યમદંડ
કડવું ૧૩
પૂર્વછાયો
હરિજનદ્રોહી વિપ્રવિરોધી, ગુરુદેવનો ગુનેગાર ॥
એવો જે અભાગિયો, તે પડ્યો નરક મોઝાર ॥ ૧ ॥
જે જેવાં કર્મ કરે, ભાઈ તેને જ તેવો દંડ ॥
પછી પાપ તપાસી નાખિયો, કાળસૂત્ર નરકને કુંડ ॥ ૨ ॥
પિતા વિપ્ર વેદ દ્રોહી, પશુ વેંધી કરે જે પાપ ॥
તેહ પાપે કાળસૂત્રમાં, પાપી પામે છે સંતાપ ॥ ૩ ॥
તે કુંડ ઊંડો ભૂંડો ઘણો, એને ઉપમા કેની દઈયે ॥
પાપી પ્રાણીને પીડવા, સર્વે દુઃખનો સિંધુ કહિયે ॥ ૪ ॥
દશ હજાર જોજન ફરતો, તાંબાવરણો છે તેહ ॥
ઉપર હેઠે અગ્નિ અર્કે,1 અતિશય તપાવ્યો એહ ॥ ૫ ॥
ચોપાઈ
ભૂખ પ્યાસ પીડે ત્યાં અપાર, બળે દેહ અંતર ને બા’ર ॥
માર્યા પશુ શરીરના વાળ, તેને લેખે કિંકર તતકાળ ॥ ૬ ॥
એટલાં હજાર વર્ષ સુધી, મારે છે એ નરકમાં રુંધી ॥
સુવે બેસે લોટે ઊભો થાય, ધોડે પડે ગોટિકલાં2 ખાય ॥ ૭ ॥
તડફડે ફડફડે ઘણું, આવ્યું પાપ કરેલ આપણું ॥
લીધો ઘેરી વેરી વશ થયો, મારો મારો કહે દુઃખ દિયો ॥ ૮ ॥
શું વિચારી રહ્યા છો મનમાં, કરો પ્રહાર અતિ એના તનમાં ॥
પછી તેમ જ દિયે છે દુઃખ, પામે પીડા પ્રભુનો વિમુખ ॥ ૯ ॥
એવી રીતે વીતે કંઈ દન, પછી નાંખ્યો અસિપત્ર વન ॥
અસિ જેવી બેઉ કોરે ધાર, એવાં તાડના પત્ર અપાર ॥૧૦॥
નિજધર્મ વેદે કહ્યો જેહ, આપત્કાળ વિના તજે તેહ ॥
પરનો જે પાખંડ મારગ, ભરે અવશે3 તે માંહી પગ ॥૧૧॥
નિચધર્મ માંહી બાંધી નેહ, તેમાં વટલાવે નિજદેહ ॥
કરે અશુભ આહાર અભાગી, કુળધર્મ પોતાનો ત્યાગી ॥૧૨॥
એહ પાપે અસિપત્ર વને, પડે પ્રાણી સહે દુઃખ તને ॥
ધોડે ધાયે કપાય છે પંડ, દિયે દૂત ઉપરથી દંડ ॥૧૩॥
તેણે કરી કરે હાય હાય, મુવો મુવો આવી મૂરછાય ॥
ફળ પાખંડ ધર્મનું એહ, ભોગવી નર નીસરે તેહ ॥૧૪॥
એવા નરકના કુંડના દુઃખ, તે તો કહ્યાં જાય કેમ મુખ ॥
કે’તાં કે’તાં નાવે જેનો અંત, એવાં અહોનિશ દુઃખ અત્યંત ॥૧૫॥
વળી આલોક માંહી અભાગી, કરે અન્યાય ન્યાયને ત્યાગી ॥
રાજા રાજાના ચાકર જેહ, લૂંટે વણ વાંકે લોક તેહ ॥૧૬॥
દિયે સંત વિપ્ર શિર દંડ, લૂંટે ઘર ગામ શે’ર ખંડ ॥
વણ વાંકે કરે અનરત્ય,4 પછી નૃપ ને નૃપના ભૃત્ય5 ॥૧૭॥
પડે સૂકરમુખ તે ઘડી, પીલે જેમ ચીચુંમાં શેલડી ॥
એમ પીલે છે પાપીનું તન, તેણે કરે કાયર રોદન ॥૧૮॥
વણ વાંકે રૈયતને રુંધી, લીધો દંડ મારી મૂવા સુધી ॥
ના’વી મે’ર તેની મનમાંય, પરપીડાને ન જાણી કાંય ॥૧૯॥
અતિ દુષ્ટ દયા નહિ લેશ, એવા પૃથવી પર નરેશ ॥
એવા રાજા ને રાજાના ભૃત્ય, પડે સૂકરમુખે પામી મૃત્ય ॥૨૦॥
સહે દુઃખ કાળ કંઈ જાય, ત્યારે એ દુઃખમાંથી મુકાય ॥
સૂકરમુખનું દુર્ઘટ દુઃખ, તે ભોગવે હરિના વિમુખ ॥૨૧॥
કર્યું નરસું નિઃશંક થઈ, એવા પ્રાણીની એ ગતિ કઈ ॥
વળી આ લોકમાં જે વિમુખ, દિયે અલપ જીવને દુઃખ ॥૨૨॥
ચાંચડ માંકડ જૂ જૂવા જેહ, બગા માંખી કીડી આદિ તેહ ॥
પશુ પંખી વ્યાળાદિક વળી, એવા માર્યા જંતુ બહુ મળી ॥૨૩॥
એહ પાપે પડે અંધકૂપ, જેમાં અતિ તમ દુઃખરૂપ ॥
વળી ઝેરવાળા જંતુ બહુ, આવી વળગે અંગમાં સહુ ॥૨૪॥
નાવે નિદ્રા નહિ સુખ ઘડી, ધોડે અકળાયે જાય પડી ॥
શ્વાસ વિના જણાય શરીર, ચાલે આંખ્યમાં ચોધારાં નીર ॥૨૫॥
હાય મુવો મુવો કહે મુખ, ભાઈઓ નથી ખમાતું આ દુઃખ ॥
એમ ભોગવે દુઃખ અપાર, કૈક કલ્પ વીતે કાઢે બા’ર ॥૨૬॥
પછી કર્યાં કર્મ તેહ વડે, પાપી કૃમિભોજનમાં પડે ॥
જેણે ખાધું નહિ વેં’ચી અન્ન, વળી ન કર્યા પંચ જગન ॥૨૭॥
નાપ્યું અતિથિને અન્ન કાંઈ, ખાધું એકલા ખૂણે સંતાઈ ॥
એ પાપે નાખે જમ પરાણે, કૃમિભોજન નરકની ખાણે ॥૨૮॥
શત સહસ્ર જોજન જેમાં જંત, ભર્યા કૃમિયા જેમાં અત્યંત ॥
તેમાં નાખી કીટ ખવરાવે, દઈ માર મુખે ચવરાવે ॥૨૯॥
કહે પાપ કરતો તું પ્રાણી, જમના દંડને જૂઠા જાણી ॥
તે તો સાચાં થયાં પુણ્ય પાપ, હવે સુખે ભોગવ્ય તું આપ ॥૩૦॥
સુખ સરવે ગયું છે મટી, આવ્યું એકલું દુઃખ ઊલટી ॥
રાત દિવસ રોતાં ને રોતાં, દિન જાશે બહુ દુઃખ ડોતાં6 ॥૩૧॥
એમ દઈ દૂત દુઃખ ભારે, કૈક વર્ષ વીતે કાઢે બા’રે ॥
ત્યાંથી નાખે સંદશ મોઝાર, જેમાં દુઃખ તણો નહિ પાર ॥૩૨॥
જેહ પાપે પડે એમાં જીવ, તેહ વાત કહુ તતખેવ ॥
નરે ન કર્યાનાં કામ કીધાં, જેને તેને દુઃખ બહુ દીધાં ॥૩૩॥
જેણે આ લોકે વિપ્રનાં ધન, ચોર્યા સુવર્ણાદિક રતન ॥
વળી વણ પડ્યે આપતકાળ, ચોરે હેમ બીજાનું ચંડાળ ॥૩૪॥
જેનું તેનું લેવું ઝડીઝોટી, ખરો તસ્કર નજર ખોટી ॥
પાપી પોતાના સુખને કાજ, કરે દગા બહુ દગાબાજ ॥૩૫॥
તેને નાખે છે સંદશ નરકે, જેના દંડ દુઃખે પ્રાણી થરકે7 ॥
લાવે લોહસાણસિયો તાતી,8 તેણે તોડે ત્વચા કર છાતી ॥૩૬॥
કાઢે તન તણી રગો તાણી, રખે ચોરતા જૂઠું એ જાણી ॥
સર્વે ઋષિ મુનિનો એ મત, તે તો કે દી’ ન થાય અસત ॥૩૭॥
મોટા મોટા ગયા એમ કથી, ખરાખરી છે ખોટી એ નથી ॥
એમ ભોગવી દુઃખ વિકર્મી, ત્યાંથી કાઢી નાખે તપ્તસૂર્મી ॥૩૮॥
જે પાપે એ નરકમાં પડે, કર્યાં કર્મ તે કેમ ન નડે ॥
કામવશ થઈને કુકર્મી, કરે અનર્થ નર અધર્મી ॥૩૯॥
આ લોકે અગમ્ય9 એવી દાર,10 પાપી તેશું કરે વ્યભિચાર ॥
અથવા અગમ્ય એવો પુરુષ, કરે નારી સંગ કામવશ ॥૪૦॥
તેહ પુરુષ અને તેહ નાર, પામે નરકમાં દુઃખ અપાર ॥
તિયાં ત્રિયા કરે લોઢા તણી, અતિ તપાવે છે તેહ ઘણી ॥૪૧॥
તેશું બથ લેવારે બહુ વાર, એકવારની વાર હજાર ॥
તેમ લોઢાનો પુરુષ તપાવી, બથ ભરાવે નારીને લાવી ॥૪૨॥
નારી નીરખે ચિંતવે ને સ્પરશે, તે નર મરી જન્મ જ્યાં ધરશે ॥
તિયાં પામશે તેહનું ફળ, ખરો ખ્વાર થાશે નર ખળ ॥૪૩॥
જેણે જોઈ નયણે પરનારી, થઈ કામાતુર ભૂર11 ભારી ॥
તે નર જન્મોજન્મ આંધળો, થાય જાય જન્મ સઘળો ॥૪૪॥
વળી જે જન ચિંતવે નારી, વિષયસુખ ન મેલે વિસારી ॥
તે નર ક્ષયરોગમાં ખવાય, એવું ચિંતવ્યાનું ફળ થાય ॥૪૫॥
જે નર સ્પર્શે પરનારી અંગ, થાય કોઢિયો તેને પ્રસંગ ॥
એમ જન્મોજન્મ દુઃખ પામી, ખોશે આવરદાને હરામી ॥૪૬॥
એ પ્રમાણે યોષિતાનું12 જાણો, મળે ફળ સમ13 પરમાણો ॥
ભાંગી મર્યાદ મહાપ્રભુ કેરી, તેને ક્યાંથી મળે સુખ ફેરી14 ॥૪૭॥
ભેળાં લીધાં છે પૂરણ ભાતાં, તે તો ખૂટશે નહિ ખાતાંખાતાં ॥
કરી આવ્યો છે પૂરી કમાણી, જમપુરનું દુઃખ જૂઠું જાણી ॥૪૮॥
એમ નરનારી થાય હેરાણ, જેના વિષય સાથે બાંધ્યા પ્રાણ ॥
એમ દુઃખ પામે દોય આપ, જેણે કર્યાં છે પૂરણ પાપ ॥૪૯॥
તેની વાત કહી બહુ વિધ, છે જો એમ પુરાણે પ્રસિદ્ધ ॥
કહી નિષ્કુળાનંદે એ કથી, સત્ય માનજ્યો જૂઠી એ નથી ॥૫૦॥