૧૦. અક્ષરબ્રહ્મ

 

શ્રીહરિએ લોજમાં સંતોને ષટચક્રની વાર્તા કરી. તેમાં સૌથી પર ભગવાનના અક્ષરધામનું વર્ણન કરતાં તેમણે કહ્યું, “બધા લોકથી પર, સર્વાધાર, સર્વવ્યાપક અને સૌથી વિલક્ષણ એવું દિવ્ય અક્ષરધામ છે. જેને પરમ ચૈતન્ય, સત્ય, જ્ઞાનરૂપ, અનંત અને પ્રમાણરહિત કહે છે. વેદો જેને અક્ષરબ્રહ્મ કહે છે, તેને જ પુરુષોત્તમ-નારાયણનું ધામ કહીએ. એ અક્ષરબ્રહ્મના પ્રકાશને ચિદાકાશ કહે છે. તેને તથા અક્ષરધામને કોઈ ભૌતિક ઉપમા સંભવતી નથી. જેમ અનંતકોટિ જોજન વિસ્તારવાળી કાચની ભૂમિ હોય અને સ્થાવર જંગમ બધું જ કાચનું હોય, આકાશમાં જેટલાં તારામંડળ છે તે બધા જ સૂર્ય હોય તેનો જેવો પ્રકાશ થાય તેવો અપાર પ્રકાશ અક્ષરધામનો છે. અનંતકોટિ સૂર્ય જેવી કાંતિ જેમના એક એક રોમમાં રહી છે તેવા અનંત દિવ્ય ભક્તો ત્યાં વસે છે. મહાશીતલ, સુખમય, અનંત અપાર તેજ અક્ષરધામનું છે. ત્યાં કાળનો પ્રવેશ છે નહીં. સૌના સ્વામી એક પુરુષોત્તમનારાયણ ત્યાં સાકારરૂપે બિરાજમાન છે.”1•

સારંગપુરમાં શ્રીહરિ કહે, “અનંતકોટિ બ્રહ્માંડ છે તેમાં અક્ષરધામનો વાસ છે.”2

ગઢડામાં જીવા ખાચરને ઉદ્દેશીને શ્રીહરિ કહે, “અમારે કોઈના થકી લેશમાત્ર સ્વાર્થ સાધવો નથી. અમે નિઃસ્વાર્થભાવે તમને કહીએ છીએ. અનંતકોટિ બ્રહ્માંડનું સુખ અમને શૂલી જેવું લાગે છે. અક્ષર અમારા સેવક છે. તેમના સંકલ્પે કરીને અનંત બ્રહ્માંડ ઊપજે છે ને લય પામે છે. એ અક્ષરના પણ દાસ અનંતકોટિ પુરુષ છે. અમારે અનંતકોટિ બ્રહ્માંડોની ગણતી નથી.”3•

મોડા ગામે રણમલજીને ત્યાં શ્રીહરિએ સંતોને ઉદ્દેશીને વાત કરતાં કહ્યું, “અમને તમે જે જે આવીને મળ્યા છો તે સર્વેને બ્રહ્મસ્વરૂપ કરવા છે, જીવમાં માયાનો ભાગ ભળ્યો છે તે કાઢવો છે. માટે ખબરદાર થઈને રહેજો, નહિ તો તમારો પગ ટકશે નહિ.”4•

ગાલોલના માવા ભક્તે શ્રીહરિની પૂજા કરી પછી પૂછ્યું, “તમો સાક્ષાત્ ભગવાન પ્રગટ્યા છો, પણ તે વાત બીજાને મનાતી નથી. અને સંતની વાત મનાય છે, પરંતુ તમને જાણ્યા વિના મોક્ષ કેમ થાય?”

ત્યારે શ્રીહરિ કહે, “અનાદિથી રીત જ એવી છે. ભગવાનને જાણવા માટેનાં બે દ્વાર પ્રસિદ્ધ છે: એક તો ભગવાનના અનાદિ ભક્ત (અર્થાત્ અક્ષરબ્રહ્મ). બીજા પ્રગટના ઉપાસક સંતો.

“અને ભગવાનનો નિશ્ચય એ વજ્રના કોટ જેવો છે. નિશ્ચયના કિલ્લામાં કોઈ રીતે પ્રવેશી શકાય તેમ નથી. તેમાં પ્રવેશવા અનાદિ ભક્ત (અક્ષરબ્રહ્મ) સિદ્ધના સ્થાને છે. તેમના મુખે ભગવાનની વાત સાંભળે તો તરત નિશ્ચય થઈ જાય. એમનો યોગ ન થયો હોય એવા જેટલા જન છે તેનું દ્વાર સંતો છે.”5•

ભચાઉમાં લાધાજી નામના ભૂપને શ્રીહરિએ કૃપા કરીને બ્રહ્મવિદ્યાનો બોધ આપ્યો, “બધી વિદ્યાઓમાં બ્રહ્મવિદ્યા શ્રેષ્ઠ છે. મનુષ્યને ક્ષણે ક્ષણે જે શોક-મોહ વ્યાપે છે તે દુઃખ બ્રહ્મવિદ્યાવાળાને ટળી જાય છે. બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થઈ તેને ચિંતામણિ મળી એમ જાણવું. બ્રહ્મવિદ્યાના જાણકાર પાસે રહી તેના વચન મુજબ અભ્યાસ કરે અને પ્રકૃતિપુરુષ સુધીના વિષયમાત્રને તુચ્છ ગણી વર્તે તેને બ્રહ્મવિદ્યા વરે છે. વિષયથી નિરાશ થયા વિના બ્રહ્મવિદ્યા તત્કાળ પ્રાપ્ત થાય નહિ. સાચું લક્ષ્યજ્ઞાન થાય ત્યારે જ તે બ્રહ્મવિદ્યા પામે. બ્રહ્મવિદ્યા પામેલો પુરુષ દેશકાળ આદિકથી લોપાય નહિ. વાચક જ્ઞાનથી કોટિ જન્મે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત ન થાય. હરિનો રાગ રહે અને અખંડ સ્મૃતિ રહે એ જ બ્રહ્મવિદ્યા છે.

“બ્રહ્મવિદ્યા પામેલા પુરુષની પરીક્ષા શી? તો શરીર પર ક્યારેક કૌપીન પહેરવા મળે ને ક્યારેક ભાત-ભાતનાં અનેક વસ્ત્ર મળે તેમાં તેને સમાનબુદ્ધિ રહે, ક્યારેક પકવાનનાં ખાનપાન મળે ને ક્યારેક કોરા કડાકા થાય તેમાં મન ક્ષોભ ન પામે, ક્યારેક વૃક્ષ તળે ભૂમિ પર વાસ મળે તો ક્યારેક મોટા મહેલમાં પલંગ તળાઈ-તકિયા મળે તેમાં તેને સમાન ભાવ હોય. હાથીની અંબાડી પરથી ઉતારીને ગધેડે બેસવાનો સમય આવે ત્યારે ચિત્તમાં વિક્ષેપ ન થાય – તેને બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થઈ છે એમ જાણવું.

“દિવસ-રાત ભગવાનની સ્મૃતિમાં રમમાણ રહે તેણે બ્રહ્મવિદ્યા સિદ્ધ કરી એમ અમે માનીએ છીએ.”

‘સ્મૃતિ દિન અરુ રાત, હરિ મૂર્તિ કી કરાવે જેહુ,

બ્રહ્મવિદ્યા સો સાક્ષાત્, હમ નિશ્ચે સો કીયેહિ તેઉં.’6

જેતલપુરમાં શ્રીહરિએ જીવેન્દ્ર નૃપને વાર્તા પ્રસંગે કહ્યું, “પ્રાકૃત શરીર આ જીવને મળ્યું છે તેને પોતાનું સ્વરૂપ ન માનવું. જીવનું સ્વરૂપ તો શુદ્ધ અક્ષરરૂપ છે એમ ચિત્તમાં અક્ષર(બ્રહ્મ)ની ભાવના અને ચિંતવન કરતાં કરતાં જીવમાં અક્ષરભાવ પ્રગટ થાય, ત્યારે પ્રાકૃતભાવ નાશ પામે છે. વળી, એ અક્ષરમાં શ્રીહરિ (પુરુષોત્તમ) સદા રહ્યા છે. એ દિવ્ય અલૌકિક મૂર્તિ છે ને સત્સંગમાં સદા પ્રગટ વિચરે છે, તે જ મૂર્તિ પોતાના આત્મામાં રહી છે.”7•

ઝીંઝર ગામે સંતો તથા નૃપને પીરસીને શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “અમારું નિવાસસ્થાન અક્ષરધામ છે. તે અક્ષરધામમાં જેવું સુખ છે તેવું અન્ય કોઈ ધામમાં સુખ નથી. ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ આદિ ધામોનાં સુખ છે તે અક્ષરધામના સુખ આગળ સાવ લૂખાં છે, તુચ્છ છે. બદરિકાશ્રમનું સુખ દેવતાના સુખની અપેક્ષાએ અધિક છે. એ સુખનો અનુભવ છે તે પણ પ્રકૃતિપુરુષની અંદર આવી જાય છે, તેનાથી પરનો એ અનુભવ નથી.

“અક્ષરધામના સુખ અન્ય ધામોનું સુખ સુવર્ણ આગળ પિત્તળ સમાન ભાસે છે. અક્ષરધામના અપરંપાર સુખની વાત અનુભવ વગર માન્યામાં આવતી નથી. એ સુખને અમે સંભારીએ છીએ ત્યારે અમારું દિલ અહીં ટકતું નથી, ત્યાં પહોંચી જાય છે. એ અક્ષરધામને કોણ જાણે છે? તો સત્સંગમાં જે મોટા (એકાંતિક ભક્ત) છે તેને અક્ષરધામની પરખ છે, બીજાને નથી. અમે હેત કરીને જીવને એ વાત કરીએ છીએ ને સત્સંગમાં રાખીએ છીએ, છતાં અક્ષરધામની વાત એ સમજતા નથી ત્યારે અમે અતિ ઉદાસ થઈ જઈએ છીએ.”8•

માંડવી બંદરે શ્રીહરિએ સંતોને શીખ આપતાં કહ્યું, “વેદશાસ્ત્ર ભણવાનું ફળ એટલું છે કે, ધર્મ દૃઢ કરીને રાખવો. વેદશાસ્ત્ર અપાર ભણે પણ ધર્મનો લેશ ન હોય તેને ચોરાશીના ફેરા મટતા નથી. જન્મ-મરણ અને ઘોર જમપુરીનાં દુઃખ ભોગવવાં પડે છે. બ્રહ્મજ્ઞાન બ્રહ્મ સમાન છે, આનંદમય છે. બ્રહ્મ વિના દેહાદિક કોઈ પણ પદાર્થમાં સ્નેહ ન રહે અને શુકદેવ જેવા ગુણ આવે ને વિષયમાત્ર કાકવિષ્ટા સમાન લાગે એવું થાય ત્યારે તે સાચું બ્રહ્મજ્ઞાન કહેવાય. રમણીય ભોગને વિષ, અનલ અને સર્પ તુલ્ય માને અને તેનો ત્યાગ કરે તે સાચો બ્રહ્મનિષ્ઠ છે. તેને સ્ત્રી-ધનનો મોહ ન હોય, બ્રહ્મજ્ઞાન વિનાનો બીજો કેફ ન હોય. અને જે દંભી જ્ઞાની હોય તે તો વાતો મોટી મોટી કરે, પણ શુકજી કે જનક જેવું કંઈ પણ વર્તન હોય નહિ. ધર્મને લોપે અને હિંસા કરતા હોય તથા બ્રહ્મની દેશી લઈને બોલે કે અમે તો બ્રહ્મ વિના કંઈ દેખતા નથી, બ્રહ્મજ્ઞાનીને પાપમાત્રનો સ્પર્શ થતો નથી, એવા દંભી જ્ઞાની નરનારીને નરકમાં નાખે છે.

“ભગવાનના સ્વરૂપને મૂર્તિમાન નહિ માનતા તેજને માને તથા ભગવાનના અવતારને માયિક કહે તેવા દંભી જ્ઞાનીઓ અપાર દુઃખના અધિકારી થાય છે. શુદ્ધ જ્ઞાની તો ભગવાનની મૂર્તિથી કાંઈ પણ અધિક માનતા નથી. શ્રુતિ-સ્મૃતિમાં પ્રતિપાદિત સનાતન ધર્મનો ક્યારેય લોપ કરતા નથી, એવા જ્ઞાનીનો જે સંગ કરે છે તથા તેમનાં વચન જે માને છે તેનાં સર્વ પાપ નાશ પામે છે.” એમ કહી શ્રીહરિ કહે, “તમે સૌ શુદ્ધ જ્ઞાનની મૂર્તિઓ છો. તમને દંભી ક્યારેય પહોંચે નહિ. ધર્મની સેનાને હઠાવવા ફાવે તેટલો સાજ સજે, પણ અધર્મની સેના નાશ જ પામે. કરોડ પતંગિયાં આવે તોપણ અગ્નિને બુઝાવી શકે નહિ, ઊલટો તેમનો જ નાશ થાય, તેમ પાખંડી, નાસ્તિક, દંભી, બ્રહ્મજ્ઞાની જેને ધર્મસર્ગનો લેશ નથી, તે બધા સહેજે ઊડી જાય છે.”9

માંગરોળમાં ભક્તોને શ્રીહરિ કહે, “જે અમને પરમ હેતથી બાંધે છે તેની પાસે અમે ખેંચાઈને રહીએ છીએ. રામાનંદ સ્વામીનું હેત, સત્સંગીઓ પર અધિક રહેતું, સત્સંગીઓના હેત કરતાં ચઢી જતું. જેમ પવન પાંદડાંને નચાવે, તેમ રામાનંદ સ્વામી હેતે કરીને ખેંચતા.”

આણંદજી સંઘેડિયા કહે, “તમારા વચનમાં બધા સંતો એ જ રીતે નાચે છે ને! અનંતકોટિ બ્રહ્માંડ તમારે આધીન વર્તે છે. તમારું ધામ અક્ષર કે જે સૌથી અધિક શ્રેષ્ઠ છે તે તમારા દાસ થઈને વર્તે છે, મરજી પાળે છે. અક્ષર સુધી તમારે આધીન હોય તો બીજા તો હોય જ. બીજાં કેટલાનાં નામ લેવાં!”

‘અક્ષર અધિક ધામ, વરતત સો તવ દાસ હોઈ,

ઓર કો લહત નામ, તુમારી મરજી તાહિ લગ.’10

પીપલાણામાં શ્રીહરિ કહે, “પ્રગટ હરિ કે સંત હરિજનનો સંગ થાય છે ત્યારે તે જન્મ-મરણના દુઃખથી છૂટે છે. અલૌકિક સુખ મેળવવા સત્સંગ વિના બીજો ઉપાય નથી. સૌ સંતો અને હરિભક્તોએ દેશદેશમાં આવી વાત કરવી. કારણ કે આ બ્રહ્મવિદ્યા છે. માયિક વિદ્યા પણ અભ્યાસ વગર ટકતી નથી તો આ બ્રહ્મવિદ્યા અભ્યાસ વિના ક્યાંથી ટકે? સતત અભ્યાસ અધિક ને અધિક કરતો રહે તો તેના હૃદયમાં પ્રગટ શ્રીહરિનો નિવાસ થાય છે.”11•

મેથાણમાં શ્રીહરિએ કહ્યું, “બ્રહ્મવેત્તા ગુરુ મળ્યા વિના બ્રહ્મની પ્રાપ્તિને માટે ફાંફાં મારી મરી જાય છે. ‘હું બ્રહ્મ છું’ એમ કહેવાથી બ્રહ્મ થવાય નહીં. બગલો પોતાને હંસ કહે તેથી હંસના ગુણ તેમાં આવે નહીં.”

‘બ્રહ્મવિત ગુરુ મિલે વિન કબહુ બ્રહ્મ કિ પ્રાપ્તિ ન હોવત સબકું.

હમ હેં બ્રહ્મ યું શિખે બાતા, બાત સે બ્રહ્મગુન લેશ ન આતા.

હંસ કે આકાર જોઈ કે જાહિ, બગલે કહે હમ હંસ રહા હિ.’12

ઉમરેઠમાં વિદ્વાનોની સભામાં શ્રીહરિ કહે, “બધાં સાધનનું ફળ એટલું જ છે કે વિષયથી રાગ તોડી આત્મારૂપે થવું. અને આત્મારૂપ થઈ ભગવાનમાં પ્રીતિ કરવી, તેને અમે બ્રહ્મનિષ્ઠ કહીએ છીએ. વેદ, ભાગવત, ગીતા આદિ શાસ્ત્રોને અમે સત્ય માનીએ છીએ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તથા ભગવાનને સદા સાકાર માનવા - આ પાંચ વાતને અમે સર્વોપરી માનીએ છીએ. અક્ષરધામમાં સદા સાકારપણે અમે વિરાજમાન રહીએ છીએ. અનંત તનુ ધરીએ છીએ તો પણ તે ધામનો ક્યારેય ત્યાગ કરતા નથી. એવી અનંત યોગકળા છે જેનો બ્રહ્માદિક પાર લઈ શકતા નથી. જેને એવી પરમ ભક્તિ ઉદય થાય છે તેને અમારી આ અકળ કળા કળ્યામાં આવે છે. ભક્તિ વિના મોટા મોટા પંડિતો, પુરાણીઓ, જ્ઞાનીઓ, મોટા મોટા મુક્તો, સિદ્ધો, ધ્યાનીઓ, કોઈની નજરમાં એ રૂપ આવતું નથી. જે પૂર્ણ ભક્તિવાળો છે તે ક્યારેય અમને પોતાની દૃષ્ટિથી દૂર કરી શકતો નથી. અર્થાત્ અમે તેની પાસે રહીએ છીએ. જેને અંતરમાં એવી ભક્તિ હોય તેને જ આ વાત માન્યામાં આવે છે.” આટલી વાત કરીને શ્રીહરિ કહે, “હવે કીર્તન બોલો. સંતોએ ગોપાળદાસના ધોળ ગાયા.”13

સારંગપુરના જીવેન્દ્ર નૃપને શ્રીહરિએ ગઢપુરમાં વાત કરતાં કહ્યું, “જે દિવસથી અમે દેહનાં કુટુંબીનો ત્યાગ કર્યો છે ત્યારથી આજ દિન પર્યંત તે સ્વપ્નમાં પણ કદી આવ્યાં નથી. અમે અમારા અક્ષરધામથી પૃથક્ રહી શકતા નથી. સ્વપ્નમાં અક્ષરધામ, સંતો-ભક્તો અખંડ દેખાય છે. તેની વિસ્મૃતિ થાય તો અપાર દુઃખ થાય છે.

“સત્સંગ વિના અનંતકોટિ બ્રહ્માંડનું રાજ્ય મળે તોપણ મોક્ષમાર્ગમાં તેને પરમ વિઘ્ન માનીએ છીએ. અમારી આ સમજણ છે. અમારા જેવી સમજ જેને હોય તેની બોલીમાં અમારા જેવો આનંદ છલકાય. અમારા તુલ્ય મળ્યા વિના કોઈને આ વાત અમે કરતા નથી, મનમાં ને મનમાં ઠોઈ રાખીએ છીએ. જેટલી પાત્રતા હોય તેટલી તેને વાત કરીએ છીએ. જેમ કીડીના ઉદરમાં સમુદ્ર ન સમાય, તેમ આ વાત પણ કોઈના પેટમાં સમાય તેવી નથી, એવી ગંભીર વાત છે.”

‘કીરી કે ઉદર મહીં, સિંધુ કો સબ હિ નીર,

પીવત સમાવે કિસવિધ, વાત હે એસી ગંભીર.’14

કચ્છમાં કાળાતળાવ ગામે શ્રીહરિએ સંતોને વર્તન અને સમઝણની વાત કરતાં કહ્યું, “ભગવાનનું ધ્યાન સ્થિર આસન લગાવીને કરવું. દેહમાં વૃત્તિ લેશ પણ રહે નહિ તે રીતે ત્રણ દેહ, ત્રણ ગુણ ને ત્રણ અવસ્થાથી પોતાનું સ્વરૂપ ન્યારું (અક્ષર) સમજવું. જીવના સાચા સંગી ભગવાન તથા ભગવાનના સંત છે. ધામમાત્ર તેના સંગમાં રહ્યાં છે. અક્ષરધામમાં ધામમાત્ર આવી ગયાં. સર્વ ધામો કરતાં અક્ષરધામ અપાર છે. તેનું સુખ પણ અપાર અપાર છે. તેવી જેની સમજણ હોય તે જ સાચી સમજણવાળા છે. આવી સમજણ વગરની જેની સમજણ છે તે પોતાની રુચિ અનુસાર જાણવી.”15

લશ્કરનો સેનાપતિ નાગર કરિયાણામાં દેહાખાચરના ભવનમાં શ્રીહરિના દર્શને આવ્યો. શ્રીહરિએ તેની પાસે જ્ઞાનની વાર્તા કહેતાં કહ્યું, “ભગવાનના ચરિત્ર પરમ મોક્ષરૂપ છે. તેને જે સાંભળે છે તેનું જન્મ-મરણ ટળી જાય છે. અક્ષર જે ભગવાનનું ધામ છે, તેમાં ભગવાનનાં નામ-ચરિત્ર સમાયાં રહે છે. જેમ આંબાનું બીજ ગોટલી છે, તેમાં આંબો, પાંદડાં, મોર કે કેરીઓ દેખાતાં નથી, પણ તેમાં એ બધું સમાયેલું છે, તેવું અક્ષરનું છે. તે હમણાં કશું દેખાય નહિ, પણ સમય આવે ત્યારે ભગવાન સંબંધી નામ-ચરિત્રો બધું અક્ષરમાં દેખાઈ આવે છે. એમ, ભગવાનનાં ચરિત્રો અક્ષરમાં રહેલાં છે ને ચરિત્રોમાં અક્ષરધામ રહેલું છે. આ કહ્યું તેમાં લેશમાત્ર સંશય નથી. જેને જ્ઞાનરૂપી ચક્ષુ છે તે પ્રત્યક્ષ દેખે છે. દિવ્ય તત્ત્વ કે વાત છે તે દિવ્ય નયનથી જ દેખાય છે. માયિક દૃષ્ટિથી તે દેખાતાં નથી.”16•

ગઢપુરમાં શ્રીહરિએ વણિકને વાત કરતાં કહ્યું, “ગમાર લોકો મોટાની દેશી કાઢે છે, પણ વેદથી વિરુદ્ધ વર્તે તે પાખંડ કહેવાય છે. કર્મથી ઉદ્ધાર માને અને ભગવાનનું નામ ન લે તે બેસવાની ડાળ કાપે છે. ભગવાનના અવતારનું ચરિત્ર મોક્ષદાયી છે. ભગવાનના શરણ વિના જીવ ચોરાશીમાં ભટકે છે.

“ભગવાન પુરુષોત્તમ સિવાય અક્ષરમુક્તો, દેવો, ભૂપો, મનુષ્યો, અનંતકોટિ બ્રહ્માંડના અધીશ્વરો, કાલ-કર્મ, માયા - બધાનું તપ ભેગું કરીએ તોપણ અક્ષરના એક રોમ જેટલું પણ સમર્થ નથી, ક્ષુદ્ર છે. અને અક્ષરબ્રહ્મ જેવા અનંતનો તપ પ્રતાપ ભગવાનના એક રોમમાં સમાઈ જાય છે એવા એ સમર્થ છે.”17

ચલોડે આવતાં પૂર્વે શ્રીહરિએ સંતોને કહ્યું, “તમે ત્યાગ કર્યો તેથી હવે લેશ પણ ડર રહ્યો નહીં. હવે જેનો ડર હશે તેનો અમે ત્યાગ કરાવીશું. જેટલી નિર્ભય વસ્તુ છે તે અમે તમને આપી છે. તમારા ઉપર અમને અપાર હેત છે. તમારા સ્વરૂપને કોઈની ઉપમા ઘટે નહિ. માયિક તનના સંબંધથી એકબીજાનું સ્વરૂપ દેખાતું નથી, પણ અમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થશે ત્યારે માયિક તન (દેહભાવ) છૂટી જશે. તમે જે આ સ્થૂળ આંખોથી જુઓ છો, હવેથી એ આંખોથી નહિ પણ જ્ઞાનચક્ષુથી દેખી સ્વરૂપ દૃઢ કરી લેજો. પછી તેનું શ્રવણ, મનન, દિનરાત કરી તેનો બહુ પ્રકારે અભ્યાસ કરવો. અભ્યાસ કરવામાં જેટલી આળસ તેટલી જ્ઞાનની વૃદ્ધિ ન થાય, તે સો વર્ષ સુધી શ્રવણ કરો તોપણ અભ્યાસ (મનન, નિદિધ્યાસ) વિના સાક્ષાત્કાર ન થાય.

“વિદ્યાઓનો પાર નથી, પણ દુર્લભમાં દુર્લભ બ્રહ્મવિદ્યા કહી છે. બ્રહ્મવિદ્યા ચિંતામણિથી અધિક છે. બ્રહ્મવિદ્યા સિદ્ધ કર્યા વિના શાંતિ થવાની નહિ.

“પ્રત્યક્ષ ભગવાનનાં (અમારાં) જેટલાં ચરિત્રો છે તેનું રસપૂર્વક શ્રવણ કરવું. તેમાં એવું તાન રાખવું, જેવું વિષયીજનને વિષયમાં તાન છે. અમારાં જેટલાં ચરિત્ર છે તેમાં તાન રહે તે બ્રહ્મવિદ્યા છે. સુખપ્રાપ્તિનું સાધન આ જ છે. એ વિના શાંતિ થતી નથી. આ અમે તમને કહ્યું.” એટલી સંતોને વાત કરી ‘જય સચ્ચિદાનંદ’ કહી શ્રીહરિ અશ્વ પર બિરાજ્યા.18

શ્રીહરિએ પત્ર લખાવ્યો, જેમાં ઉત્તમ ભક્તની ઓળખ આપતા લખ્યું: “જે ભક્ત ત્રણ દેહ, ત્રણ અવસ્થાથી પર વર્તે, દેહને અસત્ય માને, આત્માને સત્ય માને, પોતાના આત્માને દેહથી પૃથક્ બ્રહ્મરૂપ જાણે ને પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમનો જોગ (ઉપાસના) કરે. એવા ભક્તને વિવેકી ને સમર્થ જાણવો.”19•

પત્રમાં શ્રીહરિ કહે, “‘હું બ્રહ્મરૂપ એવો ભગવાનનો દાસ છું’ એવો અહંકાર ઉત્તમ ભક્તને હોય છે. આવો ભક્ત અક્ષરરૂપ થયો હોઈ ગોલોકથી પર એવું અક્ષરધામ છે તેને પામે છે.”

‘આવત હેં અહંકાર હિ એસા, મેં હૂઁ બ્રહ્મસ્વરૂપ તેસા;

ગોલોક સે પર અક્ષરધામા, એસે ભક્ત રહત તેહિ ઠામા.’20

શ્રીહરિએ ધર્મપુરનાં રાણી કુશળકુંવરબાને કહ્યું, “પાતાળથી પ્રકૃતિપુરુષ સુધીના લોકના ભોગ માયામય છે ને દસ-દસ ગણા અધિક છે. પ્રકૃતિપુરુષથી પર અપાર અક્ષરધામ છે જેને તુલ્ય કોઈ સ્થાનક નથી. બીજાં સ્થાનકમાત્રનાં સુખ અક્ષરધામની આગળ દુઃખ અને ભયથી યુક્ત છે. જે ભગવાનનો ભક્ત થાય છે તે અક્ષરધામ સિવાય બીજા કોઈ લોકના સુખમાં આસક્ત થતો નથી. જે આસક્ત થાય છે, મોહાય છે તે માયાના ભક્ત છે.”21

ગઢપુરમાં શ્રીહરિએ હરિજનો પ્રત્યે વાત કરતાં કહ્યું, “ભગવાનના સંબંધ વગર કોઈ બ્રહ્મ થઈ શકતું નથી. જે સાચા બ્રહ્મ છે તે ભગવાન મળ્યા હોય તોપણ દેહની સ્મૃતિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સાધનનો ત્યાગ કરતા નથી. ભગવાનની ઉપાસના કરીને જીવ બ્રહ્મ થાય છે. ઉપાસના અને ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન વગર બ્રહ્મ થવું અસંભવ છે. જે સાચા બ્રહ્મ છે તે ભગવાનનું ધ્યાન, વંદન, પૂજન, ભગવાનનો જન્મોત્સવ, એકાદશી આદિક વ્રત તથા ભગવાન સંબંધી તીર્થવ્રતાદિક વિધિવત્ કરતા રહે છે. વળી, જે સાચો બ્રહ્મરૂપ થયો છે તેના અંતરમાં કોઈ પ્રપંચ હોતો નથી. દેહના અંત સુધી માન અને અધર્મથી ડરતો રહે છે. વિષય-વ્યસનનો ત્યાગ કરીને ભગવાનમાં અનુરાગ રાખે છે. અને એમ સમજે છે જે, ભગવાન અને ભગવાનનું ધામ આત્યંતિક પ્રલયમાં પણ નાશ પામતું નથી. પ્રકૃતિ સંબંધી કાર્ય પ્રકૃતિમાં લીન થઈ જાય છે. એ ભગવાનની લીલા છે. એમનાં ચરિત્રો ને મહિમાનો કોઈ પાર પામતું નથી.”22

ગઢપુરમાં શ્રીહરિ કહે, “જે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરે છે, તે જ સાચા બ્રહ્મ છે. તે વિના તો બ્રહ્મદ્રોહી છે.”

‘બ્રહ્મ હોઈ કે જેહ, પરબ્રહ્મ તાકિ સેવ કરત;

સાચે બ્રહ્મ હિ તેહ, તો બિન બ્રહ્મદ્રોહી હોત.’23

ગઢપુરમાં શ્રીહરિએ હરિજનોને વાત કરતાં કહ્યું, “જે ભક્ત અંતર્દૃષ્ટિથી દેખે છે તેને ધામ સહિત ભગવાન પુરુષોત્તમ સમીપમાં જ જણાય છે. સ્થૂળ દૃષ્ટિથી જુએ તો અતિ દૂર છે. માયિકભાવ પલટી અંતર્વૃત્તિ કરે અને જાણપણા રૂપ દરવાજે ઊભો રહી શ્રવણ-મનન કરે તેને એ ધામ અને ધામી અષ્ટાવરણથી પર હોવા છતાં તેનો અનુભવ છતી દેહે થાય છે.

“જ્યારે માયિકવૃત્તિ પલટાય છે અને અલૌકિક વૃત્તિ થાય છે ત્યારે આવરણ પાર રહેલું ધામ અંતરમાં દેખાય છે. જેને અંતર્વૃત્તિ થાય છે તે જ આ કળાને જાણે છે. કળા જાણ્યા વગર સમજમાં આવતું નથી એવી આ વાત છે.” આટલી વાત શ્રીહરિએ કરી ત્યાં વડતાલના હરિજનો આવ્યા અને શ્રીહરિનાં ચરણોમાં પડીને ફૂલદોલ ઉત્સવ કરવાનો નિમંત્રણપત્ર કરમાં આપ્યો.”24

પીપળાવમાં શ્રીહરિએ આનંદાનંદમુનિ આદિક સંતોને વાત કરતાં કહ્યું, “બ્રહ્મરૂપ થઈને જે ભગવાનની ઉપાસના કરતો નથી તે કૃતઘ્નીમાં કૃતઘ્ની છે. ભગવાનની સાકાર ઉપાસના વિનાના ચાહે તેવા વેદાંતના ગ્રંથો હોય તેને ભણવા કે સાંભળવા નહીં. શ્રુતિ-સ્મૃતિના ગ્રંથોમાં પણ જો જીવ અને ભગવાનને એક કરીને કહેતા હોય તો તે પણ અમારા સાધુ, હરિજન, વર્ણી ઇત્યાદિ કોઈએ સાંભળવા નહીં કે ભણવા નહીં. આટલું અમારું વચન દૃઢ કરીને રાખજો. આ વાત તમારા સૌના હિત માટે અમે હેતે કરીને કહી છે.”25

વડનગરમાં સંતો પાસે વાત કરતાં શ્રીહરિએ કહેલું તે સ્મૃતિ કરતાં મુક્તમુનિ કહે,

‘હરિકી બાત જબ હરિ, કહત ભયે તબ જાન પરેઉ.

વેદ તેહિ સ્તુતિ કરી, ઉચરત રહે સંત પ્રતિ.’

વેદો જેની સ્તુતિ કરે છે એવા શ્રીહરિ પોતાની વાત સ્વયં કરે, ત્યારે જ સમજ્યામાં આવે. એ શ્રીહરિ સંતો પ્રત્યે કહેવા લાગ્યા, “ભગવાનમાં જડ અને ચૈતન્યરૂપ બે શક્તિ રહેલી છે. એમના એ ઐશ્વર્યને ‘યોગકળા’ કરીને કહે છે. શ્રીહરિના એક રોમમાં અક્ષરકોટિ અનંત સમાઈ જાય એવું તેમનું ઐશ્વર્ય છે. વળી, અક્ષરના એક એક રોમમાં બ્રહ્માંડોની કોટિયુંની કોટિયું રહી છે. અક્ષર એવા મોટા છે તોપણ શ્રીહરિના દાસ થઈને વર્તે છે. હરિનો દાસ થાય છે તેનામાં અક્ષર જેવું અનંત અપાર ઐશ્વર્ય આવે છે. જીવ જ્યાં સુધી શ્રીહરિનો દાસ થતો નથી, ત્યાં સુધી ફાવે તેટલો જ્ઞાની હોય તોપણ તે શુષ્કજ્ઞાની રહે છે. તે જ્ઞાતિજનમાં પુછાતો હોય પણ દાસનું એક રૂંવાડું પણ તે થઈ શકતો નથી.”26•

શ્રીહરિએ ગઢપુરમાં વાત કરતાં કહ્યું, “માયા અને માયાના કાર્યરૂપ અનંતકોટિ બ્રહ્માંડમાં અક્ષરબ્રહ્મ અન્યપણે કરીને રહ્યા છે. વળી, એ બધાથી જુદા વ્યતિરેક સ્વરૂપે સચ્ચિદાનંદપણે કરીને અક્ષરબ્રહ્મને કહેવા તે તેમનું વ્યતિરેકપણું છે.”

‘માયા માયા કે કાર્ય જિતના, અનંતકોટિ બ્રહ્માંડ તિતના.

તાકે વિષે અન્વયપના જેહુ, અક્ષરબ્રહ્મ કું કહે તેહું.

યહ સબસેં વ્યતિરેક જો જેહિ, સચ્ચિદાનંદપને કર તેહિ.

અક્ષરબ્રહ્મ કું કે’ના જેહુ, વ્યતિરેકપના તાકે હેં તેહુ.’27

શ્રીહરિએ ગઢપુરમાં સંતો-ભક્તોને વાત કરતાં કહ્યું, “અક્ષરબ્રહ્મના તેજમાં મહામાયાનો લય થઈ જાય છે. જે દેખ્યામાં આવતો નથી. જેમ દિવસમાં રાત્રિનો લય થઈ જાય છે તે જ રીતે અક્ષરબ્રહ્મમાં માયાનો લય થઈ જાય તેને આત્યંતિક પ્રલય કહેવાય છે.”28

ગઢપુરમાં શ્રીહરિએ સત્સંગીમાત્રને દૃઢ નિર્ધાર કરવાની વાત કરતાં કહ્યું, “ભગવાનનું ધામ અક્ષરધામ છે. તેને ભગવાનનો નિષ્કામ ભક્ત હોય તે પામે છે. અક્ષરધામનાં બે સ્વરૂપ છે. એક પ્રકાશરૂપ નિરાકાર છે જેને એકરસ ચૈતન્ય ચિદાકાશ કહે છે. જે દિવ્ય તેજોમય બ્રહ્મમહોલ કહેવાય છે, જે અનંતકોટિ મુક્તોને તથા પરબ્રહ્મ શ્રીહરિને ધરી રહ્યું છે. બીજે રૂપે એ અક્ષર પુરુષોત્તમનારાયણની સેવામાં દાસભાવે અખંડ હજૂરરૂપે વર્તે છે, પળ પણ દૂર થતા નથી.

“અક્ષરધામને એ જ પામે છે જે એકાંતિક ભક્ત થાય છે. અક્ષરનું સાધર્મ્યપણું પામે છે તેને એકાંતિકના ગુણે ઓળખવા. ભગવાન પુરુષોત્તમનારાયણ જ્યાં અખંડ બિરાજે છે એવું અક્ષરબ્રહ્મ ધામ છે. એ અક્ષરના સાધર્મ્યને પામેલા અનંતકોટિ મુક્તો ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને પુરુષોત્તમનારાયણના દાસભાવે વર્તે છે. આ વાત દૃઢપણે સમજીને દરેક સત્સંગીએ એવો નિર્ધાર કરવો કે અક્ષરરૂપ થઈ એ મુક્તની પંક્તિમાં બેસવું છે. નિશ્ચે કરના ઈસ વિધિ હિ, અપને અક્ષરરૂપ, મુક્ત તાકી પંક્તિ મેં જો, મિલના બાત અનૂપ.”29•

શ્રીહરિએ ગઢપુરમાં મુનિ તથા હરિજનની સભામાં પુરુષોત્તમ સ્વરૂપની વાત કરતાં કહ્યું:

‘અક્ષર તામેં રહેઉ જૈસે, પુરુષ-પ્રકૃતિ મેં નહિં તેસે;

એસી રીત પુરુષોત્તમ જેહિ, તારાત્મ્યતાએ કરિકે તેહિ.

“પુરુષોત્તમ ભગવાન જેવા અક્ષરમાં રહે છે એવા પ્રકૃતિપુરુષમાં નથી અને એવા અવાન્તર મનુષ્ય, કીટ-પતંગ સુધી કોઈમાં નથી. બીજા પ્રધાનપુરુષ, મહત્તત્ત્વ, વિરાટનારાયણ બ્રહ્મા, મરિચ્યાદિક પ્રજાપતિ, કશ્યપ પ્રજાપતિ, ઇન્દ્રાદિક દેવતા, મનુષ્ય, પશુ-પક્ષી - બધામાં તારતમ્યતાએ કરીને છે, પણ જેવા અક્ષરમાં રહ્યા છે તેવા પુરુષ-પ્રકૃતિ આદિ અન્યમાં નથી રહ્યા. પોતે અંતર્યામી છે, યોગકળા ધરીને બધામાં કારણપણે કરીને જ્યાં જેમ ઘટે તેમ તે રીતે રહ્યા છે. એવું એમનું અગણિત સામર્થ્ય છે.”

‘સબમેં કારનપને કરીકે, અંતર્યામિ યોગ કલા ધરિકે.

રહેઉ જીહાં જેસે ઘટિતા, સામૃથ એસે રહે અગનીતા.’30

ગઢપુરમાં શ્રીહરિએ અક્ષરતત્ત્વની વાત કરતાં કહ્યું, “પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ છે તે અક્ષરના એક દેશમાંથી મહાપુરુષ ઊપજે છે, માટે જ્યારે અક્ષરની દૃષ્ટિએ કરીને જોઈએ છીએ ત્યારે મહાપુરુષ નજરમાં આવતો નથી એક અક્ષર જ દેખાય છે. અક્ષર વિના બીજું કાંઈ જણાતું નથી. એ અક્ષરથી પર અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન છે.”31

ગઢપુરમાં શ્રીહરિએ અક્ષરબ્રહ્મનો મહિમા કહેતાં કહ્યું, “અક્ષરના રોમ રોમ પ્રત્યે અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે ઊડે છે એવું પુરુષોત્તમ ભગવાનનું ધામ અક્ષર છે. એ અક્ષરધામમાં ભગવાન પુરુષોત્તમ સદાય દિવ્ય સાકારરૂપે બિરાજે છે. જે અક્ષરના પણ કારણ છે અને મૂર્તિમાન છે. એ ભગવાનના ધામરૂપ અક્ષરની મોટાઈ વર્ણવી શકાય તેમ નથી. જેમ મોટા હાથીના શરીર પર કીડી ચાલે તે તેની ગણતીમાં હોય નહીં. એમ અક્ષરની મોટાઈ આગળ કોઈ ગણતીમાં આવતું નથી. અક્ષરની મોટાઈ વર્ણવવામાં આવે નહીં. તો પુરુષોત્તમની મોટપ વર્ણવ્યામાં કેમ આવે?

“બધાનું કારણ અક્ષરબ્રહ્મ છે. એ અક્ષર પુરુષોત્તમનું ધામ છે ને કરચરણ યુક્ત મૂર્તિમાન છે. પણ અતિશય મોટપને લીધે અક્ષરનું રૂપ નજરમાં આવતું નથી. એ સૌથી મહાનમાં મહાન છે અને સૂક્ષ્મ પણ છે. તેના એક એક રોમમાં અસંખ્યાત બ્રહ્માંડ ઊડે છે, એવા અક્ષરનો પાર પમાતો નથી તો તેનાથી પર અતિ સમર્થ અને પ્રતાપી એવા મહારાજાધિરાજ ભગવાન પુરુષોત્તમ, જે અક્ષરધામમાં સદા વિરાજમાન છે તેમનો મહિમા કેમ વર્ણવી શકાય?”32•

ગઢપુરમાં શ્રીહરિ કહે, “અક્ષરની એટલી મોટાઈ છે કે તેની આગળ કોઈ ગણતરીમાં આવતું નથી. એટલે બધાથી પર અક્ષર રહ્યા છે.”33

ગઢપુરમાં શ્રીહરિ કહે, “પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, મૂળ પ્રકૃતિ, મહાપુરુષ - એ સર્વેનું કારણ અક્ષરબ્રહ્મ છે. એ અક્ષર પુરુષોત્તમનારાયણનું ધામ છે. તેની સંકોચ-વિકાસ અવસ્થા નથી, સદાય એકરૂપે રહે છે. એ જ અક્ષર મૂર્તિમાન પણ છે. પરંતુ અતિશય મોટા હોવાથી તેનું સ્વરૂપ કોઈની નજરમાં આવતું નથી.”34

ગઢપુરમાં શ્રીહરિએ વાત કરી, “અક્ષરધામ મૂર્તિમાન છે, તે બધાથી સૂક્ષ્મ પણ છે ને બધાથી મોટા પણ છે. તેમના એક એક રોમમાં અસંખ્ય બ્રહ્માંડો ઊડી રહ્યાં છે. તેમનો પાર કોઈ લઈ શકતું નથી. એવું મોટું જે અક્ષરધામ તેને વિષે પુરુષોત્તમ ભગવાન પોતે સદાય વિરાજમાન રહે છે.”35

ગઢપુરમાં શ્રીહરિએ સંતો-ભક્તોને ઉપાસના સંબંધી વાત કરતાં કહ્યું, “પ્રકૃતિપુરુષાદિક સર્વેનું કારણ અક્ષર છે, તે સર્વનો આધાર છે ને સર્વેના અંતર્યામી છે. પોતાની અંતર્યામી શક્તિએ કરીને એ અક્ષર સર્વેમાં વ્યાપીને રહ્યા છે. જે કારણ હોય, આધાર હોય, અને પ્રેરક હોય તે કાર્યથી જુદા ન હોય. એટલે શાસ્ત્રો અક્ષરબ્રહ્મને સર્વરૂપ કહે છે, પણ એ બ્રહ્મ ચરાચર જીવરૂપે થઈ ગયા એમ ન સમજવું. અને એ અક્ષરબ્રહ્મથી પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ પૃથક્ છે. એ તો અક્ષરબ્રહ્મના પણ કારણ છે, આધાર છે અને પ્રેરક છે. જીવાત્માએ એ અક્ષરબ્રહ્મ સાથે એકતા સાધીને પરબ્રહ્મની સ્વામી-સેવકભાવે ઉપાસના કરવી. જેને પરમપદ એવી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તેને આ બ્રહ્મજ્ઞાનનો નિર્વિઘ્ન અને શ્રેષ્ઠ માર્ગ છે.”36•

શ્રીહરિએ પંચાળામાં ઝીણાભાઈ નૃપના દરબારમાં વાત કરતાં કહ્યું, “અક્ષરબ્રહ્મના એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે ઊડે છે. એવા અક્ષરના પણ ઈશ સ્વામી પુરુષોત્તમનારાયણ છે.

“એ પુરુષોત્તમને બ્રહ્માંડની મોટપ શા લેખામાં? પોતે અહીં મનુષ્યાકૃતિ ધરીને વિચરે છે, પણ એવા ને એવા જ અક્ષરધામમાં રહ્યા છે. એટલે મનુષ્ય જેવા જણાય છે, પણ દિવ્ય છે. શ્રીહરિ અહીં જે રીતે રહે છે તે જ રીતે અક્ષરધામમાં વિરાજે છે. અને જેવા અક્ષરધામમાં વિરાજે તેવા જ અહીં વિચરે છે.”37•

ગઢડામાં ઉત્તમ નૃપના ભવનમાં શ્રીહરિએ સંતો-ભક્તોને અક્ષરબ્રહ્મ તથા સ્વસ્વરૂપની અદ્‌ભુત વાતો કરતાં કહ્યું, “સગુણ સ્વરૂપે જેટલા મોટા પદાર્થ કહેવાય છે તેનાથી પણ અતિશય મોટા અક્ષરબ્રહ્મ છે. એવા અક્ષરના એક એક રોમમાં અષ્ટાવરણે યુક્ત કોટિ કોટિ બ્રહ્માંડ અણુની પેઠે રહ્યાં છે. તે બ્રહ્માંડ તો એવડાં જ છે, નાનાં થતાં નથી, પણ અક્ષરની અતિશય મોટપ આગળ તે નાનાં દીસે છે. એ અક્ષર સૂર્યમંડળ જેવા છે. જેમ સૂર્ય ઊગે ત્યારે દશે દિશાનું જ્ઞાન થાય છે, તેમ અક્ષરધામની ફરતે ઉપર નીચે બધી દિશામાં બ્રહ્માંડોની કોટિયું અગણિત અપાર રહી છે. એ અક્ષરધામમાં પુરુષોત્તમ પરબ્રહ્મ નારાયણ સદા બિરાજમાન રહે છે. જ્યાં પુરુષોત્તમની મૂર્તિ રહે છે, ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે.”38

*

પરિશિષ્ટ

શ્રીહરિ કથિત પ્રસ્તુત વિષય પર ગ્રંથકારની ટિપ્પણી અને પુષ્ટિ:

ધર્મપિતાએ શ્રીહરિને શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો તેમાં શ્રીહરિએ વ્યાસ અને રામાનુજના ગ્રંથમાંથી જે સાર તારવ્યો તે આમ હતો, “પરમેશ્વર (પુરુષોત્તમનારાયણ) અક્ષરમાં રહે છે અને એ અક્ષર પરમેશ્વરમાં રહે છે. એ બન્ને ક્યારેય જુદા રહેતા નથી, અખંડના અખંડ સાથે જ સદાય રહે છે. માયા અનંત છે, પરંતુ અક્ષર પાસે તેનું લેશ પણ ઊપજતું નથી. જેની દૃષ્ટિ અક્ષરમાં પહોંચે છે તેને કોઈ વાત અગમ કે અપ્રાપ્ય રહેતી નથી. અક્ષરમાં સર્વ વાત રહી છે. અક્ષરના સુખ આગળ અનંતકોટિ બ્રહ્માંડનું સુખ લૂખું છે. એવું અપાર સુખ અક્ષરમાં રહેલું છે, જેનું વર્ણન થઈ શકે તેમ નથી.

“એ અક્ષરનું અનંતકોટિગણું સુખ પણ શ્રીહરિના એક અંગમાં સમાઈ જાય છે. એવું એ મૂર્તિનું સુખ અપાર છે એને કોઈક જ જાણી શકે છે.”39•

મુક્તમુનિએ કહ્યું, “અક્ષરબ્રહ્મ સત્યરૂપ, જ્ઞાનરૂપ ને અમાપ છે. પુરુષોત્તમનું ધામ છે. અનંત શક્તિના ધારક છે. તે પૂરણ બ્રહ્મ છે. શુદ્ધ, અખંડ ને અવિનાશી છે, તેનો પ્રકાશ અનંત છે. તે સદા એક અને અદ્વિતીય છે. જીવો, ઈશ્વરો ને માયા અક્ષરબ્રહ્મની પ્રસન્નતા ચાહે છે. અક્ષરબ્રહ્મનાં બે સ્વરૂપ છે - મૂર્ત અને અમૂર્ત. તે સર્વાધાર છે. સદા વિકાર રહિત છે. માયાના ગુણથી રહિત અલિપ્ત છે. નિત્ય અને અખંડિત સ્વરૂપ છે.”40

ભગવાન શ્રીહરિ અને તેમનું અક્ષરધામ - બન્ને માયા પરનાં તત્ત્વો છે, અમાયિક છે. જે અમાયિક છે તેનો નિશ્ચય અનુમાનથી ન થાય. શ્રીહરિએ કરુણા કરીને સમાધિ દ્વારા પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો, પોતાનું ધામ દેખાડ્યું, પોતાના પ્રતાપે કરીને સૌને માયાના બંધનથી રહિત સ્વતંત્ર કરી દીધા.

પ્રભુ પ્રતાપહિ બલ, હરિજન કે વૃંદ વૃંદ હિ,

ભયે સ્વચ્છંદ અચલ, જ્યૂઁ મહાભક્ત અનાદિ કે.41

ભાદરાથી ત્રણ હરિજન આવ્યા. વિપ્ર મૂળજી શર્મા, કણબી ડોસા ભક્ત, સુથાર વિશરામ ભક્ત - ત્રણે ભગવાનની મૂર્તિમાં લીન થયા. મૂળજી ભક્તે (ગુણાતીતાનંદ સ્વામીએ) હાલરની લકડી જેમ મૂર્તિને પકડી અંતરમાં ધારી લીધી, તે દેહ પર્યંત અંતરમાં ધારી. દેહક્રિયા બધી કરતા, પણ મૂર્તિમાં રહીને કરતા. તે અખંડ મૂર્તિમાં રહેતા. તાર તૂટવા દેતા નહિ.

દેહ પ્રજંત સો મૂર્તિ, રખિ નેંન કે માંહિ,

દેહ ક્રિયા કરત સબ, મૂર્તિ મેં અખંડ રહા હિ.42

વિષયનું બીજ રહે ત્યાં સુધી અધર્મવંશ ન જાય. કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, માન, મત્સર, અસૂયા, કપટ, છલ, દંભ, હિંસા, અભક્ષ્યનું ભક્ષણ, અપેયનું પાન, કેફી દ્રવ્યનું સેવન કરવાની રુચિ - આ બધો અધર્મવંશ છે, જે સંતમાં આ અધર્મવંશ ન હોય, તે ગુણાતીત કહેવાય છે. પ્રગટ શ્રીહરિ સાથે તેનો સંબંધ છે તે ગુણાતીત સંબંધ છે. શ્રીહરિના સંબંધે કરીને હરિભક્તો પણ ગુણાતીત કહેવાય છે.43•

બ્રહ્માંડો અનંતકોટિ છે, જે અક્ષરના એક એક રોમમાં અણુની જેમ રહ્યાં છે, તે ધામમાં અક્ષર જેવા (અક્ષરના સાધર્મ્યને પામેલા) અનંતકોટિ મુક્તો રહ્યા છે તે દાસ થઈને ભગવાન શ્રીહરિની સેવા કરી રહ્યા છે.

અક્ષર જેવી મોટપ કોઈની નથી, તેની મોટપની શક્તિની તુલના થઈ શકે નહિ. બદરિકાશ્રમ અને શ્વેતદ્વીપના મુક્તો અક્ષરનું સાધર્મ્ય પામવા કઠોર તપ કરે છે. શુક, સનકાદિક, શિવજી ને નારદ જેવા પણ આજ દિન સુધી તપ કરે છે, છતાં અક્ષર જેવી મોટપ તેમને મળી નથી.44

શ્રીહરિએ સંતોની પંક્તિમાં જલેબી અને મોતીચૂર પીરસ્યાં. જેમને લક્ષાવધિ મનુષ્ય ભગવાન કરી માને છે. તે શ્રીહરિને પંક્તિમાં પીરસવું કઠણ વાત લાગતી નથી. અતિશય મોટા અક્ષરબ્રહ્મ છે. અક્ષરના એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ અણુસમ દિસે છે. અષ્ટાવરણથી યુક્ત આ બ્રહ્માંડો તેવડાં ને તેવડાં જ રહે છે, નાનાં થઈ જતાં નથી, પરંતુ અક્ષરની એવી અતિશય મોટપ છે કે, બ્રહ્માંડો તેની પાસે અતિ સૂક્ષ્મ જણાય છે. એવા એ મોટા છે તેનાથી પર શ્રીહરિ છે.45