યમદંડ

કડવું ૨

પૂર્વછાયો

જે રીતે આ જીવને, વીતે છે વસમી વાર ॥

ગહન ગતિ ગર્ભવાસની, તે કહું કરી વિસ્તાર ॥ ૧ ॥

મોટા મુનિએ મળી કર્યો, સર્વે નરકનો નિરધાર ॥

તેથી અધિક દુઃખ ઉદરે, જેનો કહેતા તે નાવે પાર ॥ ૨ ॥

જોગી જતિ તપસી ઋષિ, જે જે મોટા કહેવાય ॥

એહ દુઃખને સાંભળી, સહુ કંપે છે મનમાંય ॥ ૩ ॥

દેવ દાનવ મુનિ માનવી, સુખે બેઠા કરે છે વિલાસ ॥

જન્મમરણ દુઃખ જ્યાં લગી, નથી સાંભરતો ગર્ભવાસ ॥ ૪ ॥

ભૂપ અનુપમ રાજ્યને, વળી ભોગવે છે ભલી ભાત ॥

તે પણ કંપે છે તનમાં, સુણી ગર્ભવાસની વાત ॥ ૫ ॥

ભોંણ1 કોટડી ભાગશી,2 તેમાં રુંધી રાખે દિનરેણ3

પણ ઉદર સમ એકે નહિ, સહુ સમજજ્યો પરવેણ4 ॥ ૬ ॥

ચોપાઈ

ઉદરમાં જે અતિ ઘણું દુઃખ, નવ માસ સુધી નહિ સુખ ॥

ઊંધે શીશે લટકાવે લઈ, તિયાં દુઃખ તણો તે પાર નઈ ॥ ૭ ॥

તપે જઠરા તાપ અપાર, બળે દેહ ને કરે પોકાર ॥

દાઝે દેહ અતિ અકળાય, કોમળ તને તે કેમ સે’વાય ॥ ૮ ॥

તેહ તાપે તરફડે પ્રાણી, જાણ્યું થાશે આ દેહની હાણી ॥

નરકખાડથી5 નરસું ઠેકાણું, એથી બીજું શું હું ભૂંડું વખાણું ॥ ૯ ॥

શુભ અશુભ આહારનો રસ, એહ મુખમાં આવે અવશ ॥

પરુ પાચને રુધિર પીવું, મળ મૂત્ર મધ્યે તે રહેવું ॥૧૦॥

ઊનું ટાઢું કોયેલું કસાયું, જે જે અન્ન જનનીએ ખાયું ॥

તેને સ્પર્શે પીડાય છે તન, એહ દુઃખે દુઃખી રાતદન ॥૧૧॥

ખારું ખાટું કડવું બળેલ, સડ્યું બગડ્યું અન્ન ઊતરેલ ॥

એવું જમે જનની6 જે વાર, લાગે ગર્ભને અંગે અંગાર ॥૧૨॥

મરચું મરી અજમો ને રાઈ, સૂંઠ સંચળ કરિયાતું કહેવાય ॥

એવું એવું માતા જ્યારે જમે, તેનું દુઃખ બાળકને દમે7 ॥૧૩॥

કાચું કોરું લૂખું દુઃખકારી, ખાય પેટ ભરીને મેતારી8

ઊનું તાઢું પિયે પાણી જ્યારે, અતિ પિડાય છે બાળક ત્યારે ॥૧૪॥

કોઈક ખાય છે લસણ ડુંગળી, ન ખાધાનું ખાય છે તે વળી ॥

તેનો રસ પડે તન પર, તેણે સુખ નથી પલ ભર ॥૧૫॥

રમે ભમે માતા લડથડે, ઘણું દુઃખ તે ગર્ભને નડે ॥

અતિ અશુચિનું9 જે અગાર,10 જીવ પડિયો તેહ મોઝાર ॥૧૬॥

મહા દુર્ગંધ મધ્યે ઘર રહેવા, ઘડી એક નહિ સુખ લેવા ॥

ધાતુ સપ્તનો ભર્યો ભંડાર, રાત દિવસ કરે એ આહાર ॥૧૭॥

જીવ જંતુ તિયાં વસે જોઈ, ડસે દેહને પિયે છે લોહી ॥

મોટા જંતુ ફાડી રહ્યાં મુખ, રાત દિવસ દિયે બહુ દુઃખ ॥૧૮॥

તેને દુઃખે નાસવાને જાય, નાસી ભાગી તે કિયાં જવાય ॥

જેમ લટકે વડે વાગોળ્યું, એથી દુઃખ સહે અણતોળ્યું ॥૧૯॥

વાયુ વડે બહુ ડોલે ડાળ, પામે દુઃખ વાગોળ્ય તેમ બાળ ॥

ઊઠે બેસે ને ચાલે છે માતા, ત્યારે કેમ રહે સુખ શાતા11 ॥૨૦॥

ચડે જેમ કોઈ નર ચગડોળ, રાત દિવસ રહે એમ રોળ12

પેરે પેરે13 પીડે એમ દુઃખ, તે તો કહેતાં આવે નહિ મુખ ॥૨૧॥

ન દીસે દિશ અતિ અંધકાર, બા’રે નિસરવા ન સૂઝે દ્વાર ॥

રાત દિવસની ન પડે ગમ, સહ્યું ન જાય દુઃખ વિષમ ॥૨૨॥

કઠણ કષ્ટ ને કાયા કોમળ, જુગ જેવડી વીતે છે પળ ॥

ત્રાહિ ત્રાહિ ત્યાં કરે પોકાર, સ્વામી કરજ્યો મારી સાર ॥૨૩॥

આ દુઃખથી જો અળગો થાઉં, તો હેતે ગુણ તમારા ગાઉં ॥

સર્વે રીતે તમારે શરણ, રહું હરિ દુઃખના હરણ ॥૨૪॥

શ્રવણે સુણું તમારી કથા, બીજું ન બોલું મુખથી વૃથા14

નયણે નીરખું તમારું રૂપ, ત્વચાયે તમને ભેટું ભૂપ ॥૨૫॥

કરે કરું તમારી જ સેવ, હૃદયે સ્મરું શ્રી હરિદેવ ॥

રસનાએ રાખું તમારું નામ, શ્વાસ ઉચ્છવાસે સંભારું શ્યામ ॥૨૬॥

ચરણે શરણે તમારે હું આવું, નખશિખ અંગ એમ વર્તાવું ॥

કોલબોલ કરું હું કરાર, બહુનામી કાઢો મને બા’ર ॥૨૭॥

એમ થયું ઉદરમાં જ્ઞાન, તે જ્ઞાનના દેનાર ભગવાન ॥

તૈયે જીવે કરી અરદાસ,15 કહ્યું છોડાવો પ્રભુ ગર્ભવાસ ॥૨૮॥

દયા કરોને દીનદયાળ, બદ્રીપતિ તમારો હું બાળ ॥

એમ અરજ ઉદરમાં કરી, ત્યારે હુકમ કીધો છે હરિ ॥૨૯॥

અતિ દયાળુ દીનપ્રતિપાળ, આરતવાનની16 લીધી સંભાળ ॥

શ્રવણે જેને દયાનો વાસ, સુણ્યાં વચન જે કહ્યાં દાસ ॥૩૦॥

જેની દષ્ટ અમૃતે ભરી, ન જોયા દોષને દયા કરી ॥

પ્રસૂતિના વાયુને પ્રેરી, ટાળી પીડા ગર્ભવાસ કેરી ॥૩૧॥

કર્યો હુકમ ને ખોલ્યું દ્વાર, આપી આજ્ઞા ઊઘડિયું બાર ॥

જન્મસમે કરી હરિએ જતન, સુધુ સમું17 રાખ્યું એનું તન ॥૩૨॥

અતિ કષ્ટમાં કરી એની સા’ય, જે કષ્ટ મુખથી કહ્યું ન જાય ॥

જન્મ તણું છે દુઃખ વિકટ, જોર18 કઠોર છે યોનિસંકટ ॥૩૩॥

કનક તણો જેમ તાણે તાર, તેથી વસમો લેવો અવતાર19

જેમ પીલે ચીચુમાં20 શેરડી, તેથી કઠણ ઘણી એહ ઘડી ॥૩૪॥

જેમ ભીડે સકંજે21 કપાસ, એથી તજવો કઠણ ગર્ભવાસ ॥

અંગ ભીંસાણું ચંપાણું ભારે, જ્યારે કાઢ્યો ઉદરથી બા’રે ॥૩૫॥

તાણી પરાણે કાઢિયો બા’ર, એવે દુઃખે થયો અવતાર ॥

શ્વાસ ઉશ્વાસે ભરાણી છાતી, પામ્યો પીડા કહી નથી જાતી ॥૩૬॥

અતિ અસોયો22 થયો અચેત , આવ્યો વીંટ્યો મળ મૂત્રે સમેત ॥

ખરડ્યો નરકે સર્વ ખાટલો, તેમાં નાખ્યો જરાક જેટલો ॥૩૭॥

પામ્યો શાંતિને થયું છે સુખ, વીસરી ગયું ગર્ભનું દુઃખ ॥

આવ્યો બા’રે ને થયું અજ્ઞાન, ઉદરમાંહી જે હતું જ્ઞાન ॥૩૮॥

ઉદરમાંહી જે હતી અસાધ્ય, આવ્યો બા’રેને વીસરી વ્યાધ23

જેમ ભૂલ્યો ગોવિંદના ગુણ, તેમ સારી શીખ આપે કુણ ॥૩૯॥

જિયાં એણે લીધો અવતાર, તે તો સ્વારથી સહુ નરનાર ॥

પુત્ર આવ્યો જાણી પામ્યા આનંદ, હર્ષ વધાઈ કરે કુળવૃંદ ॥૪૦॥

વાજે વધાઈ આનંદે ભરી, મોટી મે’ર કુળદેવે કરી ॥

માતા કહે મુને પાળશે, પિતા કહે ચિંતા ટાળશે ॥૪૧॥

ભાઈ કહે થઈ બીજી બાં’ય, કહે કુટુંબી કરશે સહાય ॥

બેન કહે કરશે કંચવો,24 ફુઈ કરે મનોરથ નિત્ય નવો ॥૪૨॥

આપ સ્વાર્થે બાંધી એમ આશ, જેમ રચ્યો પારધીએ પાશ ॥

સહુ સહુને આશા જૂજવી, તન જતન કરે નિત્ય નવી ॥૪૩॥

ખાનપાને કરી પોષે દેહ, થાય મોટો આપે સુખ એહ ॥

એમ કરતાં થયાં વર્ષ પંચ, રમવા કારણ આપ્યો સંચ25 ॥૪૪॥

અનેક વિધિ શીખવી અન્ય, ન શીખવ્યું હરિનું ભજન ॥

જેણે કરી ભૂલે ભગવાન, એવું સમજાવ્યું સર્વે જ્ઞાન ॥૪૫॥

કૂડ કપટ ને ઘણી ઘાતો, તેની કહી સમજાવી વાતો ॥

છળ છેતર દગા દયાહીણ, એમાં કર્યો પૂરો પરવીણ ॥૪૬॥

પેચ પાખંડ પરધન લેવું, અનેક રીતે શીખવ્યું એવું ॥

ચોરી હિંસા કરવી હંમેશ, આપ્યો સહુએ એવો ઉપદેશ ॥૪૭॥

તીર્થ વ્રત સાચા સાધુનો સંગ, તે સહુમાંથી કર્યો મનભંગ26

દાન પુણ્ય કરિયે નહિ કે દી, મળે ધન તો લૈયે માથું છેદી ॥૪૮॥

એવી શિખામણ સહુએ દીધી, મૂઢમતિએ માની તે લીધી ॥

થયો મોટો દિયે બહું દોટું, ક્ષણક્ષણમાં હસે રુવે ખોટું ॥૪૯॥

કૂદે ફાંદે ભરે મોટી ફાળ, બીવે બિવરાવે બીજા બાળ ॥

ખાધા પીધાનો નિયમ ન મળે, વણ અર્થે વિચરે સઘળે ॥૫૦॥

લાભ વિનાની કરે છે લવાની,27 થયો કુળમાં મોટો કવાની28

વિના સ્વારથે વસાવે29 વેર, મારે ઝીણા જીવ નહિ મેર ॥૫૧॥

આળ્યે આળ્યે30 કરે છે અનર્થ, એમ જાય છે જનમ વ્યર્થ ॥

એમ કરતાં આવે યૌવન, ત્યારે પ્રિય લાગે પ્રમદા31 ને ધન ॥૫૨॥

એ વિના બીજું વા’લું નહિ કાંઈ, રાત દિવસ રાચ્યો એહ માંઈ ॥

એને અર્થે અનરથ કરે, ઊંધું અવળું કરતાં ન ડરે ॥૫૩॥

મન રહે દામ વામે મોઈ, એમ બેસે આવરદાને ખોઈ ॥

યમપુરીએ જાવાને કાજ, સજે એવા સરવે સમાજ ॥૫૪॥

જેમ જેમ અધિકું થાય પાપ, તેમ તેમ રાજી રહે આપ ॥

જોબનમાં જોર જુલમે, કરે તેમ જેમ મનને ગમે ॥૫૫॥

નરતને ન કરવા જેવું, પાપી પાપ કરે નિત્ય એવું ॥

પામી જોબન કરે છે જેહ, કહે નિષ્કુળાનંદ કહું તેહ ॥૫૬॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું ૧ કડવું ૨ કડવું ૩ કડવું ૪ કડવું ૫ કડવું ૬ કડવું ૭ કડવું ૮ કડવું ૯ કડવું ૧૦ કડવું ૧૧ કડવું ૧૨ કડવું ૧૩ કડવું ૧૪ કડવું ૧૫ કડવું ૧૬ કડવું ૧૭ કડવું ૧૮ કડવું ૧૯ કડવું ૨૦ પદ