૧. સત્સંગ

 

શ્રીહરિએ વરિષ્ઠ બંધુને કહ્યું, “મોહનું અજ્ઞાન સત્સંગરૂપી સૂર્યથી ટળે છે. સત્સંગ બે પ્રકારનો હોય છે, ભગવાનનો અને ભગવાનના ભક્તનો. સત્સંગ કરતાં મોહ ટળે અને મોહ ટળતાં વિષયો વિષ જેવા લાગે છે. ખપ અને રુચિ અપાર હોય ત્યારે તેનો સત્સંગ પાર પડે છે. સત્સંગનો ખપ ઓછો ન થાય એવો નિત્ય તપાસ કરવો. જેને ઉત્કૃષ્ટ ખપ હોય તેના સંગમાં રહી સત્સંગ કરે તો રંગ ઊતરે નહિ. મન-ઇન્દ્રિયનો સંગ ન રહે એનું નામ જ સત્સંગ છે. એવા સત્સંગથી પરમપદ મળે છે.

“મંદ, મધ્યમ ને તીવ્ર એમ શ્રદ્ધાના ત્રણ ભેદ છે. તેણે કરીને સત્સંગના ત્રણ ભેદ થાય છે. મંદ શ્રદ્ધાવાળાએ મધ્યમનો અને મધ્યમ શ્રદ્ધાવાળાએ તીવ્ર શ્રદ્ધાવાળાનો સત્સંગ કરવો. જીવન પર્યંત ઉત્તમ શ્રદ્ધા રાખી સત્સંગ કરે ને નિયમ-ધર્મમાં દૃઢ રહે તો તે અક્ષરધામમાં જાય છે. જેને ઉત્તમ શ્રદ્ધા નથી ને ગોલોકની રુચિ રાખે તો તે ગોલોકમાં જાય, વૈકુંઠની રુચિ હોય તો વૈકુંઠમાં જાય. જેવી રુચિ રાખી સત્સંગ કરે તેને તે પ્રકારનું ફળ મળે છે.”

‘નિયમ ધર્મ મેં ઉત્તમ રહાવે, સો જન અક્ષરધામ મેં જાવે.

ગોલોક કિ રુચિ ગોલોક મેં જાવે, વૈકુંઠ કિ રુચિ વૈકુંઠ મેં ઠેરાવે.

જૈસી રુચિ કરે સત્સંગ જેહા, તે સેવા મહિં પાવે તેહા.’1

સાંકળી ગામમાં ભગવાન ઠક્કરને ઘરે શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સૌ હરિભક્તોએ સંધ્યા વખતે ભેગા થઈને કથાવાર્તા નિત્ય કરવી અને કુસંગ તજવો. અધર્મને કુસંગ કહેવાય છે. સત્સંગને ધર્મ શોભાવે છે. સત્સંગ કરે તો ભવસાગર તરે છે. સત્સંગમાં કોઈ પણ જાતના મનુષ્ય આવે તોપણ નરક-ચોરાશીથી છૂટે છે. સત્સંગમાં પ્રગટ હરિ વિચરે છે.”2

શ્રીહરિએ ગઢપુરમાં અભયનૃપને કહ્યું, “જ્યારે કોઈ જન સત્સંગને તજે છે, ત્યારે અમે પણ તેને તજી દઈએ છીએ. સત્સંગ કરતાં તમે નિર્ભય રહી શકશો. તમે સૌ બીજાનો વિશ્વાસ ત્યજી અમારા દાસ (આશ્રિત) થયા તે અન્ન-વસ્ત્રે કરીને તમને કોઈ દુઃખ નહિ આવે. સત્સંગ છોડશો તો દુઃખ આવશે.”

‘તુમ સબ ભયે હમારા દાસા, ઓરન કો છોડી વિશ્વાસા.

અન્ન વસ્ત્ર કરિકે જોઉ, તુમકું દુઃખ ન આનેકું સોઉ.

જબ જન છોડે સત્સંગા, તિનસેં હમ હોવે અસંગા.’3

ઈંગોરાળા ગામે શ્રીહરિએ સત્સંગનો મહિમા કહેતાં કહ્યું, “સત્સંગરૂપી પુરમાં જેનો નિવાસ થયો તેને પીડા આપવા અધર્મી જન આશા છોડી દે છે, કારણ કે સત્સંગનો એવો પ્રતાપ છે કે અધર્મીજન તેમાં પગ મૂકતાં બળવા લાગે છે. સત્સંગમાં જે વાર્તા થાય છે તે સુદર્શન ચક્ર તુલ્ય છે. હરિભક્ત તેને સાંભળીને અંતરમાં ઉતારે તેની અહોનિશ રક્ષા થાય છે.”4

સારંગપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સુખમાં તો સૌ સત્સંગ કરે, પણ વિપત્તિ આવે ત્યારે કસોટીમાં પાર ઊતરે તેના પર અમે રાજી થઈએ છીએ.”5

સારંગપુરમાં શ્રીહરિએ સત્સંગનો મહિમા કહેતાં કહ્યું, “જે સત્સંગ કરે છે તેને અનંત બ્રહ્માંડોથી પર રહેલું અક્ષરધામ અને જીવોની કળા હસ્તામલક થાય છે. આવી તો અનંત યોગકળા સત્સંગ કરવાથી વરે છે. બાકી અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા પાછળ જીવન હોમી દે, દેહે કરીને અપાર કષ્ટ સહન કરે, વનફળ ને વાયુનો આહાર કરે તોય પણ ન્યૂન છે. સત્સંગ વિના ભવસાગર પાર કરી શકાતો નથી. આ વેળાએ જેને સત્સંગ થયો છે તેનાં પુણ્ય કહી ન શકાય તેટલાં છે. ઇન્દ્રિયો, અંતઃકરણ મળ્યાં તેનું પ્રયોજન સત્સંગ કરવો એ જ છે. મનુષ્યશરીર પામ્યા પછી જે જીવ સત્સંગથી વંચિત રહ્યો તેને દેખી ચોરાસી લાખ યોનિના અન્ય જીવ રુદન કરે છે. જે કંઈ સુખ માન્યું છે તે પ્રકૃતિ-પુરુષ સુધીનું છે, ને તેને પણ કાળ ગ્રસી લે છે. સત્સંગ કરે છે તેને આ વાત સમજાય છે.”6

મેથાણમાં શ્રીહરિ જમીને આવ્યા અને પછી હરિજનોને વાત કરતાં કહ્યું, “જીવને આ સંસારમાં ફરીથી માતા-પિતા મળે છે, પુત્ર, સ્ત્રી, રાજ્ય, ગજ, ઘોડા, મનવાંછિત ભોગ, સુરલોક, બ્રહ્મલોક, વૈકુંઠલોક અને બીજો સમાજ - એ બધું મળે છે, પણ સંત-સમાગમ મળવો કઠણ છે. સંત-સમાગમથી ઊંચું કોઈ સુખ નથી, એ સુખ અમે સૌને આપ્યું છે. આ વાત સૌ હૃદયમાં લખી રાખજો. વિસારી દેશો તો અર્થ નહિ સરે. ચિંતામણિ મળે અને રંક રહે તો તેની ઓળખ જ નથી. તેની લૌકિક બુદ્ધિ જાણવી.”

‘ઔર સમાજ સો મિલહિ સબહિ, સંત સમાગમ મિલત ન કબહિ.

સંત સમાગમ દુર્લભ જેહિ, સબ હરિજનકું મિલે હેં તેહિ.’7

ગોંડળમાં હઠીસિંહ નૃપના ભુવનમાં શ્રીહરિ હિંડોળે આવીને વિરાજ્યા અને વાત કરવા લાગ્યા, “સત્સંગમાં આવીને બેસે છે ત્યારે મોક્ષનો વિચાર હાથમાં આવે છે. મોક્ષના વિચાર વિના અન્ય વિચાર અપાર દુઃખનું કારણ બને છે. સ્વર્ગ, મૃત્યુ, પાતાળનો અધિપતિ થાય, બ્રહ્મા કે પ્રકૃતિ-પુરુષ સુધીનું પદ મળે તોપણ તેને સુખ થતું નથી. ક્ષણભંગુર આ શરીરમાં જેને સત્સંગનો યોગ આવ્યો છે તેનાં દુઃખમાત્ર સદાયને માટે નાશ પામ્યાં છે. માટે સત્સંગ સાચવવાનું જતન કરવું.”8

જૂનાગઢમાં શ્રીહરિએ નાગરો સમક્ષ સત્સંગનો મહિમા કહેતાં કહ્યું, “સત્સંગ વિના મોક્ષનો અંકુર ક્યારેય ફૂટતો નથી. કોઠીમાં અનાજ કરોડ વરસ સુધી ભર્યું રહે, પણ પૃથ્વી અને જળના યોગ સિવાય તેમાં ક્યારેય અંકુર ફૂટે નહિ. તેમ કોઈ કાર્ય યોગ વિના બનતું નથી, આજે અથવા અનંત જન્મ પછી પણ, યોગ મેળવ્યા સિવાય કામ થવાનું નથી. સત્સંગ થાય ને સંતનાં દર્શન થાય એટલો શુભ કાળ, એ વિના બધો અશુભ કાળ છે. સત્સંગ કરવાથી જીવ બીજી જ રીતનો થઈ જાય છે, નિર્મળતા પામે છે. સત્સંગ એ છે કે જ્યાં મોક્ષ સિવાય બીજી કોઈ વાતનો પ્રવેશ ન હોય. જ્યાં હરિકથા-કીર્તન નિત્ય થતાં હોય. જગતના વિષયોને જ્યાં સ્થાન ન હોય. ભગવાનનાં ચરણકમળમાં સહજે અનુરાગ થાય. ભગવાનનું વિસ્મરણ કરાવે એ બધો કુસંગ છે. ભગવાન સિવાય બીજામાં રુચિ થાય તે પણ કુસંગ છે. ભગવાનમાં મન જોડાવે તે સત્સંગ સમજવો. ભગવાન મેં મન ચોંટાવે જેહિ, સત્સંગ સો સમઝનો તેહિ.”9

બાબરાના ગ્રામજનોને વાત કરતાં શ્રીહરિએ કહ્યું, “જે સત્સંગ કરે છે તેનાં સઘળાં પાપ નાશ પામે છે. ભગવાન વિના બીજી જે કંઈ રુચિ થાય છે તે પાપ છે. સત્પુરુષના સંગમાં એ પાપ ટળે છે. એ સિવાય તેને ટાળવાનો બીજો ઉપાય નથી. ભગવાન વિના બીજો સંકલ્પ ઊઠે તે પાપ વાસના છે. હરિજનનો એ મત છે.”10

ભૂજમાં શ્રીહરિ કહે, “સત્સંગ કરાવવામાં પણ કળા છે. શુક, સનકાદિક અને નારદ તથા મોટા મોટા રાજાઓએ જે રીતે સત્સંગ કર્યો તે રીત દેખાડે ત્યારે સામાને સત્સંગ થાય. સત્સંગ કરતાં કરતાં હરિમાં જ્યારે મૂળ ચોંટે અને કોટિ કષ્ટ પડે, પરંતુ સત્સંગ મટે નહિ, પણ અધિક ઉત્સાહ થાય તે જ સંત અને હરિજનોમાં શિરોમણિ કહેવાય.”11

શ્રીનગરમાં શ્રીહરિએ હરિજનો પાસે વાત કરતાં કહ્યું, “અનંતકોટિ બ્રહ્માંડનાં સુખ સત્સંગ આગળ લૂખાં છે. સત્સંગથી એવું ફળ મળે છે કે ક્યારેય ભિખારી થવું પડે નહિ. સંસારનાં મિથ્યા સુખ માટે કરોડો દુઃખ સહન કરાય છે, તેમ સત્સંગ કરવામાં દુઃખ પડે તો આનંદથી સહન કરવાં. હરિની સાથે અચલ સ્નેહ કરે તે સમાન જગતમાં કોઈ હરિભક્ત નથી. સત્સંગના આશ્રય વિના સંસારમાં રહીને તેનાથી ન્યારું રહી શકાય નહિ. જેણે સત્સંગ વિના બીજા કોઈને વહાલા રાખ્યા નથી તે સંસારમાં રહેવા છતાં લોપાતા નથી.”12•

શ્રીહરિએ હરિભક્તો પ્રત્યે પત્રમાં લખ્યું, “સત્સંગની મોટપ અપાર છે. ભવબ્રહ્માદિક દેવો પણ આવો સત્સંગ વારંવાર માગ્યા કરે છે, પણ તેને મળવો દુર્લભ છે. સત્સંગનો માર્ગ છોડીને જીવ જગતના નોરે ચાલે તો તેને શિરેથી ક્યારેય નર્ક-ચોરાસી ટળતી નથી. જગતની રીતમાં વર્તતાં અનંત કાળ ગયા પણ ભક્ત ન થયા ત્યાં સુધી દુઃખ રહે છે. ભક્ત થયા પછી જો જગતની રીતે વર્તે તેને કદાપિ દુઃખ ટળે નહિ. બ્રહ્માના સુખ આગળ કીટનું સુખ શા લેખામાં? જીવને અનંતપુણ્ય પછી બ્રહ્માનું સુખ મળ્યું તોપણ સત્સંગના સુખ આગળ તે કીટ સમાન છે. ભગવાનના સુખ આગળ બીજાનાં સુખ તુચ્છ છે, છતાં એવાં સુખની વાંછના મનમાં રહેતી હોય તો ભક્ત થયો હોય, તોપણ તેનો કીટપણાનો સ્વભાવ ટળ્યો નથી, એમ જાણવું. અમારે તો સૌ હરિજનને બ્રહ્મરૂપ કરવા છે એટલો જ મનમાં વિચાર રહ્યા કરે છે. તે માટે વિચરીએ છીએ. અમે જે કંઈ ચરિત્ર કરીએ છીએ તે પાછળ પણ જીવને બ્રહ્મરૂપ કરવાનું તાન છે.

“અમને જેવા જાણશે તેવું સુખ તેને મળશે.” આમ, કાગળ લખીને હરિજનો પર મોકલ્યો ને લખ્યું કે “આ કાગળને પ્રાણપ્રિય કરીને રાખજો.”13

પીજમાં ઝવેરીદાસના ભવનમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સંતો-હરિજનો અલૌકિક છે. તેમાં કોઈક દૈહિક દોષ જણાય તો ક્યારેય તેનો અભાવ ન લેવો. જો અભાવ લે તો તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. સંતો બ્રહ્માગ્નિ છે. લીલું-સૂકું જે તેનો સ્પર્શ કરે તે બળી જાય. જે સંતો અને હરિભક્તો સત્સંગના પાંચ નિયમ-વર્તમાન દૃઢ કરીને રાખતા હોય, તે જ ખરા આશ્રિત છે, જે આ નિયમ નથી રાખતા તેને વિમુખ જાણવા. જો તે વ્રતભંગનું પ્રાયશ્ચિત્ત કરે તો તેને વિમુખ ન કહેવો. પ્રાયશ્ચિત્ત પૂરું થાય ત્યાં સુધી તેનું જતન કરવું.”14

પીજમાં શ્રીહરિએ કહ્યું, “સત્સંગ મળ્યો એ ભવસાગરનો કાંઠો છે, તેમાં સાવધાનપણે રહેવું. તીર્થ, જપ, તપ કરે તોપણ ભવથી છૂટાય નહીં. છૂટવાનું એક જ દ્વાર છે સત્સંગ. સત્સંગ વિના કોટિ ઉપાયે પણ, બ્રહ્મલોક સુધી પહોંચે તોપણ ભવનો રોગ મટે તેમ નથી, સત્સંગ મળ્યા પછી દેહ, ઇન્દ્રિયો અંતઃકરણને સત્સંગના નિયમમાં રાખવાં અને મોક્ષરૂપી આહારની લાલચ આપી વિષયમાંથી પાછાં વાળવાં...”15

શ્રીહરિએ અલર્ક રાજાને વાત કરતાં કહ્યું, “સત્સંગ કરતાં થકા દોષોની સદા બીક રાખવી ને મનનો વિશ્વાસ ન કરવો, કારણ કે મનનો જેટલો વિશ્વાસ કરે તેટલો સત્સંગ નાશ થાય, ઇન્દ્રિયો પણ બંધન તોડીને પોતપોતાના ચારામાં ચાલી જાય છે. ચારા વિના ચાલે નહિ એવો તેનો સ્વભાવ છે.”

ભગવાનમાં અપાર રસ રહેલો છે, પણ તે તેને ખારો લાગે છે અને જગતના રસમાં સોમલ કરતાં પણ વધારે વિષ રહેલું છે, તે તેને અમૃત જેવો લાગે છે. જ્યારે ભગવાનમાં રસ જણાય ત્યારે સત્સંગ થયો કહેવાય, જાગ્રતમાં જેવો સત્સંગનો દૃઢાવ રહે, તેવો જ સ્વપ્નમાં પણ રહે તેનો દૃઢ સત્સંગ કહેવાય. તોપણ મનનો વિશ્વાસ નહિ કરી હરિભક્તનો દાસ થઈને રહે તે બુદ્ધિમાન છે. દાસને ક્યારેય દુઃખ હોતું નથી. મોટાને જ દુઃખ હોય છે, કારણ કે તેમાં જેટલું માન હોય તેટલું દુઃખ થાય છે.”16

શ્રીહરિએ અલર્ક રાજાને નિષ્કામવ્રતની દૃઢતા અંગે વાત કરતાં કહ્યું, “જેનામાં નિષ્કામવ્રત નથી તે અમને પશુ જેવો લાગે છે. બ્રહ્મા ભવ જેવા દેવતાઓ બ્રહ્માંડોની સમૃદ્ધિ લાવીને આપે તોપણ તે નિષ્કામવ્રત પાસે તુચ્છ છે. ભગવાનને પ્રસન્ન કરવાના સાધનમાં આ એક મુખ્ય સાધન છે. સત્સંગથી જેવી મતિ થાય તેવી અષ્ટાંગયોગથી પણ ન થાય. બીજાં બધાંય સાધનનું ફળ તે સત્સંગ છે. સત્સંગમાં દંભથી ચાલે તે પાર ન પડે, અને અતિ દંભી હોય તે વિમુખ થઈને સત્સંગની દેશી કાઢે, અને સત્સંગની વાત શીખીને વિમુખ જીવને ધૂતે, એમ સત્સંગ તજીને જે સત્સંગનો દ્રોહ કરે તે કૃતઘ્નીમાં કૃતઘ્ની, ચાંડાળમાં ચાંડાળ અને નીચમાં નીચ છે. જાણીને પોતાનું માન વધારવા સત્સંગનો દ્રોહ કરે તેનું તો માન ભંગ થાય છે.”17

ગઢપુરમાં જીવેન્દ્ર નૃપને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય તોપણ તેનું જીવન અલેખે છે. સત્સંગ વિના બીજા સુખની ચાહના છે ત્યાં સુધી મનુષ્યતન મળ્યું જ નથી એમ સમજવું. સત્સંગ કરતાં જો અનંત અપાર સુખની પ્રાપ્તિ થાય તો તેને બુદ્ધિવાળો માણસ દુઃખરૂપ માને છે. અને તે જ પાકો ભક્ત છે. બીજા બાળકબુદ્ધિ છે.”18

માંડવીમાં મેઘજી સુથારને ત્યાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “તમારા ભાગ્યનો પાર નથી. ભવબ્રહ્માદિક દેવો પણ જેને ઇચ્છે છે તેવો સત્સંગ તમને મળ્યો છે. પ્રકૃતિપુરુષ આગળ ભવબ્રહ્માની સ્થિતિ, સૂર્ય આગળ પતંગિયા જેવી છે. અક્ષરબ્રહ્મ આગળ પુરુષપ્રકૃતિ પતંગિયા જેવાં છે. તે સૌ સત્સંગને ઇચ્છે છે. નારદ, શુક, સનકાદિક પણ નિશદિન સત્સંગને ચાહે છે. એવા સત્સંગ ઉપર જેને ભાવ ન થાય તે માણસ ચતુર હોય તોપણ એના જેવો કોઈ આંધળો કે બહેરો નથી. જેને સત્સંગ થયો છે, તે તો અક્ષરધામનો અધિકારી છે.’19

ભૂજમાં શ્રીહરિએ હિંડોળામાં બેસી હરિજનો પ્રત્યે વાત કરતાં કહ્યું, “પ્રગટ અગ્નિ હોય તે કાષ્ઠના યોગ વિના રહી શકે નહિ. ચાતુર્માસમાં મેઘના જોરથી સરોવર ભરાય છે, પણ મેઘનો વિયોગ થતાં ખૂટવા લાગે છે. મશાલ પણ તેલ વિના બુઝાઈ જાય છે. મશાલ, અગ્નિ ને સરોવરને ઠેકાણે હરિભક્તો જાણવા ને તેલ, કાષ્ઠ ને મેઘને ઠેકાણે સંતો જાણવા. સંતોનો યોગ જેમ વધુ રહે તેમ કરવું. સંતોનો અધિક વિયોગ થાય તો સત્સંગનું ઠેકાણું રહે નહિ. બહુ જોગ થાય તો પણ બહુ ભાવ રહે નહિ. એ તો લોકનો સહજ સ્વભાવ છે. સંતનો બહુ જોગ હોવા છતાં તેમાં ભાવ રહે તો તેને મુક્ત જીવ સમજવો. અલૌકિક બુદ્ધિ હોય ત્યાં સુધી સંતનો અભાવ ન આવે.”20

ભૂજમાં શ્રીહરિ કહે, “ભગવાન અને સંતને દેખીને ભાવ ન થાય તેને નપુંસક જાણવો ને પાષાણ હૃદયનો જાણવો. અતિવિષયી જીવ હોય પણ જો તેને સત્સંગમાં ચિત્ત ચોંટે તો નિર્વિષયી થઈ જાય, અને જેવો વિષયી હોય તેવો જ સત્સંગી થાય. જીવને બંધનરૂપ તો અનંત વિષયો છે. તેમાંથી છોડાવે તેવો તો સત્સંગ છે. તે સારમાં સાર અને દુર્લભમાં દુર્લભ છે. તેના વિષયી તો પ્રિયવ્રત, જનક, પ્રહ્‌લાદ, ચિત્રકેતુ, બલિ વગેરે ઘણા થઈ ગયા છે.”21

મુક્તમુનિએ શ્રીહરિની કહેલી વાત કરતાં કહ્યું કે, “શ્રીહરિ કહેતા - ગિરનાર ચડ્યા ત્યારે ગિરિ અને વૃક્ષો જોઈને જાણે સદા અહીંયાં રહીએ એમ મનમાં થાય છે. પ્રવૃત્તિ ગમતી નથી, પરંતુ જ્યારે શિવનાં વચન સાંભળીએ છીએ ત્યારે સત્સંગ છોડી શકાતો નથી. સત્સંગની સેવા તે ધ્યાન અને તપ કરતાં અધિક છે. કોટિ વરસનાં તપ અને ધ્યાનથી જે ફળ થાય તે એક દિવસની સત્સંગ સેવામાં સમાઈ જાય છે. તેવો વિચાર કરીએ છીએ ત્યારે સત્સંગ વિના બધું ખારું લાગે છે. પ્રિયવ્રત રાજાએ રાજ્ય કરવામાં પ્રવૃત્તિ જાણી અને નિવૃત્તિ લઈને પર્વતમાં તપ કરવા બેઠા. પિતા સ્વાયંભૂ મનુ ઉદાસ થયા. પ્રિયવ્રત નારદના શિષ્ય હતા તેથી તેને નારદજીએ તેડાવ્યા. બન્નેએ તેને ઉપદેશ આપ્યો.

“બ્રહ્મા કહે, અમે ને નારદજી ભગવાનના વચનમાં વર્તીએ છીએ. ભગવાન પ્રસન્ન થાય તેમ કરવું તેનું નામ નિવૃત્તિમાર્ગ છે. અંતઃશત્રુ જિતાયા ન હોય ત્યાં સુધી નિવૃત્ત ગણાય નહિ, અને તે શત્રુઓ સાથે રહેલા હોવાથી તપ કરવા જાય તોપણ વિઘ્ન થયા વિના રહે નહિ. એ બળવાન છે. નારદનું મુખ પણ તેમણે મર્કટના જેવું કર્યું. શિવ સમાન કોઈ જોગી નથી અને હું તો નારદ અને શિવનો પિતા છું. પરાશર, જૈમિનિ, ઇન્દ્ર, ચંદ્ર, સૌભરિ, ચ્યવન, શૃંગી વગેરે સમર્થ પુરુષોનાં મન પણ ઠેકાણે રહે નહિ. માટે અંતઃશત્રુ જેવી રીતે વશમાં થાય તેવી રીતે ઘરમાં રહીને શીખવું. એમ કહી બ્રહ્માએ નારદ દ્વારા પ્રિયવ્રતને મનાવ્યા ને સત્સંગમાં જોડ્યા.

“રામાનંદ સ્વામી અમને વચનરૂપી દોરીએ બાંધી ગયા છે. અને બધાં સાધનો કરતાં સત્સંગ અધિક દેખાડ્યો છે. તે સિવાય રસને છોડી કૂચા ખાવા જેવું છે. સત્સંગથી જ મનોવાંછિત સુખ મનાય છે, પણ ધીરજ તજી દે તે દુઃખી થાય છે. દુઃખ દેખી ડગે નહિ તેનો સત્સંગ સાચો છે.”22

મુકુન્દવર્ણી પ્રત્યે શ્રીહરિએ કહ્યું, “એક દિવસ પણ જેણે સત્સંગ કર્યો તે ચોરાશીમાં જતો નથી, હરિભક્ત નામ પડ્યું તેને જમપુરીનું દુઃખ રહેતું નથી. ભગવાન અને ભગવાનના સંતનો જેને વિશ્વાસ હોય, તેને ભગવાન કષ્ટ પડવા દેતા નથી. જેવી સમજણ તેવો મોક્ષ થાય છે.”23

બોટાદમાં શ્રીહરિએ જનો પ્રત્યે કહ્યું, “સમજણમાં જુદાં જુદાં અંગ હોય છે. કુટુંબ જેવો જ્યારે સત્સંગ થાય ત્યારે ડગાય નહિ. જગતમાં સ્ત્રી અને પુરુષ એક ઘરનાં હોતાં નથી, છતાં સ્ત્રી ઘરમાં આવે છે ત્યારે સૌથી અધિક થઈ જાય છે. અને ભિન્ન ભિન્ન દેહ હોવા છતાં તેની સાથે મન એક થઈ જાય છે. પરસ્પર હેત હોય ત્યાં સુધી જીવ બંધાય છે. તેમ સત્સંગમાં હિત મનાય તો જ સત્સંગમાં જીવ બંધાય. સત્સંગમાં મમત્વ બંધાય તો સહજે પક્ષ પણ રહે. પક્ષને માટે માથું કાપવા તૈયાર થવાય, જગતમાં એક દિવસ કોઈએ અન્ન-જળ આપ્યું હોય તો તેનો પણ પક્ષ રહે છે. મર્યા પછી તેનું કાંઈ ફળ નથી, પણ અહીંયાં બે દિવસ વખાણ કરે છે. જો અતિ સ્નેહ રાખવા જાય તો ભૂત-પ્રેત થવાનો પ્રસંગ આવે છે, એવું સત્સંગના પક્ષમાં નથી.”24

શ્રીહરિએ પીપલાણામાં હરિજનોને વાત કરતાં કહ્યું, “પ્રગટ ભગવાન મળે કે તે ભગવાનના સંત મળે અથવા તેના કોઈ હરિભક્ત મળે તો તેને સત્સંગનો યોગ થાય છે ને ચોરાશીનો રોગ ટળે છે. અક્ષરધામનું અલૌકિક સુખ પ્રાપ્ત કરવા પ્રગટના સત્સંગ વિના બીજો કોઈ ઉપાય નથી. સંતો-હરિજનોએ આવી વાત બીજાને નિત્ય કરવી.”25•

ભૂજમાં શ્રીહરિ કહે, “જગતને સત્સંગ ગમતો નથી. તેની લાજ રાખવા જાય તો સત્સંગ થાય નહિ. જગતને તો જમપુરીમાં જવું છે તેથી સત્સંગ કરતું નથી. મનમુખી થઈ ધર્મ પાળે કે તીર્થવ્રત કરે, પણ સત્સંગ વિના હાથીના સ્નાન જેવું નિરર્થક છે.”26

ભૂજમાં શ્રીહરિએ હરિજનો પ્રત્યે વાત કરતાં કહ્યું, “સત્સંગમાં જેને જેવો ભાવ હોય તેનો તેવો મોક્ષ થાય છે. પ્રીતિ અને ધર્મપાલન વિના મોક્ષ મળતો નથી. જેમ લોભીને ધનમાં ને કામીને સ્ત્રીમાં પ્રીતિ છે તો તેને અર્થે તન-ધન ન્યોછાવર કરવામાં તલભાર વિચાર થતો નથી. સત્સંગમાં આવો ભાવ હોય તો ક્યારેય અભાવ ન આવે. અભાવ આવે તેટલી કસર જાણવી. ભગવાનનો નિશ્ચય ને ધર્મનું પાલન દૃઢ હોય તેનો સત્સંગ દૃઢ જાણવો.

“સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠા બેઉ કપડું અને તાર જેવા છે. તાણાવાણા વગર કપડું નથી ને કપડાં વગર તાણાવાણા નથી, તેમ નિશ્ચય અને ધર્મની વાત છે. તે જેટલાં દૃઢ તેટલો સત્સંગ દૃઢ જાણવો. ધર્મ અને નિશ્ચય એ બીજ-વૃક્ષ ન્યાયે રહ્યા છે.”27

વઢવાણમાં તુલસી દવેના ઘરે વર્ણીએ રસોઈ કરી, શ્રીહરિએ ભોજન લીધું પછી પલંગ ઉપર બિરાજમાન થયા અને વાત કરતાં કહ્યું, “પૂર્વે જેણે સત્સંગ કર્યો છે તેની રીત તપાસ્યા વિના પોતાનો સત્સંગ પરખાય નહીં. સત્સંગની વાતમાં જ્યાં લગી પોતાનો તલભાર વિચાર ન ભળે અને તે નિશદિન અમારી પાસે રહેતો હોય તોપણ તેનું દુઃખ ટળતું નથી. સત્સંગ કરે, પણ વિવેક વગર સુખ આવતું નથી. વિવેક ખડગની ધાર જેવો રાખવો. જેટલો વિવેક એટલું સુખ. વિવેક ન હોય એટલું દુઃખ. નિયમ-મર્યાદાવાળો હોય તેને વિવેકી કહ્યો છે. અનંતકોટી બ્રહ્માડનાં ભોગ-સુખ, દુઃખ વિનાનાં જણાતાં નથી. એવું જાણી ભગવાન જેટલું આપે તેમાં સંતોષ માની મગન રહેવું અને કોઈને દોષ ન દેવો.”28

ઉમરેઠના વિદ્વાન વિપ્રોને શ્રીહરિએ કહ્યું, “મહિમા વગર સત્સંગ સમજાય નહિ. મહિમા હોય તે સત્સંગમાં દિવસે દિવસે વધે છે. મહિમા વિનાનાં સાધન વૃથા થાય છે. મહિમા વિનાનાં સાધન મેરુ સમાન હોય તોપણ મહિમાએ યુક્ત સાધન બરાબર અણુ જેટલાં થાય નહિ. કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહિ.

“હરિભક્તને પરસ્પર હેત ન હોય તો સાધન અપાર કરે તોપણ ફળ મળતું નથી, બીજાં અંગ નીરોગી હોય, પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહિ તેમ મહિમા વિનાનાં સાધન જાણવાં. મહિમા રસ છે ને સાધન કૂચા છે. મહિમા માયિક જીવને ગમે નહિ, તેને તો માયિક વસ્તુ ગમે. ગીંગો ગોબરમાં ને ગધેડો કૂચામાં જ લોભાય છે. ચિંતામણિનો મહિમા બાળકને નથી, એટલે જ બોરને ચિંતામણિ કરતાં તે અધિક માની બેસે છે. મહિમાયુક્ત ભક્તો માટે જ અમે સત્સંગમાં વારે વારે ફરીએ છીએ.”29

નાગર સેનાપતિ કરિયાણામાં દેહાખાચરના ભવનમાં શ્રીહરિનાં દર્શને આવ્યો. શ્રીહરિએ ઉપદેશ આપતાં તેને કહ્યું, “મોક્ષના જેટલા સિદ્ધાંત છે કે જેટલા ગ્રંથમાં મોક્ષ માટે લખેલું છે તે સઘળું સત્સંગ કરવામાં સમાઈ જાય છે. સત્સંગ સિવાય બીજે મૃગતૃષ્ણા પાણી છે. સત્સંગમાં સાચું નીર રહેલું છે, જેને પીવાથી શાંતિ થાય છે. મૃગજળ પાછળ જિંદગી ખર્ચે તોપણ તેમાંથી મૃત્યુ પર્યંત દુઃખ નીપજે છે. સત્સંગમાં આવીને પણ જેને શાંતિ થતી નથી તેને પૂર્વેનો સંતનો દ્રોહી સમજવો અને શાપિત જાણવો. અનંત જન્મનાં સુકૃત ઉદય થાય તેને જ સત્સંગ મળે છે.”30

ગઢપુરમાં જીવેન્દ્ર નૃપના ભવનમાં શ્રીહરિએ હરિજનો પ્રત્યે વાત કરતાં કહ્યું, “અપાર જન્મોનું બંધન સત્સંગ કરવાથી દૂર થાય છે. જે લોકો યજ્ઞ, દાન, પુણ્ય, તીર્થ, વ્રત અતિ નિષ્કામભાવે કરે છે તેમને સત્સંગ થાય છે. માટે સત્સંગ સર્વથી શ્રેષ્ઠ છે. સંસારમાં સુખ મનાય છે ત્યાં સુધી સત્સંગ પૂરો સમજાયો નથી.”31

શ્રીહરિએ ગુડેલ ગામના હરિજનો પાસે વાત કરતાં કહ્યું, “કોટિ તીર્થ કરે તોપણ આવો સત્સંગ ન મળે. શિવ, બ્રહ્મા જેવા સત્સંગને ઇચ્છે છે, માટે કઠણ દેશકાળમાં પણ સત્સંગ તજવો નહિ. અનેકવાર ઇન્દ્ર, બ્રહ્માના દેહ મળ્યા હશે, પણ સત્સંગ મળ્યો નથી. જેવો સત્સંગ હોય તેવા જ ભક્તિ-ધર્માદિ ગુણો રહે છે. જ્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ રહ્યાં છે ત્યાં શુભ નિયમો રહ્યા છે. સત્સંગ પણ ત્યાં છે ને શ્રીહરિ, અવતારો, સંતો સર્વે ત્યાં છે. આવી દૃઢ સમજણ જ્યારે થાય ત્યારે અખંડ આનંદ રહે. સત્સંગ ખરો એ જ છે કે જેને પામીને જીવ ક્યારેય કંગાલ ન રહે. જગસુખ દેખી તેને પામવા ઇચ્છે નહિ.”32

બુધેજ ગામમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “અસતનો ત્યાગ કરવો ને સતનું સેવન કરવું તેનું નામ સત્સંગ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ-એકાંતિક ધર્મ તથા ભગવાને આપેલા ભક્તોના નિયમો - એ સત છે. ભગવાનનાં અવતારો, ચરિત્રો, લીલાઓ, વિચરણ, ઉપદેશ એ બધું સત છે. ભગવાનનો સંબંધ જેને થયો તે સત છે. તીર્થો ને વ્રતોમાં ભગવાનનો સંબંધ હોય તો તે સત છે. આમ, સતનો સંગ તે સત્સંગ છે. ભગવાનનો સંબંધ જેને થયો છે તેને અસત જે કહે છે તે મોટા સત્સંગી જણાતા હોય તોપણ તે અસુરના રાજા છે. વળી, બીજા સંતથી પોતાનાં ધર્મ-નિયમ, ત્યાગ, ભક્તિ, જ્ઞાન અને ધ્યાન વધારે ઉત્કૃષ્ટ દેખાતાં હોય, પણ પોતાનું પ્રતિપાદન કરે તેવા સંતના ગુણ ગાય અને બીજાના અવગુણ ગાય એવા સંત-હરિભક્તોને કાળનેમિ દૈત્ય જેવા જાણવા. નિર્મળ સંતો-હરિજનો સરળ સ્વભાવે વર્તે છે.”33•

શ્રીહરિએ મોટેરા ગામના હરિજનો સમક્ષ વાત કરતાં કહ્યું, “સત્સંગ દૃઢ કરીને રાખજો, આવો સમય ફરીને નહિ આવે. સત્સંગ માટે દુઃખ સહન કરવું પડે તોપણ ધન્ય ભાગ્ય માનવું. સત્સંગ અર્થે જેટલું કષ્ટ સહન કરશો તેથી કોટિગણું અલૌકિક સુખ મળશે. રાજા થયા હોય પણ ભગવાનનું શરણ ન લીધું હોય તો છજા ઉપર ઊગેલા છોડ જેવી તેની મોટપ છે. હરિભક્તની મોટાઈ સત્સંગને લીધે છે. મનુષ્યતન પામી હરિનું શરણ ન લીધું તે પશુ સમાન છે.”34

સારંગપુરના જીવા ખાચરના દરબારમાં શ્રીહરિએ હરિજનોને કહ્યું, “લવ સત્સંગનું માહાત્મ્ય અપાર લખ્યું છે. સત્સંગ ન હોય તો બ્રહ્મા જેવા પણ કંગાળ છે. એ વાત જ્યારે પૂર્ણ સમજાય ત્યારે પાકો ભક્ત ગણાય. સરોવરની પાળ દૃઢ હોય તો પાણી ટકે. સૌ હરિજનો સરોવર સમાન છે. નિયમ અને સમજણ (નિશ્ચય) પાળને ઠેકાણે છે.

“સત્સંગની કથાવાર્તા મેઘના જળ જેવી છે. ભગવાન અને સંત મેઘને ઠેકાણે છે. નિયમ અને સમજણમાં બધાં ગુણ ને રિદ્ધિ-સિદ્ધિ આવી ગયાં. જેટલા નિયમ-નિશ્ચય દૃઢ તેટલી તેની મોટપ જાણવી. ધામમાત્ર નિયમ-નિશ્ચયમાં આવી ગયાં. જેને નિયમ-નિશ્ચય દૃઢપણે હોય તેવા ભક્તનો ત્યાગ ક્યારેય ન કરવો. નિત્ય ચઢતો રંગ રાખવો. તુચ્છ બાબતમાં મમત્વ ન કરવો. સત્સંગ અને ભગવાન વિનાની બધી તુચ્છ વાત જાણવી. આવી સમજણ જેને અચલ રહે ને દેશકાળના વિષમપણામાં પણ ફરે નહિ એવો જે હરિભક્ત હોય તે ગરીબ સમાન દેખાતો હોય, તોપણ તેના અંતરમાં ભગવાન રહ્યા છે. તે વિના આવી સમજણ ન આવે.”35

સારંગપુરના જીવા ખાચરના દરબારમાં શ્રીહરિએ હરિજનોને કહ્યું, “સત્સંગ પાકો કરવો. કાચો હોય તેટલું અંતરમાં સુખ રહે નહિ. કુસંગનો જેટલો પાશ છે તેટલો બ્રાહ્મણના ઘરમાં શ્વપચનો વાસ હોય તેવું છે. કાચો કે પાકો સત્સંગના યોગે કરીને સમજાય છે. આરસી વિના પોતાનું મુખ દેખાય નહિ. હાંડીના દીવા પોતાને તથા બીજાને પ્રકાશે છે તેમ સંતની વાત પણ તેવી છે. કેટલીક હાંડી એવી હોય કે બીજાને અજવાળું કરે, પણ પોતાની તળે અંધારું રાખે. ગૃહસ્થ હરિભક્ત તેવા જાણવા.

“ઘરમાં જે હરિભક્ત રહે તેણે સંતના દાસ થઈને રહેવું. ધનમાં ચિત્ત પરોવાતું હોય તો સ્ત્રીનો ત્યાગ કરવાથી શું થાય? અને માનરૂપી વિષ તો તેથી પણ ભારે છે. માન જેમાં આવે તે સંતમાં બ્રહ્માને પણ દુર્લભ એવા ઉત્તમ ગુણો હોય તે દોષરૂપ થઈ જાય છે, જે ગુણ છે તે જ સ્વયં મોટાઈરૂપ છે. જેમ ગુણ આવે તેમ દીન થાય અને સંતને આધીન રહે ત્યાં સુધી ગુણ શોભે છે.”36

શ્રીહરિએ ગઢપુરમાં હરિજનોને વાત કરતાં કહ્યું, “ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કાળ દ્વારા થાય છે. કાળ અમારા વચનમાં વર્તે છે. અમારી મરજી લોપે તો કાળચક્રનો કોપ થાય છે. સત્સંગ ન થાય તો વિઘ્નોનો પાર નથી. હરિભક્તોનાં વિઘ્ન બળી જાય છે. સત્સંગીનો પ્રતાપ વિમુખને દેખાતો નથી, હરિભક્તોનો પ્રતાપ દેખી ભયમાત્ર નાશ પામે છે. હરિભક્તોમાં સમજણ ન હોય તેટલા દુઃખી થાય છે. ભૂત-પ્રેતાદિકનાં દુઃખ પણ અણસમજણમાં રહેલાં છે.”37

ગઢપુરમાં શ્રીહરિએ સંતો પ્રત્યે વાત કરતાં કહ્યું, “ભગવાન અને સત્સંગ અર્થે અણુ જેટલું કોઈએ કર્યું હોય તો ભગવાન તેને મેરુ જેટલું સુખ આપે છે. તે અનંત કલ્પ વીતે તોય ભગવાન એ જીવનો અણુ જેટલો ગુણ ભૂલતા નથી, તેથી જ ભગવાનને જ્ઞાનમૂર્તિ કહી ગામોગામ જનો ભજે છે.

“સત્સંગ કર્યા સિવાય કોઈ કાળે ઉદ્ધાર થવાનો નહિ. મોક્ષનું દ્વાર સત્સંગ છે. સંસારમાં એ અચળ છે. એના આશ્રય વિના જન્મમરણ, જમપુરી ને ચોરાશીનો ફેરો ટળતો નથી. મોક્ષનાં અન્ય સાધન ઘણાં છે, પણ તે માયિક છે. એ સાધન કરવાથી જનને કાળનો ભય નાશ થતો નથી. જ્યારે તે સત્સંગ કરે છે ત્યારે કાળ, કર્મ ને માયાથી છૂટે છે. વળી, મોક્ષ અર્થે જે જે સાધન કરવા જન ઇચ્છે છે તે સર્વે સત્સંગના પેટામાં સમાઈ જાય છે.”38

વડતાલમાં હરિજનો પ્રત્યે શ્રીહરિએ કહ્યું, “સત્સંગમાં થતી વાત અલૌકિક છે, દિવ્ય છે. જે લૌકિક જાણે છે તેની મતિ વિપરીત રહી છે. મનુષ્યતન મળ્યું, ભૂપ થયો, ધનાઢ્ય થયો, પણ સત્પુરુષનો સંગ નથી તેને બધું જ નિરર્થક છે. દેવતા થવું તે પણ આશ્ચર્ય વાત નથી, મનુષ્યની દોટ દેવતા સુધી રહી છે, તેને આ લોકમાં સંતનો સંગ મળે અને મોટપ પામે તેવી બીજી મોટપ નથી. સત્સંગ મળે તોપણ કોઈ મોટપ ન પામ્યો તેમાં સત્સંગનો દોષ નથી. ચિંતામણિ મળી ને કંગાલ રહ્યો તેમાં ચિંતામણિનો શો દોષ! સત્સંગ છે ત્યાં ભગવાન પ્રગટ છે ને ત્યાં ભગવાનનું અક્ષરધામ પણ રહ્યું છે. જીવ વિનાના દેહમાં ચૈતન્ય ન હોય તેમ ભગવાન વિનાના સત્સંગમાં દિવ્યપણું ન હોય. અર્થાત્ જ્યાં દિવ્યતા હોય, અલૌકિક વાતો થતી હોય ત્યાં જાણવું ભગવાન રહ્યા છે.”39

શ્રીહરિએ પત્રમાં લખાવ્યું, “જેને જીવનો સત્સંગ થયો હોય તેની સમજ આ પ્રકારની રહે છે: પરબ્રહ્મ એવા શ્રી પુરુષોત્તમનારાયણ નિશ્ચય શ્રીકૃષ્ણના સ્વામી છે. ‘એસે શ્રીપુરુષોત્તમ જેહિ, નિશ્ચય કૃષ્ણ-સ્વામી યહ તેહિ..’ તે એક એવા સમર્થ છે જેની લીલારૂપ માયા સર્જન-પોષણ-લય કરે છે. સહજપણે થતી આવી અપાર ક્રિયામાં તેઓ લેશ બંધાતા નથી. આમ સમજે છે તે બાઈ-ભાઈને કૃતાર્થ જાણવાં. તેને પંચભૂતનું શરીર નરક જેવું દેખાય છે. આત્માનો પ્રકાશ કોટિ સૂર્ય જેવો દેખે છે. દેહ મરે, બળે કે સડે તેને પોતાનું રૂપ માનતા નથી.”40

શ્રીહરિએ ધર્મપુરનાં રાણી કુશળકુંવરબાને કહ્યું, “જ્યાં સુધી સત્સંગ થયો નથી, ત્યાં સુધી જન્મ-મરણ, જમપુરી અને ચોરાશીનો બોજ રતીભાર છૂટતો નથી. મનુષ્ય જેટલો ધર્મ અને સત્સંગ સન્મુખ ચાલે છે તેટલો સુખી થાય છે.

“બાઈ! તમારાં ભાગ્ય અપાર છે. સત્સંગ કરીને રાજ તમને ખારું થયું છે. રાજમાં દુઃખ જણાયું છે અને સત્સંગમાં સુખ મનાયું છે. સત્સંગ કરતાં કરતાં સંસારમાં મોહ રહી જાય એટલો કુસંગ છે. કુસંગ રહે ત્યાં સુધી વારંવાર સત્સંગમાં દેહ ધરે છે. પછી અતિ શુદ્ધ થાય છે ત્યારે અક્ષરધામમાં જાય છે.”

બાઈએ કહ્યું, “હે મહારાજ! આપ અક્ષરના પણ કારણ છો અને આવીને મને મળ્યા છો. હવે, અંતરમાં દૃઢ નિરધાર કર્યો છે કે, તમારી મૂર્તિ અંતરમાં ધારી રાખવી છે.”41

ઝીંઝાવદરમાં શ્રીહરિએ કહ્યું, “અમે સત્સંગ છોડીને જવા ઉદાસ થયા પરંતુ જ્યારે હરિજનોના ગુણ જોયા ત્યારે તે ઉદાસી ટળી ગઈ. સત્સંગનો પ્રતાપ વિચારતાં દોષ ટળી જાય છે ને અંતરમાં અજવાળું થાય છે. હરિભક્તના દોષ ગ્રહણ કરતાં અંતરમાં અંધારું થાય છે. હરિજનના ગુણ ગ્રહણ કરનારમાં તલમાત્ર દોષ રહેતા નથી. દોષ ગ્રહણ કરે છે ત્યારે સમજણ ફરી જાય છે, જેથી ગુણમાં પણ દોષ દેખાય છે. મોટા વાત કરે તેમાં પોતાના દોષ જણાવીને વાત કરે છે. મોટા પુરુષ સૂર્ય સમાન હોય છે. તે બધે અજવાળું પાથરતા રહે છે. અંતરમાં અને બહાર અજવાળું કરવું એ ભગવાન સિવાય થઈ શકે નહીં.”42

ઝીંઝાવદરમાં શ્રીહરિ કહે, “જેવો ખપ હોય તે પ્રમાણે ધર્મને માર્ગે ચલાય છે. ધર્મ રાખી ભગવાન ભજનાર થોડા હોય છે. ધન ઉપર દોડ વધારે રહે છે, તેટલી સત્સંગમાં રહેતી નથી. ધનને માટે મરવું કબૂલ કરે છે. ચારણ અને ભાટ લોકો ગરાસ માટે ચિતા રચી પોતે બળે છે. ચોરી કરનારા પણ ધનને માટે મરવાનો ડર રાખતા નથી. એમ સત્સંગનો જો મમત્વ રાખે તો બન્ને લોકમાં સુખી થાય. ગુરુ, ભગવાન અને રાજાના ચોર ન થવું, એ બધી વાતનું મૂળ છે.

“સત્સંગ એટલે શ્રીહરિ તેના ગુણવાળા સંત અને મોક્ષપરક શાસ્ત્ર. આ ત્રણેનો સંગ કરવો એ સત્સંગ છે. સંગમાં મુખ્ય અર્થ મોક્ષ છે.”43

વડતાલમાં વાસણ સુથારને ઘરે શ્રીહરિએ સંતો-હરિજનોને કહ્યું, “જે વાત સાંભળી પછી તેનું મનન ન કરે તો એક પણ વાત હૃદયમાં ઠરતી નથી. જીવમાં સત્સંગ પણ મનન વિના વૃદ્ધિ પામતો નથી. રાત-દિન અમારો પ્રસંગ કરે, પણ તેનું મનન ન કરે તો ધર્યો રહે છે. (નિષ્ફળ જાય છે.) વ્યાવહારિક વાત પણ મનન વિના સિદ્ધ થતી નથી. બીજ વાવે પછી તેની સંભાળ રાખવી પડે. નકામું ઘાસ નીંદવું પડે. મનન એ ઉપયોગ વિનાની વાતનું નીંદણ છે. છોડની આસપાસનું ઘાસ કાઢતો રહે તો વિકસે ને અન્ન થાય, તેમ સત્સંગ મનન કરવાથી વધે ને મોક્ષરૂપી ફળ મળે. નિયમ ધાર્યા હોય તેનું પણ મનન કરવું. મનન કરવાથી જીવ શુદ્ધ થાય છે અને બળ આવે છે. શુદ્ધ ભક્તના અંતરમાં ભગવાન નિવાસ કરે છે.

“જે મનન કરે છે તે સંત-હરિજનની સત્સંગમાં મોટાઈ છે. ને એ મોટાઈ દિન દિન પ્રત્યે વધતી જાય છે. જીવમાં સત્સંગની વૃદ્ધિ અને વર્તન છાનાં રહેતાં નથી. મનનથી અંતર શુદ્ધ થાય છે, ને પછી તેમાં ભગવાન નિવાસ કરે છે. ભગવાન જેના અંતરમાં રહ્યા હોય તે તેના વર્તનથી દેખાઈ આવે છે. તેનું વર્તન નિર્મળ કાચ જેવું હોય, તલ જેટલોય મળ રહ્યો ન હોય. મનન કરનારનાં નેત્ર અને શ્રોત્ર ભગવાન અને સંત જેવાં બની જાય છે. સુમતિ જનને તે દેખ્યામાં આવે છે.”44

ગોંડળમાં હઠીભાઈના ભવનમાં શ્રીહરિ કહે, “અનાદિ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ સત્સંગ વિના થાય નહિ. સો વર્ષ સુધી સત્સંગ કરે અને એક દિવસ ન કરે તોપણ અનાદિ અજ્ઞાન એવું છે કે તેને આવરણ કરે છે. માટે નિત્ય સત્સંગ કરવો. જે બાઈ-ભાઈ હરિભક્ત કે સંતને સત્સંગ કરવાની જેટલી આતુરતા તેટલો તે અધિક ભક્ત છે. આતુરતા અને ઉત્સાહ રહિત હોય તે તો પૂર ઊતરી ગયાં પછી નીર વિનાની નદી હોય તેના જેવો છે. જેને સત્સંગનો જોગ ન રહે, છતાં સત્સંગ મંદ પડે નહિ અને બીજાને સત્સંગનો રંગ લગાવે એ હરિભક્ત શ્રેષ્ઠ છે. સંબંધના યોગે કરીને સત્સંગ થાય તેથી ઘણા જીવો સુધરી જાય છે.”45

ગઢપુરમાં શ્રીહરિએ સત્સંગ કરવાની રીત હરિજનોને કહી, “સત્સંગને અર્થે કામ ન આવે તેટલો કુસંગ જાણવો. સંતના અર્થમાં આવે તે ભવન અને પદાર્થ ધન્ય છે. એવી સમજણ રાખે તેનું નામ સત્સંગ કહેવાય. અખંડ મૂર્તિ દેખાય એવા અપાર શ્રેષ્ઠ ગુણો પોતાનામાં સત્સંગના પ્રભાવે કરીને હોય અને તેનો પોતાને ગર્વ આવે નહિ. માન-અપમાનમાં જ્યાં સુધી વહે છે ત્યાં સુધી કાચું પાત્ર છે.”46

બોટાદમાં ફૂલદોલ પર આવેલા હરિભક્તો જમી રહ્યા પછી શ્રીહરિએ સૌને વાત કરતાં કહ્યું, “ઘણા હરિભક્તો અમને કહે છે કે તમારા દાસના દાસનો નિત્ય સમાગમ દેજો. જો તેનો નિત્ય સમાગમ ન થાય તો મન ખુવાર કરી નાખે છે. પર મન અને નિજ મન - બન્ને લશ્કર છે. તે જીવ સત્સંગ કરે છે ત્યારથી સામસામાં યુદ્ધમાં ઊભાં છે, સુખે રહેવા દેતાં નથી. ગબરગંડને આ વાતની ખબર પડે નહિ, ત્યારે બન્ને મન ઓળખાતાં નથી. સત્સંગથી અધિક કોઈ વાત નથી. શરીરની આધિ-વ્યાધિનું દુઃખ થાય તેણે કરીને સત્સંગ ત્યજવો નહિ.

“દુઃખમાં સત્સંગ મોળો પડે એટલી સત્સંગ કરવામાં કસર છે. દુઃખ પડે તેમ સત્સંગનો રંગ અધિક ચઢે તેને સમૈયાનું સાચું ફળ મળે છે. સુખદુઃખમાં લેવાય તેને કસરવાળો જાણવો.”47

ગઢપુરમાં શ્રીહરિએ જીભાઈને વાત કરતાં કહ્યું, “જેવા ગુરુ મળે તેવી ભક્તની બુદ્ધિ થાય છે. અમે સત્સંગની રીત બાંધી છે, તે સૌ ત્યાગી-ગૃહીને આ લોક પરલોકમાં અતિ સુખી કરે એવી સવોંપરી બાંધી છે. આ સમયમાં જેને તે સમજ્યામાં નહિ આવે તો ગયેલો સમય પાછો આવે તેમ નથી.”48

જેતલપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જ્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હોય, ભગવાનનો પ્રગટ સંબંધ હોય, અને છળ-કપટ ન હોય ત્યાં સત્સંગ સજીવ છે એમ જાણવું. ત્યાં મોક્ષફળની પ્રાપ્તિ થાય છે. જ્યાં ભગવાનનો સંબંધ નથી, એકાંતિક ધર્મ નથી, અને છળ-કપટ દંભ છે, ત્યાં સત્સંગ નિર્જીવ છે. ત્યાં મોક્ષરૂપી ફળની આશા રાખવી નહિ.” એટલી વાત કરીને શ્રીહરિએ ગરબીનાં પદ સંતો પાસે બોલાવ્યાં.49•

*

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

આંધળાને હીરો મળે પણ વિશ્વાસ ન હોય તો દુઃખ પામે છે, તેમ સત્સંગ પામ્યા પછી પણ જો દુઃખ મનાય તો તે પણ તેના જેવો જડ છે. આ લોકનાં સુખ ઉપર જ દૃષ્ટિ રાખે તેને સત્સંગ થયો જ નથી, એમ જાણવું. લૌકિક સુખમાં જેટલો રાગ તેટલું દુઃખ, લૌકિક સુખનો જેટલો ત્યાગ તેટલું સુખ. એવી સમજણવાળા સત્સંગીનાં મૂળ ઊંડાં છે. માટે સત્સંગમાં આવો યોગ વારે વારે આવતો નથી, એમ સમજી તુચ્છ સુખને કારણે સત્સંગ ગુમાવવો નહિ.”50

સત્સંગ વિના સંતનો યોગ થાય નહિ. સંત મળે ત્યારે જ ભવરોગ ટળે. સંત હરિના હાથમાં હાથ સોંપે છે. સંત કહે તેમ કરવું.51

ભક્તોને સુખ આપવા શ્રીહરિ અને સંતો ઘરે-ઘરે વિચરે છે. તેમણે વિચરણમાં જ અધિક સુખ માન્યું છે. સંત-સમાગમ તુલ્ય અન્ય કોઈ બીજું સુખ નથી. જેને એવા સંતના સમાગમથી શુદ્ધ મતિ થાય છે, તેને અક્ષરધામનું સુખ અહીં જ મનાય છે. પિંડ-બ્રહ્માંડના માયિક સુખ કાજે તે રુએ નહિ. જેમાં ધર્માંશ હોય અને સત્-અસત્‌નો વિવેક હોય તે જ શ્રીહરિ અને તત્સ્વરૂપ સંતને ઓળખી શકે છે.52

પોતાની રુચિનો ત્યાગ કરીને નારાયણની મરજી પ્રમાણે વર્તે ત્યારે સત્સંગ થયો ગણાય અને તે સંસાર સમુદ્ર તરવા વહાણમાં બેસી ગયેલો છે. સત્સંગરૂપી નાવ ન મળે ત્યાં સુધી સંસાર સમુદ્ર પાર ન પમાય. સત્સંગ થતાં પહેલાં સંસાર માટે તન-મન-ધનનો ઉપયોગ કર્યો હોવાથી જમપુરી, લખચોરાશીનું દુઃખ ચાલુ રહેલું છે.

સત્સંગમાં પ્રગટ હરિ રહ્યા છે તે દર્શન દે કે ન દે તે તેમની મરજીની વાત છે, પણ આપણે સદાય ગરજુ રહેવું. ગરજુ વિના શ્રીહરિનું હેત મળતું નથી. ગરજુ પાસે શ્રીહરિ ચાલીને આવે છે અને શ્રીહરિ ગરજુના સદાય બેલી થાય છે. ભક્તિરૂપી દોરીથી શ્રીહરિ સદાય બંધાયેલા રહે છે.53

શ્રીહરિ વિના બીજે સાર ન મનાય તે પાકો સત્સંગ કહેવાય. નેત્રમાં જેમ એક ઝીણી રજ પણ રહી શકતી નથી, તેમ હરિજનના મનમાં હરિ વિના બીજું હોય તેને ત્યાગ કરાવે ત્યારે જ શ્રીહરિને શાંતિ થાય છે. પછી તે ભક્તને તજીને ભગવાન દૂર રહી શકતા નથી.54

સત્સંગમાં બધું જ ઉત્તમ છે; તેનો દ્રોહ કરે તે અધમમાં અધમ છે અને જે ભગવાનને હાથ જોડતો નથી, માથું નમાવતો નથી, ગુણગાન કરતો નથી, ચાલીને દર્શને જતો નથી, તેને તે હાથ, પગ, આંખ, માથું, જીભ વગેરે અંગ વિનાનો જાણવો.55

અનંત કલ્પ ગયા, તેમાં એકવાર પણ જો સત્સંગ મળ્યો હોત તો જન્મ-મરણ રહ્યું ન હોત. સત્સંગનું તેજ કોટિ સૂર્ય સરખું છે. તેમાં અધર્મરૂપી ઉલૂકને કાંઈ દેખાતું નથી. કોટિવાર મસ્તક જાય અને આખા બ્રહ્માંડનું રાજ્ય જતું હોય છતાં પણ સત્સંગ આગળ તે સોઘું છે.56

નેત્રમાં જેમ રજ સમાય નહિ, નેત્રને ઉપયોગી ન હોય તેવી કોઈ વસ્તુ નેત્ર સહન કરતું નથી, તેમ સત્સંગ પણ નેત્ર સમાન છે. તે પોતાને અહિતરૂપ હોય તેને સમાવી શકતો નથી.57

સત્સંગ વિનાનાં બીજાં કર્મોનું ફળ અતિ તુચ્છ છે. ભવ-બ્રહ્મા પણ સત્સંગ ઇચ્છે છે. હરિ વિનાનાં દેખેલાં અને સાંભળેલાં કોઈ પણ પદાર્થમાં રુચિ ન રહે, તે જ સાચો સત્સંગ ગણાય. જેટલું હરિ વિનાનું સત્ય ભાસે એટલી સત્સંગ કરવામાં કસર સમજવી.58

જેને સાચા સત્સંગનો લેશ હોય નહિ, પણ સત્સંગનો વેષ ધારી, નિયમ-ધર્મ નહિ પાળીને પેટ ભરે છે તેને પણ સત્સંગની ઓથે લોકો માને છે, તો પછી સાચા સત્સંગની તો વાત જ શી કરવી? ધર્મ, ભક્તિ, વૈરાગ્ય ને જ્ઞાન સાથે પ્રગટ હરિનો જેને નિશ્ચય હોય અને હરિ વિના બીજામાં અનુરાગ ન હોય તેને સાચો સત્સંગી કહેવાય. જેટલો ભગવાન વિના બીજામાં અનુરાગ તેટલી તેમાં કસર છે. સત્સંગ વિનાના જનોને દુઃખી દેખે ત્યારે સત્સંગમાં દૃઢતા થાય, સંસારમાં રસ મનાય ત્યાં સુધી સત્સંગ થાય નહિ. જેટલો સંસારમાં રસ છે તેટલો જ્યારે તેનો અભાવ આવે ત્યારે સત્સંગમાં પ્રીતિ થાય. સાચા સંતના મુખથી વાત સાંભળે ત્યારે જ તેને સંસારમાં દુઃખની ખબર પડે, અને લવ સુખ માટે વિમુખજન અપાર દુઃખ ભોગવે છે તે જાણ્યામાં આવે.59

દેહાભિમાન ન રહે તે જ સત્સંગનું ફળ છે. સત્સંગ કરતા જેને કસર રહી છે તેવા ભવ, બ્રહ્મા, ઇન્દ્ર, નારદ, પરાશર, વગેરેના ગુણો તથા દોષો વ્યાસજીએ લખ્યા છે. સમર્થ વિના બીજા કોઈ લખે તે પ્રમાણ મનાય નહિ.60

સત્સંગ અને ધર્મ વિના જનો ફાવે તેવાં તીર્થ વ્રતો કરે તોપણ તે મોહ ગણાય, અને મોહનું નામ જ સંસાર છે, અને સ્ત્રી પણ સંસાર છે. બધાંનું બીજ ધનમાં રહેલું છે, જે ધનનો સંતોએ ત્યાગ કર્યો છે.61

સત્સંગમાં એવી રીતિ હતી કે દશ વર્ષની છોકરી હોય અને દશ વર્ષનો છોકરો હોય તોપણ ભેગાં બેસી રમે નહિ. સત્સંગ સિવાય બીજે તો બધું એકાકાર થવાથી અગ્નિ અને દારૂના સંયોગ જેવું થતું. નિયમ વિના જે જે વાતો થાય તેમાં દુઃખ આવ્યા વિના રહે નહિ. નિયમ ત્યજીને ચાલે તો રાજા કે કરોડપતિ હોય તોપણ તે રંક બની જાય.62

સત્સંગીનું વર્તન એવું શુદ્ધ અને નિર્મળ છે કે, તેને જોઈને ગમે તેવો કુસંગી હોય તેને પણ સત્સંગ થાય છે. સત્સંગ પામીને કુસંગ કરે તો કુસંગી થઈ જાય છે. તે જો સત્સંગ બહાર જઈને સત્સંગનો દ્રોહ કરે તો દિવસે દિવસે તેને બ્રહ્મહત્યા અને ગૌહત્યાથી પણ અધિક પાપ લાગે છે. જો સત્સંગનો દ્રોહ ન કરે ને સંત અને હરિભક્તો તેનો તિરસ્કાર કરે તોપણ નિત્ય સત્સંગના ગુણ ગાય, પણ મનમાં અવગુણ આવે નહિ અને કુસંગી આગળ બોલે કે જે સત્સંગના નિયમ પાળે છે તે ભક્તો ભાગ્યશાળી છે, તો તેના મોક્ષમાં સંશય નથી. જે સત્સંગનો પક્ષ રાખે છે તેનાં પાપ ભગવાન માફ કરે છે.63

જે સ્ત્રીઓ સત્સંગ કરે છે તે વિષયનો અભાવ કરીને પુરુષસંબંધી સુખને ઝેર સમાન માને છે. એવી અલૌકિક રીત સત્સંગ વિના આવે નહિ. પુરુષો પણ સત્સંગ કરીને સ્ત્રીના સુખને ઝેર સમાન માને છે. જેને માટે જગતમાં જીવપ્રાણીમાત્ર રાત્રિ-દિવસ મરી મટે છે તેનો ત્યાગ કરવો તે કંઈ સામાન્ય વાત નથી. સત્સંગની બધી રીત આશ્ચર્યકારક છે તે બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે.64

તીર્થમાત્રનું દૈવત ધર્માદિક ગુણોમાં રહ્યું છે. અને તે ગુણો સત્સંગને આધીન છે. ધર્માદિક ગુણો સત્સંગમાં પ્રવર્તે છે ત્યારે સત્સંગમાં બધા ધર્મોનું દૈવત આવે છે. ઈશ્વરને પ્રસન્ન કરવા કેટલાક મનુષ્યો ઉપાય કરે છે, હિમાલયમાં તન ગાળે છે, કોઈ ભૈરવજપ ખાય છે, કેટલાક ગંગામાં શરીર તણાતું મૂકે છે, કોઈ તીર્થમાં વસે છે, કોઈ પંચાગ્નિ તાપે છે, કોઈ અન્ન છોડી દે છે, કોઈ યજ્ઞ કરે છે, કોઈ ઠંડી-ગરમી સહન કરે છે, કોઈ હાથ ઊંચા કરી રાખે છે, કોઈ ગૌદાન કરે છે - એમ અનંત પ્રકારનાં સાધન મનધાર્યાં કરે છે, પણ ભગવાનની મરજી પ્રમાણે કરવા તૈયાર થતા નથી. જ્યાં શુભ નીતિ અધિક હોય, ત્યાં જ ભગવાન અને તીર્થ વસે છે. સહુ પોતપોતાના મતે મોક્ષ માને છે, પણ તપાસ કરીને કોઈ જોતા નથી.65

મોક્ષના ખપ વિનાના મનુષ્ય પશુ સમાન છે અને અપાર ક્લેશ સહે છે. સંત વિના સાચો માર્ગ કોઈ દેખાડી શકે નહિ. જે બ્રહ્માંડના સમગ્ર સુખને કાકવિષ્ટા સમાન જાણે તેનો જ સત્સંગ સાચો છે. એવાને કોઈ અંતરની વાત કહે, કોઈ આકાશમાં ઊડી બતાવે, કોઈ ધન-સંપત્તિ આપે કે પુત્ર આપે કે રોગ મટાડે, તોપણ તેમાં પ્રતીતિ ન આવે. હરિ વિના બીજામાં તે લોભાય નહિ. રોમે રોમે કોટિ વીંછીની વેદના થાય એવો રોગ આવે તોપણ કર્તાહર્તા એક હરિને માને. રોગ ન મટાડે તોપણ હરિનો અભાવ ન આવે તેના ઉપર હરિ રીઝે છે અને હરિ રીઝે તો બધા રીઝે છે.66

દંભે કરીને સત્સંગ કરતો હોય તે અંતે જાતાં ઘટી જાય છે. દંભથી કરે તે સત્સંગ ટકે નહીં. પોતાને બધા સંતો-હરિજનો કરતાં મોટો જાણે. પોતે જ માને કરીને પોતાને વધતો જુએ. સત્સંગનો પ્રતાપ એવો છે કે અલ્પ હોય ને તેમાં પણ મહત ગુણ આવે. ક્યારે? તો બીજા ગુણવાનો પાસે પોતાને તુચ્છ કરી માને તો કંચન તુલ્ય થઈ જાય. સત્સંગ પારસ તુલ્ય છે. તેને લોઢું સ્પર્શ કરે તો કુંદન થાય. જે કંઈ ઉત્તમ ગુણો છે તે સત્સંગમાં જ છે. સત્સંગ સિવાય ક્યાંય નથી. સત્સંગ ઉત્તમ સંત-હરિજનનો કરે અને જો અવગુણ લેવા માંડે તો ઘટતાં ઘટતાં સાવ ઘટી જાય છે.67

ક્ષુદ્ર માણસના સંગથી ક્ષુદ્ર સમજ આવે ને ક્ષુદ્ર સત્સંગ થાય. તેનાથી પોતાના અંગની વૃદ્ધિ થાય નહિ. ચિંતામણિ સમાન સત્સંગ છે; તે જેવી સમજણ હોય તે પ્રમાણે ફળ આપે છે. સત્સંગરૂપી પુરમાં ભગવાનના અવતાર થાય છે. ભગવાનનાં ચરિત્ર, તીર્થ, વ્રત વગેરે ઉત્તમ વસ્તુ સત્સંગમાં રહેલી છે. સત્સંગરૂપી નાવમાં બેસી ભવસાગર તરાય છે. પરલોક જવા કોઈ સહાય કરી શકે તેમ નથી. સત્સંગ જ એક ત્યાં સહાયરૂપ થાય છે. તેમાં જેટલી કસર રહે છે તેટલું પાછળથી પસ્તાવું પડે છે.68

વેદ-પુરાણ ભણે તોય મોક્ષના માર્ગમાં મનુષ્યની બુદ્ધિ અતિ અલ્પ છે. મોક્ષ મેળવવા સંસાર ત્યજી વનમાં જાય, અપાર તીર્થ કરે, અષ્ટાંગ યોગ સાધે, પરંતુ જ્યાં સુધી તેને સત્પુરુષનો સંગ ન થાય ત્યાં સુધી તે પશુબુદ્ધિ રહે છે. સંતના યોગમાં આવવાથી તેને આ વાત સ્પષ્ટ સમજાય છે. સત્સંગ વિના અપાર બુદ્ધિવંત હોય તોપણ તેને સમજ પડતી નથી. સત્સંગની વાત જ અલૌકિક છે, તે લૌકિક મતિથી કેમ સમજાય? જો સત્સંગમાં જીવ ન બાંધે તોપણ લૌકિક મતિ ટળતી નથી, અલૌકિકતા દેખાતી નથી. સત્સંગ કરવા છતાં જીવ મલિન રહે.

તન-મન-ધન અર્પણ કરી નિષ્કપટ ભાવે સત્સંગ કરે તો લૌકિકભાવ કુસંગ ટળે. ગીંગાની ગોળી જેમ કુસંગ અંદર ભરાયેલો રહે છે. સંત તેને સત્સંગમાં ડુબાડે છે ત્યારે તેનો કુસંગ ટળે છે. સંતનો સંગ થવા છતાં કુસંગ રહેતો હોય તો તેમાં પોતાના જીવનો દોષ છે.69

હરિજનોનો ભાવ એક સરખો રહેતો નથી. એનો સત્સંગ હા જી હા ને રાખ-રખાવટમાં પૂરો થઈ જાય છે. તેને માન ન આપો ને બોલાવો નહીં તો તરત ભાવ ફરી જાય, એ જ એને કુસંગનો યોગ થયો જાણવો. લીલાગર દારૂ પીએ ને પળમાં જીવ ફરી જાય તેવો કુસંગનો પ્રભાવ છે. નક્કી હરિજન જણાતો હોય, કુસંગથી ચેતીને ચાલતો હોય તોપણ કોઈની મોળી વાત સાંભળે તેનું ઝેર ચઢે છે. એટલે સાર વાત કરવી, અસાર વાત ન કરવી. મોળી વાત કુસંગ છે. સાંભળવાથી સુખ કરે એ સત્સંગ છે. ઉદ્વેગ ને અસુખ કરે એ કુસંગ છે.70

કુસંગ થવાથી ઉત્તમ સત્સંગી પણ નીચમાં નીચ થઈ જાય છે. ઉપરથી કરે પણ ભાવ છુપાતો નથી. રાતદિવસ ધ્યાન કરે, અન્ન ખાય નહિ, જીર્ણ વસ્ત્ર પહેરે, સત્સંગની ઊંચી વાતો શીખી રાખે એમ બધાથી સરસ દેખાય, પણ જ્યારે આદર ન થાય ત્યારે ઉઘાડું પડ્યા વિના રહે નહિ. માનને માટે અગ્નિમાં પડવા તૈયાર થાય.71

કોઈ કસર ન રહી હોય તોપણ ઉમંગપૂર્વક નિશદિન તેણે સત્સંગ કરવો. તો તેનો અક્ષરધામમાં નિવાસ સરળ બને છે. અક્ષરપતિ પુરુષોત્તમ શ્રીહરિ જેને સાક્ષાત્ મળ્યા નથી તેને અક્ષરધામ દુર્લભ છે. માટે સત્સંગ દુર્લભ છે તે જ્ઞાનચક્ષુ વિના દેખ્યામાં આવતું નથી.72

ગબરગંડ જન સત્સંગમાં આવે અને કથાવાર્તા સાંભળે તોપણ તૂટેલા સરોવર જેવો છે. તૂટેલા સરોવરમાં જેમ નીર ટકતું નથી તેમ ગબરગંડના હૃદયમાં કથાવાર્તા ટકતી નથી. ચાહે તેટલો તે સમાગમ કરે પણ મહિમા વગર તો દિન ગુજારો કર્યા બરાબર છે.73

ભગવાન સંબંધી જેટલી વાત છે તે પ્રગટ મોક્ષ આપે છે, ને તેનું નામ જ સત્સંગ છે. પ્રગટની વાતમાં છતી દેહે પરમપદ રહેલું છે. ભગવાન વિનાની વાત કુસંગ છે ને તેમાં નરકનો પંથ રહ્યો છે. કુસંગ ભવ ભટકાવનારો છે.74

બ્રહ્મના કલ્પ સુધી અષ્ટાંગ યોગ સાધે, અશ્વમેધ યજ્ઞ કરે કે નિત્ય કરોડ ગાયોનું દાન કરે તોપણ સત્સંગ વિના મોક્ષ ન થાય.75