યમદંડ

કડવું ૫

પૂર્વછાયો

શું થાશે હવે સાંભળો, જે આવ્યાં દુઃખ અનેક ॥

અતિ વેદના વીંછી તણી, રોમ રોમ માંય વિશેક ॥ ૧ ॥

ત્યારે જાણ થયું જમરાજને, કિંકર1 મેલ્યા કોટ ॥

એહ પાપીને પીડતાં, લઈ આવજ્યો ચડી ચોટ ॥ ૨ ॥

ચોપાઈ

આપી આગન્યા થયું નગારું, હુવો હુકમ ઊઠ્યા હજારું ॥

સંગ લઈ નેજા ને નિશાણ, જમરૂપે દીસે છે જોરાણ ॥ ૩ ॥

અતિ કાળા ને બોલે છે ક્રૂર, નયણાં દીસે ઉગમતો સૂર ॥

ક્રોધે ભર્યા અતિ વિકરાળ, તે તો સજ્જ થયા તતકાળ ॥ ૪ ॥

ધર્યાં રૂપ ભયાનક ભૂંડા, અતિ લોચન દીસે છે ઊંડા ॥

દીસે નાસિકા ગુફા સમાન, કીધા કપાટ જેવડા કાન ॥ ૫ ॥

ફાડ્યાં મુખ ફાટ્યો જાણ્યું આભ, તેમાં રાક્ષસિયો બે બે વાંભ2

અતિ દાંત દેખાડે છે બા’ર, જોતા જીભા ન પામિયે પાર ॥ ૬ ॥

તીખા ત્રાક3 સરીખા છે રોમ,પિંડ પહોંચ્યાં પૃથ્વી ને વ્યોમ ॥

પિંડ એવાં ને અવળાં મુખ, જેને જોતામાં જાય છે સુખ ॥ ૭ ॥

ખરમુખા4 ને લાંબા છે કાન, અતિ દીસે છે વરવે વાન5

કેનાં શ્વાનના જેવા છે મુખ, ધર્યા તન દેવા અતિ દુઃખ ॥ ૮ ॥

કેના પગ ફણા બે છે પૂંઠ્યે, ગર્જે મેઘ સમ ઘોર ઊઠે ॥

કેનાં સિંહના સરીખાં છે મુખ, વ્યાઘ્રમુખા દિયે અતિ દુઃખ ॥ ૯ ॥

ગજમુખા ઘોડામુખા ઘણા, નોળ નારમુખા બિયામણા ॥

ઝરખ ઝૂડ મઘર મુખા કહિયે, ભૂખ્યા લોહી ને માંસના લહિયે ॥૧૦॥

પાડામુખા વિઝુમુખા વળી, અજગરમુખા લિયે છે ગળી ॥

ગર્જ્ય ગીધમુખા કૈ ગણાય, કવા ઘુડ મુખા છે ઘણાય ॥૧૧॥

શિયાળ વ્યાળમુખા ભૂખ્યા ભમે, તે તો પાપી પ્રાણી દેખી દમે ॥

મેશ શાહી થકી પણ કાળા, શૂળ સરખા છે અંગે મવાળા ॥૧૨॥

રાતા દાંત રુધિરના ભર્યા, બહુ લાંબા તે બા’ર નીસર્યા ॥

કેશ અવળા ને દીસે છે કાળા, ફેરે લોચન નીસરે જ્વાળા ॥૧૩॥

કૈક શીશ વિના ધડ ધ્રોડે, કૈક નિજદંતે તન તોડે ॥

કેના મુખ સુવરના જેવાં, કર્યા રૂપ ભયાનક એવાં ॥૧૪॥

કોય ગોંદમાં મુખ દેખાડે, ધર્યાં તન એકવીશ તાડે ॥

કર આંગળી લાંબા છે નોર, દીસે વજ્રથકી તે કઠોર ॥૧૫॥

તેણે ટાળે છે પાપીનું ઠામ, નથી પડતું આયુધનું કામ ॥

ઢીકા ધોલ ને ગડદા ઘણા, મેલે માથામાં ન રહે મણા ॥૧૬॥

હાથે લીધાં છે બહુ હથિયાર, થયા કિંકર સહુ તૈયાર ॥

લઈ ગદા ગૃજ્ય ખેલ સાથે, મુદગર મોગરિયો છે હાથે ॥૧૭॥

પરશુ ત્રિશૂળને તરવાર, ધર્યા ધોકા છરા ને કટાર ॥

ચક્ર ચિપિયા ચાપ ને બાણ, કાળપાશ ને કુંતડા પાણ ॥૧૮॥

સુયા સાંણસિયો સૂડી સૂળી, એથી પીડા થાયે અણતુળી ॥

મોટા ભાલા હાથમાં મૂસળ, પેખી પાપી ન માને કુશળ ॥૧૯॥

આરા પનારા હાથે હથોડા, મારે માથામાં લોઢાના જોડા ॥

એવાં આયુધ અતિ અપાર, તેનો કે’તાં તે ન આવે પાર ॥૨૦॥

ચડ્યા ઊંટ ખરે તે અપાર, થયા ઝરખ પાડે અસવાર ॥

રીંછ ભીંછ ભૂંડણાં ને રોઝ, થઈ ત્યાર ચાલી જમફોજ ॥૨૧॥

કૈક ચડ્યા ને કૈક પાળા, કૈક બોડિયા કૈક શિંગાળા ॥

કૈક પ્રૌઢ પરવત જેવા, આવે પાપીને તેડવા એવા ॥૨૨॥

કૈક રૂઠા રિસાળા છે અંગે, કટ્ટા કાંણિયા ચાલ્યા છે સંગે ॥

કાળિયો ને કૈ’યે દકાળિયો, અકાળિયો અચિરકાળિયો ॥૨૩॥

લટપટિયો ને ઝટપટિયો, અટપટિયો ને કુટપટિયો ॥

બળબળતો ને કળકળતો, વળવળતો ને ગળગળતો ॥૨૪॥

હડહડતો ને ફડફડતો, કડકડતો ને ભડભડતો ॥

એવાં જાણજ્યો જમનાં નામ, જેને મળે તેનું ટાળે ઠામ ॥૨૫॥

મરડિયો ને કૈ’યે ઠરડિયો, ઘસરડિયો ને કરડિયો ॥

કાણિયો ને કૈ’યે જોબાણિયો, તાણિયો ને વળી હેરાણિયો ॥૨૬॥

જટો જમ ને કટો જો કહિયે, ઝટો ને વળી ઝપટો લહિયે ॥

ત્રાડિયો ફાડિયો તીખા ઘણા, રાડિયો હાડિયો બિયામણા ॥૨૭॥

દંતિયો અંતિયો બે આકરા, હંતિયો દુર્મતિયો ખરા ॥

ત્રાંશિયો ફાંશિયો તીખાઆગ, માંસિયો કાંસિયો કાળા નાગ ॥૨૮॥

કહિયે કર્મિયો ને અધર્મિયો, વિકર્મિયો વળી કુકર્મિયો ॥

ઝેરિયો વેરિયો નમે’રિયો, મહાકોપનો ભર્યો કેરિયો ॥૨૯॥

એક અડબંગો હુડધંગો, કહિયે કુઢંગો ને શિરભંગો ॥

રોળિયો ને ડોળિયો રિસાળા, ત્રિશુળિયો બોળિયો બે કાળા ॥૩૦॥

એવાં નામ જાણો જમતણાં, લખું કેટલાં છે અતિ ઘણાં ॥

જેવાં નામ રૂપ પણ એવાં, તેનાં પ્રાક્રમ પણ જાણો તેવાં ॥૩૧॥

હોઠ લાંબા દાંત મુખબા’રા, પેટ જાણિયે પાટ પટારા ॥

મોટા ગોળા જેવડા બે ગાલ, ખરડ્યા રુધિરે દીસે બેહાલ ॥૩૨॥

ફાટ્યાં મુખ ને ફરશિયો હાથે, ઘણા ઘૂંચાણા મવાળા માથે ॥

વાંકા કાંધ ને વસમા ઘણા, ભૂંડા ભયંકાર બિયામણા ॥૩૩॥

એવા ચૌદ ક્રોડ જમ જેહ, થઈ ભેળા નિરદયી તેહ ॥

ચાલ્યા કિંકર સરવે સજી, જેમ મેઘ આવે ઘોર ગરજી ॥૩૪॥

ધાયા કિંકર કુટુંબ લઈ, જેમ ઊલટે સમુદ્ર સઈ ॥

કરે હોહો કતોહલ ભારી, જેમ ગર્જે વારિધિએ વારિ ॥૩૫॥

માર્ય માર્ય કરતાં તે આવ્યા, સંગે સેન સઘળું તે લાવ્યા ॥

એમ આવી ઘેર્યો પાપી પ્રાણી, મારો મારો કહે મુખવાણી ॥૩૬॥

દઈ દંડ ને કાઢજ્યો બા’ર, રખે કરતા વેળ્ય લગાર ॥

રુંધી દ્વાર દિયો બહુ દુઃખ, પામે પીડા પ્રભુનો વિમુખ ॥૩૭॥

ત્યારે બેઠા આવી કાનદ્વારે, કીધું બંધ સુણવાનું ત્યારે ॥

કહે છે કાનમાં સહુ પોકારી, સગા સંબંધી ને સુત નારી ॥૩૮॥

નાખી નોધારાં અમને આજ, મૂવો કટાણે કર્યું અકાજ ॥

એમ કહે છે સુત નારી આવી, સાંત્યું6 સંઘર્યું7 જાજ્યે બતાવી ॥૩૯॥

પણ ક્યાંથી સુણે એહ સમે, યમદૂત દુઃખ દઈ દમે ॥

વળી આંખ્યે બેઠા છે અપાર, ટાળી ઓળખાણ તેહવાર ॥૪૦॥

ઝાલી જીહ્વા ન બોલાય વાણી, રોક્યો કંઠ ન ઊતરે પાણી ॥

કીધાં બંધ દશે એમ દ્વાર, પછી દિયે છે દંડ અપાર ॥૪૧॥

કેનેક દોય ને કેનેક ચાર, કેનેક અષ્ટ કેનેક હજાર ॥

અતિ પાપી હોય પાપવંત, તેને આવે તેડવા અનંત ॥૪૨॥

દિયે દંડ નાવે દિલ દયા, પામે દુઃખ ન જાય મુખ કહ્યાં ॥

તોય ન કર્યો એમ વિચાર, જે મેં ખોયો એળ્યે અવતાર ॥૪૩॥

મૂકી ન્યાય મેં કીધો અન્યાય, પીડ્યાં રાંકને વાંક વિનાય ॥

સાચા સદગુરુ સંત ન સેવ્યા, સેવ્યા તે નીસર્યા મુજ જેવા ॥૪૪॥

જેના પંચ વિષયે હર્યા પ્રાણ, ધન ત્રિયા તણા જે વેચાણ ॥

ફાંશિયા8 ને ફોગટિયા9 ફેલી, ચાલે ધર્મ મર્યાદાને મેલી ॥૪૫॥

તેને જાણ્યા મેં સદગુરુ સંત, તેનું લાગ્યું આ પાપ અત્યંત ॥

ભૂલ્યો ભોળાયે એને ભરોંસે, હવે સુખ થાવા સઈ આશે ॥૪૬॥

આજ કેણે કીધી નહિ સા’ય, તેની ખોટ્ય ન સમજ્યો કાંય ॥

હવે શિયો કરે એ ઉપાય, પૂર આવ્યે ન પાળ બંધાય ॥૪૭॥

ખોટા ગુરુનાં ખાસડાં ખાઈ, ચાલ્યો જીવ જમપુરી માંઈ ॥

સાચી વાત છે શાસ્ત્ર પુરાણે, ખોટી નહિ થાય અંતને ટાણે ॥૪૮॥

કહ્યું બાળ યુવા વૃદ્ધ આદે, પણ રહેશો મા એવે વાયદે ॥

નથી મરણ તણો નિરધાર, બાળ જોબન મરે અપાર ॥૪૯॥

સઉ પડ્યાં છે કાળને પાશ, ત્યારે વૃદ્ધનો શિયો વિશ્વાસ ॥

આજ કાલ્યમાં જવું છે ઊઠી, ઇયાં રહ્યાની વાત છે જૂઠી ॥૫૦॥

એક જન્મે ને એક મરે છે, એમ અહોનિશ કાળ કરે છે ॥

નથી રહેતું કોઈ નિરધાર, ચાલ્યો જાય છે સહુ સંસાર ॥૫૧॥

કોઈ ચેતી શકો તો ચેતવું, સુણી શ્રવણે સંકટ એવું ॥

ચેતવું ચિત્તે ચાનક લાવી, હાંહાં કરતાં વાત નડે આવી ॥૫૨॥

જમ આવીને ઝાલશે ગળે, ત્યારે કોણ કેનું તેહ પળે ॥

જેને માથે છે જમની ફોજ, તેને શિયાં સુખ સઈ મોજ ॥૫૩॥

મોટાનું વેર માથે છે મોટું, હરિ ન ભજે ન થાય ખોટું ॥

મટે વેર તો પામિયે સુખ, ફરી આવે નહિ એહ દુઃખ ॥૫૪॥

જેણે કરી જાય જમ સાથે, એવું ન કરીએ નિજ હાથે ॥

જેણે કરી મટે જમફંદ, કરિયે એવું કે નિષ્કુળાનંદ ॥૫૫॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું ૧ કડવું ૨ કડવું ૩ કડવું ૪ કડવું ૫ કડવું ૬ કડવું ૭ કડવું ૮ કડવું ૯ કડવું ૧૦ કડવું ૧૧ કડવું ૧૨ કડવું ૧૩ કડવું ૧૪ કડવું ૧૫ કડવું ૧૬ કડવું ૧૭ કડવું ૧૮ કડવું ૧૯ કડવું ૨૦ પદ