૪. આજ્ઞાપાલન
ઈંગોરાળામાં શ્રીહરિએ કહ્યું, “અમારા જનોએ મનમુખી ન થવું પણ આજ્ઞામાં રહેવું. મનમુખી થાય તે ભલે અનેક ધર્મ પાળે, કે મહાવૈરાગ્યવાળો હોય, કે મારું નામ લે, કે મારો મહિમા કહે, કે મને સંભારીને રોઈ જાય, શરીર સૂકવી નાખે, કે અહોનિશ ધ્યાન કરે કે કાવ્ય, કીર્તન કરે, તોપણ મારાથી વિમુખ છે.”1
મેમકામાં શ્રીહરિએ સંતોને વાત કરતાં કહ્યું, “નિયમમાં વર્તે તે માયાના પેચમાં ન આવે. તરવૈયો જળમાં બૂડે નહિ, પણ પ્રથમ તરતા શીખ્યો પછી તેને ભીતિ ટળે છે. શીખે નહિ ત્યાં સુધી મહા બળવાન મનુષ્ય પણ જળથી ડરે. સત્સંગનું પણ એવું છે.
“લૌકિક વિદ્યા અનેક પ્રકારની છે, તેમ બ્રહ્મવિદ્યા પણ અનેક પ્રકારે સત્સંગ થકી પ્રાપ્ત થાય છે. અંતર્દૃષ્ટિવાળાને તેની ગમ પડે છે. અંતર્દૃષ્ટિ વિના મોટા બુદ્ધિવાનને પણ બ્રહ્મવિદ્યા પરખાતી નથી.”2•
જીવાખાચરના દરબારમાં સંતોને ઉદ્દેશીને શ્રીહરિ કહે, “મનનું ધાર્યું કરે ત્યાં સુધી જીવપણું મટતું નથી. ઈશ્વરનું ધાર્યું કરે ત્યારે ઈશ્વર જેવા બને છે.”3
ગઢપુરમાં શ્રીહરિ જીવેન્દ્રને કહે, “ભગવાનનું ગમતું કરવાની રીત રાખવી. જગતના જીવો પોતાનું ધાર્યું કરવા ઇચ્છે છે. ત્યાગ, જપ, તપ, તીર્થ, વ્રત, યજ્ઞ, બ્રહ્મભોજન તથા નાનાં પ્રકારનાં દાન કરે પણ મનમુખી હોય તેનું કલ્યાણ થતું નથી એમ અમે માનીએ છીએ. સૂર્ય ઉદય થાય તો દીવા, મશાલની જરૂર રહેતી નથી. વરસાદ પડે ત્યારે કોશથી પાણી કાઢવાની જરૂર રહેતી નથી. વહાણમાં બેસે તેને તુંબડાં બાંધવાની જરૂર રહેતી નથી. તેમ ભગવાનનું ગમતું કરે તેને બીજાં સાધન આપોઆપ થઈ જાય છે.”4
જેતપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “મનમુખી વર્તન કરે છે તે બેહાલ થાય છે. જેને સત્સંગ રાખવો હોય તેણે લગારેય પણ મનમુખી ન થવું. નટ જેમ દોર પર નજર બાંધે છે, તેમ આજ્ઞારૂપી દોર પર નજર રાખીને જે ચાલે તેની જીત થાય છે. ભૂલથી પણ વચન ભંગ કરે છે તેની ફજેતી થાય છે. વળી, હરિભક્તને પાપ ન હોય તેમ કહો છો, પણ અમે એને જ હરિભક્ત જાણીએ છીએ કે જે અમારાં વચન પાળે, ગમતામાં વર્તે, નાની-મોટી આજ્ઞાઓમાં વિશ્વાસ કરે. સત્સંગ રાખવો તેણે મનમુખી વર્તવું નહીં, વચન તજીને ચાલવું નહિ. વચન પ્રમાણે ચાલે નહિ, તેને હરિભક્ત કહેવાય નહિ.”5
માંગરોળમાં અન્નકૂટોત્સવ પછી શ્રીહરિ કહે, “અમારાં જે જે વચન છે તેમાં પ્રતીતિ લાવીને તે પ્રમાણે વર્તશે તેનો અમે મોક્ષ કરીશું. અમારાં ચરિત્ર જે સાંભળશે, તેને અમે અતિ સુખિયા કરીશું. અમારાં વચન એ અમે જ છીએ એમ જરૂર જાણજો. અમારાં વચન ન માને અને રાત-દિવસ અમારી પાસે રહી સેવા કરે, તેને અમે દૂર માનીએ છીએ. આ અમારો પાકો મત છે. અમારાં વચન અમારા કરતાં પણ મુખ્ય અમે માનીએ છીએ. વચનમાં અમારો અખંડ વાસ છે.”6•
શ્રીનગરમાં શ્રીહરિ કહે, “સત્સંગીમાત્રે વચનરૂપી નિયમમાં રહીને ધર્મ પાળવો. નિયમમાં રહ્યા વિના ધર્મ પળાય નહિ. વચનમાં વર્તવું તે તપોવન કરતાં પણ શ્રેષ્ઠ છે.”7
ભૂજમાં શ્રીહરિએ હિંડોળામાં બેસીને વાત કરતાં કહ્યું, “ભગવાનનાં વચનમાં વર્તવાનું તાન રાખવું, એ અલૌકિક રીત કહેવાય. મનના કહ્યા પ્રમાણે ચાલે તો સિદ્ધ હોય તોપણ અસિદ્ધ થઈ જાય છે. વચનમાં વર્તે તે સિદ્ધનો પણ સિદ્ધ છે. ભગવાન પરોક્ષ થઈ ગયા તેમ જાણતો હોય તેને ભગવાનનાં વચન પ્રગટ માની તેમાં વર્તવું.”8
ગઢપુરમાં શ્રીહરિ કહે, “અમે કહીએ તે મુજબ સેવા કરે અને તેમાં ક્યારેય ન મૂંઝાય તેને અમે સેવામાં રાખીએ છીએ. મનનું ધાર્યું કરે તેવા સંતો, વર્ણી અને પાળાને અમે તજી દઈએ છીએ. ભવ, બ્રહ્મા, નારદ વગેરે મનગમતા માર્ગમાં ચાલ્યા તો તેઓ ફજેત થયા છે.”9
લોજમાં મુક્તમુનિ બ્રહ્મમુનિ પાસે ગાન કરાવી શ્રીહરિએ કહ્યું, “સાધનવાળો ભગવાનનાં ચરિત્રમાં અપાર દોષ પરઠે છે. સાધને કરીને પોતાનો મોક્ષ માને તેને અમારાં વચન માન્યામાં આવતાં નથી. માટે અમારાં વચન પ્રમાણે જ વર્તવું. અમારાં વચનમાં અનંત સાધન રહેલાં છે, એમ અમારા નિશ્ચયવાળા ગૃહી-ત્યાગી અનુયાયીઓએ જાણવું.”
‘હમારે વચન એક હિ તામે, સાધન અનંત જાનના વામે.
પ્રથમ હમારો નિશ્ચય જાકું, એસે ત્યાગિ રૂ ગૃહિ વાકું.’10
ભુજમાં શ્રીહરિ કહે, “અમારાં જે વચન છે તેને અમૃત જેવાં માનવાં. તેને જે વિષ માને છે તેને વિષનું ફળ મળે છે. અમારાં વચન સુખદાયી છે.”11
ગઢપુરમાં શ્રીહરિની કહેલી વાત મુક્તમુનિએ કહી, “શ્રીહરિ કહે - પરબ્રહ્મના ઉપાસકોને બ્રહ્મ કહીને માને, ગુરુનાં વચન માથે ચઢાવે અને તે મુજબ વચનમાં વર્તે, સંતો સંતોના નિયમમાં, અને ગૃહસ્થો ગૃહસ્થોના નિયમમાં વર્તે તો તેને માયા પણ વિઘ્ન કરી શકતી નથી. કારણ કે માયા ભગવાનને આધીન છે. જે મનના કહ્યામાં વર્તે છે તેને માયા ગળી જાય છે. સત્સંગમાં તેનો પગ ટકતો નથી અને અંતે વિમુખ થઈ લખચોરાશી ભટકે છે. સંતનો, હરિજનનો કે અમારો અભાવ કોઈ સંત-હરિજન રતીભાર પણ લે તો તે દિવસે દિવસે ક્ષયના રોગીની પેઠે ઘટતો જાય છે.”12
જેતલપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “અમારો સાધુ જો નારી સન્મુખ જુએ તો તેને અમે લબાડ માનીએ છીએ. અમારા સાધુ થઈ જે સ્ત્રીઓ સન્મુખ બેસે ને કોઈ પણ રીતે સ્ત્રીઓનો પ્રસંગ રાખે તેની મતિ વિપરીત થઈ જાણવી. અમારા વચનનું ઉલ્લંઘન કરી વર્તે તેની મહોબત અમે રાખતા નથી. સંત, વર્ણી કે પરમહંસ, પછી જે પણ નિયમ ભંગ કરે તેને સત્સંગથી બહાર કરીએ છીએ. ભલે ગમે તેવો તે ગુણવાન હોય તોપણ આ રીત રાખી છે, કારણ કે જીવ ગયા પછી કાયા શી કામની? એવાની લેશ પણ મહોબત રાખતા નથી.
“બાઈ-ભાઈ સર્વ હરિભક્તોના નિયમોની પણ રીત બાંધી છે. એ તજીને પોતાની રીતે ચાલે તે ગુનેગાર છે. સ્ત્રીઓનો સત્સંગ તો વિવેક વિનાનો જ હોય છે. માન દઈ બોલાવે તેને તે આધીન થાય છે, અપમાન કરે તેને કલંક લગાડે છે. સીતા જેવી કોઈ સતી સ્ત્રી થઈ નથી તેણે પણ લક્ષ્મણને વણવિચાર્યું કહ્યું, તો બીજી સ્ત્રીઓની તો શી વાત કરવી! તેનાથી દૂર રહે તે જ બચે છે.”13•
હળવદમાં નારાયણજી વિપ્રના ભવનમાં શ્રીહરિ કહે, “નિયમ વિનાની વાત લખ્યા વિનાના કાગળ જેવી છે. નિયમ વિના જ્ઞાન-ભક્તિ વગેરે શુભ ગુણો ટકતા નથી.”14
શ્રીહરિએ પત્રમાં લખાવ્યું કે, “સત્સંગમાં નિયમરૂપી કોટ અમે બાંધ્યો છે અને કળિને પ્રવેશવાનાં નાનાં-મોટાં દ્વાર અમે બંધ કરાવ્યાં છે. તે કોટમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી કળિનું કાંઈ ચાલતું નથી. ચોર લોકો ગાફલને લૂંટે છે. સાવધાન માણસોમાં તે ફાવી શકતા નથી. અમારા નિયમો છે તે ચોકી અને પહેરેદાર છે. તેમાં કળિ ક્યારેય પ્રવેશ કરી શકતો નથી. છતાં સત્સંગમાં અનેક રૂપ ધારી પ્રવેશ કરવા તે ઇચ્છે છે. તેથી અમે નિયમ ફેરવતા રહીએ છીએ, તોપણ કળિનો વિશ્વાસ કરવો નહિ. કર્મયોગી તથા સાંખ્યયોગી સત્સંગી બાઈઓએ પોતાના સગાભાઈ સાથે પણ એકાકી ચાલવું નહિ. એકાંતમાં કળિનો વાસ રહેલો છે.
“જુગાર, મદ્ય, માંસ તથા કામ-ક્રોધાદિક અધર્મ સર્ગમાં કળિનો નિવાસ છે. પુરુષોએ પણ હરિભક્ત બાઈઓની સામે જોવું નહિ. નેત્ર, સ્પર્શ અને શ્રોત્ર દ્વારા અંતરમાં કળિનો પ્રવેશ થાય છે. કળિનો પ્રવેશ થતાં ન કરવા યોગ્ય બધું જ થાય છે. માટે અતિ પવિત્ર મોક્ષભૂમિ અને કર્મભૂમિ રૂપ ભરતખંડમાં જન્મ પામીને ધર્મ-નિયમમાં સાવધાન રહેવું.”15
વડતાલમાં દીપોત્સવે શ્રીહરિ કહે, “અમારાં વચને કરીને જે નિયમ રાખે છે તેવાં મોટાં ભાગ્ય બીજા કોઈનાં નથી.”16
વડતાલમાં રાયણ નીચે સંતોને શ્રીહરિ કહે, “બંધન અને નિર્બંધ સમર્થનાં વચનમાં છે. સમર્થનાં વચનમાં રહે તેને બંધન થાય નહિ. નાના-મોટા ઈશ્વરના નિયમોને અમે વેદરૂપ માનીએ છીએ. એ મર્યાદા પ્રમાણે વર્તે તેને બંધન થતું નથી.”17
મેઉ ગામમાં ભૂખણ ભાવસારના ભવનમાં શ્રીહરિએ પુરજનોને વાત કરતાં કહ્યું, “અમારાં વચનમાં જે વર્તે છે તે બુદ્ધિશાળી છે. અમારો થઈને અમારાં વચનથી જે જન બહાર ચાલે છે તેની ચાહે તેટલી મોટપ હોય પણ તે રહેતી નથી. અમારાં વચનમાં વર્તવું તે સમાન કોઈ મોટાઈ નથી. વચનમાં દુઃખ માને તે ક્યારેય સુખી થતો નથી.”18
લાંઘણોજમાં શ્રીહરિ કહે, “જેમાં નિયમ હોય તે માર્ગ અત્યારે કઠણ લાગે છે પણ તેમાં મોક્ષ રહેલો છે.”19
ગઢપુરમાં શ્રીહરિએ કહ્યું, “ભગવાન પ્રસન્ન થાય અને તેમની મરજી હોય તેમ ચાલે તેમાં સહેજે ભગવાનના ગુણ આવે છે. ભગવાનની મરજીમાં ચાલવું તે સર્વ શાસ્ત્રોનો સાર છે. ભગવાનની મરજી ન પાળતો હોય અને બીજી અપાર વાતો કરે તે વૃથા છે. મરજી ન પાળે અને સુવર્ણ, ગજ, વાજિ, વાહન, અન્ન, વસ્ત્ર, વગેરેનું વિપ્રોને અપાર દાન કરે અને ફાવે તેવાં કર્મ કરે તોપણ તેનું ફળ મળતું નથી.”20
શ્રીહરિએ ગઢપુરમાં હરિજનોને વાત કરતાં કહ્યું, “કોઈ વાતનો જેને નિયમ ન હોય અને તેના થકી જેણે મોક્ષ માન્યો હોય તેને અમે ગધેડો કહીએ છીએ. ધર્મ રહિત થઈને ભગવાનની મૂર્તિ પૂજે તેને તો બ્રહ્માંડ હણ્યાનું પાપ લાગે છે.” એમ કહી ઉન્મત્તગંગામાં સ્નાન કરી જીવાખાચરને ત્યાં પધાર્યા.21
શ્રીહરિએ ગઢપુરમાં હરિજનોને વાત કરતાં કહ્યું, “હરિજન થઈને હરિજનની દુઃખમાં સહાય ન કરે તો ચાહે તેવો સમર્થ હોય તોપણ અસુર થઈ જાય છે. હરિજનને દુઃખમાં સહાય કરે તે દૈવી છે. સાધનમાત્રથી આ વાત અધિક જાણવી. અને બધાથી પર મોટપ આ જ કહી છે, અને સત્સંગનું મૂળ પણ આને જ જાણવું. હરિજનને સહાય ન કરે તે હરિજનનું મૂળ રહેતું નથી. કોટિકલ્પ સુધી ધ્યાન કરે, સમાધિ કરે, જ્ઞાન શીખે પણ હરિજનના દુઃખમાં સહાય ન થાય તો તેનું સઘળું કરેલું વૃથા છે. અમે દેશ-દેશમાં શિખરબદ્ધ મંદિર કરવાનું ધાર્યું છે. ઈશ્વર ઇચ્છા હશે તેમ થશે. શુભ સંકલ્પ કર્યો છે તો ઈશ્વર મદદ કરશે. મંદિર કરીને હરિજનોની સેવા કરવાનો અવકાશ ન મળે તો અમે મૂંઝાઈએ છીએ.” આ સાંભળી સર્વે હરિજન પ્રસન્ન થયા અને શ્રીહરિની કહેલી વાત નિશ્ચય કરીને માની.22
અમદાવાદમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “અમારા આશ્રિત જે ત્યાગી, ગૃહી છે તે જ્યાં સુધી ધર્મમાં ચાલે ત્યાં સુધી અમે તેમને અમારા માનીએ છીએ.”23
સારંગપુરમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, “ધર્મ વિનાની ભક્તિ તે વિધવાભક્તિ છે. સૂકું વૃક્ષ ફળ આપે તો વિધવા-ભક્તિથી ફળ થાય. હરિભક્તની ભક્તિ ધર્મ સહિત છે. માટે તેમાંથી અક્ષરધામરૂપી ફળ મળે છે.”24
બોટાદમાં માત્રા ધાધલની વાડીએ સંતોને ઉપદેશ આપતાં શ્રીહરિએ કહ્યું, “દશ, વીશ કે ત્રીસ વર્ષથી જે સંત થયા હોય તેમનો તેથી ઓછા વર્ષના સંતોએ નિષ્કપટ ભાવે શિષ્યભાવ રાખવો એ વિવેક કહેવાય. એક એકથી મોટા સંત હોય તેની સેવામાં નાના સંતો મતિ રાખે તેને વિવેકી જાણવા. માર્ગે ચાલે ત્યારે નાનો મોટાની અદબ ન રાખે ને ગાડામાં છકટો થઈને બેસીને જાય ને મોટા સંત ચાલતા આવે તે વિવેક ન કહેવાય. મોટા હોય તે કહ્યા વિના ગાડે ન બેસે તે વિવેક છે. અમારાં વચનમાં જે અધિક સુખ માને તે દેખાઈ આવે છે ને મનમુખીને પણ દેખીએ છીએ.”25
સુરતમાં શ્રીહરિએ હરિભક્તો પ્રત્યે વાત કરતાં કહ્યું, “અમારાં વચન વજ્રના કોટ સમાન છે. અમારાં વચનથી અક્ષરધામ જુદું નથી. અમારાં વચનમાં રહે તેને વિઘ્ન આવતાં નથી.”26
સુરતમાં નાના શેઠને શ્રીહરિ કહે, “નિયમરૂપી કોટમાં રહે તેનો જ વિષયથી પરાભવ થાય નહિ. ભગવાનની કથા-વાર્તા, કીર્તન જેને અમૃતરસ જેવાં લાગે અને તેનો સાંભળવામાં જેટલી રુચિ વર્તે તેટલો તેનો વિષયથી પરાભવ ન થાય, અને વિષયની રુચિ પણ ટળી જાય.”27