૧૭. સંસાર

 

વનવિચરણમાં નીલકંઠ કહે, “સંસાર એવી બેડી છે કે જેથી ભગવાન ભજવામાં મહાન વિઘ્ન પડે છે. સંબંધીજનનું બંધન બહુ ભારે છે, તેને મરતા સુધી તોડવું બહુ કઠણ છે.”1

શ્રીહરિએ પત્રમાં લખાવ્યું કે, “સત્સંગ નિમિત્તે કોઈ સત્સંગી સાથે વેર ન કરવું. સંસાર વ્યવહારમાં સંસારની રીતે વર્તવું. અંતરમાં વૈરાગ્ય હોય તોપણ ગૃહસ્થે પોતાની સ્ત્રીને તજવી નહિ. અને નારીએ પોતાના પતિને તજવો નહિ. પતિ પાપી હોય તો તેનો ત્યાગ કરવામાં દોષ નથી. સંસાર ત્યાગની અંતરમાં દૃઢતા ન હોય તેણે ત્યાગ પ્રકાશિત (જાહેર) ન કરવો. વિચાર્યા વિના ગૃહત્યાગ કરે તે અંતે પાર પડે નહીં. સારા સત્સંગનું હિત ઇચ્છે અને જેને લેશ પણ સ્વાર્થ ન હોય એવા પરમ પુનીત સંતના સંગમાં રહેવું. તે કહે તે ઉપદેશ ગ્રહણ કરવો. એવા સંત જે માર્ગ બતાવે તેમાં ક્લેશ હોતો નથી. અને જીવને શાંતિ થાય છે. એવા સંતમાં વિશ્વાસ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અને દિન દિન પ્રત્યે તેના સત્સંગનો રંગ તથા ઉમંગ વધતા ને વધતા રહે છે.”2

ઝીંઝાવદરમાં અલર્ક રાજાના નાનાભાઈ દેહ મૂકી ગયા, તેથી માતા માંગલબાઈ કલ્પાંત કરતાં હતાં. શ્રીહરિએ તેમને ઉપદેશ આપતાં કહ્યું, “આ જીવને કોઈ સગું-વહાલું નથી, માતા-પિતા, ભાઈ કે પુત્ર - બધો સંબંધ દેહનો છે. અને દેહ તો જીવાત્મા નીકળી જાય પછી અહીં જ પડ્યો રહે છે. જો પુત્રમાં સાચું હેત હોય તો જીવાત્મા નીકળી ગયા પછી તેને બાળી શા માટે દે છે! માટે એ સ્નેહ મિથ્યા છે, કારણ કે દેહ મિથ્યા છે. દેહ જો સત્ય હોય તો સ્વપ્નમાં ભોગ ભોગવ્યા પછી જાગ્રતમાં એ ભોગ સત્ય ઠરવા જોઈએ, પણ એકેય ભોગ ટકતો નથી. ભવ-બ્રહ્માદિ અનંત દેવતા છે, તે સર્વના ભોગ પણ સ્વપ્ન તુલ્ય છે. આત્માનું જ્ઞાન થાય તેને જ બુદ્ધિમાન કહ્યો છે. જ્ઞાનીને મતે અસત્ય કદી સત્ય ઠરતું નથી અને સત્ય કદી અસત્ય થતું નથી. જગત અને ભોગ અસત્ય છે, ભગવાન અને તેનું ધામ સત્ય છે. સત્સંગ કરીને જે જ્ઞાની થાય છે તેને કદી રોવાનું થતું નથી.”3

કુંડળમાં શ્રીહરિ કહે, “અમને બાળપણાથી જ સ્ત્રીનો ગંધ ગમતો નહિ. ગંધ આવે ત્યારે ઉદરમાં અન્ન ટકી શકતું નહિ. અમને સ્ત્રી જેવી અરુચિ આ જગતના કોઈ પદાર્થમાં નથી. તેમાંય રજસ્વલા દોષને નહિ ગણનારી સ્ત્રી તો નખશિખ અપવિત્ર રહે છે. જે એ ધર્મ પાળે છે તે હરિભક્ત સ્ત્રી શુદ્ધ કહેવાય છે.”4

કારિયાણીમાં શ્રીહરિએ નૃપને કહ્યું, “જીવ અનંત રુચિ ધરાવે છે, પણ ભગવાન ભજવાની રુચિ કરતો નથી તેથી સંસારમાં વારંવાર ભટકે છે.”5

શ્રીહરિએ ભડલીમાં વાત કરતાં કહ્યું, “અમૂલ્ય મનુષ્યદેહ પામી તેમાં ભૂલા ન પડવું. મનુષ્યદેહ દિવસ જેવો છે. અન્ય યોનિના દેહ અંધારી રાત્રિ જેવા છે. દિવસે ન સૂઝે ને ભૂલો પડે પછી રાત્રિએ પગ જ ક્યાં મૂકશે! મનુષ્યદેહ છૂટ્યો તો સંસારરૂપી કૂપમાં પડ્યો જ સમજવો. પછી ઊગર્યાનો કોઈ ઉપાય નથી. અનંત દેહના પાપનો ભાર ઉતારવા મનુષ્યદેહ મળ્યો, તેમાં પણ જો પાપ કરે તો છૂટવાનો ઉપાય ક્યાં રહ્યો? જેને સંત મળે છે તે સંસારરૂપી કૂવાને ઓળખે છે. સંત તેને જ્ઞાન આપે છે, ને તારી લે છે. પૂર્વે મોટા મોટા રાજાઓ પણ સંત મળતાં સંસાર તરી ગયા છે.”6

શ્રીહરિ સાથે વિચરતાં સુરાખાચર કહે, “મહારાજ! અમારાં ધન્ય ભાગ્ય છે કે તમે મળ્યા અને તમારામાં હેત થયું, હવે સગા-પરિવારનો સંસારી સંબંધ નીરસ થઈ ગયો છે. એ ભોગમાત્ર ઝેર જેવા લાગે છે.”

શ્રીહરિ કહે, “ઘરે જાઓ. પછી આ વાતની ખાતરી થશે. આવો ને આવો વિચાર છ મહિના સુધી ચાલુ રહે અને સંસારમાં વૃત્તિ ઉદાસ રહ્યા કરે, પછી અમારી પાસે આવજો. વૃત્તિ ઠર્યા વિના જ્ઞાન સ્રવી જાય છે. વૃક્ષને મૂળમાંથી કાપ્યું હોય, પણ મૂળ ચોંટી રહ્યું હોય અને મેઘનો જોગ થાય તો લીલું થઈ જાય છે. સંબંધીનું હેત તો વડ, પીપર ને થોરના ઝાડ જેવું છે. જીવને સ્વપ્ન આવે છે તે ઉપરથી સંસારમાં ભાવ કે અભાવ છે એનો ખ્યાલ આવે છે.”7

શ્રીનગરમાં શ્રીહરિ કહે, “સંસારનો સંગ રાખે તેને ફરી ફરી સંસારમાં આવવું પડે છે. નિત્ય સત્સંગ કરે તો સંસારનો સંગ નિવૃત્ત થાય. સંસારનો ત્યાગ કરી એકાંતમાં બેસી હરિપદમાં પ્રીતિ કરે તો અનંત દુઃખથી છૂટે છે.”8

નડિયાદમાં ગંગારામ વિપ્રને ઘરે થાળ જમીને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ચિત્તનો સ્વભાવ સ્વચ્છ દર્પણ જેવો છે, જે સંકલ્પ થાય તે દેખાય. આખું બ્રહ્માંડ ચિત્તમાં ભરેલું છે. ચિંતવન કરતાં તરત જ આવીને ઊભું રહે છે. તેને અસાર જાણે તો આવરણ કરે નહિ. સંકલ્પનો પ્રવાહ ચાલુ છે ત્યાં સુધી સંકલ્પ પ્રમાણે તે દેખાય છે. સંકલ્પનો પ્રવાહ તૂટતાં ચિત્તમાં કંઈ પણ આવતું નથી. સંકલ્પ અને ચિત્ત વિના મૂર્તિ પણ દેખાય નહિ. સાર અસારને જાણવામાં ચિત્ત અને સંકલ્પ ઉપયોગી છે. પંચ જ્ઞાનેન્દ્રિયો જીવને અમૃત અને ઝેર બેઉ દેખાડે છે. વિષયો ઝેર છે, સત્સંગ અમૃત છે. જેને સદ્‌ગુરુ મળે છે તે ઝેર ત્યજી દે છે ને અમૃતપાન કરે છે.”9

ભૂજમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ગ્રામ્યવાર્તા કહેવી સાંભળવી તે સત્સંગ ન કહેવાય. ગ્રામ્યવાત ઉપર જીવને અનાદિથી ભાવ છે, તે જ જન્મમરણનું બીજ છે.”10

મોડા ગામમાં શ્રીહરિ કહે, “પાતાળથી બ્રહ્મલોક પર્યંત સૌ કાળને વશ છે. કોઈનું બળ ત્યાં ચાલતું નથી. ભરતખંડમાં મનુષ્યતન પામી જેવું કાર્ય કરે તેવું ભાથું બંધાય છે અને ચોરાશી જમપુરીમાં તે ગોથાં ખાય છે.”11

જૂનાગઢમાં મૂળજી શેઠને ઉદ્દેશીને શ્રીહરિ કહે, “નારી અને ધન જેની પાસે હોય તેનો કોઈને વિશ્વાસ ન આવે. જે જન પારકી નારી ને પારકું ધન રાખે છે તેની મતિમાં ફેરફાર થયા વિના રહેતો નથી. દારૂ જેવો તેનો ગુણ છે. ધન-નારીની પ્રાપ્તિ માટે લોકો લાજ તજે છે અને વૈર કરે છે. ભગવાનને ભજનારા ભક્તોને તે વિઘ્નરૂપ છે. કામ અને લોભ સમાન કોઈ શત્રુ નથી, એમ જાણીને સંતોને સંસારનાં આ વિઘ્નોથી દૂર રાખ્યા છે.”12

બોટાદમાં શ્રીહરિએ હરિજનોને વાત કરતાં કહ્યું, “કુટુંબ જેવું હેત સત્સંગમાં હોય તો ડગાય નહિ. જગતમાં સ્ત્રી અને પુરુષ એક ઘરનાં હોતાં નથી, છતાં સ્ત્રી ઘરમાં આવે છે ત્યારે તે સૌથી અધિક થઈ જાય છે અને ભિન્ન ભિન્ન દેહ હોવા છતાં તેની સાથે મન એક થઈ જાય છે. માતા-પિતાના પ્રતાપે કરીને દેહ મળ્યો, ઘર મળ્યું, વસ્ત્રાભૂષણ મળ્યાં; ગામ, ગરાસ, ભૂમિ, દુકાન, ઘોડા, વાહન, બળદ, ગાય, ભેંસ એ બધું મળ્યું. તેમના પ્રતાપથી જ આ બધું છે છતાં પુત્ર સ્ત્રી પરણીને ઘરમાં લાવે છે ત્યારે એ નારી બધો પ્રતાપ હરી લે છે. માતા-પિતા, ભાઈ-ભગિનીના સંબંધ કરતાં પણ પત્નીનો જ સંબંધ મુખ્ય થઈ જાય છે. સંસારની આ રીત પરંપરાથી ચાલતી આવે છે.

“પશુ-પંખીની પણ એવી જ રીત છે કે જ્યાં બંધાય ત્યાં જ પ્રીતિ કરે. નારીના સંબંધથી જન્મ-મરણ અને જમપુરીનાં અપાર દુઃખ વારે વારે આવે છે, અને આ લોકમાં પણ અપાર દુઃખ ભોગવે છે, છતાં મોહ છૂટતો નથી. તેવો સંબંધ સત્સંગમાં બંધાય તો સંત-હરિભક્તોનાં કડવાં વચનનો ડાઘ અંતરમાં પડે નહિ.”13

મુક્તમુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી, “શ્રીહરિ કહેતા કે - ખર-દૂષણની બહેન શૂર્પણખા રામચંદ્રને વરવા આવી. રામચંદ્રજીને એકપત્ની વ્રત હોવાથી તેને નહિ બોલાવતાં તે લક્ષ્મણ પાસે ગઈ અને નાક-કાન ખોયાં. ખર-દૂષણ પાસે જઈ આ વાત કરી. તેથી સૈન્ય સાથે તેઓ રામને મારવા આવ્યા. રામે તે સર્વેનો નાશ કર્યો. શૂર્પણખા રાવણ પાસે ગઈ ત્યારે રાવણે મારીચ દૈત્યને માયાવી મૃગનું રૂપ લઈ સીતા પાસેથી નીકળવાનું કહ્યું. તે મૃગને જોતાંવેંત સીતાએ રામને તે લાવી આપવા કહ્યું, ત્યારે રામ કહે, ‘આ તારા કામનું નથી.’ સીતા કહે, ‘ક્ષત્રિય થઈને તમે મૃગથી બીઓ છો?’

“ત્યારે રામ કહે, ‘સ્ત્રીની તુચ્છ મતિ હોય છે. સ્ત્રીઓને વિષે શ્રેષ્ઠ સમજીને અમે સીતાજીને વર્યા. અમને ભગવાન જાણે છે છતાં દોષદૃષ્ટિ રાખી તે સ્ત્રીના શરીરનો સ્વભાવ છે. સ્ત્રીને વશ જે પુરુષ વર્તે છે તે દુઃખી થાય છે. અમારા પિતાને પણ તે પ્રમાણે થયું હતું.’

“એમ કહી રામ ગયા ને પાછળથી સાધુ વેશે રાવણ આવ્યો ને સીતાને લંકામાં ઉપાડી ગયો. લક્ષ્મણે રક્ષાની રેખા દોરેલી ને કહેલું કે આને ઓળંગશો નહિ. તોપણ સીતાએ તેનું ઉલ્લંઘન કર્યું. માતાના મુખ સામે દૃષ્ટિ કરીને લક્ષ્મણે કદી જોયું નહોતું, તેને સીતાએ કડવાં વેણ કહ્યાં કે રામ મરે ને હું તને વરું એવું મનમાં હોય તો તું ભૂલે છે. જીભ કરડીને મરીશ પણ તને નહિ વરું - ન છૂટકે લક્ષ્મણ રામની વહારે ગયા.

“ત્યારે રામે કહ્યું, ‘લક્ષ્મણ, તને બુદ્ધિ નથી, સીતાને છોડીને કેમ આવ્યો?’ એમ કહી આશ્રમે આવ્યા ત્યારે સીતાને દીઠાં નહિ. તેથી રામ, સીતાના વિયોગે ઉન્મત્ત જેવા થઈ ગયા, અને મનુષ્યથી પણ અતિ પ્રાકૃત ચરિત્ર કરવા લાગ્યા. વાલ્મીકિએ આ બધું લખ્યું છે.”14

ગઢપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “મોક્ષના માર્ગે ચાલવામાં પરિવાર વિઘ્ન કરે છે. તેથી સત્સંગને અમે કુટુંબ-પરિવાર માન્યો છે. સત્સંગથી બીજું કાંઈ અધિક જાણતા નથી, દેહના કુટુંબને વિસારી દીધું છે. જ્યારથી અમે કુટુંબનો ત્યાગ કર્યો છે તે દિવસથી આજ પર્યંત કોઈ દિવસ તે સ્વપ્નમાં યાદ કર્યું નથી. અમને વહાલા સંતો-ભક્તો છે તે સ્વપ્નમાં અખંડ દેખાયા કરે છે. અમારું અક્ષરધામ અને અહીંના સંતો-હરિભક્તો તે એકરૂપ દેખાય છે.”15•

ગઢપુરમાં અભય નૃપના દરબારમાં શ્રીહરિ કહે, “અમારે આશ્રિત સ્ત્રીઓએ ગૃહત્યાગ ન કરવો, પતિનો ત્યાગ કર્યા વિના ધર્મનું પાલન કરવું, ત્યાગધર્મ પાળવો સ્ત્રીને માટે અતિ કઠિન છે. પ્રથમ સંસાર ત્યાગ કરે પછી ફરી વળી સંસાર કરે એવી સ્ત્રીઓ જગતમાં ઘણી છે. ધણી વગરની નારીની હાંસી થાય છે. આજ ઘોર કળિકાળમાં ગૃહત્યાગ કરીને સ્ત્રીએ રહેવું નહિ. સ્ત્રી ત્યાગી હોઈ શકે જ નહિ, માટે નવી રીત આચરવી નહિ. આ અમે તમને સત્ય વાત કહી છે.”

‘કલિકાલ હેં આજ હિ ઘોરા, ત્યાગી નહિ હેં બાયું કોઉ ઠોરા.

નઈ રીત નહિ કરના તુમ હી, સત્ય કહત હેં તુમકું હમ હી.’16

ધરમપુરમાં શ્રીહરિએ ભીલોના આગેવાન રાજાને વાત કરતાં કહ્યું, “રાજ, નારી, ધન એ કાજલનો કોટ છે. ત્યાગીને તો તે મોટું વિઘ્ન છે. સત્તા લીલાગર ભાંગ જેવી છે. એ જેમ મળે તેમ વધુ કેફ ચઢે. રાજસત્તા એ ત્યાગીને મોટું બંધન છે. સંસારમાં સુખ માને છે એ તુચ્છ અને પ્રાકૃતમતિ છે. અહીંનું સુખ પલકારામાં નાશ પામે છે. આ સુખ જેને દુઃખ મનાય છે તેને અપ્રાકૃતમતિ થઈ જાણવી. એવો જન અપાર સુખને પામે છે.

“સંસારીજનોને સંસાર ઉપર દોડ રહે છે. ધન, નારી અને પુત્રમાં સંસાર મુખ્ય છે. ગામ, ગરાસ અને ધન બધું પુત્ર અને સ્ત્રી માટે માને છે, પણ શરીર જાય ત્યારે કશું રહેવાનું નથી. એમ પ્રત્યક્ષ દેખે છે, છતાં ભૂલી જાય છે.”17

ગઢડા આવતાં શ્રીહરિએ રસ્તામાં વાત કરી, “જગતમાં ગમે તેવી કીર્તિ હોય, પણ મર્યા પછી કોઈ જાણતું નથી. કીર્તિ માટે ઠેર ઠેર રૂપિયા વેરે છે, પણ પરલોકમાં કંઈ કામ લાગતી નથી, પરલોકમાં કામ આવે તેવો ઉદ્યમ કરે તે બુદ્ધિશાળી છે.”18

ભરૂચમાં તુઈરામે કરેલી ગાડા-બળદની ટાણાની સેવા શ્રીહરિએ વખાણી અને કહ્યું, “તમને ધનનો મદ ચઢ્યો નથી. જેને ધનમાં મોટાઈ મનાણી છે, તેને ભગવાન ભજવામાં મોટાઈ મનાતી નથી. ધન-નારીરૂપી આવરણમાં સૌ કોઈ બંધાયા છે. કદાચ બ્રહ્માંડનો અધિપતિ હોય ને જો સ્ત્રી-ધનમાં સુખ ન માને તો તે ભગવાનની માયાને તરી ગયો છે. સમજણ વગર તેનું બધું જ્ઞાન બૂરું કરનારું નીવડે છે. જો સાચા સંતનો યોગ થાય ને તેની સેવા કરે તો ભગવાનનું જ્ઞાન થાય ને જીવ ભવસાગર ઊતરે.”19

 

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

ગૃહસ્થને ઘરમાં રહ્યાનું એટલું જ ફળ છે જેટલી ભગવાન અને ભગવાનના સંતની સેવા બની આવે. જેના ઘરમાં સંતનાં પગલાં થતાં નથી, ને હરિકથા અને કીર્તન થતાં નથી, તેને ત્યાં જમનો નિવાસ થાય છે. અને એવા ઘરને સ્મશાન તુલ્ય કહ્યું છે. સંત મળે છે ત્યારે સંસારની, દેહની આસક્તિ મુકાવે છે. ભગવાનમાં આસક્તિ કરાવે છે, આ સંતનો ગુણ છે. જે સંત ભગવાનમાં પ્રીતિ ન કરાવે ને ગ્રામ્યવાર્તામાં ચિત્ત દેતા હોય, તેવા સંતને સેવવા નહિ. શ્રીહરિમાં જોડે એવા સંતને ઓળખવા.20

દેહ અને દેહના સંબંધી કેટલું દુઃખ દે છે, તોપણ સંસારી લોકો સુખ માની તેના ગુલામ થઈને રહે છે. સંસારમાં સાર નથી, પણ તેમાં વિચાર વિના સાર દેખાય છે. શુદ્ધ વિચાર પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાનમાં પ્રીતિ થાય છે.21

સંસારની ગ્રંથિ અનંતકાળે પણ છેદાય નહિ એવી છે. બ્રહ્મલોક પર્યંત તે સંસારગ્રંથિ વજ્ર સમાન છે. કાળ પ્રકૃતિપુરુષ સુધી બધા લોકનો કોળિયો કરી જાય છે એવો અતિ બળવાન છે, પરંતુ સંસાર ગ્રંથિ તેનાથી પણ નષ્ટ થતી નથી, એવી વજ્રસાર ગ્રંથિ સંતની વાત સાંભળવાથી તત્કાળ નાશ પામે છે. સત્સંગનો આવો પ્રતાપ જોઈ બ્રહ્માદિ દેવો પણ આશ્ચર્ય પામે છે.22

શ્રીહરિના શરણમાં અનેકને અમાયિક સુખ મળે છે. બ્રહ્માંડના સુખથી ઉદાસી હોય એવા સાચા સંતનો યોગ બની આવે તો જીવને જગતની અરુચિ થાય.23

બ્રહ્મા જેવો પ્રવીણ હોય તેને પણ સત્પુરુષનો સંગ ન હોય તો સંસારનું બંધન ઓળખાતું નથી, તો સામાન્ય નરનું શું ગજું? ભવબંધન ઓળખાય નહિ ત્યાં સુધી જન્મમરણ થયા કરે છે. સ્થાવર-જંગમ બધી યોનિઓમાં ફરતો રહે છે. તે કોટિ કલ્પ સુધી પાર આવતો નથી. જીવમાત્ર સત્સંગ વગર આ બંધનમાં ફસાયા છે.24