યમદંડ

કડવું ૧૬

પૂર્વછાયો

હવે સુણો સહુ શુભમતિ, કહુ કથા સુંદર સાર ॥

પ્રગટ પ્રભુ ભજ્યા વિના, પામે પ્રાણી દુઃખ અપાર ॥ ૧ ॥

સહે દુઃખ સોળે શહેરનાં, ભોગવે નરક અગણિત ॥

પછી ચાલે ચોરાશિયે, સુણો સહુ કહું તેની રીત ॥ ૨ ॥

ચોરાશી રાશિ દુઃખની, છે અતિ અતોલ અમાપ ॥

જેમાં જીવ જૂજવા, પામે છે પરિતાપ ॥ ૩ ॥

જેને માથે એહ દુઃખ છે, તે નથી સુખી લગાર ॥

કોણ ડાહ્યાં ભોળાં કહિયે, કોણ ગુણવંત ને ગમાર1 ॥ ૪ ॥

કોણ રંક રાજા કહિયે, કોણ શ્રીમંત ને શાહુકાર ॥

જેને માથે જન્મ મરણ છે, તે તો સર્વે એક જ હાર ॥ ૫ ॥

કોણ જોગી જતિ કહિયે, કોણ ત્યાગી તપસી તેહ ॥

ચોરાસીનું નવ ચૂકિયું,2 તો અમથો કલેશ એહ ॥ ૬ ॥

હાર્યો જીત્યો કોણ જાણિયે, કોણ સતી ને શૂરવીર ॥

દાતા દીન કેને કહિયે, જેને એહ દુઃખ છે શિર ॥ ૭ ॥

જેહ કષ્ટ કહેવાય નહિ, જિહ્વાએથી જરૂર ॥

ચવું3 ચારે ખાણ્યનાં, ભારે દુઃખ ભરપૂર ॥ ૮ ॥

અંડજ ઉદ્‌ભિજ સ્વેદજ જરાયુજ, ખરી એ ચારે ખાણ ॥

એકવીશ લાખ એક એકમાં, તેહ પિંડ ધરે પરિમાણ ॥ ૯ ॥

કિયાંક સુખી કિયાંક દુઃખી, તન સહે ત્રિવિધ તાપ ॥

શરીરધારી સુખી નહિ, સદા રહે શિર સંતાપ ॥૧૦॥

ચોપાઈ

શુભાશુભ કર્મ અનુસાર, પામે જીવ બહુ અવતાર ॥

લખ ચોરાશી ખાણો છે ચાર, ધરે તેમાં જૂજવા અવતાર ॥૧૧॥

અંડજ ખાણ્યનાં જે અવતાર, તેના કહેતાં તે ન આવે પાર ॥

સુખ થોડું ને દુઃખ અત્યંત, એવાં ધરવાં તન અનંત ॥૧૨॥

જળજંતુ અંડજ કહેવાય, તેના દુઃખનો થાહ ન થાય ॥

મત્સ્ય કચ્છ ક્રચલા કાતરણી, બીજી બહુ જાતી ન જાય વરણી ॥૧૩॥

કીડી મકોડી ક્રોળાં ગરોળાં, માખી મણિધર ટીડડાં બો’ળાં ॥

ભમર તમર આદિ ભણિયે, એ પણ અંડજમાંય ગણિયે ॥૧૪॥

એહ આદિ જે જંતુ અપાર, મરે ધરે ત્યાં લે અવતાર ॥

સુખ નહિ નહિ દુઃખ સરું, નિત્યે કષ્ટ પામે તિયાં નરું ॥૧૫॥

શીત ઉષ્ણ વળી તનત્રાસ, હર્ષ શોક સહે ભૂખ પ્યાસ ॥

આપથી સબળો દુઃખ આપે, પોતે પણ નિર્બળને સંતાપે ॥૧૬॥

એમ સુખ દુઃખ સહેતાં અપાર, જાય જન્મ લાખ અગિયાર ॥

ત્યારે જળ જંતુ જન્મ ટળે, સત્ય કહ્યું છે સંત સઘળે ॥૧૭॥

વળી કર્મ અનુસારે એહ, પ્રાણી પામે છે પંખીના દેહ ॥

સહે ત્રણ કાળના તે દુઃખ, પળ એક પામે નહિ સુખ ॥૧૮॥

સહે અમોઘ મેઘની ધાર, શીત ઉષ્ણનું દુઃખ અપાર ॥

ભૂખ પ્યાસમાં પીડાય બહુ, હર્ષ શોકમાં આતુર સહુ ॥૧૯॥

એમ દશ લાખ ધરે દેહ, ત્યારે અંડજથી મુકાય એહ ॥

અગિયાર દશ એહ કહ્યાં, મળી એકવીશ લાખ થયા ॥૨૦॥

એક અંડજ ખાણ્યનાં જાણો, સત્ય વાત સહુ પરમાણો ॥

ઉદ્‌ભિજમાં ધરે અવતાર, કહું સાંભળો તે નિરધાર ॥૨૧॥

ખરાં ખાંણ્ય ચારેનાં જે દુઃખ, પામે પ્રભુથી છે જે વિમુખ ॥

પ્રાણી આપ પાપ પ્રતાપે, પામે સ્થાવરનાં દેહ આપે ॥૨૨॥

ઝાડ પા’ડમાં ધરે શરીર, કૈક કલ્પ લગી રહે સ્થર ॥

બળે સળે કુઠારે કપાય, સિંચ્યાં વિના સમૂળાં સુકાય ॥૨૩॥

શીત ઉષ્ણ સુખ દુઃખ સહે, આવે જાય નહિ સ્થિર રહે ॥

વન વેલી ગુચ્છ ગિરિ તૃણ, થાય અગ્નિથી અચિર મરણ ॥૨૪॥

એમ એકવીશ લાખ વાર, પામે ઉદ્‌ભિજમાં અવતાર ॥

એમ લેતાં જન્મ પૂરા થાય, ત્યારે સ્થાવર દેહથી મુકાય ॥૨૫॥

પછી સ્વેદજ ખાણ્યે શરીર, ધરે અભાગી જીવ અચિર ॥

કર્યાં કર્મ થઈ તેને વશ, ધરે તન કૃમિ કીટ અવશ ॥૨૬॥

ચાંચડ માંકડ જૂજૂવા સવા, ગિંગોડી ઈતડીને કંથવા ॥

મોલો મચ્છર ધનાં માટલિયાં, એળ્યો શાળ્યો પુરાદિ મામલિયાં ॥૨૭॥

એહ દેહમાંહી નહિ સુખ, પામે પીડા પ્રભુના વિમુખ ॥

મુવા પછી શું નરકે જાય, એ તો જીવતાં છે નરકમાંય ॥૨૮॥

એમ સહેતાં સુખ દુઃખ શીશ, વીતે જન્મ લાખ એકવીશ ॥

ત્યાં સુધી રહે દુઃખી અપાર, પછી સ્વેદજથી કાઢે બા’ર ॥૨૯॥

વળી જરાયુજ ખાણ્યમાં જેહ, જીવ ધરે છે જૂજવાં દેહ ॥

નિજ કર્મ બંધે બંધાણો, ધરે પશુના જન્મને જાણો ॥૩૦॥

સુખ નહિ ને સંકટ ઘણો, કહ્યો ન જાય મુખથી તે તણો ॥

પડે પરવશ ને પરહાથ, બળે4 ગળે બાંધી ઘાલે નાથ5 ॥૩૧॥

જોડે છોડે વાળે તેમ વળે, મગાવે લગાવે પાય સઘળે ॥

આપે ખાવા પીવાને તો ખાય, નૈ’તો બાંધ્યા બાંધ્યા તે સુકાય ॥૩૨॥

પરભયથી ભાગતો ફરે, પાણી ન પિયે ચારો નવ ચરે ॥

કૈક ખીલે રહ્યાં છે બંધાઈ, અહોનિશ કીચવિચ્ચ માંઈ6 ॥૩૩॥

એમ નાનાં મોટાં પશુ પ્રાણી, સહે દુઃખ ભૂખ લિયો જાણી ॥

સત્તર લાખ વાર તન ધારે, છૂટે પશુના જન્મથી ત્યારે ॥૩૪॥

એહ દુઃખ જરાયુજનાં કહ્યાં, કહું બીજાં જે કહેવાનાં રહ્યાં ॥

ચારે ખાણ્યનાં દુઃખ કહું ચવી, જે જે જીવ આવ્યો છે ભોગવી ॥૩૫॥

પછી કર્મ અનુસારે એહ, પામે ચૌદ લાખ મનુષ્યના દેહ ॥

તેમાં પણ અષ્ટ પ્રકાર, સુણો સહુ કહુ નિરધાર ॥૩૬॥

કપિ નોળ ખિસકોલા કહિયે, રીંછ ને જળમાણસાં7 લહિયે ॥

એકલટંગાં ઘૂડમુખાં ગણું, અષ્ટમું તન તે મનુષ્યતણું ॥૩૭॥

તેમાં પણ છે બહુ પ્રકાર, સર્વે સરખા નહિ અવતાર ॥

ભાઉ ભીલ કસાઈ કલાર,8 પારાધી ફાંસિયા9 મચ્છીમાર ॥૩૮॥

મહામ્લેચ્છ10 નીચના જે દેહ, અતિ પાપમય તન તેહ ॥

એહ માંયલું આવે એક તન, તેણે ન થાય મોક્ષનું જતન ॥૩૯॥

કપિ આદિ કહ્યાં તન સાત, તેમાં તો નહિ મોક્ષની વાત ॥

અષ્ટમું દેહ મનુષ્યનું કા’વે, તેહ પણ જો પાપીનું આવે ॥૪૦॥

ન સરે અર્થ ન થાય કલ્યાણ, પાછી ચોરાશી ને ચાર ખાણ ॥

અથવા આવે જો ઉત્તમ તન, મળે કુસંગ તો મૂળગા દન11 ॥૪૧॥

દેશ કાળ ક્રિયા ધ્યાન જેહ, શાસ્ત્ર દીક્ષા મંત્ર સંગ તેહ ॥

એહ અવળાં હોય જો અષ્ટ, આપે આ લોકે પરલોકે કષ્ટ ॥૪૨॥

હોય સવળાં તો સરે કામ, પ્રાણી પામે શ્રીહરિનું ધામ ॥

એહ સવળાં તે સતસંગ, એહ અવળાં તે કહિયે કુસંગ ॥૪૩॥

સતસંગે કરી સરે કાજ, કુસંગે કરી નરક સમાજ ॥

જે જે દુઃખ થયાં થાશે અંગે, હમણાં દુઃખી તે પણ કુસંગે ॥૪૪॥

જે જે દુઃખ કહ્યાં સર્વે કથી, તે તો સૌ પામે છે કુસંગથી ॥

કુસંગ છે કારણ દુઃખનું, સતસંગ છે કારણ સુખનું ॥૪૫॥

કુસંગનો સંગ સહુ ત્યાગી, સર્વે હરિને ભજો સુભાગી ॥

કુસંગ તો કરશો મા કોઈ, જમપુરીનાં દુઃખને જોઈ ॥૪૬॥

કુસંગના ડરથી તો ડરવું, તો મટે જનમવું ને મરવું ॥

જન્મમરણનાં દુઃખ છે જેહ, તે તો કહી સુણાવ્યાં મેં તેહ ॥૪૭॥

તેહ સાંભળ્યું સૌએ સંકટ, વેઠ્યું જાય નહિ છે વિકટ ॥

તે સમામાં વીતે છે પ્રાણીને, તે તો મનમાં રહે છે જાણીને ॥૪૮॥

કહેવા જેવો નથી એહ સમો, ગમે તેવાં દુઃખ આવી દમો12

તે તો જાણે છે પોતાનો જીવ, કાં જાણે છે પરમ હેતુ પીવ13 ॥૪૯॥

એહ સમો છે અતિ આકરો, ખમ્યો ન જાય છે ખરાખરો ॥

એહ દુઃખ ટાળવા ઉપાય, કરવો સમજી સહુને સદાય ॥૫૦॥

તજી કુસંગ સત્સંગ કરિયે, તો ફરી ભવફેરા ન ફરિયે ॥

કહિયે વારે વારે શું કેટલું, કરવું સહુને પોતાનું ભલું ॥૫૧॥

સહુ જને આ કથા સાંભળી, કરવો સત્સંગ સર્વેને મળી ॥

કહે નિષ્કુળાનંદ નિરધાર, કહ્યું સર્વે વાતનું આ સાર ॥૫૨॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું ૧ કડવું ૨ કડવું ૩ કડવું ૪ કડવું ૫ કડવું ૬ કડવું ૭ કડવું ૮ કડવું ૯ કડવું ૧૦ કડવું ૧૧ કડવું ૧૨ કડવું ૧૩ કડવું ૧૪ કડવું ૧૫ કડવું ૧૬ કડવું ૧૭ કડવું ૧૮ કડવું ૧૯ કડવું ૨૦ પદ