોગવે નહિ કેને સાટે ॥૧૦॥

તું જાણતો નહોતો મન તારે, જાવું થાશે આ મારગે મારે ॥

તિયાં ખરચી ખાવાને કાજ, સજ્યો એવો તેં કેમ સમાજ ॥૧૧॥

હસી હસી કીધાં જે પાપ, રોઈ રોઈ ભોગવો તે આપ ॥

એમ કહીને આપે છે માર, તેણે પ્રાણી કરે છે પોકાર ॥૧૨॥

દુઃખ દરિયા સમ ઊલટ્યાં, સુખશાંતિ તો સરવે મટ્યાં ॥

કરે કિંકર બહુ કંકાસ, નાખી કોટ માંહી કાળપાસ ॥૧૩॥

દિયે ફાંસી ફડફડે પ્રાણી, બોલી ન શકે મુખથી વાણી ॥

થંભી4 આંખ્ય રહે તિયાં થીજી, એમ માર દિયે જમ ખીજી ॥૧૪॥

એમ કરતાં દોઢ માસ થાય, ત્યારે સૌરીપુરે પ્રાણી જાય ॥

તેનો રાજા છે નામે સૌવરી, ગમે તેવું રૂપ લિયે ધરી ॥૧૫॥

મહાવક્રને અતિ અટારો,5 દેખી પ્રાણીને આવે કંપારો ॥

ભૂંડું મુખ અતિ ભયકાર, ખાય માંસ લોહીનો પીનાર ॥૧૬॥

એની વાણી શ્રવણે સાંભળતાં, બંધ છૂટી જાય જો વળતાં ॥

થાય પેશાબ ને પેટ છૂટે, તીખી નજરે મારવા તૂટે ॥૧૭॥

કહે લાગ અમારો તું આપી, પુર બા’ર તું નીસર પાપી ॥

લાગ લેશું દેશું ત્યારે જાવા, ખૂબ લેશું તું પાસેથી ખાવા ॥૧૮॥

પછી શ્રાદ્ધ ત્રણ પક્ષ તણું, આપ્યું હોય કેડે થોડું ઘણું ॥

કરે તેના પછી ત્રણ ભાગ, આપે તેમાંથી તેહને લાગ ॥૧૯॥

બીજા બહુ આવી ભરે બચકાં, તેણે કરી દિયે છે ડચકાં ॥

મુવો મુવો ગયો જાણ્યું શ્વાસ, ન રહી ઊગરવાની આશ ॥૨૦॥

એવો અચેત થયો અપાર, નિત્ય નવો ન સે’વાય માર ॥

બેશુદ્ધ માંય બોલી ન શકે, એમ કાઢે છે એ પુર થકે ॥૨૧॥

પછી ત્યાંથી ચાલે નિરધાર, દક્ષિણ દ્વારેથી નીસરે બા’ર ॥

સંગે કિંકર કરે સંતાપ, તપે ઉપર અત્યંત તાપ ॥૨૨॥

વાટે આવે છે વિકટ વન, તેને કાંટે કરી ફાટે તન ॥

અસિપત્ર વન6 એનું નામ, તેણે વીંટ્યું છે વરિંદ્ર ગામ ॥૨૩॥

તિયાં જમના દૂત પરાણે, એહ કાંટા પર નાખીને તાણે ॥

આંકડિયાળા ને અતિ અણી, તેણે ત્વચા ફાટે તનતણી ॥૨૪॥

તેમાં નીસરે રુધિર ધારુ, દેખી આવે ત્યાં પંખી હજારું ॥

લોહ ચાંચવાળા પંખી લાખું, તે તો તોડી ખાય તન આખું ॥૨૫॥

સંગે કિંકર તે ખાય કાપી, તેની પીડામાં પીડાય પાપી ॥

ભેળા ચાલનારનું એ ભાતું, પામે કષ્ટ કહ્યું નથી જાતું ॥૨૬॥

એને કાપી ખાય જમ સાથ, પાછો સાજો કરે ફેરી હાથ7

એમ ન કરે જો જમરાણ, તો ન પોં’ચે પંડ નિરવાણ ॥૨૭॥

એમ ભોગવે છે દુઃખ ભારી, પડી જાય છે પૃથવીએ હારી ॥

એમ હમેશ થાય હેરાણ, પેરે પેરે પીડે જમરાણ ॥૨૮॥

બીજે માસે આવે છે એ શે’ર, જેના રાજા પ્રજાને નહિ મે’ર ॥

સો સો શ્વાન સામટાં લઈ સંગે, વળગાડે છે પ્રાણીને અંગે ॥૨૯॥

ફાડી ખાય છે પાપીનું તન, તેને દુઃખે કરે છે રૂદન ॥

તેને કહે છે જમના કિંકર, પાપી નો’તો તુંને કેનો ડર ॥૩૦॥

કર્યું પાપ પેટ ભરી પૂરું, કોઈ રીતે રાખ્યું નહિ અધૂરું ॥

એમ કહી દિયે ફટકાર, વળી આપે છે બહુ બહુ માર ॥૩૧॥

લઈ લાગ ને કાઢે છે બા’ર, દૂત લઈ ચાલે છે તે વાર ॥

તે તો દૂત સદા રહે સાથે, જેણે બાંધી લીધો છે બે હાથે ॥૩૨॥

કહે દૂત ભૂખ્યા થયા બહુ, આપ્ય ખાવા તો ખાઈએ સહુ ॥

ત્યારે જીવ કહે ક્યાં થકી દિયું, આપ્યું હોય તો આ વાટ લીયું ॥૩૩॥

નથી જમાડ્યા મેં વિપ્ર જન, નથી આપ્યું મેં સંતને અન્ન ॥

સારું ખાધું મેં ખૂણે સંતાઈ, હવે ક્યાંથી મળે અન્ન આંઈ ॥૩૪॥

પછી જમદૂત તેને જોઈ, ખાય માંસ ને પીવે છે લોઈ ॥

ખાઈ ધરાઈ ચકચૂર થઈ, બહુ ચલાવે છે માર દઈ ॥૩૫॥

ચાલતાં ચાલતાં દિનરાત, પામે દુઃખ ન કે’વાય વાત ॥

સંગે કિંકર તે કાળા કેર, જેને નહિ દયા મન મે’ર ॥૩૬॥

આળ્યે આળ્યે8 ઉગામે આયુધ, બહુ ધ્રૂજી થાય છે બેશુદ્ધ ॥

ત્યારે જીવ કહે જમદૂત, શાને ઠાલું કરો તમે તૂત ॥૩૭॥

કે દી પાપ કર્યું’તું મેં આવું, જેણે કરી નિત્ય માર ખાવું ॥

ત્યારે જમદૂત કહે જીવ જાણે, કહિયે પાપ કર્યાં જે જે ટાણે ॥૩૮॥

હતા પાસળે પંચ દેવતા, તે તો સરવે આવીને કહેતા ॥

તેની લખી રાખી છે એંધાણી, શીદ કે’વરાવે છે તું પ્રાણી ॥૩૯॥

તારા પાપને પ્રમાણે પાપી, નથી શકતા દંડ અમે આપી ॥

બહુ રીસ ચઢે છે તું પર, પણ મારી મારી થાક્યા કર ॥૪૦॥

એમ કહીને ઝાલ્યો છે ગળે, મારી કૂટીને કર્યો આગળે ॥

એમ ચલાવે છે ચોંપે9 કરી, પડે લડથડે બહુ મારે કરી ॥૪૧॥

એમ કરતાં અઢી માસ થાય, ત્યારે ગાંધર્વપુરમાં જાય ॥

તેના દરવાણીને લાગ દઈ, પછી જાય રાજા પાસે લઈ ॥૪૨॥

મન ગમતો દઈ રાજા દંડ, પછી કાપે છે પાપીનું પંડ ॥

રાજા ને રાજાના શૂરવીર, ખાય માંસ ને પિયે રુધિર ॥૪૩॥

તેમાં નાવે કેને મને મે’ર, એવું અતિ નિર્દય એ શે’ર ॥

તેનો લાગભાગ સર્વે આપી, વળી પંથસર10 થાય પાપી ॥૪૪॥

સંગે કિંકર બહુ સંતાપે, નિત્ય પ્રત્યે નવાં દુઃખ આપે ॥

અતિ ચલાવે છે ઉતાવળો, આપી માર ને કરે આકળો ॥૪૫॥

ચાલી ચાલી ત્રણ માસ જાવે, ત્યારે શૈલાગમ પુર આવે ॥

તિયાં થાય છે પાણાની ઝડી, પડે પાપી ઉપર તડાતડી ॥૪૬॥

તેણે ભાંગે છે હાડ મુંડ11 હૈયું, પામે દુઃખ તે ન જાય કૈયું ॥

અંગોઅંગ ભાંગી ભૂકો થાય, કરે કોણ એ કષ્ટમાં સા’ય ॥૪૭॥

આપ્યું હોય છત્ર ઘર છાંય, તો થાય એ દુઃખ માંહી સા’ય ॥

વળી કેડે શ્રાદ્ધ કીધું હોય, ખાઈ ચાલે છે મારગે સોય ॥૪૮॥

થાય ચોથો માસ પૂરો જ્યારે, ક્રૂરપુરે પોં’ચે પ્રાણી ત્યારે ॥

ક્રૂરપુરનાં કષ્ટ કઠણ, લિયે લોહી માંસ એક મણ ॥૪૯॥

તેમાં ઓછું ન લિયે લગાર, આપ્યા વિના ન જવાય બા’ર ॥

શ્રાદ્ધ કરી આપ્યું હોય અન્ન, ભાવે જમાડ્યા હોય બ્રહ્મન ॥૫૦॥

તેહ પુણ્ય તણા ત્રણ ભાગ, કરી આપે છે જૂજવા લાગ ॥

કેડે રહે તેહ પોતે ખાઈ, પછી ચાલે છે ત્યાં થકી ભાઈ ॥૫૧॥

ચાલી ચાલી થાય ચકચૂર, તૈયે પ્રાણી પોં’ચે ક્રૌંચપુર ॥

તિયાં દંડ દિયે છે અપાર, જિયાં જાય તિયાં મારે માર ॥૫૨॥

માગે ખાવા પીવા લોહી માંસ, તળે તનને કરી તપાસ ॥

મારો મારો ખાઓ સહુ મળી, લાવો અજગર જાય એને ગળી ॥૫૩॥

એમ કહે માંહોમાંહી સહુ, તેણે કરી પ્રાણી કંપે બહુ ॥

અતિ અતિશે વસમું લાગે, જે જે આવે તે ખાવાને માગે ॥૫૪॥

તે તો આપ્યું હોઈ કાંઈ વાંસે, ખાવા દેવાનું એટલું પાસે ॥

એવી વિપત્તિ છે એહ વાટે, કહે નિષ્કુળાનંદ તે માટે ॥૫૫॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું ૧ કડવું ૨ કડવું ૩ કડવું ૪ કડવું ૫ કડવું ૬ કડવું ૭ કડવું ૮ કડવું ૯ કડવું ૧૦ કડવું ૧૧ કડવું ૧૨ કડવું ૧૩ કડવું ૧૪ કડવું ૧૫ કડવું ૧૬ કડવું ૧૭ કડવું ૧૮ કડવું ૧૯ કડવું ૨૦ પદ