૯. નિર્માનીપણું

 

બંધિયાથી પીપળિયા જતાં શ્રીહરિ કહે, “અમારા સંતોને અમે નિર્માની કર્યા છે. નિર્માનીપણા જેવો બીજો કોઈ ગુણ નથી.”1

સરધારમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “જગતમાં માન કે અપમાન થાય તે તુલ્ય માનવું, કારણ કે તે માન-અપમાન અચળ નથી, બધુંય જવાનું જ છે. વાદળની છાયાનું સુખ ક્યાં સુધી રહે?”2

ચરોતરમાં વિચરણ માટે નીકળતાં આનંદાનંદ મુનિના મંડળને શ્રીહરિ વાત કરતાં કહે, “પ્રગટ પ્રભુની વાત કરવામાં કોઈથી દબાવું નહીં. તમારો ત્યાગીનો ધર્મ છે, તેમાં ફેર પડવા દેવો નહીં. જે વિવેકી હશે તે તમને માનશે. અધર્મી લોકો તમને દેખીને બળી મરશે. ધર્મ અને અધર્મને સદા વેર છે. ક્ષમા રૂપી ખડગ ધારણ કરજો, તેને દેખીને અધર્મ હારી જશે. સંતમાત્રે ક્ષમાશસ્ત્રને સજ્જ રાખવું. વાત કરવામાં કોઈનું ઘસાતું ન આવે તેમજ દ્રોહ ન થાય તે જાણપણું રાખવું. સંતનો શાંત ગુણ નીરથી પણ અધિક કહ્યો છે. નીર તો આગ પાસે તપી જાય છે, પણ સંત તપતા નથી. જેમ ચકોર અંગારા ખાય છે, પણ લેશમાત્ર મુખ ઝલતું નથી તેવો ગુણ સંતનો છે. સંત હોય તેને કોઈ ક્લેશ ન રહે. નમવામાં તમારી જીત છે. નિર્માનીપણું સંતોનું મહાભૂષણ છે અને એ મુખ્ય ગુણ છે.”3

ગઢપુરથી વિચરણ કરવા નીકળતા સંતોને શ્રીહરિ વાત કરતાં કહે, “સંતોએ એકબીજાનો ભાર રાખવો, વચન માનવું. તુચ્છ વચન કદી ન બોલવું. જડભરત, શુકજી અને પરમહંસની રીતનો ત્યાગ ન કરવો. જીવમાં જેનો અભ્યાસ હોય તેનો નિવાસ થાય. ત્યાગનો અભ્યાસ અને ખપ વગર સંત થવાતું નથી. સંત થયા વિના જન્મ એળે જાય છે. ચૌદ લોકમાં સાધુ જેવી કોઈ મોટાઈ નથી. કથાવાર્તા કરવી. ગુણગાન ગાવાં. સાધુનો ગુણ આવે તો બધા ગુણ આવે. સાધુમાં શુભ ગુણો અનંત રહ્યા છે. તેમાં મુખ્ય ગુણ નિર્માનીપણું છે. નિર્માનીપણું એકડો છે. આ ગુણ પ્રગટ હરિના નિશ્ચય વિના ફળીભૂત થતો નથી. માહાત્મ્ય વિનાનો નિશ્ચય મૂળ વગરના વૃક્ષ જેવો છે. હરિના માહાત્મ્ય જેવું જ હરિજનનું માહાત્મ્ય જાણવું. કોઈ એક હરિજનની ઓટ લઈને હરિનું અપાર માહાત્મ્ય કહે અને બીજા હરિજનોનું ઘસાતું બોલે તે સત્સંગમાં મહા કુસંગ છે. એવા મલિન આશયવાળાને બોલીથી ઓળખવો અને તેનો ત્યાગ કરી દેવો.”4

કુંડળમાં શ્રીહરિ સંતોને કહે, “જેમ જેમ પોતાનામાં ગુણોની વૃદ્ધિ થાય છે, તેમ તેમ નમ્રતા આવે છે. ભૂમિ પર પડતું અપાર જળ લઈને નદીઓ સાગરને મળે છે, પરંતુ એ જળથી સાગર ફુલાતો નથી. ભૂમિનું જળ જેમ જોર કરે છે તેમ ઓછું થતું જાય છે. નિર્માની સંતના ગુણો સાગર જેવા છે.”5

શ્રીનગરમાં શ્રીહરિ સંતોને પ્રીતિપૂર્વક પૂછવા લાગ્યા, “સંતમાં શુભ ગુણો ઘણા હોય તેમાં એક મુખ્ય ગુણ કયો રહ્યો છે?”

કોઈથી સત્ય ઉત્તર થયો નહિ. તેથી શ્રીહરિએ ઉત્તર કરતાં કહ્યું, “નિર્માનીપણાનો ગુણ મોટો છે. ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી નિર્માનીપણું સૌએ રાખવું. શુકજી ને જડભરતના ગુણ હૃદયમાં વિચારવા ને ધારવા, ને પછી એ મુજબ વર્તવું. સાધુપણું ત્યારે જ કહેવાય જ્યારે તેમાં નિર્માનીપણું આવે. નિર્માની ગુણ વિનાના સાધુના ગુણો ટકતા નથી. નિર્માનીપણું, ધીરજ અને ક્ષમા એ સાધુનાં આભૂષણ છે. આ ત્રણે ગુણ સિદ્ધ કરે તેને ત્રિગુણાતીત જાણવો.

“નિર્માનીપણું, ધીરજ અને ક્ષમા જેમાં હોય તે ત્રણ દેહ અને ત્રણ અવસ્થાથી પર થઈ ચૂક્યો. તે અનંત લોકોમાં પૂજાય છે. દેહમાં વર્તે તે દેખ્યામાં આવે છતાં નિર્માન ગુણને લીધે તેને દેહથી પર જાણવો.

“નિર્માન, ધીરજ ને ક્ષમાનાં મૂળ વિના કોઈ ગુણ આવતા નથી.”6

શ્રીનગરમાં શ્રીહરિ કહે, “સત્સંગમાં જેને અતિશય ખપ હોય, સંતને દીન-આધીન રહે ને મોક્ષનો ગરજુ થઈ રહે, પોતાની બુદ્ધિને અતિશય તુચ્છ જાણે, બીજા હરિભક્તોને મોટા માને એની જ પ્રગતિ થાય છે. જે માન રાખે છે, તે સત્સંગમાં ઘટી જાય છે. કોઈ ગુણનું માન ન આવે એ વાત કદી ભૂલશો નહીં. જેમ રસને ઝેર બગાડે છે તેમ માન બધા ખેલ બગાડી નાખે છે. હરિભક્તે તો માનને ત્યાગવું, જો ન ત્યાગે તો કુસંગ તેને વળગે છે.

“દીનતા સંતનું ભૂષણ છે અને સંત જેવી કોઈ પદવી નથી. રાધા, રમા પણ તેવા ગુણ પામવા ઇચ્છે છે, પરંતુ આજ સુધી આ ગુણ તે પામી શકી નથી.”

‘દીનતા પદ હૈ સંત કો, સંત સમ પદ નહિ કોઈ,

રાધા રમા સો ઇચ્છત હૈ, અબ લગ ન પાયે સોઈ.’7

નાગડકામાં શ્રીહરિએ હરિજનોને વાત કરતાં કહ્યું કે, “કુમતિ હોય તેને ગુણનું અભિમાન હોય. અભિમાન ચંડાળ જેવું છે. અભિમાન આવે તો જ્ઞાન રહેતું નથી અને અસૂયા, દ્રોહ, મત્સર, અટંટપણું અને મોહ વ્યાપે છે. અને અલ્પ વાતમાં વેર બંધાય છે. બીજાના શુભ ગુણો હોય તેમાં દોષ બતાવે છે. શબ્દના ઊલટા અર્થ કરે છે.”8

જૂનાગઢમાં સંતોને શ્રીહરિ કહે, “નિર્માનીપણાનું શસ્ત્ર બહુ સમર્થ છે. ઇન્દ્રનું વજ્ર નિષ્ફળ જાય, પણ તે નિષ્ફળ જાય નહિ.”9

કુંડળમાં રાજાઓને વાત કરતાં શ્રીહરિએ કહ્યું, “જેટલા રાજાઓ ભક્ત થયા છે તેમને બ્રહ્માંડનું વિશાળ રાજ મળે તોપણ સત્સંગ વિના ક્યાંય સુખ નથી એ બરાબર ધારવું. દૈહિક સુખ એ સુખ નથી. આ લોકનું સુખ આવું ને આવું ક્યારેય ટકતું નથી. સત્સંગ સંબંધી સુખ અવિચલ છે. ભગવાનનાં ચરિત્ર સાંભળીને દિવસ નિર્ગમવો. ઈર્ષ્યા અને માન મૂકી સંત-સમાગમ કરવો. કોઈ આદર દે કે ન દે તોપણ ગરજુ થઈ સત્સંગ રાખવો. સુવર્ણ માથું કપાવે છે, એમ પ્રત્યક્ષ જણાય છે, તોય તેમાંથી પ્રીતિ મટતી નથી, કારણ કે જીવ તેનો ગરજુ છે. તેમ આદરને બદલે તિરસ્કાર મળે તોય અભાવ ન આવે તેને ગરજ કહેવાય. દેહ તેમજ પુત્ર-પરિવાર સર્વે દુઃખરૂપ છે, છતાં પણ જીવ તેનો ગરજુ છે, તો સુખ માને છે. એનો એને અભાવ આવતો નથી. તેમ સત્સંગમાં ખપ હોય તો અભાવ આવે નહિ. જેટલું દુઃખ મનાય છે તેટલી ખપમાં કસર છે.”10

સિદ્ધપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ભગવાનનો ભક્ત થયો તેણે કોઈ વાતનો અહંકાર ન રાખવો. એક દિવસનો હરિભક્ત હોય અને સ્વામિનારાયણનું નામ લેતો હોય તેના પણ મન કર્મ, વચને કરીને દાસપણે વર્તવું. ઉપરથી જુદું અને અંતરથી જુદું એમ ન રાખવું. કોઈ કટુ વચન કહે તોય તેને પણ આકાશનો ભાગ માનવો અને સામર્થિ વધુ તેમ વધુ ગરીબ બનવું. યુક્તિ કે દાવપેચથી તેને પીડવાની ઇચ્છા રાખવી નહિ, પણ મિત્રની પેઠે વર્તવું.

“જેમ જેમ શુભ ગુણ આવે છે, તેમ તેમ ભક્તનું વર્તન અમાપ થતું જાય છે. જે સત્સંગ કરે છે તેને કોઈ વિઘ્ન આવતું નથી. કોઈ અપમાન કરે તોપણ મિત્રથી પણ અધિક ગુણ લેવો. ભક્તે તો ભગવાનને અંતર્યામી જાણ્યા છે. તલ-તલમાં ભગવાન સાક્ષીરૂપે રહ્યા છે એમ જાણીને વર્તનમાં કચાશ રાખે નહિ તો ભગવાન તેને વશ થઈ જાય છે.”11

શ્રીહરિને સન્મુખ લેવા બોટાદ ગયેલા જીવેન્દ્ર અને ઉત્તમ નૃપને શ્રીહરિ કહે, “અમે કહીએ તે પ્રમાણે જે સરળપણે વર્તે તેની સાથે અમારે સહેજે પ્રીતિ રહે છે. વારંવાર વિના વાંકે કહીએ તોપણ જે મૂંઝાઈ જાય નહિ, ખપ રાખીને વચનમાં વળગ્યો રહે તેને અમે મૂકતા નથી. મૂંઝાઈ જાય તેનો અમે તરત ત્યાગ કરીએ છીએ. તે પ્રીતિ રાખવા જાય તોપણ અમારે તેની સાથે પ્રીતિ રહેતી નથી.”12

મુક્તમુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી, “શ્રીહરિ કહેતા કે - બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય કરે એટલું સામર્થ્ય ભગવાન આપે તોપણ સંતને દીન થઈને સેવે અને છળકપટનો ત્યાગ કરીને વર્તે તે સત્સંગમાં શ્રેષ્ઠ કહેવાય, જેટલી નમ્રતા ને દીનતા હોય તેટલો તે સંતને વિષે આધીન રહે છે.”13

ગઢપુરમાં જીવેન્દ્ર નૃપના દરબારમાં શ્રીહરિએ કહ્યું, “ભગવાન અતિ સમર્થ છે, તેમનું કર્યું બધું થાય છે, તોપણ તુચ્છનું અપમાન સહે છે. સહનશક્તિ અતિ મોટપ વધારે છે. જેટલું જે અપમાન કરે છે, તેટલું તે અપમાન કરનારનું જ માન ઘટે છે. આ વાત તરત દેખ્યામાં આવતી નથી, પણ અંતે ઘટ્યા વિના તે રહેતો નથી. જેમ ભીંડાનો છોડ પ્રથમ તો વડના છોડને દાબી દે છે, પણ આસો માસ આવતાં ઘરડો થઈને સુકાઈ જાય છે, તેમ સમર્થ પુરુષની મોટપ દેખાય નહિ, પણ તે વડના અંકુર જેવી છે. ધીરે ધીરે વૃદ્ધિ પામે છે ને અપમાન કરનારો ભીંડાના છોડ જેવો છે. ધીરજમાં અપાર સુખ રહેલું છે.”14

શ્રીહરિ ગઢપુરમાં કહે, “બુદ્ધિનું ફળ એટલું જ છે કે સૌ આગળ નમ્રતા રહે. જેનો જેટલો ભાર હોય તેટલું તેને નમવામાં કઠણ પડે નહિ.”15

ગઢપુરમાં જીવેન્દ્ર નૃપના ભુવનમાં શ્રીહરિ કહે, “કામ, ક્રોધ અને લોભ અસુરથી પણ અધિક અસુર છે. જેનામાં રજોગુણ તમોગુણ હોય તેમાં તે વસે છે. ગુણમાં પણ અવગુણ રહ્યો છે; તે શું જે, અપરાધ કરીને નમે નહિ. અપરાધ કરીને અંતર્દૃષ્ટિ થાય અને દીન થઈને નમતો રહે, તેને મનુષ્યમાં દેવ જાણવો. અપરાધ કરીને નમે નહિ તે અસુરનો પણ અસુર છે.

“ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ - એકાંતિક ધર્મની વાત દિનમાં પાંચ વાર સાંભળતો હોય, નિરંતર ધ્યાન કરતો હોય, ગ્રંથ કંઠે કરતો હોય, વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય, રામદાસ ને મુક્તમુનિ જેવા મોટા સંતનો સમાગમ હોય, પરંતુ તે જો સંતો-હરિભક્તોને નમતો ન હોય તો તે સત્સંગમાં રહેતો થકો અસુર છે. જે સંત-હરિભક્તને નમે છે તેને જ અમે સંત કે હરિભક્ત તરીકે દેખીએ છીએ. જે નમતો રહે છે તેનો ત્યાગ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિ એ કોઈ કરી શકતું નથી. તત્ત્વજ્ઞાનની વાતો છે તે બધી નમ્ર હરિજનને વરે છે. જે નમે છે તેને ધ્યાન, ધારણા, સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું. તેણે મોટા સંતો ને મોટા હરિભક્તોનો સમાગમ કર્યો એમ જાણવું. નમે છે તેમાં એક પણ દોષ રહેતો નથી. જે નથી નમતો તેનામાં બધા દોષો નિવાસ કરે છે.”16

ગઢપુરમાં જીવેન્દ્ર નૃપને શ્રીહરિએ ધરમપુરની વાત કરતાં કહ્યું, “જેટલું નિર્માનપણું તેટલી ભગવાનની કૃપા થાય. નિર્માનીતા જેવી કોઈ મોટાઈ નથી. નિર્માનીપણું એ બ્રહ્મનો ગુણ છે. નિર્માનીપણું એ ગુણમાત્રનો જનક છે. બીજા અપાર ગુણ હોય, પણ નિર્માનીપણું ન આવે ત્યાં સુધી એ ગુણો કલંકરૂપ છે. નિર્માનીપણું એ ચૌદ લોકનો આધાર છે. પૃથ્વીનો ગુણ નિર્માનિતા છે. ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે. જે હરિજન ભૂમિ જેવા નિર્માની રહે છે, તેમાં ભગવાન નિવાસ કરીને રહે છે.”17

આણંદ જતાં રસ્તામાં શ્રીહરિ કહે, “નિર્માનીપણું રાખીને માનને જીતી લેવાનું છે. નિર્માનીપણારૂપી શસ્ત્રનો ક્યારેય ત્યાગ કરવો નહિ. તે શસ્ત્ર સૌથી શ્રેષ્ઠ છે.”18

કારિયાણીમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “પોતાને અધિક માને અને બીજાને તુચ્છ સમજશે ને તે જ્ઞાની, ત્યાગી અને ધ્યાની હશે તોપણ તેના કલ્યાણમાં ફેર છે. સંત-હરિભક્તનાં ચરણની રજ પોતાને સમજે ને નિષ્કપટ વર્તે તેનો સહેજે મોક્ષ થાય છે.”19

નાગડકામાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “સત્સંગમાં જે પ્રભુતા પામીને તેને શમાવી નમ્રતાથી વર્તે અને સંત-હરિભક્તનો મન-કર્મ-વચને નિષ્કપટપણે દાસ થઈને રહે તો તેને બધા મોટો ગણે છે. અને સહજ સ્વભાવે પૂજ્ય થાય છે. તે મોટાઈ ઇચ્છતો નથી છતાં સહેજે મળે છે. ભગવાન અને સંતો-ભક્તોમાં જેને નિષ્ઠા હોય તેને સત્સંગની મોટપ સહજપણે પ્રાપ્ત થાય છે.”20•